Home તાજા સમાચાર gujrati સુરત: કતારગામના કબ્રસ્તાનમાંથી માથા વિનાનું ધડ મળ્યું, માથું 3 કિમી દૂર રેલવે...

સુરત: કતારગામના કબ્રસ્તાનમાંથી માથા વિનાનું ધડ મળ્યું, માથું 3 કિમી દૂર રેલવે પાટા પરથી મળ્યું, શું છે મામલો?

8
0

Source : BBC NEWS

સુરત: કતારગામના એક કબ્રસ્તાનમાંથી માથા વગરનું ધડ મળ્યું, માથું 3 કિમી દૂર રેલવે પાટા પરથી મળ્યું, પકડાયેલ આરોપી શું-શું કબૂલ્યું કેવી રીતે ઘટનાને અંજામ અપાયો હતો?

વાંચવાનો સમય: 3 મિનિટ

નોંધ : આ અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે.

સુરતના કતારગામ ગોટાલાવાડી વિસ્તારમાં આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી એક અજાણ્યો મૃતદેહ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે આ ઘટનામાં કબ્રસ્તાનમાંથી મળેલા મૃતદેહનું માથું ન હતું, માત્ર ધડ મળી આવતાં તંત્ર આ વિશેની તપાસમાં જોડાયું હતું.

સુરતથી બીબીસી સહયોગી રૂપેશ સોનવણે જણાવે છે કે આ મૃતદેહ બાદ ત્રીજી નવેમ્બર એટલે કે મંગળવારે રાત્રે પોલીસને જાણ થતાં ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ મૃતકની ઓળખ સંજય તરીકે થઈ છે, જેનું ધડ કબ્રસ્તાનમાંથી મળ્યું છે પરંતુ તેનું કપાયેલું માથું અલકાપુરી બ્રિજ નીચે રેલવે પાટા પરના ઝાડી-ઝાંખરામાંથી મળી આવ્યું હતું.

રૂપેશ સોનવણે જણાવે છે કે મૃતકના ધડને પોસ્ટમોર્ટમ માટે હાલમાં સુરતની સ્મીમેર હૉસ્પિટલ ખસેડવામાં આવ્યું છે.

સુરતના ડીસીપી રાઘવ જૈને પણ આ મામલે પ્રેસ કૉન્ફરન્સ કરીને વધુ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મામલે એક આરોપીને પકડી લેવામાં આવ્યો છે.

આ વિશે કતારગામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ. આર. ગોહિલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે “જે મૃતદેહ મળી આવ્યો તે સંજય નામના એક શ્રમિકનું હોવાનું જાણવા મળ્યું છે જે મૂળ ઓડિશાના રહેવાસી હતા અને તેમનો પરિવાર પણ ઓડિશામાં વસે છે.”

“આ હત્યા કેસમાં આરોપી પણ પકડાઈ ગયો છે.”

તપાસનો ઘટનાક્રમ જણાવતાં પીઆઈ ગોહિલે જણાવ્યું હતું કે, “અમને મંગળવારે એક ઇનપુટ મળ્યો હતો. મૃતદેહ જ્યાં મળ્યો અમે તે સ્થળે રાત્રે આઠ વાગ્યાની આસપાસ પહોંચ્યા. ત્યાં અમે જોયું તો આ મૃતદેહનું માથું ન હતું.”

“અમે આગળની તપાસ શરૂ કરી અને અમારા આંતરિક સૂત્રોની મદદથી આરોપીને પકડવાની ઝુંબેશ શરૂ કરી હતી.”

“ત્યારબાદ અમે સચિત્ર નામના આરોપીને પકડ્યો હતો.”

“મૃતકનું નામ સંજય છે, તે અને સચિત્ર બંને ઓડિશાના વતની છે, સચિત્ર સાથે પૂછપરછ કરી તો તેણે ગુનાની કબૂલાત કરીને ઘટનાને કેવી રીતે અને કેમ અંજામ આપ્યો તેની વિગતો પોલીસને આપી હતી”

બીબીસીને જણાવતા પીઆઈ ગોહિલે દાવો કર્યો હતો કે, “આ વિસ્તારમાં જ અહીં એક હિંદુ મિલન મંદિર પાસે જીઆઈડીસી છે ત્યાં પાવર લૂમના યુનિટ છે ત્યાં ગત રવિવારે સવારે સાડા આઠ વાગ્યાની આસપાસ આરોપી સચિત્ર અને તેનો દીકરો સતીશ બાઇક પર આવ્યા અને સંજય (મૃતક)ને રસ્તામાંથી જ પકડીને બાઇક પર બેસાડી લીધા હતા.”

ત્યાંથી સંજયને બાઇક પર બેસાડીને ત્રણેય જણા જ્યાં રહે છે તે સિમેટ્રી (કબ્રસ્તાન) ખાતે લઈ ગયા હતા. સતીશ બારડોલીના એક ગામમાં રહેતો હોવાથી, તે ત્યારબાદ ત્યાંથી નીકળી ગયો હતો.

ત્યારબાદ આરોપી સચિત્રે સંજયને પોતાના ઘરે રાખીને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી.

ત્યારબાદ સચિત્રે રાતના સમયે મૃતદેહનો નિકાલ કર્યો હતો જેમાં તેની પત્નીએ પણ મદદ કરી હતી.

“તેમણે મૃતદેહને મોડી રાત્રે એક કોથળામાં ભરીને કબ્રસ્તાનની દીવાલની બહારથી જ અંદર ફેંકી દીધો હતો. અહીં દીવાલ નાની હોવાને કારણે આ શક્ય બન્યું હતું.”

“ત્યારબાદ આ મૃતદેહ એક દિવસ કબ્રસ્તાનમાં પડી રહ્યો હતો, કબ્રસ્તાનમાં ચાર-પાંચ ફૂટ ઊંચું ઘાસ હોવાથી લોકોનું ધ્યાન ગયું ન હતું”

પોલીસ જણાવે છે કે આરોપીએ પણ કબૂલાત કરી છે કે ત્યારબાદ બીજા દિવસે આરોપી સચિત્ર રાત્રે પાછો કબ્રસ્તાન ગયો અને ધારદાર હથિયાર વડે મૃતદેહનું માથું ધડથી અલગ કરીને અલકાપુરી બ્રિજ નીચે રેલવે પાટા પર ત્યાં ઝાડી ઝાંખરામાં ફેંકી દીધું હતું.

“પોલીસને આ બનાવની માહિતી ઘટનાના બીજા દિવસે મંગળવારે રાત્રે મળી હતી, ત્યારબાદ તંત્ર કામે લાગ્યું હતું.”

“પોલીસનું કહેવું છે કે અમે અમારા ઇનપુટના આધારે આ આરોપીને પકડ્યો છે, અને હવે મૃતક સંજયના પરિવારનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે.”

આરોપીએ શું કબૂલાત કરી?

સુરત: કતારગામના એક કબ્રસ્તાનમાંથી માથા વગરનું ધડ મળ્યું, માથું 3 કિમી દૂર રેલવે પાટા પરથી મળ્યું, પકડાયેલ આરોપી શું-શું કબૂલ્યું કેવી રીતે ઘટનાને અંજામ અપાયો હતો?

પોલીસ ઇન્સ્પેક્ટર એલ. આર. ગોહિલ જણાવે છે કે, “જાણવા મળ્યું છે કે હત્યા પાછળનું કારણ આરોપીના મૃતક પાસેથી બાકી નીકળતા રૂપિયાનો મામલો હોઈ શકે છે.”

પોલીસના કહેવા મુજબ આરોપીએ કહ્યું છે કે, “તેણે સંજય પાસેથી 30 હજાર રૂપિયા લેવાના નીકળતા હતા, જે તે આપતો ન હતો, તેના કારણે આ હત્યા કરી હોવાની કબૂલાત પણ આરોપીએ પોલીસ સમક્ષ કરી છે.”

પોલીસ જણાવે છે, પોલીસ આજે અન્ય આરોપીઓ પણ પકડાઈ જાય તેના પ્રયાસ કરી રહી છે, પોલીસ આ મામલે સતત શોધખોળ કરી રહી છે.

બીબીસીનો આરોપી પક્ષે સાથે સંપર્ક થઈ શક્યો નથી. સંપર્ક થતાં તેમનો પક્ષ પણ આ અહેવાલમાં ઉમેરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS