Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન ઘર્ષણ, પરમાણુ શસ્ત્રો, પહલગામ હુમલો, ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, દિલનવાઝ પાશા
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 15 મે 2025, 10:54 IST

    અપડેટેડ એક કલાક પહેલા

ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી મુકાબલાનો ભય હોય છે ત્યારે સૌથી પહેલા બંને દેશોનાં પરમાણુ શસ્ત્રોનો વિચાર આવે છે.

ભારત અને પાકિસ્તાન બંને પાસે પરમાણુ શસ્ત્રો છે પરંતુ આ શસ્ત્રો અંગે બંને દેશોની નીતિઓ અલગ છે.

પાકિસ્તાન જ્યારે તેની સુરક્ષા જોખમમાં હોય ત્યારે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની નીતિનું પાલન કરે છે. આને ફર્સ્ટ યૂઝ પૉલિસી કહેવામાં આવે છે.

તે જ સમયે, ભારત હંમેશાં પ્રતિકૂળ પગલાં તરીકે પરમાણુ શસ્ત્રોના ઉપયોગની વાત કરતું આવ્યું છે અને આ દેશની નિર્ધારિત નીતિ પણ છે. ભારતીય નેતૃત્વ પાકિસ્તાનની પરમાણુ ફર્સ્ટ યૂઝ પૉલિસી ‘પરમાણુ બ્લૅકમેલ’ કહે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન ઘર્ષણ, પરમાણુ શસ્ત્રો, પહલગામ હુમલો, ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર ભારતના મિસાઇલ હુમલા અને પાકિસ્તાન સાથે લશ્કરી મુકાબલો અને પછી યુદ્ધવિરામ અંગે દેશને સોમવારે સાંજે સંબોધન કર્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ભારત ‘પરમાણુ બ્લૅકમેલ’ સહન કરશે નહીં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, “ભારત પરના કોઈ પણ આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપવામાં આવશે. અમે અમારી પોતાની રીતે, અમારી શરતો પર જવાબ આપતા રહીશું. અમે દરેક જગ્યાએ જઈશું, જ્યાંથી આતંકવાદીઓનાં મૂળ નીકળે છે અને કડક કાર્યવાહી કરીશું. ભારત કોઈ પણ પરમાણુ બ્લૅકમેલ સહન કરશે નહીં. ભારત પરમાણુ બ્લૅકમેલની આડમાં ખીલી રહેલા આતંકવાદી સ્થળો પર ચોક્કસ અને નિર્ણાયક રીતે હુમલો કરશે. અમે આતંકવાદને ટેકો આપતી સરકાર અને આતંકવાદના આકાઓને અલગ ગણીશું નહીં.”

ભારતે પોતાની ધરતી પર થયેલા હુમલા પછી પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરી હોય તેવી આ પહેલી ઘટના નથી.

2016માં ઉરી હુમલા પછી ભારતે સરહદ પાર સર્જિકલ સ્ટ્રાઈકનો દાવો કર્યો હતો. 2019માં પુલવામામાં CRPF કાફલા પર હુમલો થયો હતો ત્યારે પણ ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં ‘આતંકવાદી છાવણી’ પર હવાઈ હુમલાનો દાવો કર્યો હતો.

હવે પહેલગામમાં થયેલા હુમલામાં 26 લોકોનાં મોત બાદ, ભારતે પાકિસ્તાનના પંજાબ પ્રાંત અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં 9 સ્થળોએ હવાઈ હુમલા કર્યા છે.

આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું પાકિસ્તાનની પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ચેતવણી હવે અસરકારક છે કે નહીં.

પરમાણુ હથિયારો અંગે વિશ્લેષકો શું કહે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન ઘર્ષણ, પરમાણુ શસ્ત્રો, પહલગામ હુમલો, ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્લેષકો માને છે કે ખતરાના કિસ્સામાં પરમાણુ શસ્ત્રોનો પહેલાં ઉપયોગ કરવાની પાકિસ્તાનની નીતિ પર પ્રશ્નાર્થ છે.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ પીસ ઍન્ડ કૉન્ફ્લિક્ટ સ્ટડીઝના વરિષ્ઠ સંશોધક ડૉ. મુનીર અહમદ કહે છે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો કહેવાનો અર્થ એ હતો કે પાકિસ્તાન ભારત સામે આતંકવાદ જેવા બિન-પરંપરાગત હુમલાઓ કરે છે અને પછી ભારતના પરંપરાગત (લશ્કરી) હુમલાઓને રોકવા માટે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ‘ધમકી’ આપે છે. હવે આ પ્રકારનું પરમાણુ બ્લૅકમેલ બહુ અસરકારક નથી. ભારતે બાલાકોટ અને હવે ‘ઑપરેશન સિંદૂર’ પછી પાકિસ્તાનની આ થ્રેશોલ્ડનું પરીક્ષણ કર્યું છે.”

મનોહર પાર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિફેન્સ સ્ટડીઝના વરિષ્ઠ સંશોધન સહયોગી ડૉ. રાજીવ નયન કહે છે, “ઉરી પછી, પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક પછી 2019માં બાલાકોટ અને હવે ભારતના મિસાઇલ હુમલાઓ.”

“આવી સ્થિતિમાં, પ્રશ્ન એ છે કે પાકિસ્તાનનો પરમાણુ થ્રેશોલ્ડ શું છે? તે કઈ પરિસ્થિતિમાં આ શસ્ત્રોનો ઉપયોગ કરશે? પાકિસ્તાન, રશિયા અને ઘણા દેશો કહે છે કે અમારું અસ્તિત્વ જોખમમાં હશે ત્યારે અમે તેનો ઉપયોગ કરીશું. પરંતુ પ્રશ્ન એ છે કે તમે કઈ પરિસ્થિતિને અસ્તિત્વ માટે ખતરો માનો છો?”

ડૉ. મુનીર કહે છે, “જ્યારે પણ ભારત તરફથી પાકિસ્તાન પર પરંપરાગત હુમલો થાય છે ત્યારે પાકિસ્તાન ફુલ સ્પેક્ટ્રમ ડિટરન્સ ડોક્ટ્રીન વિશે વાત કરે છે, પરંતુ મને લાગે છે કે આપણે હવે આનાથી આગળ વધી ગયા છીએ. પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો વિશે વાત કરે છે, કારણ કે પાકિસ્તાન પરંપરાગત લશ્કરી શક્તિમાં ભારતનો મુકાબલો કરી શકે તેમ નથી.”

ભારત અને પાકિસ્તાનની પરમાણુ હથિયારો માટેની હોડ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન ઘર્ષણ, પરમાણુ શસ્ત્રો, પહલગામ હુમલો, ઑપરેશન સિંદૂર

ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ શસ્ત્રો અંગે સ્પર્ધા સતત ચાલતી રહી છે.

પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ 1965માં કહ્યું હતું કે, “ભારત બૉમ્બ બનાવે તો ભલે આપણે ઘાસ, પાંદડાં ખાવાં પડે કે ભૂખ્યા રહેવું પડે, આપણે આપણો બૉમ્બ બનાવીશું.”

જ્યાં સુધી ભારત પરમાણુ શસ્ત્રોની વાત છે ત્યાં સુધી ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ 1950ના દાયકામાં કહ્યું હતું કે, “અમે પરમાણુ શસ્ત્રોનો વિરોધ કર્યો છે અને તેને બનાવવાનો ઇનકાર કર્યો છે. પરંતુ જો અમારા પર દબાણ કરવામાં આવશે તો આપણે આપણા વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉપયોગ આપણી સુરક્ષા માટે કરીશું.”

ભારત અને પાકિસ્તાન બંને 1970ના દાયકાથી પરમાણુ શક્તિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ભારતે 1974માં ‘સ્માઇલિંગ બુદ્ધ’ પરીક્ષણ કર્યું હતું અને સંકેત આપ્યો હતો કે તે પરમાણુ શક્તિ પ્રાપ્ત કરી શકે છે.

પરંતુ ભારતે પહેલી વાર 11 અને 13 મે, 1998ના રોજ ‘ઑપરેશન શક્તિ’ હેઠળ પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કર્યું હતું.

તેના થોડા દિવસો પછી 28 અને 30 મેના રોજ પાકિસ્તાને ‘ચગઈ-1’ અને ‘ચગઈ-2’ પરીક્ષણો કરીને સંકેત આપ્યો હતો કે તેની પાસે પરમાણુ શસ્ત્રો પણ છે.

એટલે કે બંને દેશો પાસે છેલ્લાં 27 વર્ષથી સત્તાવાર રીતે પરમાણુ શસ્ત્રો છે. આ સમયગાળા દરમિયાન, જ્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ હતી ત્યારે બંને દેશોનાં પરમાણુ શસ્ત્રો ચર્ચા અને ચિંતાનું કેન્દ્ર બન્યાં હતાં.

ભારત અને પાકિસ્તાનના નેતાઓની પરમાણુ શસ્ત્રો અંગેની બયાનબાજી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન ઘર્ષણ, પરમાણુ શસ્ત્રો, પહલગામ હુમલો, ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, RAVI RAVEENDRAN/AFP via Getty Images

1998માં પાકિસ્તાને પરમાણુ પરીક્ષણો કર્યાં પછી તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું કે, “પાકિસ્તાનનાં પરમાણુ પરીક્ષણોનો હેતુ ન તો હાલની અપ્રસાર પ્રણાલીને પડકારવાનો હતો કે ન તો મહાસત્તા બનવાની મહત્ત્વાકાંક્ષાને પૂર્ણ કરવાનો હતો. અમે પાકિસ્તાન સામે બળનો ઉપયોગ અથવા તેના ખતરાથી બચવા માટે આ પરીક્ષણો કર્યાં હતાં. ભારતને જવાબ આપવા માટે કરવામાં આવેલાં અમારાં પરીક્ષણોએ અમારા ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાના ઉદ્દેશ્યને પૂર્ણ કર્યો છે.”

નવાઝ શરીફે ભલે દેશના સંરક્ષણ અને પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા માટે પરમાણુ શસ્ત્રો બનાવવાની વાત કરી હોય, પરંતુ પાકિસ્તાનનું નેતૃત્વ તેના પરમાણુ બૉમ્બનો ઉપયોગ કરવાની ‘ધમકી’ સમયાંતરે આપતું રહ્યું છે.

2000માં પાકિસ્તાનના તત્કાલીન વિદેશમંત્રી શમશાદ અહમદે કહ્યું હતું કે, “પાકિસ્તાન પર ક્યારેય આક્રમણ કરવામાં આવશે અથવા હુમલો કરવામાં આવશે તો પાકિસ્તાન પોતાના બચાવ માટે તેની પાસે રહેલાં દરેક હથિયારનો ઉપયોગ કરશે.”

પાકિસ્તાનનું લશ્કરી નેતૃત્વ પણ તેના પરમાણુ શસ્ત્રો વિશે નિવેદનો આપતું રહ્યું છે.

પાકિસ્તાનના સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ, નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ખાલિદ કિદવઈએ ઇસ્લામાબાદમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ ખાતે એક ભાષણમાં જણાવ્યું હતું કે, “પાકિસ્તાન પાસે વ્યૂહાત્મક, ઑપરેશનલ અને ટેકનિકલ એમ ત્રણ શ્રેણીઓમાં પરમાણુ શસ્ત્રોનો સંપૂર્ણ સ્પેક્ટ્રમ છે. પાકિસ્તાનના આ શસ્ત્રો ભારતના વિશાળ પ્રદેશ અને તેના બાહ્ય વિસ્તારોને સંપૂર્ણપણે આવરી લે છે. ભારતને તેનાં વ્યૂહાત્મક શસ્ત્રો છુપાવવા માટે કોઈ સ્થાન નથી.”

અન્ય એક નિવેદનમાં જનરલ ખાલિદ કિદવઈએ કહ્યું, “પાકિસ્તાનની પરમાણુ પ્રતિરોધક ક્ષમતા વાસ્તવિક, મજબૂત અને સુરક્ષિત છે. તેને દર કલાકે, દરરોજ, વર્ષના દરેક દિવસે સંપૂર્ણપણે સંચાલન યોગ્ય બનાવવામાં આવી છે. તેનો હેતુ આક્રમણને અટકાવવાનો છે.”

જનરલ ખાલિદે 2013માં પાકિસ્તાનનો સંપૂર્ણ સ્પેક્ટ્રમ પ્રતિરોધક સિદ્ધાંત આપ્યો હતો. એ સિદ્ધાંત હેઠળ પાકિસ્તાને વ્યૂહાત્મક, ઑપરેશનલ અને ટેકનિકલ શસ્ત્રો વિકસાવ્યાં છે અને દાવો કર્યો છે કે તેઓ 60 કિલોમીટરથી 3000 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે.

આનો અર્થ એ છે કે પાકિસ્તાન ભારતના કોઈ પણ ભાગ પર પરમાણુ હુમલો કરી શકે છે, તેવો તેનો દાવો છે.

થોડા દિવસો પહેલાં પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે એક મુલાકાતમાં પાકિસ્તાનની પરમાણુ ક્ષમતાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “પાકિસ્તાન તેના અસ્તિત્વ માટે સીધા ખતરાના કિસ્સામાં જ તેનાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરશે.”

આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનના રેલમંત્રી મોહમ્મદ હનીફ અબ્બાસીએ કહ્યું હતું કે, “પાકિસ્તાનની પરમાણુ મિસાઇલો શણગાર માટે નથી. તે ફક્ત ભારત માટે બનાવવામાં આવી છે. અમે ગૌરી, શાહીન અને ગઝનવી જેવી મિસાઇલો અને ખાસ કરીને ભારત માટે 130 પરમાણુ શસ્ત્રો રાખ્યાં છે.”

પાકિસ્તાની નેતૃત્વનાં નિવેદનોમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગની ‘ધમકી’ ઝળકતી રહી છે. ભારતીય નેતાઓએ પણ પરમાણુ શસ્ત્રો વિશે સમયાંતરે નિવેદનો આપ્યાં છે.

મે 1974માં પોખરણ પરમાણુ પરીક્ષણ પછી ઇન્દિરા ગાંધીએ કહ્યું હતું કે, “પોખરણ પરીક્ષણ એક શાંતિપૂર્ણ પરમાણુ વિસ્ફોટ હતું. વિકાસ માટે પરમાણુ શક્તિનો ઉપયોગ કરવાના હેતુસરનું તે એક વૈજ્ઞાનિક પરીક્ષણ હતું.”

મે 1998માં પોખરણ-2 પરીક્ષણ પછી તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, “ભારત હવે પરમાણુ શસ્ત્રોથી સમૃદ્ધ રાષ્ટ્ર છે. આપણાં પરમાણુ શસ્ત્રો સ્વ-બચાવ માટે છે. ભારતને પરમાણુ શસ્ત્રો અથવા અન્ય કોઈ પણ પ્રકારની ‘ધમકી’ ન આપી શકાય તે સુનિશ્ચિત કરવા માટે છે.”

એ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલતાં અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે ભારતની પરમાણુ શક્તિ આક્રમણને રોકવા માટે છે અને ભારત પ્રથમ ઉપયોગ નહીં કરવાના સિદ્ધાંતનું પાલન કરશે.

વડા પ્રધાન વાજપેયીએ કહ્યું હતું કે ભારત પરમાણુ શસ્ત્રો વિનાની દુનિયા ઇચ્છે છે, પરંતુ આક્રમણને રોકવા માટે, અમે ઓછાંમાં ઓછાં પરમાણુ શસ્ત્રો રાખીશું.

પરમાણુ શસ્ત્રો અંગેની ભારત અને પાકિસ્તાનની નીતિઓ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન ઘર્ષણ, પરમાણુ શસ્ત્રો, પહલગામ હુમલો, ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, Getty Images

ભારતે 1999માં પોતાની પહેલી પરમાણુ શસ્ત્ર નીતિ બનાવી હતી. તે પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ પહેલા ન કરવા પર આધારિત છે.

2011માં તત્કાલીન વડા પ્રધાન મનમોહનસિંહે આ વાતનો પુનરોચ્ચાર કરતાં કહ્યું હતું, “ભારતની પરમાણુ નીતિ પહેલા ઉપયોગ ન કરવા અને પરમાણુ હુમલાની સ્થિતિમાં સંપૂર્ણ તાકાતથી જવાબ આપવા પર આધારિત છે. અમારો પરમાણુ અવરોધ વિશ્વસનીય અને અસરકારક છે.”

વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં એક નિવેદનમાં કહ્યું હતું કે, “ભારતની પરમાણુ નીતિ સ્પષ્ટ છે. પહેલો ઉપયોગ નહીં, પરંતુ જે લોકો અમારા પર પરમાણુ શસ્ત્રોથી હુમલો કરશે તેમને બક્ષવામાં આવશે નહીં. આપણી પરમાણુ ક્ષમતા આપણું સાર્વભૌમત્વ સુનિશ્ચિત કરે છે.”

જોકે, 2019માં ભારતના રક્ષામંત્રી રાજનાથસિંહે પરિસ્થિતિ અનુસાર આ નીતિમાં ફેરફારનો સંકેત આપ્યો હતો અને કહ્યું હતું કે, “ભારત પહેલો ઉપયોગ નહીં કરવાની નીતિ માટે પ્રતિબદ્ધ છે, પરંતુ ભવિષ્યમાં શું થશે તે પરિસ્થિતિ પર નિર્ભર રહેશે.”

બીજી તરફ પાકિસ્તાન પાસે કોઈ લેખિત કે સ્પષ્ટ પરમાણુ નીતિ નથી. આનું મુખ્ય કારણ એ છે કે તે ભારતના ‘પરંપરાગત લશ્કરી પ્રભુત્વ’ અથવા પરંપરાગત લશ્કરી શ્રેષ્ઠતાને રોકવા માગે છે, એવું વિશ્લેષકો માને છે.

સંરક્ષણ અને પરમાણુ બાબતોના નિષ્ણાત અને મનોહર પાર્રિકર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિફેન્સ સ્ટડીઝ સાથે સંકળાયેલા રાજીવ નયન કહે છે કે જે કોઈ પણ વ્યક્તિ પાસે પ્રથમ ઉપયોગની નીતિ હોય તેમાં ઘણી અસ્પષ્ટતા હોય છે.

રાજીવ નયન કહે છે, “પહેલા ઉપયોગની નીતિમાં સૌથી મોટી અસ્પષ્ટતા એ છે કે પરમાણુ બૉમ્બનો ઉપયોગ કઈ પરિસ્થિતિમાં કરવામાં આવશે. પાકિસ્તાન કહે છે કે અમે પરમાણુ બૉમ્બનો ઉપયોગ કરી શકીએ છીએ, પરંતુ તેણે ક્યારેય સ્પષ્ટ કર્યું નથી કે તેનો ઉપયોગ કરવા માટે થ્રેશોલ્ડ અથવા મર્યાદા શું હશે. તે પણ સ્પષ્ટ નથી કે શરૂઆતમાં કયાં પ્રકારનાં હથિયારનો ઉપયોગ કરવામાં આવશે. શું યુદ્ધક્ષેત્રના હથિયાર તરીકે ઓળખાતાં નાનાં હથિયારનો ઉપયોગ કરવામાં આવશે કે પછી વ્યૂહાત્મક હથિયારનો ઉપયોગ કરવામાં આવશે?”

પરમાણુ શસ્ત્રોના ઉપયોગ અંગે હાલમાં વિશ્વમાં કોઈ કરાર નથી, પરંતુ પરમાણુ શસ્ત્રો અંગે ડર અને તેમના ઉપયોગ અંગે ખચકાટ છે.

1945માં જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર અમેરિકન પરમાણુ બૉમ્બ ફેંકાયા પછી વિશ્વમાં ક્યાંય પણ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ થયો નથી.

રાજીવ નયન કહે છે, “જો પરમાણુ શસ્ત્રોને રોકવા માટે કોઈ કાયદો ન હોય તો પણ દરેક પરમાણુ સશસ્ત્ર રાષ્ટ્ર પાસે તેમના વિશે નૈતિકતા છે. પ્રશ્ન એ થશે કે પાકિસ્તાન સામે પરમાણુ બૉમ્બનો ઉપયોગ થઈ રહ્યો નથી ત્યારે તે તેના પહેલાં પરમાણુ બૉમ્બના ઉપયોગને કેવી રીતે વાજબી ઠેરવશે?”

આ કારણસર પાકિસ્તાન પર પરમાણુ બ્લૅકમેલનો આરોપ મૂકવામાં આવ્યો છે. ભારતે ક્યારેય પહેલાં પરમાણુ બૉમ્બનો ઉપયોગ કરવાની ‘ધમકી’ આપી નથી, પરંતુ પાકિસ્તાન આવી ‘ધમકી’ આપતું રહ્યું છે.

પાકિસ્તાન અને ભારત પાસે કેટલાં પરમાણુ શસ્ત્રો છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન ઘર્ષણ, પરમાણુ શસ્ત્રો, પહલગામ હુમલો, ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, FAROOQ NAEEM/AFP via Getty Images

પાકિસ્તાન કે ભારત પાસે કેટલાં પરમાણુ શસ્ત્રો છે તેનો કોઈ સત્તાવાર આંકડો નથી. જોકે, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) અને અમેરિકન ફેડરેશન ઑફ સાયન્ટિસ્ટ્સ પરમાણુ શસ્ત્રોની સંખ્યાનો અંદાજ લગાવે છે.

SIPRIના 2024ના મૂલ્યાંકન મુજબ, ભારત પાસે 172 પરમાણુ શસ્ત્રો છે અને પાકિસ્તાન પાસે 170 પરમાણુ શસ્ત્રો છે.

બીજી બાજુ, વિશ્લેષકોનો પ્રશ્ન એ છે કે આ આંકડા કેટલા વિશ્વસનીય છે અને પરમાણુ શસ્ત્રોના કિસ્સામાં સંખ્યાનું કોઈ મહત્ત્વ છે કે નહીં?

ડૉ. મુનીર અહમદ કહે છે, “તાજેતરના મૂલ્યાંકનમાં અમેરિકન ફેડરેશન ઑફ સાયન્ટિસ્ટ્સે અંદાજ લગાવ્યો છે કે ભારત પાસે 180 પરમાણુ શસ્ત્રો છે અને પાકિસ્તાન પાસે 170 પરમાણુ શસ્ત્રો છે, પરંતુ વાસ્તવમાં પરમાણુ શસ્ત્રોના કિસ્સામાં સંખ્યાનું બહુ મહત્ત્વ નથી. તેમના ઉપયોગની વાત આવે તો ખૂબ ઓછાં શસ્ત્રો જંગી વિનાશ વેરી શકે છે.”

રાજીવ નયન પણ એવું જ માને છે. તેઓ કહે છે, “પરમાણુ શસ્ત્રો એટલાં વિનાશક છે કે સંખ્યાનું બહુ મહત્ત્વ નથી, કારણ કે એક નાનું પરમાણુ શસ્ત્ર પણ જંગી વિનાશ વેરી શકે છે.”

ભારત-પાકિસ્તાનમાં પરમાણુ શસ્ત્રો અંગે ચેઇન ઑફ કમાન્ડ શું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન ઘર્ષણ, પરમાણુ શસ્ત્રો, પહલગામ હુમલો, ઑપરેશન સિંદૂર

પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની પરિસ્થિતિ સર્જાય તો ભારત અને પાકિસ્તાનમાં એ બાબતે ચેઇન ઑફ કમાન્ડની અલગ-અલગ વ્યવસ્થા છે.

ડૉ. રાજીવ નયનના મતે, ભારત પાસે ન્યુક્લિયર કમાન્ડ ઑથૉરિટી (NCA) છે. તે એક રાજકીય પરિષદ છે, જેના અધ્યક્ષ વડા પ્રધાન હોય છે.

તેમાં CCS એટલે કે સુરક્ષા બાબતોની કૅબિનેટ સમિતિ છે, જેમાં રક્ષામંત્રી, ગૃહમંત્રી, વિદેશમંત્રી, નાણામંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો સમાવેશ થાય છે.

એ પછી એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલ છે, જેના અધ્યક્ષ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) છે. તેમાં તમામ સેનાઓના વડાઓ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, ડિરેક્ટર જનરલ ઑફ ડિફેન્સ ઇન્ટેલિજન્સ, એટોમિક ઍનર્જી એજન્સી (DEA)ના ટોચના અધિકારીઓ અને DRDO અધિકારીઓનો સમાવેશ થાય છે.

પરમાણુ શસ્ત્રોની જાળવણી, સંભાળ અને ઑપરેશનલ ડિપ્લોયમેન્ટ માટે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC) છે, જે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફને રિપોર્ટ કરે છે.

ડૉ. રાજીવ નયન કહે છે, “ભારતમાં પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાનો નિર્ણય રાજકીય હશે અને અંતિમ નિર્ણય દેશના નાગરિક નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. NCA પાસે લશ્કરી દળો અને પરમાણુ વૈજ્ઞાનિકો પાસેથી સલાહ લેવા માટે નિષ્ણાત સલાહકારો છે.”

પાકિસ્તાનમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગ માટેની કમાન્ડ ચેઇનમાં નૅશનલ કમાન્ડ ઑથૉરિટી (NCA) ટોચ પર છે. તેનું માળખું પણ લગભગ ભારત જેવું જ છે.

તેના અધ્યક્ષ વડા પ્રધાન છે અને તેમાં રાષ્ટ્રપતિ, વિદેશમંત્રી, રક્ષામંત્રી, જૉઇન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ (CJCSC)ના અધ્યક્ષ, આર્મી, ઍરફોર્સ અને નેવીના વડાઓ અને સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝનના ડિરેક્ટર જનરલનો સમાવેશ થાય છે.

NCA હેઠળ સ્ટ્રેટેજિક પ્લાન્સ ડિવિઝન છે, જેનું મુખ્ય કાર્ય પરમાણુ અસ્કયામતોનું સંચાલન કરવાનું અને NCAને ટેકનિકલ અને ઑપરેશનલ સલાહ આપવાનું છે.

સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ CJCSC હેઠળ કામ કરે છે અને તેનું કાર્ય પરમાણુ શસ્ત્રો લૉન્ચ કરવાનું છે.

તે શાહીન અને નાસર મિસાઇલો જેવા વોરહેડનું વહન કરતી મિસાઇલોનું સંચાલન કરે છે અને NCAના આદેશ મુજબ પરમાણુ શસ્ત્રો ચલાવી શકે છે.

ભારત સાથેના તાજેતરના તણાવ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન દ્વારા નૅશનલ કમાન્ડ ઑથૉરિટીની બેઠક બોલાવવાના અહેવાલો આવ્યા હતા. જોકે, ભારત સાથે યુદ્ધવિરામની જાહેરાત થયા પછી એવું કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાને આવી બેઠક બોલાવી નથી.

રાજીવ નયન કહે છે, “પાકિસ્તાનમાં સેનાના પ્રભાવને જોતાં એમ કહી શકાય કે પાકિસ્તાનમાં સેના આ નિર્ણય લેશે.”

શું ઍર ડીફેન્સ પરમાણુ હુમલાને અટકાવી શકશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, ભારત-પાકિસ્તાન ઘર્ષણ, પરમાણુ શસ્ત્રો, પહલગામ હુમલો, ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, Getty Images

ભારત અને પાકિસ્તાન બંને પોતપોતાનાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત સ્થળોએ તૈયાર સ્થિતિમાં રાખે છે. પરમાણુ શસ્ત્રોના બે ભાગ હોય છે. એક વિસ્ફોટક (વૉરહેડ) અને બીજો ડિલિવરી સિસ્ટમ એટલે કે મિસાઇલ.

શાંતિપૂર્ણ સ્થિતિમાં ભારત મોટા ભાગના વોરહેડ અને મિસાઇલો અલગથી રાખે છે. કેટલાકને તૈયાર સ્થિતિમાં રાખવામાં આવે છે. પાકિસ્તાનની નીતિ પણ સમાન છે.

જોકે, વિશ્લેષકો માને છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું અંતર એટલું ઓછું છે કે પરમાણુ શસ્ત્રોના કિસ્સામાં, શસ્ત્રો કેવી રીતે રાખવામાં આવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

ડૉ. રાજીવ નયન કહે છે, “ભારત અને પાકિસ્તાન વચ્ચેનું અંતર એટલું ઓછું છે કે જો પરમાણુ શસ્ત્રોના ઉપયોગનો નિર્ણય લેવામાં આવે તો તેમાં પીછેહઠ કરવી અથવા ઍર ડીફેન્સ દ્વારા હથિયારનો હવામાં નાશ કરવો ખૂબ મુશ્કેલ બનશે.”

ડૉ. નયન કહે છે, “ખૂબ જ અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલી સૈદ્ધાંતિક રીતે બૅલેસ્ટિક મિસાઇલોને રોકી શકે છે, પરંતુ વ્યવહારમાં તે મુશ્કેલ હશે. એક નાની ભૂલ પણ ભારે વિનાશનું કારણ બની શકે છે. આ જ કારણ છે કે પરમાણુ શસ્ત્રોના ઉપયોગનો વિચાર વિનાશક છે.”

ડૉ. મુનીર અહમદ કહે છે, “ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારેય પરમાણુ શસ્ત્રોના ઉપયોગની પરિસ્થિતિ સર્જાય, જે ખૂબ જ અસંભવિત છે, તો તેનો અર્થ એ થશે કે બંને દેશો પરસ્પર વિનાશ તરફ આગળ વધી ગયા છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS