Source : BBC NEWS
16મી જાન્યુઆરી, ગુરુવારે સવારના લગભગ સાડા નવ વાગ્યા એટલે બેટ-દ્વારકામાં આવેલ દ્વારકાધીશ મુખ્ય મંદિરમાં ભાવિકોની કતારો લાગવા માંડી. આજુબાજુની દુકાનોમાંથી લોકોને તેમના મોબાઇલ ફોન મંદિરમાં લઇ જવાની છૂટ ન હોવાની સાઉન્ડ બાઇટ સ્પીકરમાં વાગી રહી હતી અને લોકોને તેમના મોબાઇલ આ દુકાનોમાંના લૉકરમાં પાંચ રૂપિયા આપી જમા કરાવવા કહેવામાં આવી રહ્યું હતું.
મંદિરના મુખ્ય દ્વાર નજીક આવેલ બેટ-દ્વારકા પોલીસ સ્ટેશનમાં પણ ગતિવિધિ વધવા માંડી હતી. એક પોલીસ અધિકારી માઇક લઈને કંઇક સૂચના આપી રહ્યા હતા અને સંખ્યાબંધ પોલીસકર્મચારીઓને કતારમાં ગોઠવી રહ્યા હતા.
થોડા સમય બાદ આ કવાયત પૂર્ણ થઇ જોકે યાત્રાળુઓની સંખ્યા તો વધતી જ રહી. બેટ-દ્વારકા ટાપુને ગુજરાતની મુખ્ય ભૂમિ સાથે જોડતો સુદર્શન સેતુ નામનો બ્રીજ 11 જાન્યુઆરી 2025ના રોજ બહારના લોકો અને યાત્રાળુ માટે બંધ કરી દેવામાં આવ્યો અને ત્રણ દિવસ સુધી તેને બંધ રાખવામાં આવ્યો હતો.
આ કવાયત એટલા માટે કરવામાં આવી હતી કે યાત્રાસ્થળ દ્વારકાથી 34 કિલોમીટર દૂર આવેલા બેટ-દ્વારકામાં સરકારે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી છે. જેમાં સરકારના કહેવા પ્રમાણે અનેક ગેરકાયદે મકાનો, બાંધકામો અને ધાર્મિકસ્થળોને ધરાશાયી કરી દેવાયાં છે.
બેટ-દ્વારકા એક ટાપુ છે અને ગુજરાતના દક્ષિણ-પશ્ચિમ છેડે આવેલું યાત્રાસ્થળ પણ છે. અહીં જવા માટે પહેલાં બ્રીજ ન હતો અને લોકો બોટમાં બેસીને ત્યાં પહોંચતા હતાં. જોકે, હવે સરકારે બ્રીજ બનાવ્યો છે જે અહીં જવા માટેનો એક માત્ર રસ્તો છે.
ડિમોલિશન બાદ આખો વિસ્તાર કાટમાળમાં ફેરવાઈ ગયો
બ્રીજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે ગુરુવારે પણ દિવસ થોડો ચડ્યો એટલે બેટ-દ્વારકા ટાપુની ગલીઓ અને શેરીઓના નાકે નાકે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત નજરે ચડતો હતો. ટાપુના ભીમસર વિસ્તારમાં ડિમોલિશન ડ્રાઇવ ચાલુ હોવાથી તે વિસ્તારમાં પોલીસે બહારના લોકોની અવરજવર પર નિયંત્રણો લાદ્યાં હતાં. પરંતુ અન્ય વિસ્તારોમાં લોકો પર આવાં નિયંત્રણો ન હતાં.
બાલાપરના રણ વિસ્તારમાં મફતિયા પ્લૉટ તરીકે ઓળખાતા વિસ્તારમાં 10 જાન્યુઆરી સુધી 200થી વધારે કાચાં-પાકાં મકાનો, પાકા સિમેન્ટ કોંક્રિટના આંતરિક રોડ, બે આંગણવાડીઓ અને પાંચસોથી પણ વધારે વિદ્યાર્થીઓ ધરાવતી એક સરકારી પ્રાથમિક શાળા ધરાવતો એક વિસ્તાર હતો.
જોકે, સરકારે આ વિસ્તારના મકાનોને “ગૌચર જમીન પર બાંધવામાં આવેલ ગેરકાયદેસરના બાંધકામ” જાહેર કરી તેમને બુલડોઝર અને અન્ય મશીનોથી તોડી પાડવાનું ચાલું કર્યું. ગુરુવાર સુધીમાં આ વિસ્તાર કોઈ ચૂનાના પથ્થરની ખાણ બહાર પડેલ સેકન્ડ-હેન્ડ પથ્થરના ઢગલા જેવા લાગતા કાટમાળમાં ફેરવાઈ ગયો હતો.
2002માં બંધાયેલ શાળા અને બે આંગણવાડીઓ જ આ વિસ્તારમાં ઊભાં રહેલાં મકાનો છે. વીજળીના થાંભલા અને તાર બચી ગયા છે, પરંતુ આ સિવાય તમામ મકાનો તોડી પાડવામાં આવ્યાં છે.
જેમનાં મકાનો તોડી પડાયાં એ પરિવારો શું કહે છે?
ગુરુવારે બીબીસી ગુજરાતીની ટીમ જ્યારે બેટ-દ્વારકાના આ વિસ્તારમાં પહોંચી ત્યારે લોકો મકાનોના કાટમાળમાંથી ઇંધણાં, તૂટી ગયેલી પાણીની ટાંકીઓના ટુકડા, છત તૂટી પડતા તેમાંથી નીકળેલ સળિયા વગેરે વીણતા હતા. પોતાના મકાનના કાટમાળ નજીક ગાંડા બાવળના ઓથે એક ખાટલામાં બેઠેલા 69 વર્ષના ઇસ્માઇલભાઈ રેંકડીવાળા તેમની જગ્યા છોડવાની વાતને માનવા તૈયાર નથી. ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન ઇસ્માઇલભાઈ, તેમના દીકરા ઇસા અને દીકરી ઝરીનાનાં મકાન તોડી પડાયાં હતાં.
તેઓ કહે છે, “આપણી સમજ થોડી છે કે પ્લૉટ ખરીદવો પડે, આપણે માલદાર થોડા છીએ? મારા ત્રણ પરિવારનાં મકાન તૂટી ગયાં. અહીં બેઠો રહું તો પ્રેશર તો વધ્યા કરે પણ સમાન મૂકીને જવું ક્યાં? હવે મારી જિંદગી કેટલી? મારા છોકરાનું ભવિષ્ય સુધરે તેવી ઇચ્છા છે. આટલી ઉંમરમાં ક્યારેય હાથ ફેલાવ્યો નથી પણ આજે સરકારે મારો આશરો ઝૂંટવી લીધો, હવે મને આશરો કોણ આપશે? આટલી વાત કરતાં વૃદ્ધ ઇસ્માઇલભાઈની આંખમાં આસું આવી જાય છે.
ઇસ્માઇલભાઈ જયારે સુદર્શન સેતુ નહોતો બન્યો ત્યારે વૃદ્ધ અને અશક્ત યાત્રાળુઓને તેમની રેંકડીમાં બેસાડી જેટી પરથી મંદિરે લઇ જઈ દર્શન કરાવતા હતાં. તેમના બે દીકરા માછીમાર છે.
નજીકમાં જ અઝીઝાબહેન અંગારીયા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવમા ધોરણના વિદ્યાર્થીઓ માટે પ્રકાશિત કરેલ બે પાઠ્યપુસ્તકોને તેમની છાતીએ ચાંપીને તેમના મકાનના કાટમાળમાં કોઈ ખોવાયેલ વ્યક્તિની જેમ આંટા મારી રહ્યાં હતાં.
ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન તેમનું બે રૂમ અને એક રસોડાવાળું પાકું મકાન અને એક કાચું મકાન તોડી પાડવામાં આવ્યાં હતાં. તેમાંથી એકમાં તેનો માછીમાર દીકરો અને પત્ની તેમનાં બાળકો સાથે રહેતાં હતાં જયારે બીજા રૂમમાં તેમની દીકરી તેના પરિવાર સાથે રહેતી હતી. અઝીઝાબહેન અને તેમના પતિ જુસબ કાચા મકાનમાં રહેતાં હતાં અને માછીમારીની જાળ બનાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
અઝીઝાબહેને બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, “મારી દીકરીનું આ વિસ્તારમાં મકાન હતું. પરંતુ 2022 સરકારે તેને ગેરકાયદેસર જાહેર કરી પાડી દીધું. એટલે તે તેનાં બે બાળકોને લઈને અમારી સાથે રહેવા આવી. પણ હવે અમારું મકાન પણ પાડી દીધું. હવે અમે ક્યાં જઈએ?”
તેઓ કહે છે, “અમે સરકારી જમીન પર મકાન ચણ્યું હતું. પરંતુ જો તે ગેરકાયદેસર હતું તો અમને વીજળી-પાણી શા માટે આપ્યાં? અમે વેરો પણ ભરતાં હતાં. ઘરમાં પાંચ નાનાં બાળકો છે. મેં મામલતદાર સાહેબને કહ્યું કે એક કાચું ભમ્મભૂડાં (છતમાં વપરાતા વાંસ)વાળું મકાન રહેવા દો. તો તેમણે હાથ જોડીને કહ્યું કે બહેન એક મૂકી દઈશું તો બીજાનાંય મૂકવાં પડશે,”
અઝીઝાબહેને રડતાં-રડતાં કહ્યું, “સરકાર માઇ-બાપ છે. જમીન તેની હતી તે લઇ ગઈ પણ અમને રહેવાની કંઈ સહાય કરી દે.”
રાજ્ય સરકારે બે વર્ષ પહેલાં અહીં બેટ-દ્વારકામાં 2022ના ઑક્ટોબર મહિનામાં એક મોટી ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરી સુદર્શન સેતુના પૂર્વ છેડે આવેલ પાજ અને અભિયામાતા વિસ્તારમાં કેટલાંય મકાનોને સરકારી જમીન પર દબાણ કરીને ગેરકાયદે બનાવ્યાં હોવાનું કહીને તોડી પાડ્યાં હતાં.
દ્વારકાના નાયબ કલેક્ટર અમોલ આવતે કહ્યું, “અમે લોકોને નોટિસ આપી જે અનઅધિકૃત મકાનો હતાં તે ખાલી કરવા અને અન્ય સલામતસ્થળે ખસી જવા પૂરતો સમય આપ્યો હતો. ઉપરાંત અસગ્રસ્ત લોકો માટે અમે પાંચ દિવસ સુધી ભોજન સહિતની વ્યવસ્થા પૂરી પાડી હતી. કાયદેસરનાં મકાન તોડી પાડયાં તેવા દાવા તથ્યવિહોણા છે.”
સરકારે જ પ્લોટ ફાળવ્યા હતા અને કોરિડોર માટે મકાનો ધરાશાયી કરી દેવાયાં?
કેટલાક અસરગ્રસ્તોએ સરકારે રહેણાંક પ્લોટની ફાળવણીની સનદો બતાવતા આક્ષેપ કર્યા કે 1982માં સરકારે જે પ્લોટ ફાળવ્યા હતા તેની પર બાંધેલ મકાન પણ તોડી પાડયાં છે.
બેટ-દ્વારકાના પૂર્વ સરપંચ હેમભા વાઢેરે જણાવ્યું કે 40થી વધારે લોકોને બાલાપારમાં રહેણાંક મકાન હેતુના પ્લૉટ સરકારે 1982માં ફાળવ્યા હતા.
તેઓ કહે છે “હું જ્યારે તાલુકા પંચાયતનો સભ્ય હતો ત્યારે મેં જ પ્લોટ ફાળવેલ. પણ તેમાં આડાઅવળાં બાંધકામ થયાં છે. તે આ લોકો (સરકારી અધિકારીઓ)ની નજરમાં આવ્યું. ઇંદિરા આવાસવાળા કાયદેસરનાં હતાં પણ કંઈક આડુંઅવળું કર્યું તેથી તેનેય પાડી દીધાં”
જોકે, દ્વારકાના નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી અમોલ આવતે આવા દવાનું ખંડન કર્યું. તેઓ કહે છે, “કાયદેસરનાં મકાન તોડી પાડયાં તેવા દાવા તથ્યવિહોણા છે. અમે કાયદેસરનાં તેમ જ ધાર્મિક બાંધકામો જેના ડિમોલિશન સામે માનનીય ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપ્યો છે તેને અડક્યાં નથી.”
“પરંતુ કેટલાંક મકાનો જે સરકારે ફાળવેલ પ્લૉટ પર બાંધવામાં આવ્યાં હતાં તે જરૂરી પરવાનગી વગર અને નજીકની જમીનો પર પણ બંધાયેલા હોય નિયમ મુજબ તોડી પાડયાં છે.”
હાલ બેટ-દ્વારકામાં કોરિડોર બનાવવાની યોજના પણ ચાલી રહી છે અને આ કોરિડોરને કારણે પણ અહીં આ ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હોવાનું કહેવામાં આવે છે.
આ મામલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કહ્યું કે દ્વારકાનો કોરિડોર બનાવાનો છે, તેના માટે નક્શા બનાવવાનું કામ ચાલુ છે. એક વખત નક્શા બન્યા હતા પણ એ બરાબર ન હતા એટલે ફરીથી એને બનાવવામાં આવી રહ્યા છે.
લોકોનાં મકાનો તોડી નાખવા બાબતે તેમણે કહ્યું, “કોરિડોર બનવા માટે વિકાસ થતો હોય અને બેટ નાનું ગામ છે. અહીં આવતા લોકો માટે સુવિધાઓ ઊભી કરવી પડશે, રસ્તાઓ જોઈશે. આપણી જમીન છે જ નહીં અને કોઈને પૂછ્યા વિના જો આપણે આવી જમીન પર મકાન બનાવીએ તો વિકાસનાં કામો માટે એને ધરાશાયી કરી દેવાતાં હોય.”
‘પહેલાં બ્રીજને કારણે રોજગારી ગઈ, હવે મકાન તોડી પડાયું’
બેટ-દ્વારકા ચારે તરફ દરિયાથી ઘેરાયેલો એક નાનો ટાપુ છે અને અહીં પહેલાં ફેરી બોટ દ્વારા લોકો પહોંચતા હતા. પરંતુ 24 ફેબ્રુઆરી 2024માં અહીં ‘સુદર્શન સેતુ’ નામના બ્રીજને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મૂક્યો હતો. જે બાદ હવે અહીં સીધું જ વાહનો લઈને પહોંચી શકાય છે.
એકસઠ વર્ષના યાકુબભાઈ ચંગડા દાવો કરે છે કે તેમણે બાર-તેર વર્ષ અગાઉ મફતિયા પ્લોટમાં મકાન ચણ્યું હતું.
યાકુબભાઇ મુસાફરો માટે ઓખાથી બેટ-દ્વારકા વચ્ચે દરિયામાં હોડી (ફેરી બોટ )ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ સુદર્શન સેતુ બનતા હવે ફેરી બોટ ચલાવવાનો વ્યવસાય ભાંગી પડ્યો છે.
તેઓ કહે છે, “ફેરી બોટ બંધ થતાં અમારી રોજગારી છીનવાઈ ગઈ અને હવે અમારું મકાન તૂટી ગયું. અમે ભણેલા નથી એટલે કાંઈ રજૂઆત ન કરી શક્યા. પણ મને મારાં સંતાનોની ચિંતા છે.”
રડતાં-રડતાં તેઓ કહે છે, “મારા દીકરાને નાનાં બાળકો છે, સરકારે અમારાં બાળકો માટે કરોડો રૂપિયાની નિશાળ બનાવી હતી, આંગણવાડી પણ બનાવી હતી. હવે તે શું કામનું? બુલડોઝર તો અહીં છે જ અને ગજિયાં (બાંધકામમાં વપરાતા ચૂનાના પથ્થર) અહીં પડ્યા છે. બુલડોઝરથી ખાડો ખોદી પછી અમારા પર આ ગજિયાં નાખી અમને દફન કરી દો.”
સકીનાબહેન તેમની દીકરી અને જમાઈ અય્યુબ સુંભણીયા સાથે બાલાપર નજીક આવેલ ગુરુદ્વારા સામે એક વંડા નજીક પોતાની ઘરવખરી લઈને રોડના કાંઠે બેઠાં હતાં. ચાલીસ વર્ષીય અય્યુબભાઈનાં ચાર સંતાનોમાંથી એક શાળાએ જાય છે.
તેઓ કહે છે, “મારા મકાનનો કોઈ (દસ્તાવેજી) આધાર-પુરાવો નહોતો. પણ અમે વર્ષોથી તેમાં રહેતાં હતાં. અમારું મકાન તોડી નાખ્યું એ બાદ અમે સંબંધીને ત્યાં રાત્રે ઊંઘવા માટે જઈએ છીએ. હવે મીઠાપુરમાં એક મકાન ભાડે રાખ્યું છે અને સામાન ત્યાં મૂકવા જવાનો છે.
સકીનાબેન દાવો કરે છે કે તેમનું મકાન ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા તે વખત એટલે કે છેક 1980ના દાયકાથી હતું. “અમે ક્યાંય જવાના નથી. સરકાર કંઇક વ્યવસ્થા કરી દેશે.”
કોઈ એક જ સમાજને આ ડિમોલિશન ડ્રાઇવમાં અન્યાય થયા મામલે જવાબ આપતાં ધારાસભ્ય પબુભા માણેકે કહ્યું કે જ્યારે વિકાસનાં કામો થતાં હોય અને કોઈએ રોડની પાસે મકાન બનાવ્યું હોય અને રોડનું કામ આવે તો એ કહે છે કે અન્યાય થાય છે.
દ્વારકાના નાયબ કલેક્ટરે કહ્યું, “આ ડિમોલિશન ડ્રાઇવ કોઈ એક સમાજના લોકોને લક્ષ્ય બનાવી કરવામાં આવી રહી નથી. અન્ય સમાજનાં પણ લગભગ વીસેક મકાનો અને બાંધકામો આ ડિમોલિશન ડ્રાઇવ દરમિયાન તોડી પડાયાં છે.”
આ આખા ઑપરેશન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ચલાવાતી બાલાપર(બેટ) પ્રાથમિક શાળા એક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી.
બીબીસીએ ગુરુવારે મુલાકાતી કરી ત્યારે પણ કેટલાય પોલીસ કર્મચારીઓ આ શાળાના ત્રણ માળના ભવનની અગાસી પરથી બાલાપરના વિસ્તાર પર નજર રાખી રહ્યા હતા.
અમે જોયું કે એક રૂમમાં કેટલાક શિક્ષકો ફોન પર વાત કરી કોઈને મનાવવાની કોશિશ કરી રહ્યા હતા.
હકીકતમાં, આ શાળામાં બાળકો આવતા નથી તેથી આ શિક્ષકો ફોન કરીને વાલીઓને તેમનાં બાળકોને સ્કૂલે મોકલવા માટે અપીલ કરી રહ્યા છે.
શાળાના આચાર્ય દીપક ખુમસુરીયાએ બીબીસીને જણાવ્યું, “અમારી શાળામાં 274 છોકરા અને 263 છોકરી મળીને કુલ 537ની સંખ્યા છે. સામાન્ય દિવસોમાં 80 ટકા હાજરી નોંધાય છે. પરંતુ 11 જાન્યુઆરીએ માત્ર 17 બાળકો શાળાએ આવ્યાં. ત્યાર પછીના દિવસોમાં એક પણ બાળક શાળાએ આવ્યું નથી. તેથી અમારા શિક્ષકો વાલીઓને ફોન કરી તેઓ બાળકોને શાળાએ મોકલે તેવી વિનંતી કરી રહ્યા છે. પરંતુ દેખીતી રીતે જ વાલીઓની પ્રાથમિકતા ઘર શોધવાની હોય. વળી, બાળકો શાળામાં પોલીસની હાજરીથી પણ ડરે છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS