Home તાજા સમાચાર gujrati માંજલપુર પેટાચૂંટણીમાં ઓછું મતદાન ભાજપનો ખેલ બગાડશે કે કૉંગ્રેસને ફાયદો કરાવશે?

માંજલપુર પેટાચૂંટણીમાં ઓછું મતદાન ભાજપનો ખેલ બગાડશે કે કૉંગ્રેસને ફાયદો કરાવશે?

4
0

Source : BBC NEWS

માંજલપુરમાં ભાજપે સતીશ પટેલ (ડાબે) અને કૉંગ્રેસે ભીખા રબારીને મેદાનમાં ઉતાર્યા છે

ઇમેજ સ્રોત, Social Media

ભાજપનો ગઢ ગણાતી માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન પછી યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની અપેક્ષા કરતાં ઓછું મતદાન થયું હોવાનું મનાઈ રહ્યું છે.

અહીં ગઈ ચૂંટણીમાં જેટલી લીડ ભાજપના ઉમેદવારને મળી હતી, તેનાથી પણ ઓછું વોટિંગ થયું છે.

રાજકીય નિષ્ણાતોના મતે ઓછું મતદાન થવા પાછળ યુવા મતદાતાઓની ઉદાસીનતા, વરસાદ અને પેટાચૂંટણીમાં બે રાજકીય જૂથો વચ્ચે થયેલી મારામારી છે.

માંજલપુરની ચૂંટણીમાં ઓછું મતદાન કેમ થયું?

ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ આઠ ટર્મથી ચૂંટાઈ આવતા હતા. તેમના મૃત્યુ પછી માંજલપુરમાં પેટાચૂંટણી થવાની છે

ઇમેજ સ્રોત, Yogesh Patel/FB

ભાજપનો ગઢ ગણાતી માંજલપુરની બેઠક પર ધારાસભ્ય યોગેશ પટેલના નિધન પછી યોજાયેલી પેટાચૂંટણીમાં થયેલા ઓછા મતદાને રાજકીય પક્ષની ચિંતા વધારી દીધી છે.

ભાજપે ચૂંટણી પહેલાં તમામ બૂથ કાર્યકર્તાઓ સાથે વધુ મતદાન થાય તે માટે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં એક બેઠક કરી હતી.

તો કૉંગ્રેસે તેમના નેતાઓને અમદાવાદ અને વડોદરાની આસપાસના વિસ્તારમાંથી ઉતાર્યા હતા. આમ છતાં, મતદાન માત્ર 37.5 ટકા થયું છે, જ્યારે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલની જીતની લીડ 64.8 ટકા હતી.

જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “સામાન્ય રીતે પેટાચૂંટણીમાં ઓછું મતદાન થાય છે, પણ આ ચૂંટણીમાં મતદાન ઓછું થવાના ઘણાં પરિબળો છે.”

“સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના મુદ્દાઓ હાવી હોય છે, પણ પેટાચૂંટણીમાં સ્થાનિક મુદ્દા હાવી થઈ જાય છે.”

“અહીં યુવાનોએ મતદાન ઓછું કર્યું છે, જેની પાછળનું એક કારણ થોડા સમય પહેલાં યુવાનોના દિલ્હીના જંતર-મંતર પર થયેલા આંદોલનમાં પોલીસની ભૂમિકાએ તેમને નિરાશ કર્યા તે હોઈ શકે. “

“બીજું મહત્ત્વનું કારણ એ છે કે આ વર્ષે પડેલા વરસાદમાં માંજલપુરના લોકોએ હાલાકી ભોગવી છે, નાના દુકાનદારોને નુકસાન થયું છે, તો ઘણાં ઘરોમાં નુકસાન થયું છે.”

“તે સંજોગોમાં સુરતમાં જેમ પૂર માટે તાત્કાલિક રાહત પૅકેજની જાહેરાત થઈ, તેમ વડોદરા માટે ન થતાં લોકોમાં નારાજગી એક કારણ હોઈ શકે, જેના કારણે લોકોનો રાજકીય પક્ષમાંથી વિશ્વાસ ઊઠતો જાય છે.”

“આની પરિણામ પર શું અસર પડશે તે કહેવું વહેલું છે, પણ જીતનું માર્જિન ઓછું હશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.”

તો જાણીતા રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “પેટાચૂંટણીમાં ઓછું મતદાન થાય તે સ્વાભાવિક છે, પણ માંજલપુરની પેટાચૂંટણીમાં ગઈ ચૂંટણીમાં ઉમેદવારને મળેલી લીડ કરતાં ઓછું મતદાન થવાનાં સ્થાનિક કારણો તો છે જ, પણ બૅન્ક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા ભાજપના ઉમેદવાર પોતાના સમર્થકોને મોબિલાઇઝ ન કરી શક્યા એવું લાગી રહ્યું છે.”

“કારણ કે ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓએ પેજ પ્રમુખ અને હોદ્દેદારો સાથે કરેલી બેઠક પછી પણ મતદાન ઓછું થયું, એ કદાચ ભાજપના કાર્યકર્તાઓનો જીત માટેનો ઓવરકૉન્ફિડન્સ હોઈ શકે, પણ તેનાથી વધુ લોકોની રાજકીય પક્ષ પ્રત્યેની ઉદાસીનતા વધુ કારણભૂત દેખાય છે.”

“પેટાચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો હાવી હોય છે, ત્યારે તાજેતરમાં પડેલા વરસાદ, વેપારીઓને નુકસાન, યુવા મતદાતાની ઉદાસીનતાની સાથે સાથે પહેલીવાર મહિલા મતદાતાઓની ઉદાસીનતા પણ જોવા મળી છે, જે ઓછા મતદાન માટેનું કારણ હોઈ શકે.”

“યુવા અને મહિલા મતદાતાઓની ઉદાસીનતા ઓછા મતદાન માટે જવાબદાર છે, કારણ કે 2022 પછી મે 2024માં યોજાયેલી 5 વિધાનસભાની પેટાચૂંટણીમાં હોય કે નવેમ્બર 2024 અને જૂન 2025માં યોજાયેલી કુલ 8 પેટાચૂંટણીઓમાં આટલું ઓછું મતદાન નથી થયું.”

“અલબત્ત, આ રાજકીય પક્ષ માટે એક સબક છે કે 2027માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મતદાતાઓને રીઝવવા માટે નવી સ્ટ્રેટેજી બનાવવી પડશે.”

‘વડોદરા ગુજરાત સમાચાર’ આવૃત્તિના નિવાસી તંત્રી વિનોદ ભટ્ટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “મતદાન ઓછું થવાનાં કારણોમાં એક તો એ છે કે યોગેશ પટેલ મૂળ અમદાવાદી પોળમાંથી અહીં આવેલા અને માંજલપુરમાં અમદાવાદી પોળના લોકોનું પ્રભુત્વ છે, જે યોગેશ પટેલની કોર વોટબૅન્ક હતી.”

“36 વર્ષથી લોકોની વચ્ચે રહેનાર યોગેશ પટેલ ન હોવાને કારણે પણ ઉદાસીનતા જોવા મળી એમ કહીએ તો ખોટું નહીં ગણાય. જ્યારે ભાજપના સતીશ પટેલ મૂળ છાણીના છે.”

“પેટાચૂંટણીમાં પહેલેથી મતદાન ઓછું થાય છે, એમાં યુવાનો અને મહિલાઓની મતદાન પ્રત્યેની ઉદાસીનતા ઓછા મતદાનનું કારણ છે.”

“એ ઉપરાંત વરસાદ અને કામકાજનો દિવસ હોવાથી મતદાન ઓછું થયું છે. બીજું કે વડોદરા સંવેદનશીલ શહેરમાં ગણાય છે, અને ચૂંટણી વખતે થયેલી મારામારીના સમાચાર વહેતા થયા પછી પણ લોકોએ મતદાન કરવાનું ટાળ્યું હોય એ પણ એક કારણ છે.”

શું કહે છે રાજકીય પક્ષ?

લિટલ ફ્લાવર સ્કૂલ નજીક ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા

ઇમેજ સ્રોત, Hardik

ભાજપના પ્રવક્તા પ્રશાંત વાળાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “ભૂતકાળમાં જે પેટાચૂંટણીઓ યોજાઈ એ શહેરી વિસ્તારમાં નહોતી, જ્યારે માંજલપુરની ચૂંટણી શહેરી વિસ્તારમાં હતી.”

“ગુજરાતની તાસીર રહી છે કે શહેરી વિસ્તારમાં પેટાચૂંટણી યોજાય તો 35 ટકાથી 40 ટકા વચ્ચે મતદાન થાય છે, એટલે ઓછું મતદાન થયું છે એમ ન કહી શકાય.”

“ભાજપના કાર્યકર્તાઓએ કરેલી મહેનતને કારણે આટલું મતદાન થયું છે, અને અહીંથી ભાજપ જંગી બહુમતીથી જીતશે.”

તો કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ સિંહ કઠવાડિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસે એક થઈ સરકારી તંત્રને ચૂંટણીમાં દખલગીરી કરતાં રોકવામાં મહદંશે સફળ રહ્યા છીએ.”

“પણ ઓછું મતદાન ભાજપનો ગઢ ગણાતી બેઠકમાં થાય એ બતાવે છે કે લોકોને ભાજપમાં વિશ્વાસ રહ્યો નથી. આ બેઠક પરથી કૉંગ્રેસની જીત થશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS