Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
સિઝેરિયન દ્વારા પ્રસૂતિ બાદના મહિનાઓ પછી પણ ઘણી સ્ત્રીઓમાં પેટની નીચેનો ભાગ આગળ આવેલો કે ફૂલેલો જોવા મળે છે. આ જ કારણસર ઘણા લોકો માને છે કે “સિઝેરિય ના કારણે પેટ કાયમ ઢીલું થઈ જાય છે.”
‘સી-સેક્શન પાઉચ’ તરીકે ઓળખાતા આ ફેરફાર વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થાય છે, પરંતુ તેની પાછળની વાસ્તવિકતા થોડી અલગ છે. નિષ્ણાતોના મતાનુસાર, આ સ્થિતિ સર્જરીને કારણે નહીં, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં થયેલા ફેરફારને કારણે પણ થાય છે.
ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભના વિકાસને લીધે પેટના સ્નાયુઓ, ત્વચા અને સંયોજક પેશીઓમાં ખૂબ ખેંચાણ સર્જાય છે. પ્રસૂતિ પછી શરીરને સ્વસ્થ થવામાં ઘણો સમય લાગે છે. કેટલીક સ્ત્રીઓમાં સ્નાયુની શક્તિ ઓછી થવાથી, પેટના સ્નાયુઓ ફાટી જવાથી અથવા વજન વધવાને કારણે પેટ મોટું દેખાઈ શકે છે.
તેથી, પ્રસૂતિ બાદ પેટનો આકાર અગાઉના જેવો ન દેખાય તે શરીરની કુદરતી પ્રક્રિયાનો ભાગ હોય છે. સી-સેક્શન પછી પેટ બહાર નીકળવા પાછળનાં ચોક્કસ કારણો શું છે અને ક્યાં લક્ષણોને અવગણવા ન જોઈએ?
‘સી-સેક્શન પાઉચ’ શા માટે દેખાય છે, તેના કારણો શું છે?
ડિલિવરી પછી પણ પેટ ફૂલેલું દેખાવા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. ગર્ભાવસ્થા દરમિયાન પેટના સ્નાયુઓ અને કનેક્ટિંગ ટિશ્યૂઝ પર વધતી તાણને કારણે કેટલીક મહિલાઓમાં રેક્ટસ એબ્ડોમિનિસ સ્નાયુઓ વચ્ચે ગેપ બની જાય છે.
આ સ્થિતિને ડાયસ્ટેસિસ રેક્ટી કહેવામાં આવે છે. એ સિવાય વધેલું વજન, ઢીલી ત્વચા, હોર્મોનમાં ફેરફાર, ફ્લુઈડ રિટેન્શન અને ડિલિવરી પછી શારીરિક હલનચલન ઓછી થવાની અસર પણ પેટના આકાર પર થતી હોય છે.
સિઝેરિયન પછી ઘા રૂઝાય ત્યારે જે પેશીઓ બને છે તેને લીધે પેટની નીચેનો ભાગ ફૂલી શકે અથવા મોટો દેખાઈ શકે છે. શસ્ત્રક્રિયાને કારણે પોતાનું પેટ બહાર નીકળી ગયું છે, એવું સ્ત્રીઓ ઘણીવાર વિચારે છે તેનું કારણ આ જ છે. જોકે, મોટાભાગે તે ફેરફાર શરીરની રૂઝ આવવાની પ્રક્રિયાનો એક ભાગ હોય છે.
બાળકના જન્મનાં થોડાં સપ્તાહમાં જ પેટના સ્નાયુઓનું પુનર્નિર્માણ કાર્ય પૂર્ણ થતું નથી. સ્નાયુઓ, ત્વચા અને પેશીઓને તેની મૂળ સ્થિતિમાં પાછા આવવામાં ઘણા મહિનાઓ લાગી શકે છે.
તેથી ધીરજ રાખવી, સંતુલિત આહાર લેવો અને નિષ્ણાતોની ભલામણ મુજબ વ્યાયામ કરવો મહત્ત્વપૂર્ણ છે. જોકે, પ્રસૂતાને દુખાવો, અસામાન્ય સોજો, તાવ અથવા ગાંઠ જેવું લાગે તો તેમણે તેમના ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.
ઇમેજ સ્રોત, Getty Images
સિઝેરિયન સેક્શનને કારણે પેટનો ભાગ બહાર આવી જાય છે? અમે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલનાં કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ ડૉ. નેહા અભિજિત પવાર સાથે આ મુદ્દે વાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે “કથિત સી-સેક્શન પાઉચ દેખાવાનું મુખ્ય કારણ ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં થતા ફેરફારો છે. ગર્ભાવસ્થા દરમિયાન પેટની દિવાલ નોંધપાત્ર પ્રમાણમાં ખેંચાતી હોય છે અને પેટના સ્નાયુઓ એકમેકથી દૂર થઈ શકે છે. સિઝેરિયન સેક્શન માટે પાડવામાં આવેલા ચીરા અને ત્યાર બાદ સર્જાતો ડાઘ પેશી રૂઝાઈ ગયા પછી એક નાના ફોલ્ડનું નિર્માણ થઈ શકે છે, જેનાથી પેટનો નીચેનો ભાગ મોટો દેખાઈ શકે છે.”
તેમણે ઉમેર્યું હતું કે “તેનું કારણ માત્ર સર્જરી હોતી નથી. શરીરની સ્થિતિ, ત્વચાની સ્થિતિસ્થાપકતા, ઘા રૂઝાવાની પ્રક્રિયા અને સ્નાયુઓની મજબૂતાઈ—આ બધાનો પ્રભાવ અંતિમ સ્વરૂપ પર પડે છે. તેથી પેટનો આકાર અથવા તે ફૂલેલું દેખાવાનું કારણ માત્ર સિઝેરિયન સેક્શન છે, એવું કહેવું યોગ્ય નથી.”
ઇમેજ સ્રોત, Getty Images
સિઝેરિયન પછી પેટ બહાર નીકળવાના મુખ્ય કારણો શું છે?
- એબ્ડોમિનલ વૉલ પર સર્જાયેલું ખેંચાણ
- પેટ તથા કમર પરના સ્નાયુઓનું નબળા પડવું
- ડાયસ્ટેસિસ રેક્ટીમાં ફાટ પડવી
- શરીર પર વધારાની ચરબીની જમાવટ
- ચામડી ઢીલી પડવી
- શરીરમાં વૉટર રિટેન્શન અને હોર્મોનલ ફેરફારો
- પ્રસૂતિ પછીની રિકવરી દરમિયાન શારીરિક પ્રવૃત્તિમાં ઘટાડો
મોટાભાગના કિસ્સામાં બહાર નીકળેલું પેટ સર્જરીમાં સમસ્યાની નિશાની નથી. હકીકતમાં તે શરીરની કુદરતી ઉપચાર પ્રક્રિયા અને બાળજન્મ પછી શરીરના નુકસાનની ભરપાઈ કરવાની પ્રક્રિયાનો એક ભાગ હોય છે.
સિઝેરિયન પછી પેટને સંપૂર્ણપણે પૂર્વવત થવામાં કેટલો સમય લાગે?
ડૉ. નેહા પવારે કહ્યું હતું કે “સી-સેક્શન સર્જરી પછી શરૂઆતના ઘાને રૂઝાવામાં સામાન્ય રીતે છથી આઠ અઠવાડિયાં લાગે છે. જોકે, એબ્ડોમિનલ વૉલના સંપૂર્ણ પુનર્નિર્માણમાં છ મહિનાથી એક વર્ષ કે તેથી વધુ સમય લાગી શકે છે. સ્નાયુઓની શક્તિ પૂર્વવત્ થવી, કનેક્ટિવ ટિશ્યૂનું રિપેરિંગ અને ત્વચા ઘટ્ટ થવાની પ્રક્રિયા તબક્કાવાર થાય છે. આહાર, શારીરિક હિલચાલ, સ્તનપાન, એકંદર આરોગ્ય અને સ્ત્રીએ કેટલી વાર ગર્ભ ધારણ કર્યો છે વગેરે જેવાં પરિબળો પર રિકવરીનો આધાર હોય છે. સ્ત્રીઓએ તેમના શરીરને પૂરતો સમય આપવો જોઈએ અને તેમની રિકવરીની તુલના અન્યો સાથે ન કરવી જોઈએ.”
ઇમેજ સ્રોત, Getty Images
ડાયસ્ટેસિસ રેક્ટી શું છે?
ડાયસ્ટેસિસ રેક્ટી એક એવી સ્થિતિ છે, જેમાં ગર્ભાવસ્થા દરમિયાન કનેક્ટિવ ટિશ્યૂના ખેંચાણને કારણે પેટના રેક્ટસ એબ્ડોમિનિસ સ્નાયુઓ અલગ થઈ જાય છે. આ બાળજન્મ પછીની સામાન્ય સમસ્યા છે અને યોનિમાર્ગે પ્રસૂતિ તથા સિઝેરિયન દ્વારા પ્રસૂતિ એમ બંનેમાં એ સ્થિતિ સર્જાઈ શકે છે. તેનું મુખ્ય કારણ ડિલિવરીની પદ્ધતિ નહીં, પરંતુ ગર્ભાવસ્થા હોય છે.
ડૉ. નેહા પવારે કહ્યું હતું કે “આ સ્થિતિમાં સ્ત્રીઓને પેટ ફૂલેલું દેખાવું, કોર સ્નાયુઓની શક્તિમાં ઘટાડો અથવા પીઠમાં અસ્વસ્થતા જેવાં લક્ષણોનો અનુભવ થઈ શકે છે. ઘણા કિસ્સામાં પ્રસૂતિ પછીના પ્રથમ વર્ષમાં આ સમસ્યાનું નિવારણ કુદરતી રીતે થઈ જાય છે. જોકે, સ્નાયુઓમાં સર્જાયેલું અંતર લાંબા સમય સુધી ઠીક ન થાય તો કોર સ્નાયુઓને મજબૂત કરવા માટે નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ફિઝિયોથેરપી અને ચોક્કસ કસરતો ફાયદાકારક સાબિત થઈ શકે છે.”
ઇમેજ સ્રોત, Getty Images
આ ડાયસ્ટેસિસ રેક્ટીની તપાસ ઘરે જ કરી શકાય કે તેનું નિરીક્ષણ કરી શકાય કે કેમ, એવો સવાલ અમે નિષ્ણાતોને પૂછ્યો હતો. મુંબઈ સૅન્ટ્રલ સ્થિત વૉકહાર્ડ હૉસ્પિટલ્સના પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાત ડૉ. રિચા ભારદ્વાજે આ સંબંધે માહિતી આપી હતી.
ડૉ. રિચા ભારદ્વાજે કહ્યું હતું કે “મહિલાઓ ઘરે એક સરળ તપાસ જાતે કરી શકે છે, પરંતુ તે નિષ્ણાત દ્વારા કરવામાં આવતી તપાસનો વિકલ્પ હોઈ શકે નહીં. સ્ત્રીરોગ નિષ્ણાત કે સ્ત્રી આરોગ્ય ક્ષેત્રે વિશેષતા ધરાવતા ફિઝિયોથેરપિસ્ટ સ્નાયુઓ કેટલી હદે ફાટ્યા છે, મુખ્ય સ્નાયુઓ કેવી રીતે કાર્ય કરી રહ્યા છે તેનું ચોક્કસ મૂલ્યાંકન કરી શકે છે અને યોગ્ય રિહેબિલિટેશન પ્રોગ્રામ સૂચવી શકે છે. ખાસ કરીને પેટ લાંબા સમય સુધી ફૂલેલું રહે, પીડા થતી હોય અથવા દૈનિક પ્રવૃત્તિ પર તેની અસર થતી હોય તો નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.”
સી-સેક્શન સર્જરી પછી વ્યાયામ ક્યારથી શરૂ કરી શકાય?
સી-સેક્શન પછી બધું પૂર્વવત્ કરવા માટે કઈ કસરત સૌથી વધુ ઉપયોગી છે અને શરૂઆતમાં કેવી કસરતો કરવાનું ટાળવું જોઈએ, એવા સવાલો વારંવાર પૂછવામાં આવે છે.
ડૉ. રિચા ભારદ્વાજે કહ્યું હતું કે “શરૂઆતમાં હળવી શ્વસન કસરતો, પેલ્વિક ફ્લોર વ્યાયામ, ડીપ કોર ઍક્ટિવેશન અને ધીમે ચાલવાથી વધારે મદદ મળે છે. તેનાથી પેશીઓ પર વધારાનો ભાર મૂક્યા વિના સ્નાયુઓની પુનઃસ્થાપનામાં મદદ મળે છે. શરૂઆતના તબક્કામાં જોરથી દોડવાનું, ભારે વજન ઊંચકવાનું, પેટની તીવ્ર કસરતો કરવાનું, સિટ-અપ્સ, ક્રન્ચ અને પ્લેન્ક્સ ટાળવાં જોઈએ. આ કસરતોથી પેટની દિવાલો પર દબાણ વધી શકે છે. ખાસ કરીને ડાયસ્ટેસિસ રેક્ટી હોય તો આવી કસરતથી પેટની દિવાલો પર દબાણ આવવાથી રૂઝાવાની પ્રક્રિયા ધીમી પડી શકે છે.”
ઇમેજ સ્રોત, Getty Images
ક્યા પ્રકારની કસરત સૌથી વધુ ફાયદાકારક છે, તેની વાત કરતાં મુંબઈ નજીકના પનવેલના બાલેન્સિયા ફિઝિયોથેરપી સેન્ટરનાં ડૉ. પ્રિયંકા ધારગલકરે કહ્યું હતું કે “રિકવરીના પ્રારંભિક સમયગાળા દરમિયાન ડાયાફ્રેમેટિક બ્રીધિંગ (પેટમાં શ્વાસ લેવાની કસરતો), પેલ્વિક ફ્લોર સ્નાયુનું સક્રિયકરણ, કોર સ્નાયુઓને સૌમ્ય રીતે મજબૂત બનાવતી કસરતો અને ચાલવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ધીમે ધીમે દૈનિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગી શક્તિવર્ધક વ્યાયામ અને પિલાટેસ તરફ આગળ વધવું જોઈએ.”
તેમણે ઉમેર્યું હતું કે “પેટની દિવાલો પર વધારે તાણ સર્જે તેવી કસરતો પ્રારંભિક તબક્કામાં ટાળવી જોઈએ. તેમાં પરંપરાગત સિટ-અપ્સ, ક્રન્ચ્સ, હાઈ-ઈમ્પેક્ટ પ્લેન્ક્સ અને ભારે વજન ઉપાડવા જેવા વ્યાયામનો સમાવેશ થાય છે. ઘા પૂરતા પ્રમાણમાં રૂઝાય નહીં અને કોર સ્નાયુઓ સારી રીતે નિયંત્રિત ન થાય ત્યાં સુધી આવી કસરતો ટાળવી જોઈએ.”
આ સમયગાળા દરમિયાન પેલ્વિક ફ્લોર વ્યાયામ કરવો જોઈએ?
ડૉ. પ્રિયંકા ધારગલકરના કહેવા મુજબ, “પેલ્વિક ફ્લોરના સ્નાયુઓ, ડીપ એબ્ડોમિનલ મસલ્સ, ડાયાફ્રામ અને પીઠના સ્નાયુઓ સાથે મળીને એક કાર્યક્ષમ યુનિટની માફક કામ કરતા હોય છે. પેલ્વિક ફ્લોરની મજબૂતાઈ અને સ્નાયુ સંકલનમાં સુધારો કરવાથી કોર સ્નાયુઓને પૂર્વવત્ કરવામાં મદદ મળે છે. તેથી પેટની કાર્યક્ષમતા સુધરે છે, શરીરની મુદ્રા જળવાઈ રહે છે અને પ્રસૂતિ પછીની રિકવરીમાં મદદ મળે છે.”
“અલબત્ત, રિહેબિલિટેશનમાં માત્ર પેટના આકાર અથવા દેખાવ સુધારવા પૂરતું મર્યાદિત નહીં, પરંતુ શરીરની કાર્યક્ષમતા સુધારવા પર ધ્યાન આપવું જોઈએ.”
ઇમેજ સ્રોત, Getty Images
સી-સેક્શનના જખમને લીધે હલનચલનમાં અવરોધ સર્જાય છે? બેલ્ટ ઉપયોગી છે?
સી-સેક્શન ડિલિવરી પછી તરત જ પોતાનું જૂનું સ્વરૂપ દેખાવું જોઈએ, એવી આશા મોટાભાગની મહિલાઓ રાખતી હોય છે. તેઓ શક્ય તેટલી વહેલી તકે પોતાનું જૂનું સ્વરૂપ પાછું મેળવવા ઈચ્છતી હોય છે, પરંતુ તેમાં સમય લાગે છે.
ઘણી સ્ત્રીઓ ખૂબ વહેલા કસરત કરવાનું શરૂ કરી દે છે, પેટની કસરતો ખોટી રીતે કરે છે, સ્તનપાનના સમયગાળામાં પણ અત્યંત કડક ડાયેટ ફોલો કરે છે અથવા સોશિયલ મીડિયા પરની અન્ય મહિલાઓ સાથે પોતાની સરખામણી કરે છે.
કેટલીક સ્ત્રીઓ માત્ર પેટના બેલ્ટ વાપરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ કોર સ્નાયુઓને મજબૂત બનાવવા પ્રત્યે દુર્લક્ષ સેવે છે. ગર્ભાવસ્થા અને સર્જરી પછીની રિકવરીનો આધાર સંયમ, સંતુલિત આહાર, શારીરિક પ્રવૃત્તિઓમાં તબક્કાવાર વધારા અને પૂરતા આરામ પર હોય છે.
સી-સેક્શન દરમિયાન પેટ પર જે ચીરો પાડવામાં આવે છે તે રૂઝાય અને ભરાય એ આવશ્યક હોય છે.
ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. રિચા ભારદ્વાજે કહ્યું હતું કે “સી-સેક્શનનો ઘા રૂઝાય ત્યારે સ્કાર ટિશ્યુઝ કુદરતી રીતે તૈયાર થાય છે. કેટલીક સ્ત્રીઓમાં તે ટિશ્યુઝ કડક થવાથી હલનચલન મર્યાદિત થઈ શકે છે અથવા કેટલીક હિલચાલ વખતે તાણ અને અસ્વસ્થતાનો અનુભવ થઈ શકે છે. એકવાર ઘા સંપૂર્ણપણે રૂઝાઈ જાય અને ડૉક્ટર પરવાનગી આપે પછી તાલીમ પ્રાપ્ત ફિઝિયોથેરપિસ્ટ દ્વારા કરવામાં આવતા સ્કાર મોબિલાઈઝેશનથી ટિશ્યુઝની સ્થિતિસ્થાપકતા સુધારવામાં, અસ્વસ્થતા ઘટાડવામાં અને હિલચાલ સરળ બનાવવામાં મદદ મળી શકે છે. ઘા સંપૂર્ણપણે રૂઝાઈ ન જાય ત્યાં સુધી તેને સ્પર્શ કે તેના પર માલિશ ન કરવું જોઈએ.”
ઘણી સ્ત્રીઓ સી-સેક્શન ડિલિવરી પછી ટમી ટક સર્જરી કરાવે છે, પરંતુ તેમને ખબર નથી હોતી કે તેનાથી પેટની ચરબી ખરેખર ઘટે છે કે કેમ અને તે વાસ્તવમાં મદદરૂપ છે કે કેમ.
ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. રિચા ભારદ્વાજે કહ્યું હતું કે “પ્રસૂતિ પછી વાપરવામાં આવતા એબ્ડોમિનલ બાઈન્ડર કે બેલ્ટ, ખાસ કરીને સી-સેક્શન સર્જરી પછીના પહેલા થોડા સપ્તાહમાં તત્કાળ આધાર આપવામાં અને તમને વધારે સારું લાગે એમાં મદદ કરી શકે છે. ચાલતી વખતે, ખાંસી ખાતી વખતે અથવા દૈનિક પ્રવૃત્તિઓ કરતી વખતે તેનાથી ટેકો મળવાની અનુભૂતિ થાય છે, પરંતુ આવા બેલ્ટ પેટમાં અલગ થયેલા સ્નાયુઓને જોડી શકતા નથી અથવા પેટની ચરબી કાયમ માટે ઘટાડી શકતા નથી. બેલ્ટનો ઉપયોગ ડૉક્ટરની સલાહ અનુસાર યોગ્ય રીતે કરવો જોઈએ અને તેની સાથે નિયમિત વ્યાયામ અને રિહેબિલિટેશન પ્રોગ્રામ પણ જરૂરી છે. લાંબા ગાળાના ઉકેલ તરીકે બેલ્ટ પર આધાર રાખવો જોઈએ નહીં.”
સી-સેક્શન વિશે સામાન્ય ગેરસમજો અને તેના જવાબો
સવાલ: સી-સેક્શન સર્જરી પછીના પેટ વિશેની કઈ-કઈ ગેરસમજને દૂર કરવી જોઈએ?
ડૉ. નેહા પવાર: એક સામાન્ય ગેરસમજ છે કે સિઝેરિયનને કારણે તમારું પેટ કાયમ માટે મોટું રહે છે. વાસ્તવમાં તેમાં ગર્ભાવસ્થા દરમિયાન શરીરમાં થતા ફેરફારો મોટી ભૂમિકા ભજવતા હોય છે.
કેટલાક લોકો એવું પણ માને છે કે પ્રસૂતિ પછી તરત જ આકરી કસરત શરૂ કરી દેવાથી સ્વસ્થ થવામાં મદદ મળી શકે છે. વાસ્તવમાં ખૂબ વહેલી કસરત શરૂ કરવાથી ઉપચાર પ્રક્રિયા ધીમી પડી શકે છે. સલામત અને તબક્કાવાર રિહેબિલિટેશન વધારે સ્વસ્થ માર્ગ છે.
સવાલ: હર્નિયા, તીવ્ર વેદના અથવા અસામાન્ય સોજા જેવા ક્યાં લક્ષણો છે, જેની અવગણના ન કરવી જોઈએ?
ડૉ. નેહા પવાર: સતત થતો કે વધતો જતો દુખાવો, જખમની આસપાસની લાલાશ, તાવ, દુર્ગંધયુક્ત સ્રાવ, નોંધપાત્ર સોજો અથવા ઘામાંથી રક્તસ્ત્રાવ થતો હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ખાંસી અથવા જોર કરવાથી વધારે સ્પષ્ટ દેખાતો બલ્જ હર્નિયાનું લક્ષણ હોઈ શકે છે.
સ્ત્રીઓએ પેટમાં જોરદાર દુખાવા, સતત બધિરપણા અથવા પીડા સાથેના સોજાને પણ અવગણવા ન જોઈએ. વહેલા નિદાનથી ગૂંચવણ ઉકેલી શકાય છે, સમયસર સારવાર મળી શકે છે અને વધુ ગંભીર સમસ્યા સર્જાતી અટકાવી શકાય છે.
સવાલ: પેટની રિકવરીમાં વજન, હોર્મોન્સ, સ્તનપાન અને વયની ભૂમિકા શું હોય છે?
ડૉ. નેહા પવાર: પ્રસૂતિ પછીની રિકવરીને ઘણા પરિબળો અસર કરતા હોય છે. વજન વધુ હોય તો જખમ રૂઝાવામાં વધુ સમય લાગી શકે છે, જ્યારે હોર્મોનલ ફેરફારો કનેક્ટિવ ટિશ્યુની દુરસ્તી પર અસર કરી શકે છે. બાળકને સ્તનપાન કરાવવાથી કેટલીક સ્ત્રીઓને વજન ધીમે ધીમે ઘટાડવામાં મદદ મળી શકે છે, પરંતુ તેનું પરિણામ દરેક સ્ત્રીએ અલગ-અલગ હોય છે.
સ્ત્રીની વય વધે તેમ તેની ત્વચાની સ્થિતિસ્થાપકતા ઘટી શકે છે અને સ્નાયુઓ પૂર્વવત્ થવાની પ્રક્રિયા ધીમી પડી શકે છે. તેનાથી પેટના ફેરફારો વધારે સ્પષ્ટ રીતે જોવા મળી શકે છે. આનુવંશિકતા, આહાર, ઊંઘ, શારીરિક પ્રવૃત્તિ અને અગાઉની ગર્ભાવસ્થા જેવા પરિબળો પણ પોતપોતાની ભૂમિકા ભજવે છે. દરેક સ્ત્રીની રિકવરી અલગ-અલગ હોય છે અને આદર્શ પરિણામની અપેક્ષા રાખવી વાસ્તવવાદી અથવા તબીબી રીતે યોગ્ય નથી.
ઇમેજ સ્રોત, Getty Images
તમે તમારી જીવનશૈલીમાં કોઈ નોંધપાત્ર ફેરફાર કરવા ઈચ્છતા હો, તમારા આહારમાં ફેરફાર કરવા ઈચ્છતા હો, દવા લેવા ઈચ્છતા હો કે પછી શારીરિક વ્યાયામ શરૂ કરવા ઈચ્છતા હો તો ડૉક્ટર અને લાયક ટ્રેનરની મદદ લેવી જરૂરી છે.
ડૉક્ટર પાસે તમારા શરીર તથા લક્ષણોની યોગ્ય રીતે તપાસ કરાવીને તેમની સલાહ અનુસાર જ જીવનશૈલીમાં ફેરફાર કરવો સર્વોત્તમ છે. ડૉક્ટરની સલાહ લીધા વિનાની સ્વ-સારવાર ખતરનાક સાબિત થઈ શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




