Source : BBC NEWS
ઇમેજ સ્રોત, BIJU BORO / AFP via Getty Images
વાંચવાનો સમય: 11 મિનિટ
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન ડે મૅચમાં ભારત આઠ વિકેટથી જીતી ગયું છે.
ત્રણ વન ડે મૅચોની શ્રેણીમાં ભારત બે મૅચ જીતીને આગળ છે.
ભારતીય કૅપ્ટન શુભમન ગિલે વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી વનડે મૅચમાં બેવડી સદી ફટકારી હતી.
આ સાથે જ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમની બે બેવડી સદી થઈ ગઈ છે.
પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઇન્ડિઝે 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવી 405 રન બનાવ્યા.
ત્યાર બાદ ભારતીય ટીમ તરફથી ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે સારી શરૂઆત કરી. બંને વચ્ચે 255 રનની ભાગીદારી થઈ.
તે બાદ વિરાટ કોહલીએ 29 રન બનાવ્યા.
શુભમન ગિલે 117 બૉલમાં પોતાની બેવડી સદી પૂર્ણ કરી. તેમણે 24 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા.
જ્યારે રોહિત શર્માએ 72 બૉલમાં પોતાની સદી પૂર્ણ કરી. તેમણે 75 બૉલમાં 101 રનની ઇનિંગ રમી.
આ પહેલાં વેસ્ટ ઇન્ડિઝે સાત વિકેટે 405 રન બનાવ્યા હતા અને ભારત સામે જીત માટે 406 રનનું લક્ષ્ય રાખ્યું હતું.
રોહિત શર્માના નામે ત્રણ બેવડી સદી નોંધાયેલી છે. ભારત તરફથી રોહિત શર્માએ આજે પણ સદી ફટકારી.
ભારત માટે સચીન તેંડુલકર, વિરેન્દ્ર સહેવાગ અને ઈશાન કિશને પણ બેવડી સદી ફટકારી છે.
વેસ્ટ ઇન્ડિઝ સામે રોહિત-ગિલની સદી
ઇમેજ સ્રોત, R. Satish BABU / AFP via Getty Images
વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી વનડેમાં 406 રનના લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમે 25.1 ઓવરમાં કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર 251 રન બનાવી લીધા છે.
કપ્તાન શુભમન ગિલે શાનદાર ઇનિંગ્સ રમી 62 બૉલમાં સદી ફટકારી છે. બીજી તરફ, રોહિત શર્માએ પણ 72 બૉલ રમીને સદી પૂરી કરી દીધી છે.
ગિલે આ શ્રેણીની પ્રથમ વનડેમાં પણ સદી નોંધાવી હતી.
પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઇન્ડિઝે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 405 રન બનાવ્યા હતા.
વેસ્ટ ઇન્ડિઝ તરફથી ત્રણ બૅટ્સમૅનોએ સદી ફટકારી હતી. ઓપનર જૉન કૅમ્પબેલે 68 બૉલમાં 101 રન, શાઈ હોપે 94 બૉલમાં 104 રન અને આમિર જાંગોએ 77 બોલમાં 114 રન બનાવ્યા હતા.
ભારતીય બૉલર ગુરનૂર બરાડ સૌથી મોંઘા સાબિત થયા હતા. તેમણે 10 ઓવરમાં 96 રન આપી 2 વિકેટ મેળવી હતી. જ્યારે રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી.
ભાજપે કહ્યું, ‘ઇંડી ગઠબંધન રાહુલ ગાંધીને પોતાના નેતા માનવા તૈયાર નહીં’
ઇમેજ સ્રોત, ANI
દિલ્હીમાં વિપક્ષી દળોના ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ ભાજપે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કૉંગ્રેસ અને ગઠબંદનની ટીકા કરી.
કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, “એક બાદ એક ચૂંટણીમાં કૉંગ્રેસની હાર બાદ દેશ એવું વિચારતું હતું કે તે પોતાની ભૂલો માટે જનતાની માફી માગશે અને આત્મચિંતન કરશે, પરંતુ કૉંગ્રેસ નક્કી કરી રાખ્યું છે કે એ નહીં સુધરે.”
તેમણે કહ્યું, “રાહુલ ગાંધી હોય કે મલ્લિકાર્જુન ખડગે, પોતાની ભૂલો માટે માફી માગવાના સ્થાને તેઓ ભ્રમ ફેલાવી રહ્યા છે. જૂઠ બોલી રહ્યા છે અને બનાવટી આરોપ કરી રહ્યા છે.”
“આજે ઇંડી ગઠબંધનની બેઠક હતી, પરંતુ બેઠક પહેલાં જ ગઠબંધન વિખેરાયેલું દેખાયું. યુપીમાં ચૂંટણી યોજાવાની છે, અખિલેશ યાદવ ક્યાં હતા? જો આ મુદ્દો એટલો મહત્ત્વપૂર્ણ હતો તો અખિલેશ યાદ ત્યાં કેમ નહોતા?”
તેમણે કહ્યું, “ડીએમકે પ્રમુખ સ્ટાલિન, જેએમએમ પ્રમુખ હેમંત સોરેન અને આપના અરવિંદ કેજરીવાલ પણ ગેરહાજર હતા. તેમજ ઉદ્ધવ ઠાકરે પણ ત્યાં ન પહોંચ્યા કે ના વર્ચુઅલી જોડાયા.”
તેમણે કહ્યું કે ઇંડી ગઠબંધન રાહુલ ગાંધીને પોતાનો નેતા માનવા તૈયાર નથી.
દિલ્હીના કૉન્સ્ટિટ્યૂશન ક્લબ ઑફ ઇન્ડિયામાં બુધવારે વિપક્ષનાં દળોના ગઠબંધન ‘ઇન્ડિયા’ બ્લૉકની મીટિંગ યોજાઈ. આ બેઠકમાં 19 વિપક્ષી પાર્ટીઓ સામેલ થઈ.
ઉજ્જૈનમાં શાહી મસ્જિદ વિવાદ બાદ 20 લોકોની ધરપકડ, 30 લોકો સામે એફઆઈઆર નોંધાઈ
ઇમેજ સ્રોત, Sameer Khan
સમિર ખાન, ઇન્દોરથી બીબીસી ન્યૂઝ હિન્દી માટે
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં શાહી મસ્જિદના કેટલાક ભાગોને દૂર કરવાની કાર્યવાહી બુધવારે પણ ચાલુ રહી. મસ્જિદ કમિટીના પ્રતિનિધિઓ દ્વારા આ ભાગોને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
સોમવારે મસ્જિદનો ભાગ દૂર કરતી વખતે થયેલા વિવાદ અને પથ્થરમારાની ઘટનાના મામલે પોલીસે અત્યાર સુધી 30 લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. તેમાંના 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
બુધવાર સવારે ખારાકુઆં પોલીસ સ્ટેશને ધરપકડ કરાયેલા 9 આરોપીઓને તબીબી તપાસ માટે ચરક હૉસ્પિટલ લઈ ગઈ હતી. તમામ આરોપીઓની મેડિકલ તપાસ કરાવવામાં આવી, ત્યારબાદ તેમને અદાલતમાં રજૂ કરવામાં આવશે.
હકીકતમાં, સોમવારે છત્રી ચોક સ્થિત શાહી મસ્જિદના કેટલાક ભાગોને દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. એ દરમિયાન ઢાબા રોડ અને શાકભાજી મંડી તરફથી આવેલા કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ સ્થિતિ બગડી ગઈ અને પથ્થરમારાની ઘટના બની.
પોલીસનો દાવો છે કે ભીડને ઉશ્કેરવા માટે સોશિયલ મીડિયા પર કેટલાક સંદેશાઓ પણ વાયરલ કરવામાં આવ્યા હતા.
INDIA બ્લૉક મિટિંગ : ચૂંટણી પંચ અને SIR સામે યોજાયેલી વિપક્ષની બેઠકમાં શું થયું?
ઇમેજ સ્રોત, ANI
ચૂંટણી પંચ તથા એસઆઈઆર સામે ઇન્ડિયા બ્લૉકની બુધવારે મિટિંગ થઈ હતી. ઇન્ડિયા બ્લૉકના તમામ પક્ષોની આ બેઠક લગભગ ત્રણ કલાક ચાલી હતી. ત્યાર પછી કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મીડિયા સાથે વાતચીત કરીને ચૂંટણી પંચ અને મોદી સરકાર સામે પ્રહારો કર્યા.
આ બેઠકમાં 20 પક્ષો સામેલ થયા હતા. મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવતા કહ્યું હતું કે “ચૂંટણી પંચ કઠપુતળીની માફક કામ કરી રહ્યું છે. તેની સામે વિપક્ષનાં 20 દળો 6 ઑક્ટોબરના રોજ તમામ જિલ્લાઓમાં ‘લોકતંત્ર બચાઓ માર્ચ’ કરશે.”
લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ મીડિયાને સંબોધતા જણાવ્યું, “ભાજપ, પીએમ મોદી, અમિત શાહ અને જ્ઞાનેશકુમારે લોકતંત્ર પર કબજો કરી દીધો છે. અમે તેને ચૂપચાપ સહન નહીં કરીએ. અમે સુનિશ્ચિત કરીશું કે લોકતંત્રને બરબાદ કરનારાઓને સજા મળે. ભારતીય લોકતંત્ર કોઈ એક વ્યક્તિથી મોટું છે. અમે એક ગઠબંધન છે અને દેશમાં મોટો બદલાવ લાવીશું.”
રાહુલ ગાંધીએ જ્ઞાનેશકુમારનું રાજીનામું પણ માગ્યું.
કચ્છમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ વચ્ચે સરહદ ડેરીએ દૂધના ભાવમાં કેટલો વધારો કર્યો, ચારા માટે કેટલી સબસિડી જાહેર કરી?
ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે ખુબ ઓછા થયેલા વરસાદને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહેલા કચ્છ જિલ્લાના માલધારીઓ અને પશુપાલકો માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે.
બીબીસીના સંવાદદાતા ગોપાલ કટાશિયાએ જણાવ્યું છે કે, કચ્છની ‘સરહદ ડેરી’એ દૂધના ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો કરતા હવે માલધારીઓ અને પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 850 રૂપિયા ભાવ મળશે.
સરહદ ડેરીની 17મી વાર્ષિક સાધારણ સભા સોમવારે કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે આવેલી ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે મળી હતી. આ મિટિંગ બાદ એક અખબારી યાદીમાં ડેરીએ જણાવ્યું કે ડેરીના મૅનેજમેન્ટે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ વધારો 15 ઑક્ટોબર, 2026 થી લાગુ પડશે તેમ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
સરહદ ડેરી દ્વારા કચ્છમાં દૂધના ખરીદ ભાવમાં છ મહિનાની અંદર આ બીજો વધારો છે. ડેરીએ આ વર્ષે જૂન મહિનામાં પણ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો.
અખબારી યાદીમાં વધારામાં જણાવવામાં આવ્યું કે, સરહદ ડેરી કચ્છના માલધારીઓએ અને પશુપાલકોને ચારાની ખરીદીમાં પણ સબસિડી આપશે જેથી કરીને દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ઘાસ-ચારાના વધેલા ભાવોમાં પશુપાલકો અને માલધારીઓને રાહત મળી રહે. મકાઇનું સાઇલેજ એ લીલી મકાઇનું એક પ્રકારનું અથાણું છે અને તે પૌષ્ટિક પશુ આહાર ગણાય છે અને સરહદ ડેરીએ અખબારી યાદીમા જણાવ્યું કે, તે પશુપાલકોને મકાઇના સાલેજમાં કિલો દીઠ બે રુપિયાની સબસિડી આપશે. આ સબસિડી પણ 16 ઑક્ટોબરથી ઉપલબ્ધ થશે, તેમ ડેરીએ જણાવ્યું.
સરહદ ડેરી ‘કચ્છ ફૉડર ઍન્ડ ઍગ્રો પ્રોડ્યુસર કંપની’ નામના ફાર્મર પ્રોડ્યુસર ઑર્ગેનાઝેશન (ટૂંકમાં, એફપીઓ) મારફતે કચ્છના પશુપાલકો અને માલધારીઓને મકાઈનું સાઇલેજ પૂરું પડે છે. આ એફપીઓ હાલ 8.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મકાઈનું સાઇલેજ વેચે છે અને જો કોઈ દૂધ મંડળી એક સાથે પાંચ ટન સાઇલેજનો ઑર્ડર આપે તો ડેરી કોઈ પણ વાહન ભાડું વસૂલ્યા વગર મંડળીના દ્વારે સાયલેજ પહોંચતું કરી દે છે.
ડેરીએ તેની અખબારી યાદીમાં જણાવ્યું કે હવે બે રૂપિયાની સબસિડી સાથે તે માલધારીઓ અને પશુપાલકોને રૂપિયા 6.50 પ્રતિ કિલોના ભાવે મકાઈનું સાઇલેજ પૂરું પાડશે. ડેરીએ ઑગસ્ટમાં બીબીસીને જણાવ્યું હતું કે તે દર મહિને આશરે 50 ટન (1 ટન =1000 કિલો) સાઇલેજનું વેચાણ કરે છે.
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટને સઉદી અરબમાં લૅન્ડિંગ કરાવાઈ, શું છે કારણ?
ઇમેજ સ્રોત, AFP via Getty Images
દુબઈથી તેલ અવીવ જઈ રહેલા ફ્લાયદુબઈના વિમાનનો માર્ગ અચાનક બદલી દેવામાં આવ્યો અને હવે આ વિમાન સાઉદી અરબમાં ઉતરી ગયું છે.
આ વિમાને અપહરણની જાણ કરવા માટે ઉપયોગમાં લેવાતો એક કોડ મોકલ્યો હતો. ત્યારબાદ ઇઝરાયલી લડાકૂ વિમાનોને તરત જ રવાના કરવામાં આવ્યાં.
પરંતુ હવે ઇઝરાયલી મીડિયાએ સુરક્ષા અધિકારીઓના હવાલાથી જણાવ્યું છે કે, બંને પાઇલોટો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો, જેના કારણે ઇમર્જન્સી જેવી સ્થિતિ સર્જાઈ.
સમાચાર એજન્સી રૉયટર્સે ઇઝરાઇલના વડા પ્રધાન કાર્યાલયના પ્રવક્તાના હવાલાથી કહ્યું છે કે, ‘ફ્લાયદુબઈ’ની ઉડાનના સાઉદી અરબ તરફ વળવાને વિમાન અપહરણની ઘટના માનવામાં આવી રહી નથી.
વિમાનમાં અંદાજે 150 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના ઇઝરાયલી હતા.
નીચે આવતી વખતે વિમાને થોડા સમય માટે ઇમર્જન્સીની સ્થિતિનો સંકેત આપ્યો અને મૅન્યુઅલ રીતે દિશા બદલીને નીચે ઉતરવા લાગ્યું.
ત્યારબાદ વિમાને તે કોડનું પ્રસારણ કર્યું, જેનો ઉપયોગ વિમાનના અપહરણની જાણ કરવા માટે કરવામાં આવે છે.
વિમાને પોતાનો માર્ગ સાઉદી અરબ તરફ વાળી લીધો અને ઓછી ઊંચાઈ પર આવવા લાગ્યું.
ઇઝરાઇલના વડા પ્રધાન અને સંરક્ષણ મંત્રી હાલમાં ઇમર્જન્સી બેઠક કરી રહ્યા છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર થયેલા અકસ્માતમાં 5નાં મોત, 5 ઈજાગ્રસ્ત
ઇમેજ સ્રોત, NACHIKETA MEHTA
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદ પાસે એક લકઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે.
આણંદ ખાતેના બીબીસી ગુજરાતી સહયોગી નચિકેતા મહેતાના જણાવ્યા અનુસાર, સુરતથી એક લકઝરી બસ રાજસ્થાન જઈ રહી હતી ત્યારે તેનો ટ્રક સાથે અકસ્માત થયો હતો. આ દુર્ઘટના વહેલી સવારે આ ઘટના ઘટી હતી.
હાલ આ મામલે નડિયાદની ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે.
ઘાયલોને નડિયાદ ખાતેની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
નડિયાદ સિવિલ હૉસ્પિટલના આરએમઓ ડૉ ડી. આર. પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે “સુરતથી એક બસ નાથદ્વારા જતી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. તે પૈકી છ દર્દીઓને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. એક દર્દી મૃત હાલતમાં હતા જ્યારે કે બે ગંભીર હોવાને કારણે તેમને અનુક્રમે વડોદરા અને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા છે. એક દર્દી હાલ અહીં સારવાર હેઠળ છે જ્યારે કે એક દર્દીને પ્રાથમિક સારવાર આપીને રજા આપવામાં આવી છે.”
એશિયન ગેમ્સમાં ભારતનો 8મો ગોલ્ડ : તીરંદાજીમાં વધુ એક સુવર્ણ ચંદ્રક
ઇમેજ સ્રોત, Reuters
એશિયન ગેમ્સમાં બુધવારે ભારતીય તીરંદાજોએ શાનદાર પ્રદર્શન કરતાં બે સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યા.
દિવસનો પ્રથમ ગોલ્ડ મહિલા કમ્પાઉન્ડ ટીમે જીત્યો હતો, જ્યારે ત્યારબાદ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં પણ ભારતે સુવર્ણ ચંદ્રક મેળવ્યો.
ચિકિતા તનિપાર્થિ અને રાજેશ જાધવની જોડીએ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં કોરિયાના તીરંદાજોને ટાઈ-બ્રેકરમાં હરાવી ભારતને દિવસનો બીજો ગોલ્ડ અપાવ્યો.
આ એશિયન ગેમ્સમાં ચિકિતા તનિપાર્થિ માટે આ બીજો સુવર્ણ ચંદ્રક છે. બીજી તરફ, રાજેશ જાધવે પોતાના કારકિર્દીનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે.
આ પહેલાં મહિલા કમ્પાઉન્ડ ટીમે ફાઇનલમાં ચીનને 238-234ના સ્કોરથી હરાવી સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. ચિકિતા તનિપાર્થિ આ મહિલા કમ્પાઉન્ડ ટીમનો પણ ભાગ હતાં.
મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ જીતતાં ચિકિતા અને રાજેશે 2028ની ઑલિમ્પિક રમતો માટે પણ ક્વૉલિફાય કર્યું છે.
ગુજરાત : અરબી સમુદ્રમાંથી 3000 કરોડનું ડ્રગ્સ પકડ્યું, પાંચ કથિત પાકિસ્તાની નાગરિકો પણ પકડાયાનો કોસ્ટ ગાર્ડનો દાવો
ઇમેજ સ્રોત, @IndiaCoastGuard
ભારતીય તટરક્ષક દળ (ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ) અને ગુજરાત ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (એટીએસ)એ એક સંયુક્ત કાર્યવાહીમાં અરબી સમુદ્રમાંથી 3000 કરોડ રુપિયા કરતાં વધુ મૂલ્યના ડ્રગ્સનો જથ્થો પકડ્યો હોવાનો દાવો કર્યો છે.
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર મૂકેલી પોસ્ટ પ્રમાણે લક્ષદ્વિપની પશ્ચિમ બાજુએ એક શંકાસ્પદ ‘ઈરાની જહાજ’ને આંતરવામાં આવ્યું હતું. તેના પર ચઢીને તપાસ કરવામાં આવતા ‘નાર્કો સ્મગલિંગ’ની ઘટના બહાર આવી છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ મુજબ આ ઑપરેશનમાં 526 કિલો હાઇ ગ્રેડ હેરેઈન અને મેથાએમ્ફેટેમાઇનનો જથ્થો મળી આવ્યો છે જેની વેલ્યૂ 3,000 કરોડ રૂપિયા કરતાં વધુ આંકવામાં આવે છે.
તેના દાવા પ્રમાણે, તેની સાથે ‘પાકિસ્તાનના પાંચ ચાલકદળના સભ્યો’ને પણ પકડવામાં આવ્યા છે. પકડાયેલા જહાજને ચાલકદળના લોકો સાથે મુંબઈ લઈ જવાયું હતું.
એશિયન ગેમ્સ 2026 : ભારતીય મહિલા ટીમે તીરંદાજીમાં જીત્યો ગોલ્ડ મેડલ
ઇમેજ સ્રોત, Reuters
જાપાનના આઈચી-નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી (આર્ચરી) ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.
ફાઇનલમાં ભારતે કડક ટક્કર આપનાર ચીનની ટીમને હરાવીને સ્વર્ણ પદક જીત્યો હતો. આ એશિયન ગેમ્સ 2026માં ભારતનો સાતમો ગોલ્ડ મેડલ છે. ભારતીય તીરંદાજોએ 238ના સ્કોર સાથે મહિલા ટીમના વિશ્વ રેકૉર્ડની બરાબરી પણ કરી લીધી હતી.
આ પહેલાં ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 235-233ના સ્કોરથી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
નેતન્યાહૂના યુએઈ પ્રવાસ પછી ઈરાને અન્ય દેશોને શું ચેતવણી આપી?
ઇમેજ સ્રોત, Angelina Katsanis/Bloomberg via Getty Images
ઈરાને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સંયુક્ત અરબ અમીરાત (યુએઈ) પ્રવાસની નિંદા કરતાં એક નિવેદન જાહેર કર્યું છે.
ઈરાનના વિદેશ મંત્રાલયે મધ્ય પૂર્વના દેશોને ચેતવણી આપતાં કહ્યું કે નેતન્યાહૂનો યુએઈ પ્રવાસ ક્ષેત્રમાં અસુરક્ષા અને અસ્થિરતાને પ્રોત્સાહન આપી શકે છે.
મંત્રાલયે મંગળવારે રાત્રે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું, “ક્ષેત્રની સુરક્ષા તમામ દેશોની સંયુક્ત જવાબદારી છે. એવું કોઈપણ પગલું, જેનાથી વિસ્તારમાં અસુરક્ષિત શક્તિઓના પ્રવેશનો માર્ગ ખુલ્લો થાય, તે અંતે સમગ્ર ક્ષેત્રના દેશો માટે નુકસાનકારક સાબિત થશે.”
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું, “આનાથી પશ્ચિમ એશિયામાં વિભાજન, અસુરક્ષા અને અસ્થિરતા સર્જાશે. તેથી વિસ્તારની સરકારોએ શાંતિ અને સ્થિરતા જાળવવાની પોતાની જવાબદારી સમજવી જોઈએ.”
ઈરાને વધુમાં જણાવ્યું, “અન્ય દેશોની સરકારોએ ઇઝરાયલી શાસનની હાનિકારક હાજરી માટે માર્ગ તૈયાર કરવાથી બચવું જોઈએ અને પોતાના પ્રદેશને અન્ય દેશો વિરુદ્ધની પ્રવૃત્તિઓ માટે મંચ બનવા દેવું જોઈએ નહીં.”
ઉલ્લેખનીય છે કે નેતન્યાહૂ રવિવારે યુએઈના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમની રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે મુલાકાત થઈ હતી. જોકે, ઇઝરાયલના વડા પ્રધાન કાર્યાલયે આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ બે દિવસ પછી કરી હતી.
SEO બેઠક : ઇસ્લામાબાદમાં ભારતની ભાગીદારી કેમ મહત્ત્વની છે?
ઇમેજ સ્રોત, @ForeignOfficePk
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલતા તણાવ છતાં શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ)ના રાષ્ટ્રીય સમન્વયકોની ઇસ્લામાબાદમાં ચાલતી બેઠકમાં ભારત સહિત સંગઠનના તમામ સભ્ય દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
ભારતે એસસીઓના સમન્વયકોની બેઠકમાં ભાગ લેવા માટે એક પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ મોકલ્યું છે.
વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી આલોક ડિમરી આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરે છે.
આલોક ડિમરી વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ છે. તેઓ એસસીઓ માટે ભારતના સમન્વયક પણ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ એક દાયકાથી દ્વિપક્ષીય મંત્રણા નથી થઈ.
બંને દેશો વચ્ચે છેલ્લે ડિસેમ્બર 2015માં વાતચીત થઈ છે. તે વખતે ભારતનાં તત્કાલીન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ વ્યાપક દ્વિપક્ષીય મંત્રણાને ફરીથી શરૂ કરવાના અનુરોધ સાથે ઇસ્લામાબાદ ગયાં હતાં.
જોકે, જાન્યુઆરી 2016માં પઠાણકોટ હુમલા પછી આ પ્રક્રિયા ફરીથી ઠપ પડી ગઈ હતી. ભારત સરકારનું એવું વલણ રહ્યું છે કે, “માહોલ સંપૂર્ણપણે ઉગ્રવાદથી મુક્ત” હોય ત્યારે જ મંત્રણા સંભવ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




