Home તાજા સમાચાર gujrati ‘મહિને લગભગ 70 લાખ રૂ.’: શું ભારતે મોદીની પ્રશંસા કરાવવા માટે ટ્રમ્પને...

‘મહિને લગભગ 70 લાખ રૂ.’: શું ભારતે મોદીની પ્રશંસા કરાવવા માટે ટ્રમ્પને પૈસા ચૂકવ્યા?

6
0

Source : BBC NEWS

'મહિને 75 હજાર ડૉલર': શું મોદીની પ્રશંસા કરાવવા માટે ભારતે ટ્રમ્પને પૈસા ચૂકવ્યા?

વાંચવાનો સમય: 4 મિનિટ

આ વર્ષે મે અને જૂન મહિનામાં ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને વ્હાઇટ હાઉસ વચ્ચે થયેલા કથિત સંપર્કો બાબતે મીડિયામાં આવેલા અહેવાલો બાદ વિવાદ ઊભો થયો છે.

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની લૉબિંગ કંપની એસએચડબલ્યૂ પાર્ટનર્સ એલએલસીએ વ્હાઇટ હાઉસ અને ભારતીય અધિકારીઓ વચ્ચે અનેક ફોન કૉલ્સનું આયોજન કરવામાં ભૂમિકા ભજવી હતી.

આ અહેવાલ બાદ વિપક્ષના નેતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે વડા પ્રધાન મોદીને પોતાના ‘મિત્ર’ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવા માટે પણ લૉબિંગ કંપનીની મદદ લેવી પડે છે.”

જોકે, ભારતના વિદેશ મંત્રાલયના ફૅક્ટ ચેક યુનિટે આ દાવાને ફગાવી દીધો છે. તેણે એક પત્રકારની સોશિયલ મીડિયા પોસ્ટને ભ્રામક ગણાવી છે. મંત્રાલયનું કહેવું છે કે આ મામલે પ્રસારિત થઈ રહેલા દાવા સાચા નથી.

'મહિને 75 હજાર ડૉલર': શું મોદીની પ્રશંસા કરાવવા માટે ભારતે ટ્રમ્પને પૈસા ચૂકવ્યા?

આખો મામલો શો છે?

ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાની લૉબિંગ કંપની એસએચડબલ્યૂ પાર્ટનર્સ એલએલસીએ અમેરિકાના ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન ઍક્ટ (એફએઆરએ) હેઠળ રજૂ કરેલા દસ્તાવેજોમાં જણાવ્યું છે કે તેણે આ વર્ષે મે અને જૂન મહિનામાં ભારત સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને વ્હાઇટ હાઉસ વચ્ચે આઠ ફોન કૉલ ગોઠવવામાં ભૂમિકા ભજવી હતી.

અહેવાલ અનુસાર, આ કંપનીના વડા જેસન મિલર છે.

દસ્તાવેજોમાં આ સંપર્કોને ‘રાજકીય પ્રવૃત્તિઓ’નો ભાગ ગણાવવામાં આવ્યા છે અને તેમનો મુખ્ય હેતુ ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો હોવાનું જણાવાયું છે.

અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે ભારતે એપ્રિલ 2025માં એસએચડબલ્યૂ પાર્ટનર્સ એલએલસી સાથે કરાર કર્યો હતો, જેને આ વર્ષે વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. જોકે, 23 જૂને જેસન મિલર ટ્રમ્પ વહીવટી તંત્રમાં વિશેષ સરકારી કર્મચારી તરીકે જોડાતાં આ કરાર પૂરો થઈ ગયો હતો.

અખબાર અનુસાર, મે મહિનામાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોની ભારત મુલાકાત પહેલાં વ્હાઇટ હાઉસના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ અને ભારત સરકારના અધિકારીઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. તેમાં અમેરિકાના નાણામંત્રી સ્કૉટ બેસન્ટ, નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇકલ નીધમ અને આતંકવાદવિરોધી તથા નાણાકીય ગુપ્તચર વિભાગનાં અન્ડર સેક્રેટરી જેન લેંગનો સમાવેશ થતો હતો.

અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે જૂનમાં માર્કો રુબિયોની ભારત મુલાકાત પછી પણ ભારત સરકાર અને અમેરિકાના વહીવટી તંત્ર વચ્ચે ઉચ્ચ સ્તરે સંપર્કો થયા હતા.

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ ફરી પ્રમુખ તરીકે ચૂંટાયા પછી વૉશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસે બે મોટી લૉબિંગ કંપનીઓની સેવાઓ લીધી હતી. આ બંને કંપનીઓનું નેતૃત્વ ટ્રમ્પના નજીકના સાથીઓ કરતા હતા.

તેમાંની એક કંપની મર્ક્યુરી પબ્લિક અફેર્સ હતી. તેને દર મહિને 75,000 ડૉલરની રિટેનરશિપ પર કામ સોંપવામાં આવ્યું હતું. કંપનીની મુખ્ય ટીમમાં બ્રાયન લાન્ઝાનો પણ સમાવેશ થતો હતો, જેઓ અગાઉ ટ્રમ્પની ટ્રાન્ઝિશન ટીમમાં કમ્યુનિકેશન ડિરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા હતા.

અહેવાલ પ્રકાશિત થયા પછી વરિષ્ઠ પત્રકાર સીમા ચિશ્તીએ આ મામલે એક્સ પર પોસ્ટ કરી હતી. તેના જવાબમાં ભારતના વિદેશ મંત્રાલયના ફૅક્ટ ચેક યુનિટે આ સમગ્ર બાબત અંગે ઊભી થયેલી છાપ ‘ભ્રામક’ હોવાનું જણાવ્યું હતું.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, અમેરિકામાં દૂતાવાસો દ્વારા લૉબિંગ કંપનીઓની સેવાઓ લેવાની પ્રથા સામાન્ય અને લાંબા સમયથી ચાલી આવે છે. વૉશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ પણ 1948થી આવી કંપનીઓ સાથે કામ કરી રહ્યું છે.

વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે સંબંધિત એફએઆરએ દસ્તાવેજો પરથી સ્પષ્ટ થાય છે કે મર્ક્યુરી પબ્લિક અફેર્સે માત્ર સંબંધિત પોસ્ટનો પ્રસાર કરેલો.

જોકે, ‘ધ હિંદુ’નાં વરિષ્ઠ પત્રકાર સુહાસિની હૈદરે મંત્રાલયના આ વલણ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે વાસ્તવિક ચર્ચાનો મુદ્દો એ છે કે વ્હાઇટ હાઉસ સાથેના સંપર્કો લૉબિંગ કંપનીઓ મારફતે કરાવવામાં આવે એ સામાન્ય બાબત છે કે કેમ.

તેમના જણાવ્યા અનુસાર, કેટલાક ભૂતપૂર્વ રાજદ્વારીઓનું માનવું છે કે લૉબિંગ કંપનીઓ સામાન્ય રીતે કૉંગ્રેસ અને કૅપિટલ હિલમાં સંપર્કો સ્થાપવામાં તથા વિવિધ મુદ્દે કામ કરવામાં મદદ કરે છે. જ્યારે દ્વિપક્ષીય સંબંધો અંગેની ઉચ્ચ સ્તરીય ચર્ચાઓ સામાન્ય રીતે બંને દેશોના સરકારી અધિકારીઓ વચ્ચે સીધી થતી હોય છે.

વિપક્ષે કરી ટીકા

'મહિને 75 હજાર ડૉલર': શું મોદીની પ્રશંસા કરાવવા માટે ભારતે ટ્રમ્પને પૈસા ચૂકવ્યા?

કૉંગ્રેસે એક્સ પર પોસ્ટ કરીને વડા પ્રધાન મોદી પર ટીકા કરી હતી.

કૉંગ્રેસે લખ્યું હતું, “મોદી પૈસા ચૂકવીને ટ્રમ્પ પાસેથી પોતાની પ્રશંસા કરતી પોસ્ટ કરાવી રહ્યા હતા. અમેરિકાની મર્ક્યુરી પબ્લિક અફેર્સ નામની લૉબિંગ કંપનીએ જ આ વાતનો પર્દાફાશ કર્યો છે. મોદી સરકારે આ કંપનીને દર મહિને 75,000 ડૉલરના પગાર પર રાખી હતી.”

બીજી તરફ, ટીએમસીનાં સાંસદ (મમતા જૂથનાં) મહુઆ મોઇત્રાએ કહ્યું હતું, “સત્ય બહાર આવી ગયું છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે સારી વાતો કરતી પોસ્ટ કરે છે, ત્યારે તેનું કારણ એ છે કે અમે, એટલે કે ભારતના કરદાતાઓ, તેના માટે એક અમેરિકન લૉબિંગ કંપનીને પૈસા ચૂકવીએ છીએ! આ બાબત તરફ અમારું ધ્યાન દોરવા બદલ આભાર.”

કૉંગ્રેસના રાજ્યસભાના સભ્ય પવન ખેડાએ એક્સ પર લખ્યું હતું, “હવે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મોદીને પોતાના ‘મિત્ર’ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવા માટે પણ લૉબિંગ કંપનીની જરૂર પડે છે, પરંતુ હકીકત એ છે કે જ્યારે પણ ટ્રમ્પ મોદીને પોતાના ‘ખૂબ સારા મિત્ર’, ‘સાચા મિત્ર’, ‘સારા મિત્ર’ કે ‘મહાન મિત્ર’ કહે છે, ત્યારે તેની એક કિંમત ચૂકવવી પડે છે. અને આ કિંમત મોદી ભારતીય કરદાતાઓના પૈસામાંથી લૉબિંગ કંપનીને ચૂકવીને કરે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS