Home તાજા સમાચાર gujrati લાહોરના ઘરના હિન્દુ માલિકે જ્યારે મુસ્લિમ કબજેદારને પત્ર લખ્યો, ભારતના ભાગલાની ભાવુક...

લાહોરના ઘરના હિન્દુ માલિકે જ્યારે મુસ્લિમ કબજેદારને પત્ર લખ્યો, ભારતના ભાગલાની ભાવુક કહાણી

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Arif Shamim

ભારત અને પાકિસ્તાનના વિભાજનની 60મી વર્ષગાંઠ નિમિત્તે, મેં બીબીસી વર્લ્ડ સર્વિસ માટે એક ડૉક્યુમેન્ટરી બનાવી હતી – લેટર્સ ફ્રૉમ પાર્ટિશન.

તેને બનાવ્યાને 19 વર્ષ વીતી ચૂક્યાં છે અને આ વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું છે, પણ શું 1947ની પેઢીમાં ભાગલા કે વિભાજનનું દર્દ ઓછું થયું છે?

તાજેતરમાં, બૉલિવૂડના જાણીતા દિગ્દર્શક ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘મૈં વાપસ આઉંગા’માં ઉપખંડના ભાગલાની પીડા, વિયોગનું દુઃખ અને પોતાની માટી પ્રત્યેના પ્રેમની કથા કહેવાઈ છે.

તો શું 1947ના લોહિયાળ વિભાજનને યાદ રાખનારી આ છેલ્લી પેઢી છે? કદાચ આ સાચું હોય, પરંતુ મારો અનુભવ અલગ છે અને હું તેને આ રીતે જ યાદ રાખવા માગું છું.

આ કથા કહેવા માટે આપણે ભૂતકાળમાં જવું પડશે, વિભાજનના એ સમયગાળામાં, જ્યારે લાખો લોકોએ બલિદાન આપ્યું.

ચાલો જઈએ લાહોર, જ્યાં અમૃતસરથી વિસ્થાપિત થઈને આવેલા મારી અમ્મીના માસા અને સગપણે મારા નાના થતા ચૌધરી મોહમ્મદ લતીફને શહેરના એક મધ્યમવર્ગીય વિસ્તાર, કૃષ્ણ નગરમાં એક મકાન ફાળવવામાં આવ્યું. ઘરનું સરનામું હતું – 32 પાંડૂ સ્ટ્રીટ.

બીબીસી

ત્યાં રહેતાં તેમને થોડા દિવસો જ થયા હતા કે તેમના સરનામે એક પત્ર આવ્યો. મોકલનારે પત્રના પરબીડિયા પર સરનામું લખ્યું હતું –

To The Occupant

House No 32 Pandoo Street

Krishan Nagar, Lahore

આ પત્ર હરકિશનદાસ બેદીએ લખ્યો હતો, જે વિભાજન દરમિયાન આ જ ઘરમાં રહેતા હતા. આ ઘર બેદીસાહેબે થોડાં વર્ષો પહેલાં જ બહુ પ્રેમથી બનાવડાવ્યું હતું.

તેમને ખબર પડી કે પાછા ફરવાનો એક માત્ર રસ્તો એ છે કે સરકાર તેના માટે સંમત થાય. સાથે જ, મકાનના વર્તમાન માલિકની સંમતિ હોય અને તે તમને તમારી વસ્તુઓ આપવા માટે તૈયાર હોય.

આ પ્રયાસમાં હરકિશનદાસ બેદી લાહોર ગયા, પણ કમનસીબે ચૌધરી લતીફ ઘરે નહોતા, તેથી તેઓ પોતાનો કોઈ સામાન સાથે લાવી શક્યા નહીં.

તેઓ પાછા ફર્યા અને પહેલો પત્ર લખ્યો, જે કંઈક આ મુજબ હતો-

‘મને લાગ્યું કે ગરબડ બંધ થશે અને અમે લાહોરમાં જ રહીશું’

બીબીસી ગુજરાતી

તસ્લીમ,

હું તમને આ પત્ર એક માણસ તરીકે લખી રહ્યો છું. આશા છે કે તમે એવું નહીં વિચારો કે એક હિંદુ તમને પત્ર લખી રહ્યો છે. સૌ પ્રથમ આપણે માણસ છીએ, હિંદુ અને મુસ્લિમ પછી.

મને પૂરેપૂરી આશા છે કે તમે પણ એક માણસ તરીકે મારા પત્રનો જવાબ આપશો.

હું 17 સપ્ટેમ્બરે કૃષ્ણનગર સ્થિત 32 પાંડૂ સ્ટ્રીટ ખાતે મારું ઘર જોવા ગયો હતો. ત્યાં પહોંચીને મને ખબર પડી કે મારું ઘર કોઈ બીજાને ફાળવી દેવામાં આવ્યું છે, આથી હું ઘરેથી મારો કોઈ પણ સામાન લઈ જઈ શક્યો નહીં.

હું બાળકોનાં કપડાંની એક નાની પેટી મારી સાથે લઈ જવા ઈચ્છતો હતો, પણ પોલિસે મને તે લઈ જવાની મંજૂરી આપી નહીં. ખેર, જવા દો. હવે હું મારા કામની વાત પર આવું.

હું સનાતન ધર્મ હાઈસ્કૂલમાં અંગ્રેજી અને ગણિતનો શિક્ષક હતો. મારા વિદ્યાર્થીઓ હિંદુ, મુસ્લિમ અને શીખ હતા અને મારી નજરમાં તેમની વચ્ચે કશો ભેદ નહોતો. તમે ચૌધરી સિરાજદિનને પૂછી શકો છો, મેં અને દીનાનાથે તેમના ઘરનું તમામ રીતે રક્ષણ કર્યું હતું.

તેઓ કૃષ્ણનગરમાં રહેતા નહોતા, પણ અમે તેમના ઘરને કોઈ પણ પ્રકારનું નુકસાન થવા ન દીધું.

શાળા બંધ હતી. લાહોરમાં બહુ અંધાધૂંધી મચી હતી. હું મારાં બાળકો સાથે રજાઓ ગાળવા ગયો હતો અને મારો બધો સામાન ઘેર જ હતો. મને લાગ્યું હતું કે ગરબડ બંધ થઈ જશે અને અમે લાહોરમાં જ રહીશું, પાકિસ્તાન હોય કે ન હોય.

પણ કુદરતને એ મંજૂર નહોતું. હું સમયસર લાહોર પાછો ફરી શક્યો નહીં અને મારો બધો સામાન વગેરે જતો રહ્યો.

જે દિવસે હું મારે ઘેર ગયો, ત્યારે મારાં પુસ્તકો, ફર્નિચર અને મારો થોડોઘણો સામાન ત્યાં હતો, પણ તેને હું મારી સાથે લાવી શક્યો નહીં અને ખાલી હાથે પાછો ફર્યો.

ખેર, હું તમને થોડી તકલીફ આપીશ. મારી લોખંડની પેટીમાં કેટલાક ખૂબ જ મહત્ત્વના કાગળો છે… બૅન્કની પાસબુક, પોસ્ટ ઑફિસની પાસબુક, ઇન્શ્યૉરન્સની પૉલિસીઓ, રોયલ્ટીના કેટલાક કાગળો અને પુસ્તકોના કરાર છે.

તમને આ વસ્તુઓ મારી પેટીમાં મળે, તો તેને રજિસ્ટર્ડ ટપાલથી જરૂર મોકલી આપશો. લોખંડની પેટીની ચાવીઓ કાચના કબાટમાં હતી અને 17 સપ્ટેમ્બરે મેં લોખંડની પેટી ખુલ્લી પડેલી જોયેલી.

હું તમને વિનંતી કરું છું કે પોસ્ટ ઑફિસની પાસબુક, રોયલ્ટીનાં કાગળો અને પુસ્તકોના કરાર ટપાલ દ્વારા મારા સરનામે મોકલી આપશો. કૃપા કરીને વીમા કંપનીની પૉલિસીઓ પણ સાથે મોકલશો, અને પેટીમાં મારા ઘરની રજિસ્ટ્રી અને બે રજિસ્ટ્રીઓ મૂકેલી છે. આ બધા મારા માટે ખૂબ જ મહત્ત્વના દસ્તાવેજો છે.

આશા છે કે તમે આ બધી વસ્તુઓ મોકલવાની કૃપા કરશો. તમે જોઈ શકો છો કે આ કાગળો મારા માટે કેટલા કીમતી છે. શું લખું? હું બેઘર છું, મારી પાસે પૈસા નથી અને મારી નોકરી જતી રહી છે. હું કંઈ કરી શકતો નથી. મને ખબર નથી કે મારું બાકીનું જીવન કેવી રીતે પસાર થશે.

તમારી મદદથી મારી મુશ્કેલીઓ કંઈક અંશે ઓછી થઈ શકે છે. તમારા માટે આ માત્ર કાગળો હશે, પણ મારા માટે એ જીવનનો સહારો છે. આ માનવીય સંબંધ અને ભાઈચારાના નામે હું તમને મદદની વિનંતી કરું છું.

મારી લાઇબ્રેરીમાં ઘણાં બધાં પુસ્તકો છે. તમે તેમને એક કોથળામાં મૂકીને સ્ટોરમાં રાખી શકો છો. પરિસ્થિતિ સરખી થતાં જ હું આવીશ અને તેને લઈ જઈશ. જે વસ્તુઓની તમને જરૂર ન હોય, તે પણ એક કોથળામાં મૂકી દેજો. તમે વાસણો અને ફર્નિચરનો ઉપયોગ કરી શકો છો.

મારી લાઇબ્રેરીમાં ઘણાં જૂનાં અને દુર્લભ પુસ્તકો છે. કૃપા કરીને તેમને પણ એક કોથળામાં સુરક્ષિત મૂકી દેજો. પરિસ્થિતિ સુધરતાં જ હું એ પાછાં લઈ જઈશ.

તમારે હોશિયારપુર અથવા જલંધરથી કોઈ કામ કરાવવું હોય કે કંઈ મંગાવવું હોય, તો મને જરૂર લખજો. તમારા માટે એ કામ કરવામાં મને આનંદ આવશે.

હું હંમેશાં પ્રાર્થના કરું છું કે પરિસ્થિતિ સુધરે… અને આપણે હિંદુ અને મુસ્લિમ, ભારત અને પાકિસ્તાનમાં શાંતિ અને ચેનથી જીવન વિતાવી શકીએ.

તમારો શુભેચ્છક

હરકિશનદાસ બેદી, બી.એ., બી.ટી.

મારફતે પંજાબ બુકસ્ટોર, માઈ હીરા ગેટ, જલંધર શહેર

જાલંધર બુક ડિપો, માઈ હીરા ગેટ, જાલંધર

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Arif Shamim

આ પત્રના જવાબમાં ચૌધરી લતીફે પણ તેમને એક પત્ર લખ્યો હતો. મેં એ પત્રની શોધ માટે ભારતમાં અમૃતસર, જલંધર અને દિલ્હીની મુલાકાત લીધી, પરંતુ ચૌધરી લતીફનો કોઈ પત્ર મળ્યો નહીં. તેમના કોઈ વંશજનો પત્તો પણ મને મળ્યો નહીં.

મારી પાસે ફક્ત એક જ કડી હતી. જલંધર બુક ડિપો, માઈ હીરા ગેટ, જલંધર.

આ સિવાય મને કંઈ જ ખબર નહોતી. મને એ ડર પણ હતો કે અડધી સદી પછી કદાચ અહીં પુસ્તકોની દુકાન રહી હશે કે કેમ, પરંતુ મારો ઇરાદો મક્કમ હતો.

સદનસીબે, દુકાન મળી ગઈ અને એ પણ જાણવા મળ્યું કે હરકિશનદાસ બેદીનું અવસાન થઈ ચૂક્યું હતું, પણ ચૌધરી લતીફના પત્રોનો કોઈ પત્તો મળ્યો નહીં.

તેનું કારણ તમને પછી જાણવા મળશે, પણ ચૌધરી લતીફના પત્રોના જવાબ અવશ્ય મળતા હતા.

વાંચો, હરકિશનદાસ બેદીએ લખેલો બીજો પત્ર –

બીબીસી ગુજરાતી

જલંધર શહેર

જનાબ મુહમ્મદ લતીફ સાહેબ,

આદાબ,

મને તમારો સ્નેહસભર પત્ર મળ્યો. મેં તમારો પત્ર બે-ત્રણ વાર વાંચ્યો. અને વાંચીને મને એવું લાગ્યું કે આ પત્ર મને એક સાચા રફીક (મિત્ર) તરફથી મળ્યો છે.

તમારો લખેલો પત્ર મેં ઘણા મિત્રોને વાંચીને સંભળાવ્યો અને સૌએ એક જ વાત કહી કે બધા હિંદુ અને મુસ્લિમોમાં પણ આવી જ ભાવના હોત, જેવી તમે તમારા પત્રમાં વ્યક્ત કરી છે, તો ભારતમાં આ ખૂનામરકી કદી ન થઈ હોત. અને આપણે, ભારત અને પાકિસ્તાનમાં રહેનારાઓ, પોતપોતાના વતનને વધુ ઊંચાઈએ લઈ ગયા હોત. પરંતુ ઈશ્વરને કદાચ એવું મંજૂર નહોતું.

જ્યારે હું વિચારું છું કે હિંદુઓ અને મુસ્લિમોએ પોતાના જ દેશવાસીઓ સાથે શું કર્યું, ત્યારે હું ધ્રૂજી ઊઠું છું. અને મારી હાર્દિક ઇચ્છા છે કે કાશ, આ ઘટનાઓ બનતાં પહેલાં જ મારી આંખો હંમેશ માટે મિંચાઈ ગઈ હોત, જેથી આવનારી પેઢીઓને તેમના વિશે જણાવવાની પણ જરૂર ન પડત.

ખેર, જે કંઈ થયું તેના માટે આપણે, સારા હિંદુ અને મુસ્લિમો, જવાબદાર નથી.

આ એક ગાંડપણ હતું, જેણે હિંદુ અને મુસ્લિમ બંનેની આંખે પાટા બાંધી દીધા હતા. અને સૌથી ખરાબ વાત એ છે કે આ બધું ધર્મ અને આસ્થાના નામે થયું.

કોઈ પણ ધર્મ આ પ્રકારની ખૂનામરકીની મંજૂરી આપતો નથી. કદાચ કુદરતે આપણી કસોટી કરી હતી, પણ આ કસોટીમાં આપણે બુરી રીતે નિષ્ફળ ગયા અને હવે દુનિયા સમક્ષ આપણો ચહેરો દેખાડી શકતા નથી.

ખેર, હું પ્રાર્થના કરું છું કે ભારત અને પાકિસ્તાનમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે. અને આપણે પહેલાંની જેમ ફરી એક જગ્યાએથી બીજી જગ્યાએ મુક્તપણે આવ-જા કરી શકીએ.

જે કંઈ થયું છે, તે સત્તાની રાજનીતિનું પરિણામ છે અને તેમાં એક સંતસમાન વ્યક્તિનું બલિદાન લેવાઈ ગયું છે.

તમારી ભાવના અને વિચારોનું હું દિલથી સન્માન કરું છું અને કદાચ ભવિષ્યમાં આપણે સાચા મિત્રો બનીને એકબીજાના સહયોગી સાબિત થઈ શકીએ.

તમારી સહાનુભૂતિ અને સંવેદના માટે હું તમારો હૃદયપૂર્વક આભારી છું. અને તમારા જેવા એક સારા માણસ પાસેથી…આ જ અપેક્ષા હતી કે તમે શક્ય તમામ રીતે બીજાઓની મદદ કરીને મનની શાંતિની અનુભૂતિ કરશો.

મને અફસોસ છે કે તમારા જેવા સારા માણસને આ ગરબડમાં નુકસાન થયું અને પૂર્વ પંજાબમાં નોકરી હોવા છતાં તમારે પાકિસ્તાન જવું પડ્યું.

પણ આપણા ભાઈઓએ એવી પરિસ્થિતિ ઊભી કરી કે પશ્ચિમ પંજાબમાં હિંદુ-શીખ અને પૂર્વ પંજાબમાં કોઈ મુસ્લિમનું રહેવું અશક્ય બની ગયું.

ઈશ્વરની કૃપાથી તમે તમારા પરિવાર સાથે સુરક્ષિત રીતે લાહોર પહોંચી ગયા. પરંતુ મિલકતનું નુકસાન ચોક્કસપણે ખેદજનક છે.

આશા છે કે બંને દેશોમાં મિલકત બાબતે ટૂંક સમયમાં કોઈ નિર્ણય લેવામાં આવશે અને કદાચ આપણે મિલકતની આપ-લે કરી શકીએ. તેનાથી આપણી મુશ્કેલીઓ કંઈક અંશે ઓછી થઈ જશે.

હાલ પૂરતું તો નસીબને કોસવા સિવાય કોઈ વિકલ્પ નથી…

અત્યારે હું જલંધરમાં એક મિત્ર સાથે રહું છું. મારાં બાળકો હોશિયારપુરના એક ગામમાં છે.

મારું પોતાનું ન તો ઘર છે કે ન કોઈ નોકરી, અને હું ખૂબ દયાજનક જીવન જીવી રહ્યો છું.

સરકારે ખાનગી શાળાઓમાં કામ કરનારાઓને નોકરી આપી નથી. મને એ વાતે બહુ ચિંતા છે કે હું મારાં બાળકોનું પેટ કેવી રીતે ભરીશ.

આ પુસ્તકો મારી આખી જિંદગીનો અમૂલ્ય વારસો હતાં અને સપ્ટેમ્બરમાં આ ઘરમાં આવતાંની સાથે જ મેં તેમને જોયાં હતાં.

મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે આ પુસ્તકોની સંભાળ રાખશો અને પરિસ્થિતિ સામાન્ય થતાં જ હું તેમને પાછાં લઈ જઈશ. તમે મારા ઘરમાં રહો અને તેનું ધ્યાન રાખો. હાલની પરિસ્થિતિમાં બીજું તો શું લખી શકું?

હું ખૂબ ચિંતિત અને અસહાય અનુભવી રહ્યો છું, કારણ કે મારું પોતાનું ઘર નથી.

મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે શક્ય તમામ રીતે મારી મદદ કરવાનો પ્રયાસ કરશો.

તમારો શુભેચ્છક

હરકિશનદાસ બેદી, બી.એ., બી.ટી.

મારફતે પંજાબ બુકસ્ટોર, માઈ હીરા ગેટ, જલંધર શહેર

મેં તેને મારો નંબર આપ્યો અને તરત જ તેનો ફોન રણકી ઊઠ્યો.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

હવે આ પત્ર ધ્યાનપૂર્વક વાંચો અને એ પણ યાદ રાખો કે આ પત્ર એક એવા હિંદુએ લખ્યો હતો, જેને 1947ના વિભાજન દરમિયાન લાહોર છોડીને જલંધર આવવું પડ્યું હતું.

આ એ સમય હતો જ્યારે ભાગલાને કારણે ભડકેલી નફરતની આગે લાખો લોકોને પોતાની ઝપટમાં લઈ લીધા હતા.

મારી કથા ચૌધરી મુહમ્મદ લતીફ અને હરકિશનદાસ બેદીની કથાઓ સાથે જોડાય છે.

ચૌધરી લતીફના અવસાન પછી તેમના ઓરડાની સફાઈ થઈ રહી હતી, ત્યારે કેટલાક એવા પત્રો મળ્યા, જેના વિશે પરિવારના કોઈને જાણ નહોતી.

આ પત્રો હરકિશનદાસ બેદીના હતા. હું વિચારવા લાગ્યો કે આવા ઉન્માદભર્યા માહોલમાં પણ શાંતિ અને વ્યવસ્થાની વાત કરનારા લોકો કોણ હશે?

કદાચ આવા બીજા પણ લાખો લોકો હશે, કદાચ આજે પણ કરોડો લોકો એમ જ વિચારતા હશે અને આ બધી ‘સત્તાની રાજનીતિ’ હશે. કદાચ આપણે લડવા જ નથી માંગતા.

થોડાં વર્ષો પહેલાં એક યુવકે લિંક્ડઇન પર મને મૅસેજ મોકલીને મારી સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે આ વાત પરનો મારો વિશ્વાસ વધુ મજબૂત થયો.

પછીનાં થોડાં વાક્યોમાં તેણે જે કહ્યું, તે મને જીવનમાં પત્રકારત્વનો સાર જણાયો. એ યુવક હરકિશનદાસ બેદીનો પૌત્ર હતો.

તેણે મને કહ્યું, “એક દિવસ મારી મા પરિવારના એક બાળકને ગણિત ભણાવી રહી હતી અને તેમણે તેને કહ્યું કે તારા દાદા એક મહાન ગણિતજ્ઞ હતા અને તેમણે ગણિત પર પુસ્તકો લખ્યાં હતાં. બાળકે કહ્યું કે હું પણ જોવા માગું છું અને તેણે ઇન્ટરનેટ પર શોધવાનું શરૂ કર્યું. તેણે હરકિશનદાસ બેદીનું નામ ટાઇપ કર્યું કે તરત જ આરિફ શમીમનું નામ દેખાયું, કારણ કે તેમણે બેદી પર એક ડૉક્યુમેન્ટરી બનાવી હતી.”

એ યુવકે કહ્યું કે તેમનો આખો પરિવાર તેમના વડીલ વિશે લખવા બદલ મારો આભાર માનવા માગે છે. હરકિશનદાસ બેદી ભારતમાં શિક્ષણ અને અધ્યાપન સાથે પણ જોડાયેલા હતા.

વાંચો, તેમનો લખેલો બીજો પત્ર-

મારફત પંજાબ બુકસ્ટોર, જલંધર સિટી

22 જાન્યુઆરી, 1948

મારા મહેરબાન અને કૃતજ્ઞ મુહમ્મદ લતીફ સાહેબ,

હું ઠીક છું, હું બિલકુલ ઠીક છું. ખબર છે કે તમે જે રજિસ્ટ્રી મોકલી હતી, તે મને મળી ગઈ છે.

એમાં મારા ઘરની રજિસ્ટ્રી, બે પ્લોટની રજિસ્ટ્રી, વીમા કંપનીની પૉલિસી અને પોસ્ટ ઑફિસ તથા બૅન્કની પાસબુક છે. તમારા જેવા સારા માણસનો હું જેટલો આભાર માનું, એટલો ઓછો.

તમારી સામે મારી એક ફરિયાદ છે. તમે પોસ્ટઑફિસના ફોર્મ સાથે એક રૂપિયાની નોટ મોકલી છે.

આનાથી મને ખૂબ દુઃખ થયું. શું તમે મને એટલો લાચાર સમજો છો કે હું તમારા માટે મારા ખિસ્સામાંથી એક રૂપિયો પણ ખર્ચી ન શકું?

મને આ વાતનું ભારે લાગી આવ્યું છે. ભવિષ્યમાં મારા પર આવું દબાણ ન કરશો.

તમે મારા માટે આટલું બધું કરી રહ્યા હો, તો મને પણ તમારા માટે કંઈક કરી છૂટવાની તક આપવી જોઈએ.

તમે મારા આટલા બધા દસ્તાવેજો મોકલ્યા અને તેની રજિસ્ટ્રીનો ખર્ચ ઉઠાવ્યો. તમારી સામે નતમસ્તક થવા માટે મારા માટે આટલું પૂરતું નથી?

મારી તમને નમ્ર વિનંતી છે કે ભવિષ્યમાં તમે મને નોકર સમજીને મારા પર આટલું દબાણ ન લાવશો અને મને પણ તમારી સેવા કરવાની તક આપશો.

હું એક-બે દિવસથી બીમાર છું અને ચાર-પાંચ દિવસથી કંઈ ખાધું પણ નથી. સાજો થઈ જઈશ એટલે હું અમૃતસર જઈને તમારું કામ કરીશ…

આ લખતાં મને ગર્વ થઈ રહ્યો છે કે મારું ઘર એવા શિક્ષકને ફાળવવામાં આવ્યું છે, જે ખરેખર એક સંપૂર્ણ માણસ છે.

ખેર, હું તમારી પ્રશંસા નથી કરી રહ્યો. મારું હૃદય આ વાતનું સાક્ષી છે.

માત્ર ખુદા જ જાણે છે કે ભવિષ્યમાં આપણો સંબંધ કેટલો ગાઢ હશે.

બેઠકની ચીમની નીચે એક હાર્મોનિયમ પડ્યું હતું. આ હાર્મોનિયમ ઉપર કેટલાંક પુસ્તકો હતાં અને તેમાં એક ફાઇલ હતી, જેમાં અમેરિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચેના મારા પત્રવ્યવહારનો રેકોર્ડ હતો.

સાથે જ ભારત સરકારનાં કેટલાંક લાઇસન્સ અને બે બિલ પણ હતાં, એક પેન્સિલનું અને એક વિદેશી ટૂથપેસ્ટનું.

તમારે આ ફાઇલનું ધ્યાન રાખવું જોઈએ. મને લાગે છે કે તમે પુસ્તકો એક કોથળામાં મૂકી દીધાં હશે. મારા નાનકડા ઓરડામાં કાગળના 20 રીમ અને દેશી કાગળની એક રીમ હતી. આ કાગળો ત્યાં જ પડ્યા છે કે સરકાર તેમને લઈ ગઈ? તમારે મને લખવું પડશે…

મારા નાના ઓરડામાં ટેબલ પર ‘હાઈસ્કૂલ જ્યોમેટ્રી’ નામનું એક પુસ્તક પડ્યું હતું.

મેં એ પુસ્તકનો અડધો ભાગ સંપાદિત કરી દીધો હતો. શક્ય હોય તો તમે તેને અલગથી મોકલી આપો કે તમારી પાસે રાખી લો.

હું તેને પછી મંગાવી લઈશ. આ પુસ્તક મેં પોતે લખ્યું છે, જેના અડધા ભાગમાં મેં સુધારા કરી દીધા છે. બાકીનો અડધો ભાગ હજુ સુધારવાનો બાકી છે, ત્યાર પછી આ પુસ્તક ફરી છપાવવાનું છે…

આપનો શુભેચ્છક

હરકિશનદાસ બેદી

ચાર વર્ષ પહેલાં, હું એક મિત્રની દીકરીના લગ્નમાં હાજરી આપવા માટે કૅનેડા ગયો હતો.

તે દરમિયાન, મેં ફેસબુક પર મારું સ્ટેટસ અપડેટ કર્યું અને તરત જ મને ફેસબુક પર એક સંદેશ મળ્યો:

‘મિસ્ટર આરિફ, શું તમે કૅનેડામાં છો? હું સોનિયા બેદી છું, હરકિશનદાસ બેદીની પૌત્રી.’

મેં તેને જણાવ્યું કે હા, હું અહીં આવ્યો છું. તેણે કહ્યું કે તેના પિતા, બેદીસાહેબના પુત્ર, મને મળવા માગે છે. અમે એક કૉફી શૉપમાં મળવાનું નક્કી કર્યું. સંજોગોવશાત, ચૌધરી લતીફની પૌત્રી અને મારી પિતરાઈ બહેન કૅનેડામાં રહે છે.

હું તેમને મારી સાથે લઈ ગયો. અમારી મુલાકાત લાંબી ચાલી, જેમાં બેદીસાહેબના પુત્ર મને અનેક વાર ભેટ્યા અને આભાર માન્યો.

છેલ્લે, અમે એ મુદ્દે પણ દલીલ કરતા રહ્યા કે કૉફીનું બિલ કોણ ચૂકવશે.

બિલકુલ એ જ રીતે, જેમ હરકિશનદાસ બેદી ફરિયાદ કરતા હતા કે ચૌધરી લતીફ પોતે તેમની રજિસ્ટ્રીનો ખર્ચ ઉઠાવે છે.

હમણાં જ બેદીસાહેબના બીજા પુત્રનો પણ ભારતથી ફોન આવ્યો હતો. તેમણે વચન આપ્યું કે મુશ્કેલ છે, પરંતુ તેઓ ચૌધરી લતીફે તેમના પિતાને લખેલા પત્રો શોધવાનો પ્રયાસ કરશે.

નસીબની આ રમત વિશે હું જ્યારે પણ વિચારું, ત્યારે મારો એ વિશ્વાસ વધુ દૃઢ બને છે કે આપણે બધા મૂળભૂત રીતે એકસરખા છીએ.

એક જ વિસ્તારના છીએ, હજારો વર્ષોથી સાથે રહેતા આવ્યા છીએ અને આપણે એક એવું બંધન બનાવ્યું છે જેને કોઈ વિભાજન ખતમ કરી શકતું નથી અને ન તો કોઈ રેડક્લિફ તેની વચ્ચે કોઈ રેખા દોરી શકે છે.

સોનિયા અને મારી પિતરાઈ બહેન તાયબા સમય મળે ત્યારે આજે પણ કૅનેડાની એક કૉફી શૉપમાં મળે છે.

હરકિશનદાસ બેદીના કૃષ્ણનગર અને ત્યાં રહેતા ચૌધરી લતીફ સાથેના સંબંધોને વિભાજન પણ તોડી શક્યું નહીં અને ન તો તેમના પરિવારોને એકબીજાને મળવાથી રોકી શક્યું.

વિભાજનની 79મી વર્ષગાંઠના અવસરે, એ વિચારવું અત્યંત જરૂરી છે કે બે પરિવારો જ નહીં, કદાચ હજારો-લાખો લોકો એવા છે કે જેઓ આમ જ વિચારે છે.

વિભાજન ઘણાં વર્ષો પહેલાં થયું હતું, હવે તેને સ્વીકારવાની અને સાથે મળીને રહેવાની જરૂર છે.

પાકિસ્તાન અને ભારતને સ્વાતંત્ર્ય દિનની હાર્દિક શુભેચ્છાઓ!

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS