Home તાજા સમાચાર gujrati શું ઊંઘમાં તમે દાંત કકડાવો છો? કારણ અને સમસ્યાના ઉપાયની રીત સમજો

શું ઊંઘમાં તમે દાંત કકડાવો છો? કારણ અને સમસ્યાના ઉપાયની રીત સમજો

6
0

Source : BBC NEWS

એમ માનવામાં આવે છે કે દર ચાર વ્યક્તિમાંથી આશરે એક વ્યક્તિ બ્રુક્સિઝમથી પીડાય છે. જોકે, મોટા ભાગના લોકોને પોતે ઊંઘમાં દાંત કકડાવે છે તેની જાણ હોતી નથી

ઇમેજ સ્રોત, Getty Images

એલાને યાદ નથી કે તેમણે રાત્રે દાંત કકડાવવાનું ક્યારે શરૂ કર્યું હતું, પરંતુ જડબામાં થતો અસહ્ય દુખાવો અને માથાનો દુખાવો તેમને બરાબર યાદ છે.

એલા કહે છે, “મને ખૂબ દુખાવો થતો હતો. મારા ચહેરાનો આકાર બદલાઈ રહ્યો હતો અને મારા દાંત તૂટી જવાનું જોખમ હતું. મને સમજાયું કે આ બાબતે કંઈક કરવું પડશે.”

31 વર્ષની એલા બ્રુક્સિઝમથી પીડાય છે. આ એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિ નિયમિત રીતે અને ઘણી વાર જોરથી દાંત કકડાવે છે.

એલા કહે છે કે તાજેતરમાં તેમણે કરાવેલી સારવારથી “નિઃશંકપણે” તેનું જીવન બદલાઈ ગયું છે.

બ્રિટનમાં એલાની જેમ લાખો મહિલાઓ બ્રુક્સિઝમથી પીડાય છે. કેટલાક અભ્યાસ દર્શાવે છે કે લગભગ દર ચાર વ્યક્તિમાંથી એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે.

બ્રિટિશ ડેન્ટલ ઍસોસિયેશનના જણાવ્યા અનુસાર, દાંત કકડાવવાની સમસ્યા વધી રહી હોવાના કેટલાક સીધા પુરાવા છે, પરંતુ તેના ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી.

જોકે, કેટલાક દંતચિકિત્સકોએ બીબીસીને જણાવ્યું છે કે સતત દાંત કકડાવવાને કારણે દાંતની સમસ્યાઓથી પીડાતા યુવાનોની વધતી સંખ્યાથી તેઓ ચિંતિત છે.

બ્રિટિશ સોસાયટી ઑફ ડેન્ટલ સ્લીપ મેડિસિન (બીએસડીએસએમ)નાં પ્રમુખ ડૉ. અદિતિ દેસાઈ કહે છે, “આ સમસ્યા ચોક્કસપણે વધી રહી છે. અને તેમાં નવાઈ નથી, કારણ કે આજકાલ જીવન જ ઘણું તણાવપૂર્ણ હોઈ શકે છે.”

બ્રુક્સિઝમનું કારણ શું છે?

એલા કહે છે કે સતત દાંત કકડાવવાને કારણે તેમના મેસેટર સ્નાયુઓમાં સોજો આવ્યો અને તેમનું જડબું પહોળું થઈ ગયું. ચિત્રમાં ડાબી બાજુ સારવાર પહેલાં અને જમણી બાજુ સારવાર પછીની સ્થિતિ દર્શાવાઈ છે

ઇમેજ સ્રોત, Ella

અભ્યાસો દર્શાવે છે કે આપણામાંના ઘણા લોકો તાણને કારણે જડબું કકડાવે છે, પરંતુ રોજિંદા જીવનનો બોજ આપણા જડબા પર શા માટે પડે છે?

આપણે એ બાબતે શું કરી શકીએ? અને શું કેટલાક કિસ્સામાં આ ખરેખર સારી બાબત હોઈ શકે?

બ્રુક્સિઝમ એક વ્યાપક શબ્દ છે, જે જડબાંની ચાર અલગ-અલગ ક્રિયાઓ માટે વપરાય છે. તેમાં જડબું ભીંસવું, દાંત કકડાવવા, જડબું જકડી રાખવું અને તેને આગળ ધકેલવાનો સમાવેશ થાય છે.

કેટલાક લોકો રાત્રે દાંત કકડાવે છે, તો કેટલાક દિવસ દરમિયાન આવું કરે છે.

કેટલાક લોકોને પોતે આવું કરે છે તેની જાણ પણ હોતી નથી. જ્યારે કેટલાક લોકો મોઢામાં ગાર્ડ પહેર્યું હોવા છતાં દાંત કકડાવતા રહે છે અને ગાઢ ઊંઘમાં સૂતેલા સાથીદારને પણ જગાડી દે છે.

તમે આમ કરો છો કે નહીં તેની ખબર કેવી રીતે પડે? તેના માટે આ સંકેતો પર ધ્યાન આપો:

  • ઘસાઈ ગયેલા, તૂટેલા અથવા ચપટા દાંત
  • સવારે માથામાં દુખાવો અથવા ચહેરામાં દુખાવો
  • જડબું જકડાઈ જવું
  • ઊંઘમાં ખલેલ પડવી અને દિવસ દરમિયાન થાક લાગવો
  • દાંતની સંવેદનશીલતા વધવી
  • ચેપ ન હોવા છતાં કાનમાં અથવા કાનપટ્ટીમાં દુખાવો

બ્રિટિશ ઍસોસિયેશન ફૉર કાઉન્સેલિંગ ઍન્ડ સાઇકોથૅરપીના જણાવ્યા અનુસાર, તબીબી ક્ષેત્રમાં પણ દાંત કકડાવવાની સમસ્યાનો ઉલ્લેખ વધુ વખત થઈ રહ્યો છે. તેનું એક કારણ એ હોઈ શકે છે કે આજકાલ લોકો પોતાના માનસિક સ્વાસ્થ્યની શરીર પર થતી અસર વિશે વધુ જાગ્રત બન્યા છે.

મનોચિકિત્સક રાહી પોપટ કહે છે કે તેમના ઘણા દર્દીઓ, ખાસ કરીને યુવાનો કહે છે કે તેમણે પોતે અથવા કોઈ અન્ય વ્યક્તિએ તેમને દાંત કકડાવતા જોયા છે.

રાહી પોપટ કહે છે, “તેઓ ઘણી વાર સમજી શકે છે કે દાંત કકડાવવાની શરૂઆત તેમના જીવનના કોઈ ખૂબ તણાવભર્યા સમયગાળામાં થઈ હતી અથવા એ સમય દરમિયાન આ આદત વધી ગઈ હતી.”

‘તણાવ ઘટાડવાનો એક રસ્તો’

રાહી પોપટ કહે છે કે આઘાત અને તણાવ તમને “લડો અથવા ભાગો”ની સ્થિતિમાં મૂકી શકે છે. એ સમયે હૃદયના ધબકારા વધી જાય છે, ઍડ્રેનાલિનનો સ્રાવ થાય છે અને સ્નાયુઓ તંગ થઈ જાય છે. આ રીતે શરીર બહારના જોખમનો સામનો કરવા માટે તૈયાર થાય છે.

જડબું અને ચેતાતંત્ર મગજ સાથે જોડાયેલી મુખ્ય ચેતાઓ દ્વારા એકબીજા સાથે ખૂબ નજીકથી જોડાયેલાં છે. તેથી આપણાં સ્નાયુ સક્રિય થઈ જાય છે અને આપણે દાંત ભીંસવા તથા કકડાવવા લાગીએ છીએ.

પોપટ સમજાવે છે, “આપણે આખી રાત આમ કરતા રહીએ તો તેનાથી દિવસ દરમિયાન શરીરમાં ભેગો થયેલો તણાવ અને દબાણ ઓછું કરવામાં મદદ મળે છે.”

એલા માટે ઊંઘમાં દાંત કકડાવવું, જાગતી વખતે એકઠા થયેલા તણાવને બહાર કાઢવાનો એક રસ્તો બની ગયું હતું.

તેઓ કહે છે, “હું જાણું છું કે તેનો સંબંધ મારા તણાવના સ્તર સાથે છે. મને હાઈ-ફંક્શનિંગ ઍન્ક્ઝાયટી છે. તમે મને મળો તો તમને તેનો અંદાજ પણ નહીં આવે.”

એલા કહે છે કે શરૂઆતમાં તેણે દુખાવો માત્ર “સહન” કરી લીધો હતો, પરંતુ થોડાં વર્ષો પછી તેના દંતચિકિત્સકે તેને કહ્યું કે તેનાં દાંત જોખમમાં છે. ત્યાર પછી એલાએ સારવાર કરાવવાનો નિર્ણય લીધો.

દાંત કકડાવવાથી શું નુકસાન થઈ શકે?

એલા કહે છે કે દંતચિકિત્સકે તેમના જડબાના સ્નાયુઓમાં બોટોક્સનું ઇન્જેક્શન આપ્યા બાદ તેમની ઊંઘ અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થયો છે

ઇમેજ સ્રોત, Ella

જોકે, આ સુવિધા સામાન્ય રીતે નૅશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)માં ઉપલબ્ધ નથી, તેમ છતાં એલાએ પોતાના દંતચિકિત્સકને નાણાં ચૂકવીને જડબાને નિયંત્રિત કરતા સ્નાયુઓમાં બોટોક્સનું ઇન્જેક્શન કરાવ્યું હતું. આ પ્રક્રિયાથી સ્નાયુઓ ઢીલા પડ્યા અને ચહેરા પરનો તણાવ ઓછો થયો. તેની અસર ત્રણથી ચાર મહિના સુધી રહેશે.

એલા કહે છે, “છેલ્લા કેટલાક મહિનાથી હું સારી રીતે ઊંઘી શકું છું. સવારે મારામાં ઘણી વધારે ઊર્જા હોય છે, દુખાવો ઓછો થઈ ગયો છે અને હવે મારો ચહેરો પહેલાં જેટલો પહોળો લાગતો નથી.”

ખાનગી અને એનએચએસ બંને પ્રકારના દર્દીઓની સારવાર કરતા દંતચિકિત્સક ડૉ. સાયમન કોવ કહે છે કે દાંત કકડાવવાથી દાંત પર થતી શારીરિક અસર ઘણી ગંભીર હોઈ શકે છે.

દાંતની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે તેઓ 3ડી સ્કૅનરનો ઉપયોગ કરે છે. તેનાથી કેટલાક સમય દરમિયાન દાંત કેટલા ઘસાયા છે તે જોઈ શકાય છે.

તેઓ કહે છે, “ઘણી વાર લોકોને પોતે આમ કરે છે તેની જાણ પણ હોતી નથી, પરંતુ પછી અમને તેના કારણે થયેલું નુકસાન જોવા મળે છે. દાંત ખૂબ જ ઘસાઈ ગયા હોય, તો તેની સારવાર ખૂબ જ જટિલ બની શકે છે અને તેમાં હજારો પાઉન્ડનો ખર્ચ થઈ શકે છે.”

જોકે, તેઓ કહે છે કે આવા કિસ્સા પ્રમાણમાં ઓછા છે અને આવી સ્થિતિ ઊભી થતાં વર્ષો લાગી શકે છે.

3D સ્કૅનથી જાણી શકાય છે કે દાંત કકડાવવાને કારણે દાંતને કેટલું નુકસાન થયું છે

ઇમેજ સ્રોત, Simon Cove

દંતચિકિત્સા નિષ્ણાત ડૉ. અદિતિ દેસાઈ કહે છે કે મોંમાં પહેરવાના ગાર્ડનો ઉપયોગ કરીને બ્રુક્સિઝમનાં લક્ષણોને નિયંત્રિત કરી શકાય છે, પરંતુ દાંત કકડાવવાનું કારણ જાણવું પણ એટલું જ મહત્ત્વનું છે.

તેઓ કહે છે, “ઘણી વાર દંતચિકિત્સકો આમ શા માટે થઈ રહ્યું છે તેની તપાસ કર્યા વિના જ મોંમાં પહેરવાનું ગાર્ડ આપી દે છે.”

તેઓ કહે છે કે ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા (ઓએસએ) જેવી ગંભીર અન્ય ગંભીર તબીબી સમસ્યાને ધ્યાનમાં લેવી અત્યંત જરૂરી છે. ઓએસએમાં શ્વાસનળીમાં અવરોધ ઊભો થાય છે. તેથી શ્વાસ લેવામાં તકલીફ ન પડે એ માટે દર્દી દાંત કકડાવીને આ અવરોધ દૂર કરવાનો પ્રયાસ કરી શકે છે.”

આ સ્થિતિ અંગે સંશોધન કરી રહેલા પ્રોફેસર ફ્રેન્ક લોબેઝૂ કહે છે, “બ્રુક્સિઝમ તમને જીવતા રાખવામાં કેવી રીતે મદદ કરી શકે છે તેનું આ એક સારું ઉદાહરણ છે.”

તેઓ સમજાવે છે કે બ્રુક્સિઝમની કેટલીક નકારાત્મક અસરો છે. જેમ કે દાંતને નુકસાન, ઊંઘમાં ખલેલ અને જડબામાં દુખાવો, પરંતુ તે હંમેશાં “ખરાબ” હોય એવું નથી.

લોબેઝૂ કહે છે, “લાળના ઉત્પાદન માટે પણ દાંતનું કકડાવવું મહત્ત્વનું છે. જડબાના સ્નાયુઓને હલાવવાથી લાળની મોટી ગ્રંથિઓ સક્રિય થાય છે. તેનાથી મોઢું સાફ રહે છે, દાંતનું રક્ષણ થાય છે અને પાચન માટે પણ તે ખૂબ જરૂરી છે.”

કેટલાક અભ્યાસોમાં એમ પણ જાણવા મળ્યું છે કે ચાવવાથી વિચારવાની અને સમજવાની ક્ષમતામાં મદદ મળી શકે છે.

તેઓ કહે છે, “પ્રાણીઓમાં આપણે આ વાત જાણીએ છીએ અને મનુષ્યો પરના અમારા પ્રારંભિક સંશોધનમાં પણ આમ જ જોવા મળી રહ્યું છે. જડબાના સ્નાયુઓને હલાવવાથી આપણે મગજમાં રક્તપ્રવાહને ઉત્તેજિત કરીએ છીએ.”

જોકે, દાંત કકડાવવાથી લાંબા સમય સુધી દુખાવો પણ થઈ શકે છે, જેની તમારા રોજિંદા જીવન પર ઘણી મોટી અસર પડી શકે છે.

દાંત કકડાવવાની સમસ્યાની સારવાર શું છે?

પ્રોસ્થોડોન્ટિક્સના નિષ્ણાત દંતચિકિત્સક રિયાઝ યાર ગંભીર પ્રકારના બ્રુક્સિઝમ (દાંત કકડાવવાની આદત)ને કારણે થતી સમસ્યાઓથી પીડાતા દર્દીઓની સારવાર કરે છે. તેમાં ઘસાઈ ગયેલા, તૂટેલા અને તિરાડ પડેલા દાંત ઉપરાંત વારંવાર નિષ્ફળ જતી દાંતની સારવારનો પણ સમાવેશ થાય છે.

તેઓ કહે છે કે ઘણા દર્દીઓ જડબાં અથવા ચહેરામાં સતત દુખાવો અને ઊંઘની અછતની ફરિયાદ લઈને પણ આવે છે. તેથી માત્ર દાંત કકડાવવાની આદતને જ જવાબદાર માનવાને બદલે દર્દીની પણ સંપૂર્ણ તપાસ કરવી જોઈએ.

યાર કહે છે કે પહેલાં દાંત કકડાવવાની સમસ્યાને જડબાની યાંત્રિક સમસ્યા માનવામાં આવતી હતી, પરંતુ હવે એવા મજબૂત પુરાવા છે કે આ સમસ્યા તેના કરતાં ઘણી વધુ જટિલ છે. તેમના મતે, આ એક “જૈવિક-મનોવૈજ્ઞાનિક સમસ્યા” છે, જે મગજ અને ચેતાતંત્ર દ્વારા સંચાલિત થાય છે અને વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વથી પણ અસરગ્રસ્ત થાય છે.

તેઓ કહે છે, “અમે દર્દીની ઊંઘની રીત, તેમનો આહાર, તેમનું વજન, તેઓ કેટલો વ્યાયામ કરે છે અને કઈ દવાઓ લે છે તેને ધ્યાનમાં લઈએ છીએ. ઊંઘને લગતી કોઈ સમસ્યાનાં લક્ષણો છે કે નહીં તેની પણ તપાસ કરીએ છીએ. દર્દી દાંત કકડાવે તેનાં અનેક કારણો હોઈ શકે છે. તેથી આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બહુઆયામી દૃષ્ટિકોણવાળી સારવાર જરૂરી છે.”

આ સમસ્યાનો સામનો કરવાની શ્રેષ્ઠ રીત કઈ છે? આ ઉપાયો મદદરૂપ થઈ શકે છે:

  • દાંતનું રક્ષણ કરવા માટે રાત્રે પહેરવાનું મોંનું ગાર્ડ
  • દાંત કકડાવવાની સમસ્યા સ્લીપ એપ્નિયા સાથે સંબંધિત હોય તો સીપીએપી મશીન અથવા મૅન્ડિબ્યુલર ઍડવાન્સમેન્ટ ડિવાઇસ (એમએડી) જેવાં ઉપકરણો શ્વાસનળીને ખુલ્લી રાખવામાં મદદ કરી શકે છે
  • ફિઝિયોથૅરપી
  • સીબીટી જેવી વાતચીત આધારિત સારવાર
  • તણાવ ઘટાડવા અને ઊંઘ સુધારવા માટે જીવનશૈલીમાં ફેરફાર, જેમ કે વ્યાયામ કરવો, દારૂનું સેવન ઘટાડવું, ધૂમ્રપાન છોડવું અને સ્વસ્થ આહાર લેવો
  • ગંભીર કિસ્સામાં બોટોક્સ પણ એક વિકલ્પ છે

સ્નાયુઓને ઢીલા પાડવા માટેનાં ઇન્જેક્શન ઉપરાંત, એલા પોતાની ચિંતા ઘટાડવા અને રોજિંદા જીવનમાં સતત અનુભવાતા તણાવમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરવા માટે ધ્યાન પણ કરી રહ્યાં છે.

એલા કહે છે, “સારવાર કરાવવાથી મારું જીવન બદલાઈ ગયું છે. હવે હું આ સમસ્યાના મૂળ કારણ સુધી પહોંચવાનો પ્રયાસ કરવા માગું છું.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS