Home તાજા સમાચાર gujrati મસ્જિદથી માંડીને ગણપતિ ઉત્સવ સુધી : 20 વર્ષથી ઘોંઘાટ સામે લડતાં સુમૈરાની...

મસ્જિદથી માંડીને ગણપતિ ઉત્સવ સુધી : 20 વર્ષથી ઘોંઘાટ સામે લડતાં સુમૈરાની કહાણી

5
0

Source : BBC NEWS

સુમૈરા છેલ્લા બે દાયકાથી ધ્વનિપ્રદૂષણના મુદ્દા પર સક્રિય રીતે કામ કરી રહ્યાં છે

ઇમેજ સ્રોત, Mathias Depardon

“થોડી સેકન્ડનો અત્યંત ઊંચો અવાજ પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આ કોઈ ધાર્મિક મુદ્દો નથી, પરંતુ અવાજ અને આરોગ્ય સાથે જોડાયેલો મુદ્દો છે.”

આવું કહે છે મુંબઈસ્થિત ‘આવાજ ફાઉન્ડેશન’નાં સ્થાપક સુમૈરા અબ્દુલાલી.

તેમણે આગળ જણાવ્યું, “લાઉડસ્પીકરના વધારે અવાજને કારણે મુસ્લિમો તરફથી મસ્જિદો સામે અને ખ્રિસ્તીઓ તરફથી ચર્ચો સામે ફરિયાદો નોંધાવવાના બનાવો પણ સામે આવ્યા છે.”

મહારાષ્ટ્રમાં ધ્વનિપ્રદૂષણનો મુદ્દો હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. ખાસ કરીને પુણેમાં સામાજિક કાર્યકર વિદ્યાનંદ બાપટે ગણેશોત્સવ દરમિયાન ડીજેના ઉપયોગ પર અવાજ ઉઠાવ્યો હતો અને વિવાદ ચાલી રહ્યો છે. સુમૈરા છેલ્લા બે દાયકાથી આ મુદ્દા પર સક્રિય રીતે કામ કરી રહ્યાં છે.

તેઓ માત્ર અવાજનું માપન અને રેકૉર્ડિંગ જ કરતાં નથી, પરંતુ લોકો અને સરકારી અધિકારીઓને તેના પ્રભાવ વિશે માહિતગાર કરીને જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરે છે.

તેમના જેવા કાર્યકરો અને જાગૃત નાગરિકોના સતત પ્રયાસોને કારણે મુંબઈમાં લાઉડસ્પીકર અને ડીજેના ઉપયોગ અંગેના નિયમોનું વધુ કડક અમલીકરણ થવા લાગ્યું છે.

આ સંદર્ભમાં બૉમ્બે હાઇકોર્ટના 2016ના આદેશને હવે દસ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યાં છે.

જોકે, સુમૈરાનું માનવું છે કે ધ્વનિપ્રદૂષણની સમસ્યાનો આજ સુધી ઉકેલ આવ્યો નથી. પણ વિપરીત સ્થિતિ સર્જાઈ છે. અવાજનું પ્રદૂષણ સતત વધી રહ્યું છે, પરંતુ સાથે સાથે લોકોમાં તેના પ્રત્યે જાગૃતિ પણ વધી રહી છે.

ભારતના પૂર્વ આરોગ્યમંત્રી અને વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યુએચઓ)ની કાર્યકારી સમિતિના પૂર્વ અધ્યક્ષ ડૉ. હર્ષવર્ધન કાન, નાક અને ગળાના રોગોના નિષ્ણાત છે, તેમણે અનેક વાર જણાવ્યું છે કે ભારત શ્રવણશક્તિની હાનિની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તેની પાછળનાં કારણો પણ જાણીતાં છે.

અમે સુમૈરા અબ્દુલાલી સાથે આ કારણો અને તેના સંભવિત ઉકેલો વિશે વાત કરી.

છેલ્લાં 25 વર્ષમાં તેમણે ધ્વનિપ્રદૂષણ વિરુદ્ધની લડતમાં નોંધપાત્ર સફળતા મેળવી છે, જોકે આ દરમિયાન તેમને અનેક વખત મૌખિક હુમલા અને ટીકા-ટિપ્પણીઓનો પણ સામનો કરવો પડ્યો છે.

મુંબઈનાં ‘શોરમંત્રી’

ગણેશ વિસર્જન દરમિયાન ગિરગાંવ ચોપાટી પર અવાજનું સ્તર માપતાં સુમૈરા અબ્દુલાલી

ઇમેજ સ્રોત, Karen Dias via Getty Images

સુમૈરા અબ્દુલાલી અને તેમના સહયોગીઓને ઘણી વખત ભીડભાડવાળા વિસ્તારોમાં હાથમાં ઑડિયોમીટર (ધ્વનિના સ્તરને માપતું ઉપકરણ) લઈને નોંધો કરતાં જોવા મળે છે, ખાસ કરીને તહેવારો, સભાઓ અને સરઘસો દરમિયાન, જ્યારે અવાજનું સ્તર વધુ ઊંચું હોય.

આ જ કારણસર કેટલાક લોકો તેમને ‘સાઉન્ડ મીટરવાળી મહિલા’ અથવા મુંબઈનાં ‘શોરમંત્રી’ તરીકે ઓળખે છે.

સુમૈરા કહે છે કે ધ્વનિપ્રદૂષણના મુદ્દા પર કામ કરવાની શરૂઆત તેમણે સંયોગવશાત કરી હતી.

તેમના સંબંધી સાદ અલી પર્યાવરણ સંરક્ષણ સાથે સંકળાયેલી સંસ્થા બૉમ્બે ઍન્વાયરમેન્ટલ ઍક્શન ગ્રૂપ (બીઇએજી)ના અધ્યક્ષ હતા. સાદ અલી અને તેમના અન્ય એક સંબંધી, પ્રખ્યાત પક્ષીવિદ્ ડૉ. સલીમ અલી, અન્ય પર્યાવરણપ્રેમીઓ સાથે આ સંસ્થા સાથે જોડાયેલા હતા.

સુમૈરા કહે છે, “સાદ અલી તે સમયે વયસ્ક થઈ ગયા હતા અને તેમને કામમાં મદદની જરૂર હતી. તે સમયે મારાં બાળકો નાનાં હતાં, પરંતુ મને લાગ્યું કે તેમની સંભાળ રાખવાની સાથે હું કંઈક અર્થપૂર્ણ કામ પણ કરું. તેથી મેં તેમની મદદ કરવાનું શરૂ કર્યું.”

તેમનાથી પ્રેરાઈને સુમૈરાએ આ ક્ષેત્રમાં કાર્ય શરૂ કર્યું. જોકે, તે સમયના શરૂઆતના દિવસોમાં ધ્વનિપ્રદૂષણનો મુદ્દો બહુ ચર્ચાતો નહોતો.

સુમૈરા કહે છે, “પચ્ચીસ વર્ષ પહેલાં ભારતમાં કોઈ ધ્વનિપ્રદૂષણ વિશે વાત કરતું કે વધુ અવાજથી ત્રાસ થવાની ફરિયાદ કરતું, તો લોકો તેને પાગલ સમજી લેતા હતા.”

ઘોંઘાટ સામેની કાનૂની લડત

મુંબઈમાં એક મસ્જિદની બહાર ધ્વનિપ્રદૂષણનું સ્તર માપતાં સુમૈરા અબ્દુલાલી

ઇમેજ સ્રોત, Awaaz Foundation

ભારતમાં ધ્વનિપ્રદૂષણ અંગે જાગૃતિ 1990ના દાયકામાં વધવા લાગી હતી અને 1999માં વિશ્વ આરોગ્ય સંગઠને આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી હતી.

ભારતમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)એ વર્ષ 2000માં ધ્વનિપ્રદૂષણ સંબંધિત નિયમો જાહેર કર્યા હતા. આ હેતુ માટે રચાયેલી સમિતિમાં સાદ અલી પણ સામેલ હતા.

આ આદેશનો અમલ કરાવવા માટે બીઇએજીની ટીમે 2002માં બૉમ્બે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. એક વર્ષમાં જ અદાલતે આ મામલે પોતાનો પ્રથમ આદેશ આપ્યો અને સાયલન્સ ઝોનમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો. શાળાઓ અને હૉસ્પિટલો જેવી જગ્યાઓ પર આ નિયમોનું કડક પાલન કરવામાં આવ્યું.

સુમૈરા કહે છે, “ત્યાર બાદ લોકો ફોન કરવા લાગ્યા. જ્યારે હું આદેશનો અમલ કરાવવા માટે તેમનાં ઘરો સુધી જવા લાગી, ત્યારે મને આ સમસ્યાની ગંભીરતાનો અહેસાસ થયો. મને લાગ્યું કે આ મુદ્દો બીજું કોઈ ઉઠાવી રહ્યું નથી, તેથી મેં નક્કી કર્યું કે મારે કંઈક કરવું જ પડશે.”

પછી આ કામ સુમૈરા માટે પૂર્ણકાલીન વ્યવસાય બની ગયું.

તેઓ ધ્વનિપ્રદૂષણના મુદ્દા ઉપરાંત ગેરકાયદેસર રેતી ખનન સંબંધિત મુદ્દાઓ પર પણ સક્રિયપણે કામ કરી રહ્યાં હતાં.

મોટાં શહેરોમાં ધ્વનિપ્રદૂષણની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

શરૂઆતના સમયમાં માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ પોલીસ પણ ધ્વનિપ્રદૂષણ સંબંધિત નિયમોથી ઘણી વાર અજાણ હતી. આ કારણે સુમૈરાએ લોકોને માહિતી પહોંચાડવાનું અને જાગૃતિ ફેલાવવાનું કામ શરૂ કર્યું. પરિણામે 2008માં ‘આવાજ ફાઉન્ડેશન’ની સ્થાપના થઈ.

સુમૈરા કહે છે, “તે સમયે લોકો ટીકા કરતા હતા કે, ‘ઘોંઘાટની ચિંતા તો માત્ર સુમૈરાને જ છે, અમને તો કોઈ સમસ્યા નથી. અમે તેની વાત શા માટે સાંભળીએ?’ તેથી જ અમે આ કાર્યને સંસ્થાગત સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો.”

મૂળ નિયમો અનુસાર, લાઉડસ્પીકરના ઉપયોગ માટે રાત્રે 10 વાગ્યાની સમયમર્યાદા નક્કી કરાઈ હતી.

સુમૈરા કહે છે, “પરંતુ રાજકીય કાર્યક્રમો અને મોડી રાત સુધી ચાલતી પ્રવૃત્તિઓમાં રસ ધરાવતા લોકો માટે આ મર્યાદા મુશ્કેલીરૂપ હતી. તેથી 2002માં નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો.”

આ ફેરફાર મુજબ, ડેસિબલની નિર્ધારિત મર્યાદાનું પાલન કરતાં વર્ષમાં 15 દિવસ સુધી મધરાત સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી.

સુમૈરાએ આ સુધારા વિરુદ્ધ જાહેરહિત અરજી પણ દાખલ કરી હતી. જોકે આ સુધારો રદ થયો નહોતો, પરંતુ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો અને પોલીસને ઘોંઘાટ સંબંધિત અનેક ફરિયાદો મળવા લાગી.

સુમૈરા જણાવે છે, “2005માં સુપ્રીમ કોર્ટનો એક મહત્ત્વપૂર્ણ આદેશ આવ્યો હતો. આ આદેશ ચેન્નાઈમાં એક યુવતી પર થયેલા યૌન હુમલાના કેસ સાથે સંબંધિત હતો, જેમાં લાઉડસ્પીકરના કારણે તેની મદદ માટેની બૂમો કોઈ સાંભળી શક્યું નહોતું.”

તે સમયે કોર્ટે સ્વીકાર્યું હતું કે ધ્વનિપ્રદૂષણથી મુક્તિ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જીવવાનો અધિકાર મૂળભૂત અધિકારોનો ભાગ છે.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે “કોઈ પણ ધર્મ ધ્વનિ સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવાનું કારણ બની શકતો નથી.”

સુમૈરાની કાનૂની લડત પણ હાઇકોર્ટ સુધી પહોંચી

પુડુચેરીમાં એક બોર્ડ, જેમાં હૉર્ન ન વગાડવાની અપીલ કરાઈ છે

ઇમેજ સ્રોત, Getty Images

સુમૈરા અબ્દુલાલીની કાનૂની લડતની શરૂઆત પણ બૉમ્બે હાઇકોર્ટથી થઈ હતી.

‘આવાજ ફાઉન્ડેશન’ થકી ટ્રાફિક અને બાંધકામથી થતા અવાજ પ્રદૂષણ સામે અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ ઉપરાંત ડૉ. મહેશ બેડેકર અને અન્ય લોકોએ પણ અલગ-અલગ અરજી દાખલ કરી હતી.

ન્યાયમૂર્તિ અભય ઑકની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વર્ષ 2016માં આ તમામ અરજી પર સંયુક્ત રીતે મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો હતો.

કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ધાર્મિક સ્થળો તેમજ કોઈ પણ પ્રકારના કાર્યક્રમમાં લાઉડસ્પીકરના ઉપયોગ માટે પૂર્વ મંજૂરી જરૂરી છે. સાથે જ, સાયલન્સ ઝોન (શાંતિ ક્ષેત્ર) તરીકે જાહેર કરાયેલા વિસ્તારોમાં લાઉડસ્પીકરના ઉપયોગની મંજૂરી આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ આદેશ બાદ મુંબઈમાં ધ્વનિપ્રદૂષણ સંબંધિત નિયમોના અમલીકરણને વધુ કડક બનાવાયું હતું.

ડીજે, તહેવારો અને પરંપરા

ભારતનાં અનેક ગામો અને શહેરોમાં નાના-મોટા પ્રસંગોએ પણ લાઉડસ્પીકર સિસ્ટમનો ઉપયોગ થાય છે

ઇમેજ સ્રોત, Getty Images

સુમૈરાએ જણાવ્યું કે ધ્વનિપ્રદૂષણ અંગે ચર્ચા કરતી વખતે ટૅક્નૉલૉજીના ઇતિહાસને પણ સમજવો જરૂરી છે.

તેઓ કહે છે, “શરૂઆતના સમયમાં લાઉડસ્પીકર ખૂબ મોંઘાં હતાં. માત્ર સમૃદ્ધ લોકો જ તેને ખરીદી શકતા હતા. તેથી લાઉડસ્પીકરનો ઉપયોગ પ્રતિષ્ઠા અને સામાજિક દરજ્જાનું પ્રતીક બની ગયો હતો. ઓછી આવક ધરાવતા લોકોમાં પણ તેની નકલ કરવાની ઇચ્છા વધવા લાગી હતી.”

સુમૈરાના જણાવ્યા અનુસાર, જેમ જેમ ટૅક્નૉલૉજી સસ્તી બનતી ગઈ તેમ તેનો ઉપયોગ પણ વધતો ગયો.

“‘જો તેઓ કરી શકે છે, તો આપણે કેમ નહીં?’ જેવી માનસિકતા વિકસવા લાગી અને ધ્વનિપ્રદૂષણનો પ્રશ્ન તમામ ધર્મો માટે સમસ્યા બની ગયો.”

તેઓ કહે છે, “મેં ઈદ-એ-મિલાદ દરમિયાન ભીંડી બજારમાં ડેસિબલનું માપન કર્યું હતું. ત્યાં પણ અવાજનું સ્તર ખૂબ ઊંચું હતું. મને માત્ર રંગોનો તફાવત જોવા મળ્યો. ઈદના કાર્યક્રમોમાં લીલા રંગ અને અલગ પ્રકારનાં પ્રતીકોનો ઉપયોગ થાય છે, જ્યારે ગણપતિ ઉત્સવ દરમિયાન કેસરી રંગ, જુદાં પ્રતીકો અને ધ્વજોનો ઉપયોગ થાય છે.”

તેઓ ઉમેરે છે, “હવે સ્થિતિ ‘પહેલા તમે, પહેલા તમે’ જેવી બની ગઈ છે. સૌપ્રથમ કોણ અટકશે? એ જ મોટો પ્રશ્ન છે. દરેક વ્યક્તિ એકબીજાને ધમકાવવાનો પ્રયાસ કરી રહી છે.”

આ દરમિયાન સુમૈરાને બે વખત દુર્વ્યવહાર, ધમકીઓ અને ટોળાં દ્વારા હુમલાનો પણ સામનો કરવો પડ્યો હતો.

“હું 2018માં માહિમ દરગાહ પાસે યોજાતા મેળા દરમિયાન અને ત્યાર બાદ થોડાં વર્ષો પછી ગણપતિ ઉત્સવ દરમિયાન રાત્રે એક વાગ્યે ધ્વનિનું માપન કરી રહી હતી.”

તેમણે ધમકી આપનાર વ્યક્તિ સામે એફઆઇઆર નોંધાવી હતી અને આ મામલો હાલમાં મુંબઈની એક કોર્ટમાં પૅન્ડિંગ છે.

સુમૈરા કહે છે, “આ કામનો જ એક ભાગ છે. કેટલાક લોકો તમારી સાથે હશે, કેટલાક તમારી વિરુદ્ધ અને તમારે તેને સ્વીકારવા તૈયાર રહેવું પડે છે.”

વર્ષ 2019માં મુંબઈ સરકાર અને વિવિધ ગણેશમંડળોએ ડીજેનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

સુમૈરા કહે છે, “કેટલાંક નાનાં જૂથો અપવાદરૂપ હોઈ શકે છે, પરંતુ મોટાં જૂથોએ ડીજેનો ઉપયોગ બંધ કરી દીધો છે અને મેં પોતે તેની તપાસ કરી છે. જોકે, ડીજે ન હોવા છતાં ઢોલ અને તાશાનો ઉપયોગ ચાલુ છે.”

સુમૈરા કહે છે કે ઘણા લોકો માને છે કે ઢોલ-તાશા ડીજે કરતાં વધુ યોગ્ય અને ઓછા નુકસાનકારક છે, પરંતુ જો ડેસિબલના માપદંડથી જોવામાં આવે, તો બંનેના અવાજના સ્તરમાં ખાસ મોટો તફાવત નથી.

તેઓ સમજાવે છે, “ઘણી વાર પરંપરાગત ડ્રમ સેટની સાથે લાઉડસ્પીકર પણ જોડવામાં આવે છે. તેના કારણે ડ્રમનો અવાજ વધુ તીવ્ર બને છે અને દૂર સુધી સંભળાય છે. લાઉડસ્પીકર વગર પણ કેટલાક ઢોલ-તાશાનો અવાજ આસપાસના વિસ્તારમાં ખૂબ ઊંચો હોય છે, પરંતુ તે એટલો દૂર પહોંચતો નથી.”

સુમૈરા જણાવે છે કે લાઉડસ્પીકર સિવાય પણ ધ્વનિપ્રદૂષણના અન્ય અનેક સ્રોત છે, જે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

તેમના જણાવ્યા મુજબ, આજકાલ ડીજે અને બૂમબૉક્સ ઘોંઘાટ, કંપન (વાઇબ્રેશન), પ્રકાશ પ્રદૂષણ અને લેઝર કિરણોના હાનિકારક પ્રભાવને વધારે છે, જે નુકસાનકારક હોઈ શકે છે.

વધતાં શહેરો અને વધતો ઘોંઘાટ

દિલ્હીમાં નવરાત્રીનું એક દૃશ્ય. અવાજની સાથે કંપન અને લેસરની નકારાત્મક અસરો પણ થતી હોય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઘોંઘાટ હવે ભારતીય શહેરોના જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે, ખાસ કરીને મુંબઈ જેવાં મહાનગરોમાં.

સુમૈરા કહે છે, “આજકાલ મુંબઈમાં ધ્વનિપ્રદૂષણનું સૌથી મોટું કારણ નિઃસંદેહ બાંધકામ પ્રવૃત્તિ છે, કારણ કે તે આખું વર્ષ ચાલતી રહે છે. હાનિકારક ઘોંઘાટ એક મિનિટ માટે પણ સહન ન કરી શકાય. તહેવારોમાં ઘોંઘાટ એક નિશ્ચિત સમયગાળા માટે હોય છે અને હવે મોટા ભાગે સમયમર્યાદાનું કડક પાલન પણ કરવામાં આવે છે.”

જોકે, બાંધકામનું કામ મહિનાઓ સુધી સતત ચાલતું હોય છે અને ઘોંઘાટ પર નિયંત્રણ હોતું નથી. ખાસ કરીને ડ્રિલિંગ મશીનોથી થતો અવાજ અત્યંત ત્રાસદાયક હોય છે.

સુમૈરા જણાવે છે, “બાંધકામ માટે જમીનમાં ખોદકામ સમયે જ્યારે ડ્રિલને બહાર કાઢીને તેની સફાઈ માટે ફેરવવામાં આવે છે, ત્યારે ધાતુ સાથે ધાતુ અથડાતાં અવાજનું સ્તર 120 ડેસિબલ સુધી પહોંચી શકે છે.”

તેમનું કહેવું છે કે “ડેવલપરો બાંધકામમાંથી નફો કમાય છે, પરંતુ તેઓ ઓછી ધ્વનિ ઉત્પન્ન કરતાં સાધનોનો ઉપયોગ કરવા માગતા નથી અથવા તેની જાળવણી અને સફાઈ પર વધારાનો ખર્ચ કરવા તૈયાર હોતા નથી.”

તેઓ કહે છે, “અમે એવું નથી કહેતાં કે તહેવારો, બાંધકામ અથવા બીજી પ્રવૃત્તિઓ બંધ કરી દેવી જોઈએ. અમે માત્ર એટલું જ કહીએ છીએ કે ઉપલબ્ધ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરો અને ઘોંઘાટને અન્ય પર બોજ ન બનવા દો.”

માત્ર ડેસિબલનું સ્તર માપવું પૂરતું નથી, કારણ કે ગીચ વસ્તીવાળાં શહેરોમાં બંધ જગ્યાઓ અને કૉન્ક્રિટનાં માળખાંને કારણે ઘોંઘાટની તીવ્રતા અનેક ગણી વધી જાય છે. શાંત સ્થળે મોબાઇલ ફોનની ધીમી રિંગટોન પણ કેટલાક લોકો માટે તકલીફદાયક બની શકે છે.

સુમૈરા જેવાં નિષ્ણાતોનું માનવું છે કે શહેરોનાં આયોજન અને વિકાસ દરમિયાન આ બાબતોને ધ્યાનમાં લેવી જરૂરી છે.

તેઓ કહે છે, “લોકોને એવું કહીને ગેરમાર્ગે દોરવામાં આવે છે કે આ બધું માત્ર થોડા દિવસો માટે જ હોય છે. જો રાજકીય ઇચ્છાશક્તિ અને પોલીસનો સહયોગ મળે, તો ધ્વનિપ્રદૂષણના સ્તરને નિયંત્રિત કરવું મુશ્કેલ નથી.”

“હું ખૂબ જ આશાવાદી અને સકારાત્મક છું. મને ખરેખર આશા છે કે આ મુદ્દા પર જેટલા બધા લોકો ચર્ચા કરી રહ્યા છે, એક થઈ રહ્યા છે અને પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે, તેનાથી જરૂરી રાજકીય દબાણ ઊભું થશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS