Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાજકોટ, ટીઆરપી ગેમ ઝોનનું એક વર્ષ, ટીઆરપી, આગની ઘટના

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

  • લેેખક, ગોપાલ કટેશિયા
  • પદ, બીબીસી સંવાદદાતા, ધ્રોલ અને રાજકોટથી
  • 25 મે 2025, 10:16 IST

    અપડેટેડ એક કલાક પહેલા

“છેલ્લા એક વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે હું આ રૂમમાં આવ્યો છું. મારા દીકરા નમ્રજિતસિંહના મૃત્યુ બાદ હું અહીં આવવાની હિમ્મત કરી શક્યો નથી.”

“અમારી દીકરીને તો સાસરે વળાવી છે. હવે મારી પણ ઉંમર થઈ છે. હવે અમારા બે માણસ (પતિ-પત્ની)નું ઘડપણમાં શું થશે? અમે ખાટલે પડશું ત્યારે અમને રોટલા-પાણી કોણ આપશે?”

રાજકોટ શહેરમાં નાના માવા રોડ પર આવેલા ટીઆરપી ગેમઝોનમાં ગત વર્ષે જે આગ લાગી હતી, તેમાં પોતાનો પુત્ર ગુમાવનાર જયપાલસિંહ જાડેજાના આ શબ્દો છે.

આગ લાગ્યા બાદ જીવતા ભૂંજાઈ ગયેલાં 27 લોકોમાં તેમના પુત્ર નમ્રજિતસિંહ પણ હતા. આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે પરિવારો હજી પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

રાજકોટની ડિસ્ટ્રિક ઍન્ડ સેશન્સ કોર્ટ (જિલ્લા અને સત્ર ન્યાયાલય)માં આ કેસની ચાલી રહેલી ટ્રાયલ હજુ પ્રારંભિક તબક્કે હોવાથી કોર્ટે કોઈ ચુકાદો આપ્યો નથી.

તો, બીજી તરફ આ કેસમાં પોલીસે જેમની ધરપકડ કરી હતી અને પછી જેમની સામે કોર્ટમાં ચાર્જશીટ (આરોપનામું) દાખલ કરી છે તેવા પંદરમાંથી અગિયાર આરોપીઓ હજુ પણ જેલના સળિયાની પાછળ છે અને વિવિધ અદાલતોએ તેમની જામીન અરજીઓ વારંવાર રદ કરી છે.

‘અમને ઘડપણમાં કોણ સાચવશે?’ – પીડિત પરિવારની વ્યથા

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાજકોટ, ટીઆરપી ગેમ ઝોનનું એક વર્ષ, ટીઆરપી, આગની ઘટના

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

27 લોકો મૃત્યુ પામ્યાં તેમાં જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રહીશ 22 વર્ષના સુરપાલસિંહ જાડેજાનો પણ સમાવેશ થાય છે. સુરપાલસિંહ બે ભાઈમાં મોટા હતા અને તેઓ રાજકોટની એક ખાનગી કૉલેજમાં અભ્યાસ કરવાની સાથે પોલીસ અધિકારી બનવા માટે ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા. તેમના પિતા અનિરુદ્ધસિંહ અને માતા અનસૂયાબા ખેડૂત છે.

જ્યારે ગેમઝોનમાં આગની ઘટના બની ત્યારે સુરપાલસિંહ સાથે તેમના મિત્ર નમ્રજિતસિંહ જાડેજા પણ તેમની સાથે હતા. 22 વર્ષના નમ્રજિતસિંહના પિતા પણ ખેડૂત છે અને તેઓ તેમનાં માતાપિતાના એકમાત્ર સંતાન હતા.

ટીઆરપીની વાત કોઈ ચાલુ કરે એટલે અનસૂયાબાની આંખમાંથી આંસુ સરવાં માંડે છે.

ચોધાર આંસુઓ રડતાં તેઓ કહે છે કે, “મારા દીકરાને આર્મીમાં જવું હતું અને મને કહેતો કે, દેશ માટે કામ કરીશું તો નામ થશે અને દરેક વ્યક્તિ ઓળખશે. પરંતુ મેં ના પાડતાં તેણે કહ્યું કે તે ગુજરાત પોલીસમાં જોડાશે. આ માટે તેણે તૈયારી પણ શરૂ કરી હતી.”

“મને પગની તકલીફ હોવાથી અમે તેની સગાઈ કરી દીધી હતી અને ડિસેમ્બર 2024માં તો તેનાં લગ્ન કરવાના હતા. પરંતુ ગેમઝોનમાં આગ લાગતા ત્યાં તે હાજર બીજા લોકોને બચાવવા લાગ્યો હતો. લોકોને બચાવવા જતાં મારા દીકરાએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. મારો દીકરો એક સાવજ હતો.”

તેઓ કહે છે, “શ્રવણની જેમ અમારી સેવા કરવાનો સમય આવ્યો ત્યારે ભગવાને તેને બોલાવી લીધો. તે દિવસે ભગવાન કે માતાજી આડે ન આવ્યાં. અમે ધમીને (તરીને) માંડ કાંઠે પહોંચ્યાં ત્યાં તો કાંઠો જ આઘો જતો રહ્યો. છોકરાની જિંદગી ગઈ અને અમારું ઘડપણ ગયું. રાજા ભોજ જેવા દીકરા વળાવ્યા હોય એને શાંતિ હોય? મારી તો આખી દુનિયા ઝાંખી પડી ગઈ છે.”

‘સરકાર હવે કેવો ન્યાય કરશે?’

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાજકોટ, ટીઆરપી ગેમ ઝોનનું એક વર્ષ, ટીઆરપી, આગની ઘટના

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

આવી જ સ્થિતિ નમ્રજિતસિંહના પરિવારજનોની છે. બીકોમ કરવાની સાથેસાથે તેઓ એક ફાઇનાન્સ કંપનીમાં નોકરી કરતા હતા. ધ્રોલમાં નવું મકાન લેવા માટે બૅન્કમાંથી લીધી હતી. અગ્નિકાંડ થયો તેના ત્રણ મહિના અગાઉ જ તેમનાં લગ્ન થયાં હતાં.

બીબીસીએ જ્યારે તેમના ઘરની મુલાકાત લીધી ત્યારે ઉપલા માળે આવેલ નમ્રજિતસિંહના બેડરૂમ અને લિવિંગરૂમમાં તેમનાં પત્નીએ કરિયાવરમાં લાવેલી સંખ્યાબંધ વસ્તુઓ અને કપડાંની જોડીઓ પૂંઠાના બૉક્સમાં અને પ્લાસ્ટિકની થેલીઓમાં પૅક થઈને પડ્યાં હતા.

જયપાલસિંહ કહે છે કે, “અમારા ગામ અને ધ્રોલ વચ્ચે બાવની નદી આવે છે અને મને ડર રહેતો કે છોકરો ભણવા જાય છે અને નદીમાં ક્યારેક પૂર હશે ને તે ઊતરશે તો ન થવાનું થશે. તેથી, અમે બે વર્ષ અગાઉ ધ્રોલમાં જ આ મકાન લઈ લીધું. પણ થવાનું હતું તે થઈ ને જ રહ્યું. વહુનો કરિયાવર એમ જ પડ્યો રહ્યો છે.”

તેમનાં માતા દિવ્યાબા અનુસાર દીકરાના મૃત્યુ બાદ તેમનું અને પતિનું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય કથળતા બંનેને મોંઘી દવાઓનો સહારો લેવો પડ્યો છે.

આક્રોશ સાથે તેઓ કહે છે, “જે લોકો મારા દીકરાના મોત માટે જવાબદાર છે તેઓ મોટાં માથાં છે અને છૂટથી ફરી રહ્યાં છે. બીજા લોકોને બચાવવા જતાં મારા દીકરાનું મૃત્યુ થયું છે. જમ્મુ-કાશ્મીરમાં છવ્વીસ લોકોની હત્યા થઈ તો સરકારે પાકિસ્તાન સાથે યુદ્ધ કર્યું. તો અહીં પણ સત્યાવીસ લોકોના જીવ ગયા છે. હવે એમાં સરકાર કેવો ન્યાય કરશે?”

બે દીકરી અને જમાઈ ગુમાવતાં પરિવાર નોધારો

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાજકોટ, ટીઆરપી ગેમ ઝોનનું એક વર્ષ, ટીઆરપી, આગની ઘટના

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

તો વળી, રાજકોટના યુનિવર્સિટી રોડ પર રહેતા 53 વર્ષીય અશોક મોડાસિયા અને તેમનાં પત્ની અમિતાબહેન કાળજું કઠણ કરી દિવસો પસાર કરી રહ્યાં છે. આ દંપતીને સંતાનોમાં બે દીકરી હતી.

મોટી દીકરી ખુશાલી અને નાની દીકરી ટીશા. 29 ફેબ્રુઆરી, 2024ના રોજ વેરાવળની એક બૅન્કમાં નોકરી કરતા વિવેકે દુસારા નામના યુવક સાથે ખુશાલીનાં લગ્ન થયાં હતાં.

લગ્નના ત્રણ મહિના પછી વિવેક ખુશાલીને તેડવા અને લગ્નની નોંધણી પ્રમાણપત્ર માટેના જરૂરી કાગળો લેવા માટે રાજકોટ આવ્યા હતા. બે બહેનો અને વિવેક ટીઆરપી ગેમઝોનમાં ગયાં અને ત્રણેય કાળનો કોળિયો બની ગયાં. હવે મોડાસિયા દંપતી “નોધારું” બની ગયું છે.

બીબીસી સાથે વાત કરતાં અશોકભાઈ કહે છે કે, “અમારું કામ છે લોકોનાં કપડાંને ઈસ્ત્રી કરી આપવાનું. આ કામમાં ખૂબ એકાગ્રતા જોઈએ. જો થોડી વાર પણ બેધ્યાન થઈએ તો લોકોનાં કપડાં સળગી જાય. તેથી અમારું ગુજરાન ચલાવવા અમે કામ તો ચાલુ રાખ્યું, પણ તે અડધું કરી નાખ્યું છે. કામ કરતાં કરતાં દીકરીઓની યાદ આવી જાય અને કંઈક થઈ જાય તો? હવે બહુ થાક લાગે છે. અમારી દીકરીઓ જતી રહેતા હવે ઘર ખાલી લાગે છે.”

“હવે અમારું તો કોઈ રહ્યું નથી. અમારું ઘડપણમાં શું થશે એની ચિંતા તો છે જ. પણ ભગવાન રાખશે તેમ રહીશું તેમ વિચારીને દીકરીયુંના આત્માની શાંતિ માટે જે થઈ શકે તે કરીએ છીએ.”

ટીઆરપી ગેમઝોનની કોર્ટ કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાજકોટ, ટીઆરપી ગેમ ઝોનનું એક વર્ષ, ટીઆરપી, આગની ઘટના

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ગુજરાત સરકારે આ કેસમાં રાજકોટના જાણીતા વકીલ તુષાર ગોકાણીની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી છે. પીડિત પરિવારો વતી વકીલ સુરેશ ફળદુ પણ રજૂઆતો કરી રહ્યા છે.

જુલાઈ 2024માં પોલીસે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ મૅજિસ્ટ્રેટની કોર્ટે આ કેસની સુનાવણી સેશન્સ કોર્ટને ટ્રાન્સફર કર્યો છે. હાલમાં સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી ચાલી રહી છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સુરેશ ફળદુ કહે છે કે, “કોર્ટે આરોપીઓને તેમની સામેના ડ્રાફ્ટ ચાર્જિસ (પ્રાથમિક આરોપો) સંભળાવી દીધા છે. આરોપીઓએ કોર્ટને જણાવ્યું છે કે આ કેસમાં તેમણે કોઈ ગુનો કર્યો નથી અને કેસમાંથી ડિસ્ચાર્જ (નિર્દોષ છોડી મૂકવાની) અરજી કરી છે. હાલ કોર્ટમાં ડિસ્ચાર્જ અરજીની સુનાવણી ચાલી રહી છે.”

તેઓ વધુમાં જણાવે છે કે, “આ એક લાંબી પ્રક્રિયા રહેશે એવી મારી ધારણા છે. જો સેશન્સ કોર્ટ આરોપીઓની ડિસ્ચાર્જ કરવાની અરજીઓ ફગાવી દે તો તેની સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી શકે છે. હવે જો ગુજરાત હાઇકોર્ટ એવો આદેશ કરે કે, જ્યાં સુધી ડિસ્ચાર્જ અરજીઓનો નિકાલ નહીં આવે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને સ્થગિત રહેશે તો એવી સ્થિતિમાં રાજકોટની સ્થાનિક કોર્ટમાં આ કેસની કાર્યવાહી આગળ નહીં વધે.”

ટીઆરપી કેસમાં કેટલા આરોપી છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાજકોટ, ટીઆરપી ગેમ ઝોનનું એક વર્ષ, ટીઆરપી, આગની ઘટના

આ કેસમાં રાજકોટ શહેર પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)એ કુલ પંદર આરોપીની ધરપકડ કરી હતી. તેમાંથી સાત લોકો ટીઆરપી ગેમઝોન સાથે સંકળાયેલા છે જ્યારે બીજા આરોપીઓ અન્ય આઠ રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન અધિકારીઓ-કર્મચારીઓ છે.

ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિઓમાં ટીઆરપી ગેમઝોનના માલિક-સંચાલકો ધવલ ઠક્કર, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડ, અશોકસિંહ જાડેજા અને તેમના નાનાભાઈ કિરીટસિંહ જાડેજા, ટીઆરપી ગેમઝોનના તે વખતના મૅનેજર નીતિન જૈન ઉર્ફે નીતિન લોઢા અને રાહુલના કાકા મહેશ રાઠોડનો સમાવેશ થાય છે.

રાજકોટ પોલીસ અનુસાર ટીઆરપી ગેમઝોનમાં સ્નો પાર્ક માટે એક નવા શેડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. શેડ બનાવવાનો કૉન્ટ્રાક્ટ મહેશ રાઠોડને આપવામાં આવ્યો હતો. આ શેડ બનાવવા વેલ્ડિંગ કરતી વખતે તણખા ઝરતા ગેમઝોનમાં આગ લાગી હતી.

પોલીસ અનુસાર ટીઆરપી ગેમઝોન 2021માં ચાલુ થયો હતો, પરંતુ તેનો બે માળ જેટલો ઊંચો પતરાનો શેડ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાંનિંગ એટલે કે નગર-નિયોજન વિભાગની પૂર્વ મંજૂરી વગર જ બાંધવામાં આવ્યો હતો. તેમજ માલિક-સંચાલકોએ આ ગેમઝોનના શેડ માટે રાજકોટની ફાયર અને ઇમર્જન્સી વિભાગની મંજૂરી પણ લીધી ન હતી.

રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ચીફ ટાઉન પ્લાનિંગ ઑફિસર મનસુખ સાગઠિયાને આ વિશે માહિતી હોવા છતાં કોઈ પગલાં ન લેતા તેમની કથિત ગુનાહિત બેદરકારી દાખવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

આવા જ આરોપસર પોલીસે રાજકોટ મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર મુકેશ મકવાણા, રાજેશ મકવાણા અને ગૌતમ જોશી ઉપરાંત ટાઉન પ્લાનિંગ વિભાગના આસિસ્ટન્ટ એન્જિનિયર જયદીપ ચૌધરીની પણ ધરપકડ કરી હતી.

રાજકોટ શહેરના તત્કાલીન ચીફ ફાયર ઑફિસર ઇલેશ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસર ભીખા ઠેબા અને રાજકોટના કાલાવડ રોડ ફાયર સ્ટેશનના તત્કાલીન સ્ટેશન ઑફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાજકોટ, ટીઆરપી ગેમ ઝોનનું એક વર્ષ, ટીઆરપી, આગની ઘટના

ઇમેજ સ્રોત, Getty Images

પોલીસનો દાવો છે કે ટીઆરપી ગેમઝોનમાં સપ્ટેમ્બર 2023માં પણ આગ ફાટી નીકળી હતી. આ વિશે માહિતી હોવા છતાં અધિકારીઓએ ગેમઝોન સામે કોઈ કાર્યવાહી કરી ન હતી.

આ ઘટના બાદ ત્રણ-ચાર દિવસમાં જ સરકારે રાજકોટ શહેરના તત્કાલીન પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરી અને ટીઆરપી ગેમઝોન જેની હદમાં આવતો તો તે ઝોન-2ના ડેપ્યુટી પોલીસ કમિશનર સુધીર દેસાઈની બદલીનો ઑર્ડર કર્યો હતો.

ઉપરાંત, સરકારે રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની પણ બદલી કરી નાખી હતી. સાથે જ સરકારે પોલીસ ઇન્સ્પેક્ટર વીઆર પટેલ અને એનઆઈ રાઠોડને ફરજમાં કથિત બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દીધા હતા.

ટીઆરપી ગેમઝોનના માલિકોએ જ્યારે ટિકિટ વેચવા બદલ જરૂરી બુકિંગ લાઇસન્સ મેળવવા રાજકોટ શહેર પોલીસને અરજી કરી હતી ત્યારે વીઆર પટેલ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હતા અને એનઆઈ રાઠોડ શહેર પોલીસની લાઇસન્સ બ્રાન્ચના ઇનચાર્જ હતા.

તપાસમાં સામે આવ્યું હતું કે વિવિધ વિભાગના જરૂરી અભિપ્રાયો વગર જ આ બંને પોલીસ અધિકારીઓએ ટીઆરપી ગેમઝોનને લાઇસન્સ આપી દીધું હતું.

ઘટના બાદ રાજ્ય સરકારે માર્ગ અને મકાન વિભાગની રાજકોટ ખાતેની ઑફિસમાં ફરજ બજાવતા તત્કાલીન એક્ઝિક્યુટિવ એન્જિનિયર એમઆર સુમા અને આસિસ્ટન્ટ એન્જિનિયર પારસ કોઠિયાને પણ સસ્પેન્ડ કરી દીધા હતા. આ બંને અધિકારીઓ સામે આક્ષેપ હતો લાઇસન્સ માટેનો અભિપ્રાય આપતી વખતે બંને પોલીસ અધિકારીઓએ ગેમઝોનની પૂરતી ચકાસણી કરી નહોતી.

તપાસ દરમિયાન રાજકોટ પોલીસે સાગઠિયા સામે બનાવટી રેકૉર્ડ ઊભા કરવા બદલ અને ભ્રષ્ટચાર આચરવા બદલ અલગથી કેસ નોંધ્યા હતા. સાગઠિયા સામે ઍન્ફોર્સમેન્ટ ડાઇરેટોરેટે પણ કાર્યવાહી આદરી છે. ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસર ભીખા ઠેબા સામે પણ ભ્રષ્ટાચાર આચરવાનો કેસ નોંધ્યો છે.

કેસમાં કોને જામીન મળી ગયા છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, રાજકોટ, ટીઆરપી ગેમ ઝોનનું એક વર્ષ, ટીઆરપી, આગની ઘટના

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

આ કેસમાં ગુજરાત હાઇકોર્ટે 30 જાન્યુઆરી, 2025ના રોજ ગૌતમ જોશી, રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની જામીન આપ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના સસ્પેન્ડ થયેલા આ ત્રણેય કર્મચારીઓ લગભગ છ મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા હતા.

જોકે, હાઇકોર્ટે તે જ દિવસે ખેર, અશોકસિંહ અને કિરીટસિંહની જામીન અરજી ફગાવી દીધી હતી. ફેબ્રુઆરી 2025માં રાજકોટની સેશન્સ કોર્ટે મુકેશ મકવાણાની જામીન અરજી ગ્રાહ્ય રાખતા તેમની પણ જેલમુક્તિ થઈ હતી.

ફળદુ કહે છે કે, “હાલ આ કેસમાં ચાર આરોપીને જામીન મળી ગયા છે જ્યારે બાકીના અગિયાર આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.”

આ ઉપરાંત, ફળદુ કહે છે કે યુવરાજસિંહ, સાગઠિયા, જોશી, ચૌધરી, રાજેશ મકવાણા અને ભીખા ઠેબા એમ કુલ છ આરોપીઓએ તેમની સામેના આરોપો નકારી કાઢ્યા છે અને તેમને આ કેસમાંથી બિનતહોમત છોડી મૂકવાની અરજી ટ્રાયલ કોર્ટમાં કરી છે અને તેની સુનાવણી ચાલી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS