Home તાજા સમાચાર gujrati ‘શેતાની કીડો’ પૃથ્વીના ગર્ભમાં કેવી રીતે જીવે છે, જાણો કેવી છે પૃથ્વીના...

‘શેતાની કીડો’ પૃથ્વીના ગર્ભમાં કેવી રીતે જીવે છે, જાણો કેવી છે પૃથ્વીના પેટાળમાં છુપાયેલી રહસ્યમય દુનિયા?

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ 'ડેવિલ વર્મ' ઉપરાંત, તેના જેવા અન્ય અનેક પ્રકારનાં સૂક્ષ્મ કૃમિઓની વિવિધતા પણ પૃથ્વીના ગર્ભમાં આવેલી આ રહસ્યમય જીવસૃષ્ટિમાં જોવા મળી છે. પૃથ્વીના ગર્ભમાં ઊંડા ગુપ્ત વિશ્વની આશ્ચર્યજનક શોધ; વૈજ્ઞાનિકોએ શોધેલા 'શેતાન કીડા' ત્યાં કેવી રીતે રહે છે? 'પૃથ્વીનો ગર્ભ', 'ગુપ્ત વિશ્વ', 'શેતાન કીડો', 'વૈજ્ઞાનિકોની શોધ'

ઇમેજ સ્રોત, Gaetan Borgonie, Extreme Life Insurance, Belgium

જમીનમાં ખાડો ખોદીને તમે અંદર ઊતરવા માંડશો, તો થોડા સમયમાં જ તમારો શ્વાસ રૂંધાવા લાગશે અને ગભરામણ થતી જણાશે.

સૂર્યપ્રકાશ સંપૂર્ણપણે અદૃશ્ય થતો જશે અને પૃથ્વીના એકદમ ગરમ ગર્ભની નજીક તમે પહોંચવા લાગશો ત્યારે ત્યાંની ભયંકર ગરમી અને દબાણ સતત વધતાં જશે. ઉપરાંત, ખડકોની તિરાડો અને છિદ્રોમાંથી ભૂગર્ભનું પાણી પણ વહેતું જોવા મળશે.

આશરે 1.3 કિલોમીટર (0.8 માઈલ) જેટલી ઊંડી અને ભયજનક જગ્યાએ પહોંચ્યા પછી તમારા મનમાં એ વિચાર જરૂર આવશે કે અહીં કોઈ પણ પ્રાણીનું અસ્તિત્વ શક્ય ન હોઈ શકે.

પણ નસીબ સારું હશે, તો તમને ત્યાં અબજો જીવાણુઓ (બૅક્ટેરિયા) જોવા મળશે, જેમના ચમકતા નારંગી અથવા સફેદ રંગનાં પડ ખડકો પર જામેલા દેખાશે. અને માઇક્રોસ્કોપથી જોશો, તમને કદાચ એક નાનકડો જીવ પણ જોવા મળી શકે છે, જે પોતાના મોંની નજીકનાં અંગોની મદદથી ખડકો પર હલનચલન કરતો હોય.

એ છે હેલિસેફેલોબસ મેફિસ્ટો (Halicephalobus mephisto), જે ‘ડેવિલ વર્મ’, એટલે કે ‘રાક્ષસી કૃમિ’ અથવા તો ‘શેતાની કીડા’ તરીકે ઓળખાય છે. આ સૂક્ષ્મ કૃમિ ભૂગર્ભમાં રહેલાં અન્ય સૂક્ષ્મ જીવોનો શિકાર કરવા માટે ફરતો રહે છે.

અત્યંત સૂક્ષ્મ, માણસના એક વાળ જેટલી જાડાઈ ધરાવતો આ કૃમિ આ નાનકડી ભૂગર્ભ જીવસૃષ્ટિ પર કોઈ વિશાળકાય વ્હેલની જેમ વર્ચસ્વ ધરાવે છે.

વિજ્ઞાનીઓના માનવા મુજબ આ કૃમિ ખડકો પર પથરાયેલા અને ચીકણા પદાર્થ જેવા દેખાતા સૂક્ષ્મ જીવાણુઓના પાતળા પડમાં મૃત્યુ પામે, ત્યારે તેના શરીરનું જીવાણુઓ તેમજ અન્ય સૂક્ષ્મ જીવો દ્વારા ભક્ષણ કરવામાં આવે છે. તેનાથી મળતાં પોષક તત્ત્વો આ અસાધારણ જીવનચક્રને ટકાવી રાખે છે. આ જીવનચક્ર પૃથ્વીના આદિકાળ (હેડિયન યુગ) જેટલું જૂનું છે.

1980ના દાયકા પહેલાં મોટા ભાગના જીવવિજ્ઞાનીઓનું માનવું હતું કે જમીનની સપાટીથી માત્ર 30 સેન્ટીમીટર (એક ફૂટ)થી વધુ ઊંડાઈએ કોઈ પણ પ્રકારની જીવસૃષ્ટિનું અસ્તિત્વ શક્ય નથી.

પણ પૃથ્વીના ગર્ભમાં, અત્યંત ઊંડાણમાં વસતાં જીવાણુઓની શોધ અને 2011માં થયેલી ‘ડેવિલ વર્મ’ની શોધે પૃથ્વીના આંતરિક ભાગ વિશેની આપણી સમજને ધરમૂળથી બદલી નાખી.

‘ડેવિલ વર્મ’ની કહાની સાબિત કરે છે કે સૂર્યપ્રકાશમાંથી મળતી ઊર્જા કે ઑક્સિજનની પૂરતી હાજરી ન હોય, તો પણ જીવસૃષ્ટિ- ખાસ કરીને પ્રાણીજીવન- પોતાના અસ્તિત્વનો માર્ગ શોધી લે છે.

આ શોધને કારણે સજીવોની ક્ષમતાઓ વિશેની વિજ્ઞાનીઓની સમજ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તદુપરાંત, પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે અને જીવનનું ભવિષ્ય કેવું હોઈ શકે એ અંગેના નવા દૃષ્ટિકોણોને જન્મ આપ્યો છે.

પૃથ્વીના આટલા ઊંડાણમાં એક કૃમિ મળી શકતું હોય, તો હજી એવી કેટલીય બાબતો હશે જે આપણી નજરમાંથી છૂટી ગઈ હશે? દક્ષિણ કૅલિફોર્નિયા યુનિવર્સિટીના જિયૉમાઇક્રોબાયૉલૉજિસ્ટ કૅરેન લૉયડ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહે છે, “અહીં નવાં સંશોધનો માટેનો અઢળક ખજાનો છુપાયેલો છે.”

અણધારી અને અનુકૂળ ઘટનાઓની એક શ્રેણીને કારણે વિજ્ઞાનીઓ એક માત્ર ‘ડેવિલ વર્મ’ માંથી તેની નવી પેઢીનો સફળતાપૂર્વક ઉછેર કરવામાં સફળ રહ્યા. પૃથ્વીના અત્યંત ગરમ અને સંપૂર્ણ અંધકારમય ભૂગર્ભમાં આ પ્રજાતિ કેવી રીતે ટકી રહે છે તે સમજવા માટે તેઓ હવે આના પછીની પેઢીઓનો ઉત્સુકતાપૂર્વક અભ્યાસ કરી રહ્યા છે.

પૃથ્વીના ભૂગર્ભની જીવસૃષ્ટિ

જમીનની ખૂબ ઊંડાઈમાં પણ જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે, તેના પ્રથમ નક્કર પુરાવા 1990ના દાયકામાં મળ્યા હતા. જેમ કે, 1997માં એક ગૅસ બોરહૉલમાં લગભગ 2.8 કિલોમીટર (1.7 માઈલ) ની ઊંડાઈએ જીવાણુઓ મળી આવ્યા હતા.

2000ના દાયકાની શરૂઆતમાં, બૅલ્જિયમની ‘ઍક્સ્ટ્રીમ લાઇફ ઇસ્યેન્સ્યા’ સંસ્થાના કૃમિવિજ્ઞાની ગેટન બૉર્ગોનીના મનમાં એક પ્રશ્ન ઊભો થયો, ‘શું ગોળ કૃમિ (નેમાટોડ) જેવી નાની પ્રજાતિઓ પણ પૃથ્વીની અત્યંત ઊંડાઈમાં જીવતી હોઈ શકે ખરી?’

બૉર્ગોની યાદ કરતાં જણાવે છે કે તેમણે જમીનની આટલી ઊંડાઈએ મોટાં બહુકોષીય પ્રાણીઓ હોવાની શક્યતા વ્યક્ત કરી, ત્યારે ઘણા વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ તેમની મજાક ઉડાવી હતી. પણ આ સૂક્ષ્મ કૃમિઓની અસાધારણ સહનશક્તિ વિશે જાણતા હોવાથી બૉર્ગોનીને લાગ્યું કે આ વિષય પર સંશોધન કરવું જરૂરી છે. તેનું એક કારણ એ પણ હતું કે 2003માં ‘કૉલંબિયા’ સ્પેસ શટલ દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડ્યું એ પછી, પ્રયોગ માટે તેના પર રાખવામાં આવેલાં નેમાટોડ્સ લગભગ 64 કિલોમીટર (40 માઈલ)ની ઊંચાઈએથી જમીન પર પડવા છતાં જીવિત રહ્યા હતા અને તેમનો પ્રજનનક્રમ પણ યથાવત્ રહ્યો હતો.

2008માં, બૉર્ગોનીએ અત્યંત કઠોર પરિસ્થિતિમાં જીવતાં સજીવોનો અભ્યાસ કરતા અન્ય નિષ્ણાતો સાથે મળીને દક્ષિણ આફ્રિકાની ‘બિટ્રિક્સ’ સોનાની ખાણની મુલાકાત લીધી.

તેઓ જમીનની અંદર લગભગ 0.8 માઈલ (1.3 કિલોમીટર)ની ઊંડાઈએ પહોંચ્યા અને ખાણની દિવાલોમાં બનાવેલા ખાસ છિદ્રો સુધી ગયા. બૉર્ગોનીના જણાવ્યા અનુસાર, આ છિદ્રો ખડકોની અંદર રહેલું આશરે 37°C (99°F) તાપમાન ધરાવતું પાણી બહાર કાઢવા અને તેને એવા વિશેષ ફિલ્ટરમાંથી પસાર કરવા માટે બનાવવામાં આવ્યા હતા, જે સૂક્ષ્મ જીવોને પકડી શકે. 6,000 લિટર (1,300 ગૅલન)થી વધુ પાણી ફિલ્ટર કર્યા પછી આખરે તેમને એક નાનકડો કૃમિ મળી આવ્યો.

એ પછી દક્ષિણ આફ્રિકાની બીજી બે ખાણોમાં તેમણે હજી વધુ પ્રમાણમાં પાણી ફિલ્ટર કર્યું. એક સ્થળે તો 1.2 કરોડ લિટરથી પણ વધુ પાણી ગાળવામાં આવ્યું. ત્યાં તેમને ગોળ કૃમિઓની વિવિધ પ્રજાતિઓ, કરોડરજ્જુ વિનાનાં કેટલાક નાનાં જીવો, ફૂગ અને અન્ય અનેક સૂક્ષ્મ જીવો મળી આવ્યાં.

બૉર્ગોની કહે છે, “મને જરાય અપેક્ષા નહોતી કે અહીં જાણે કે આખું પ્રાણીસંગ્રહાલય મળી જશે.” તેમાંની મોટા ભાગની પ્રજાતિઓ જમીનની સપાટી પર પણ જોવા મળતી હતી. પણ ‘બિટ્રિક્સ’ સોનાની ખાણમાંથી મળેલા એક કૃમિની પ્રજાતિ બૉર્ગોની માટે તદ્દન અજાણી હતી. એ કૃમિની પૂંછડી ફિલ્ટર કરવાની પ્રક્રિયા દરમિયાન તૂટી ગઈ હતી,. 2011માં તેમણે તેને વિજ્ઞાન માટેની નવી પ્રજાતિ તરીકે જાહેર કરી અને તેનું નામ ‘હેલિસેફેલોબસ મેફિસ્ટો’ (Halicephalobus mephisto) રખાયું.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ 'ડેવિલ વર્મ' ઉપરાંત, તેના જેવા અન્ય અનેક પ્રકારનાં સૂક્ષ્મ કૃમિઓની વિવિધતા પણ પૃથ્વીના ગર્ભમાં આવેલી આ રહસ્યમય જીવસૃષ્ટિમાં જોવા મળી છે. પૃથ્વીના ગર્ભમાં ઊંડા ગુપ્ત વિશ્વની આશ્ચર્યજનક શોધ; વૈજ્ઞાનિકોએ શોધેલા 'શેતાન કીડા' ત્યાં કેવી રીતે રહે છે? 'પૃથ્વીનો ગર્ભ', 'ગુપ્ત વિશ્વ', 'શેતાન કીડો', 'વૈજ્ઞાનિકોની શોધ'

ઇમેજ સ્રોત, Gaetan Borgonie, Extreme Life Insurance, Belgiu

નેમાટોડ(ગોળ કૃમિ)ની પૂંછડી તૂટી જવી એટલે તેના માટે લગભગ મૃત્યુદંડ સમાન ગણાય. પણ સદ્‍નસીબે આ એક માદા કૃમિ હતી અને તે પાર્થેનોજેનેટિક (Parthenogenetic) હતી, એટલે કે નર સાથે સંયોગ કર્યા વિના પણ સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતી હતી. મૃત્યુ પહેલાં તેણે આઠ ઈંડાં મૂક્યાં હતાં.

બૉર્ગોની કહે છે, “અમે ખરેખર ખૂબ નસીબદાર હતા કે આ કૃમિ એટલા સમય સુધી જીવિત રહી.” કારણ કે ત્યાર પછી તેમને ફરી ક્યારેય બીજો કોઈ ‘ડેવિલ વર્મ’ મળ્યો નહોતો.

વૉશિંગ્ટન ડી.સી.સ્થિત અમેરિકન યુનિવર્સિટીના જિનેટિક્સ સંશોધક જૉન બ્રેક્ટ આશ્ચર્ય વ્યક્ત કરતાં કહે છે, “આ તો જાણે કે હૅરી પૉટરની જેમ ‘જીવિત બચી ગયેલો કૃમિ’ પુરવાર થયો.”

આ કૃમિની નવી પેઢીના કેટલીક નમૂનાઓ હવે બ્રેક્ટની પ્રયોગશાળામાં છે. ત્યાં તેને પૅટ્રી ડિશમાં ‘કેનોરહેબ્ડિટિસ એલિગન્સ’ નામના કૃમિની જેમ ઉછેરવામાં આવે છે. આ કૃમિ સામાન્ય રીતે સડેલાં ફળોમાં જોવા મળે છે અને તેના પર વ્યાપક સંશોધન થયું છે. જો કે, બંને વચ્ચે કેટલાક મહત્ત્વના તફાવત છે. ‘મેફિસ્ટો’ પાણીમાં તરતો નથી, પણ પ્લાસ્ટિકની નળીની અંદરની સપાટી સાથે ચોંટી રહે છે. સંશોધકોનું માનવું છે કે ભૂગર્ભમાં ખડકોને મજબૂતીથી પકડી રાખવામાં આ લક્ષણ તેને મદદરૂપ બની રહેતું હશે.

‘કેનોરહેબ્ડિટિસ એલિગન્સ’નો ખોરાક એવા ઈ.કોલાઈ બૅક્ટેરિયા ‘ડેવિલ વર્મ’ને બિલકુલ પસંદ નથી. તેમને બદલે તે પૅટ્રી ડિશમાં સ્વાભાવિક રીતે ઉગેલા અન્ય બૅક્ટેરિયાને આરોગવા માટે સરકતો સરકતો આગળ વધે છે.

રસપ્રદ વાત એ છે કે સામાન્ય ઓરડાના તાપમાને ‘મેફિસ્ટો’ બહુ સક્રિય રહેતો નથી. 20°C (68°F) તાપમાન પર તેની વૃદ્ધિ ધીમી પડી જાય છે અને પોતાનું સમગ્ર જીવનચક્ર પૂર્ણ કરવામાં તેને લગભગ આઠ દિવસ લાગે છે. જ્યારે 37°C (99°F) જેટલું ગરમ વાતાવરણ તેને વધુ અનુકૂળ છે. આ તાપમાને ‘કેનોરહેબ્ડિટિસ એલિગન્સ’ મૃત્યુ પામે છે, પણ ‘મેફિસ્ટો’ દર બે દિવસે નવી પેઢીને જન્મ આપે છે.

અશક્ય લાગતી પરિસ્થિતિમાં પણ જીવિત રહેવાની કળા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ 'ડેવિલ વર્મ' ઉપરાંત, તેના જેવા અન્ય અનેક પ્રકારનાં સૂક્ષ્મ કૃમિઓની વિવિધતા પણ પૃથ્વીના ગર્ભમાં આવેલી આ રહસ્યમય જીવસૃષ્ટિમાં જોવા મળી છે. પૃથ્વીના ગર્ભમાં ઊંડા ગુપ્ત વિશ્વની આશ્ચર્યજનક શોધ; વૈજ્ઞાનિકોએ શોધેલા 'શેતાન કીડા' ત્યાં કેવી રીતે રહે છે? 'પૃથ્વીનો ગર્ભ', 'ગુપ્ત વિશ્વ', 'શેતાન કીડો', 'વૈજ્ઞાનિકોની શોધ'

ઇમેજ સ્રોત, Gaetan Borgonie, Extreme Life Insurance, Belgium

માત્ર એક જ કૃમિમાંથી વિકસેલી નવી પેઢીનો અભ્યાસ કરવો ખૂબ પડકારજનક કાર્ય છે- એ જીવ પોતાના મૂળ કુદરતી નિવાસસ્થાનથી લાંબા સમયથી દૂર હોય ત્યારે ખાસ.

છતાં, બ્રેક્ટ અને તેમની ટીમે એ સમજવામાં મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે કે આ કૃમિ પૃથ્વીના ગર્ભની આટલી ઊંડાઈમાં કેવી રીતે જીવિત રહી શકે છે.

2019માં બ્રેક્ટ અને તેમના સહકર્મીઓએ ‘મેફિસ્ટો’ના ડી.એન.એ.નું વિશ્લેષણ કર્યું ત્યારે તેમને એક મહત્ત્વનો સંકેત મળ્યો. તેમણે શોધ્યું કે આ કૃમિમાં શરીરના પ્રોટીનને અતિશય ગરમીથી બચાવતા ‘હીટ-શોક પ્રોટીન’નાં જનીનોની સંખ્યા અસામાન્ય ધોરણે વધુ છે.

ત્યાર પછી 2024માં બ્રેક્ટની ટીમે ‘સાયટોક્રોમ ઑક્સિડેઝ C’ નામના બીજા એક મહત્ત્વપૂર્ણ અણુનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો. આ અણુ ઑક્સિજનનો ઉપયોગ કરીને શરીરને જીવિત રાખવા માટે જરૂરી ઊર્જા ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે.

વિવિધ પ્રયોગો દરમિયાન બ્રેક્ટે નોંધ્યું કે ‘મેફિસ્ટો’માં રહેલું આ સાયટોક્રોમ ઑક્સિડેઝ C માત્ર ઊંચા તાપમાને જ સક્રિય થાય છે. ઓરડાના સામાન્ય તાપમાને તે લગભગ નિષ્ક્રિય થઈ જાય છે. પરિણામે શરીરમાં ઊર્જા ઉત્પન્ન કરવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને તેથી જ આવા વાતાવરણમાં આ કૃમિઓ ખૂબ સુસ્ત જણાય છે.

બ્રેક્ટના મતે, આ એક પ્રકારનું ‘ઓફ્ફ-સ્વિચ’ છે, જે કૃમિ માટે રક્ષણાત્મક વ્યવસ્થા તરીકે કામ કરે છે. તેઓ કહે છે, “એ રીતે તેઓ ખાતરી કરે છે કે તેમની નવી પેઢી વધુ અનુકૂળ અને ગરમ વાતાવરણમાં જ વધુ પ્રમાણમાં જન્મે.”

જીવનસાથી વિના સંતાન ઉત્પન્ન કરવાની ‘ડેવિલ વર્મ’ની ક્ષમતા તેની પ્રજાતિના અસ્તિત્વને ટકાવી રાખવામાં મદદરૂપ બને છે કે કેમ, તે અંગે બ્રેક્ટ હાલમાં સંશોધન કરી રહ્યા છે. કારણ કે પૃથ્વીના ગર્ભમાં આવેલા આટલા વિશાળ વિશ્વમાં આ કૃમિઓને પોતાની જ પ્રજાતિના બીજા કૃમિઓ સહેલાઈથી મળી રહેતા નથી. આવી સ્થિતિમાં, નરની જરૂરિયાત વિના એકલા જ નવી પેઢીને જન્મ આપવાની આ અનોખી પદ્ધતિ કદાચ તેમની પ્રજાતિને ટકાવી રાખવાનો એક માત્ર માર્ગ હોઈ શકે.

એમ માનવામાં આવે છે કે અલૈંગિક પ્રજનનની એક મોટી મર્યાદા હોય છે. કારણ કે તેમાં નર અને માદાના સંયોગથી મળતી સ્વસ્થ આનુવંશિક વિવિધતા સર્જાતી નથી. તેથી ઘણા વિજ્ઞાનીઓનું માનવું છે કે માત્ર આ રીતે પ્રજનન કરતી પ્રજાતિઓ લાંબા ગાળે લુપ્ત થઈ જવાની શક્યતા વધુ હોય છે.

બ્રેક્ટના અનુમાન મુજબ, કદાચ ‘ડેવિલ વર્મ’ની પ્રજાતિમાં નર કૃમિઓ પણ અસ્તિત્વમાં હશે. જેથી બે કૃમિઓ એકબીજાના સંપર્કમાં આવે, ત્યારે તેઓ સામાન્ય લૈંગિક પ્રજનન પણ કરી શકતા હોય. જો કે, અત્યાર સુધી આવા નર કૃમિનો કોઈ પુરાવો મળ્યો નથી.

ગમે તે હોય, આ સૂક્ષ્મ કૃમિઓ બદલાતા વાતાવરણ સાથે પોતાને કેટલી અદ્‍ભુત રીતે અનુકૂળ કરી શકે છે, તે આમાંથી સ્પષ્ટ થાય છે. બ્રેક્ટ કહે છે, ” ખોરાકનો સ્ત્રોત ઉપલબ્ધ હોય અને જ્યાં સુધી પ્રાણીઓ પહોંચી શકે, ત્યાં સુધી નેમાટોડ્સ તે પરિસ્થિતિ અનુસાર અનુકૂલન સાધતા રહે છે.”

ભૂગર્ભમાં જીવિત રહેવાની ક્ષમતા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ 'ડેવિલ વર્મ' ઉપરાંત, તેના જેવા અન્ય અનેક પ્રકારનાં સૂક્ષ્મ કૃમિઓની વિવિધતા પણ પૃથ્વીના ગર્ભમાં આવેલી આ રહસ્યમય જીવસૃષ્ટિમાં જોવા મળી છે. પૃથ્વીના ગર્ભમાં ઊંડા ગુપ્ત વિશ્વની આશ્ચર્યજનક શોધ; વૈજ્ઞાનિકોએ શોધેલા 'શેતાન કીડા' ત્યાં કેવી રીતે રહે છે? 'પૃથ્વીનો ગર્ભ', 'ગુપ્ત વિશ્વ', 'શેતાન કીડો', 'વૈજ્ઞાનિકોની શોધ'

ઇમેજ સ્રોત, Gaetan Borgonie et al., Nature, 2011

આ સજીવો પૃથ્વીના ગર્ભમાં આટલી ગજબનાક ઊંડાઈ સુધી કેવી રીતે પહોંચ્યા, એ હજી પણ એક રહસ્ય છે.

ઝ્યુરિક સ્થિત ઈ.ટી.એચ. યુનિવર્સિટીના જિયૉબાયૉલૉજિસ્ટ કારા મેગ્નાબોસ્કો અને બૉર્ગોનીના સંશોધન અનુસાર, કેટલાક નેમાટોડ્સ પાણીના પ્રવાહ સાથે જમીનની સપાટી પરથી નીચે પહોંચ્યા હશે. સંભવ છે કે ભૂકંપના આંચકાથી બનેલી તિરાડોએ તેમને નીચે જવાનો માર્ગ આપ્યો હોય. આ મુશ્કેલ પ્રવાસ દરમિયાન કેટલીક પ્રજાતિઓ નીચેના કઠિન વાતાવરણમાં ટકી રહી, જ્યારે કેટલીક નષ્ટ થઈ ગઈ.

મેગ્નાબોસ્કો કહે છે, “જમીનની સપાટીથી પૃથ્વીના ઊંડા ગર્ભ સુધી પહોંચવા માટે કોઈ ને કોઈ જોડાણ અથવા માર્ગ ચોક્કસપણે અસ્તિત્વમાં હોવો જોઈએ.”

મેગ્નાબોસ્કો અને અન્ય સંશોધકોના અંદાજ મુજબ, ભૂગર્ભમાં રહેલી આ રહસ્યમય જીવસૃષ્ટિના સૂક્ષ્મજીવો પૃથ્વીની કુલ જીવસૃષ્ટિનો ઘણો મોટો હિસ્સો ધરાવે છે. પૃથ્વી પરના તમામ સૂક્ષ્મ જીવો પૈકી 12થી 20 ટકા ભાગ માત્ર ભૂગર્ભના આ સૂક્ષ્મજીવોનો છે.

આ અંધકારમય દુનિયામાંથી કાર્બન અને ઊર્જા મેળવવા માટે આ સૂક્ષ્મ જીવોએ અનેક વિશિષ્ટ જૈવિક પદ્ધતિઓ વિકસાવી છે. તેથી જ ભૂગર્ભના બૅક્ટેરિયા, સૂક્ષ્મ કૃમિઓ જેવા વધુ જટિલ સજીવો માટે ખોરાક અને ઊર્જાનો મુખ્ય આધાર બનતા હોવાનું માનવામાં આવે છે.

લોયડના જણાવ્યા મુજબ, આ સૂક્ષ્મ જીવો માત્ર ખોરાક જ પૂરો પાડતા નથી, તેઓ ભૂગર્ભમાં વસતા નેમાટોડ્સને જરૂરી હોય તેટલો અલ્પ પ્રમાણમાં ઑક્સિજન પણ ઉત્પન્ન કરતાં હોઈ શકે છે. ઉપરાંત, પાણીથી ભરેલી આ ઊંડી ગુફાઓમાં અમ્લતાનું પ્રમાણ સંતુલિત રાખીને “મોટા સજીવોના વિકાસ માટે અનુકૂળ અને પોષક વાતાવરણ ઊભું કરવામાં પણ આ સૂક્ષ્મ જીવો મહત્ત્વની ભૂમિકા ભજવે છે,” એમ તેઓ કહે છે.

બદલામાં, આ કૃમિઓ પણ સૂક્ષ્મ જીવો માટે ખોરાકનો સ્ત્રોત બને છે. બૉર્ગોનીના જણાવ્યા અનુસાર, તેઓ પોતાની વિષ્ટા દ્વારા નાઇટ્રોજન પૂરો પાડે છે અને મૃત્યુ પછી તેમના શરીરમાંથી કાર્બન ઉપલબ્ધ કરાવે છે.

જમીનની નીચે રહેલી આ રહસ્યમય જીવસૃષ્ટિ કદાચ યુગોથી આવી જ રીતે વિકસતી અને સમૃદ્ધ થતી રહી હશે. ચીનની ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડીપ-સી સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ’નાં સંશોધક મૅગી લાઉ અને તેમના સહકર્મીઓનાં સંશોધનોમાંથી એક આશ્ચર્યજનક પુરાવો મળ્યો છે.

ભૂગર્ભના ઊંડા ખડકોમાં મળતી બૅક્ટેરિયાની એક પ્રજાતિ કદાચ લગભગ 16.5 કરોડ વર્ષો પહેલાંથી, એટલે કે પૃથ્વી પર ડાયનાસોરનું શાસન હતું અને ‘પેન્જિયા’ નામનો મહાખંડ તૂટવાની શરૂઆત થઈ રહી હતી, ત્યારથી પૃથ્વીના ભૂપૃષ્ઠમાં રહેતી આવી છે.

‘ડેવિલ વર્મ’ અને ભૂગર્ભમાં રહેતા તેના સાથીજીવો કદાચ પૃથ્વી પર સૌથી લાંબા સમય સુધી ટકી રહેલા જીવસૃષ્ટિના સભ્યોમાંના એક હોઈ શકે છે.

નિષ્ણાતોના મતે, ભૂગર્ભની આ રહસ્યમય જીવસૃષ્ટિનો અભ્યાસ કરવાથી પૃથ્વી પર જીવનનો સૌ પ્રથમ ઉ‍દ્‍ભવ કઈ પરિસ્થિતિઓમાં થયો હશે તે સમજવામાં વધુ સરળતા રહેશે. એટલું જ નહીં, આ સંશોધન પૃથ્વી બહારના અન્ય ગ્રહો પર જીવનની શોધમાં પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે મંગળ ગ્રહ પર ક્યાંક જીવન અસ્તિત્વમાં હશે, તો એ શક્યતા ખરી કે તે તેની સપાટીની નીચે ક્યાંક છુપાયેલું હશે.

અને ભવિષ્યમાં કોઈ વિનાશકારી લઘુગ્રહ પૃથ્વી સાથે અથડાય અને સપાટી પરની તમામ જીવસૃષ્ટિ નાશ પામે, તો પણ પૃથ્વીના ગર્ભમાં સુરક્ષિત રીતે છુપાયેલા જીવોની મદદથી પૃથ્વી પર ફરી એક વખત નવી જીવસૃષ્ટિનો વિકાસ થઈ શકે છે.

‘ડેવિલ વર્મ’ની શોધ કરનાર ટીમના મહત્ત્વપૂર્ણ સંશોધક અને બાયૉકેમિસ્ટ ઍસ્ટા વાન હીરડેન કહે છે: “મનુષ્ય તરીકે આપણને લાગે છે કે આ દુનિયા પર આપણે શાસન કરીએ છીએ, પણ હકીકત એમ નથી.”

તેઓ આગળ કહે છે, “આ શોધે મને એક ખૂબ મોટો પાઠ શીખવ્યો છે. આપણે સમજવું જોઈએ કે આ જીવો આપણા પહેલાં કરોડો નહીં, પરંતુ વર્ષોથી અહીં અસ્તિત્વમાં છે અને આપણે આ પૃથ્વી પરથી હંમેશાં માટે અદૃશ્ય થઈ ગયા પછી પણ તેઓ લાંબા સમય સુધી અહીં જ ટકી રહેશે અને પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS