Home તાજા સમાચાર gujrati સોના અને ચાંદીના ભાવ ઘટીને સાત મહિનાના તળિયે પહોંચ્યા, તીવ્ર કડાકાનું કારણ...

સોના અને ચાંદીના ભાવ ઘટીને સાત મહિનાના તળિયે પહોંચ્યા, તીવ્ર કડાકાનું કારણ શું છે?

5
0

Source : BBC NEWS

સોનાચાંદીની કિંમત, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાન અને અમેરિકા વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામની સંધિ થયા પછી સોના અને ચાંદીના ભાવમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે.

હોર્મુઝની સામુદ્રધુનીનો માર્ગ બંધ હતો તે દરમિયાન ઑઇલ અને સોના-ચાંદીના ભાવ રેકૉર્ડ લેવલે પહોંચી ગયા પછી હવે તેમાં ઝડપી ઘટાડો નોંધાયો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સાત મહિનાના તળિયે પહોંચી ગયો હતો. તેવી જ રીતે જાન્યુઆરી પછી ચાંદીનો ભાવ પણ અડધો થઈ ગયો છે. હાલમાં બંને ધાતુઓના ભાવ નવેમ્બર પછી સાત મહિનાના તળિયે છે.

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ ઍસોસિયેશન(IBJA)ની વેબસાઈટ પ્રમાણે ગુરુવારે 99.9 શુદ્ધતાના 10 ગ્રામ સોનાનો ભાવ 1.40 લાખ રૂપિયા હતો જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 2.15 લાખ ચાલતો હતો.

ચાલુ વર્ષે જાન્યુઆરીના અંતમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ બે લાખ રૂપિયાની નજીક પહોંચ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ થોડા સમય માટે 4.04 લાખ રૂપિયા પ્રતિ કિલોને વટાવી ગયો હતો, ત્યાર બાદ તેમાં તીવ્ર ઘટાડો થયો છે.

બીબીસી ગુજરાતી સોનું ચાંદી સિલ્વર ગોલ્ડ જ્વેલર્સ

ઇમેજ સ્રોત, Getty Images

રૉયટર્સના અહેવાલ પ્રમાણે બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ સાત મહિના કરતાં વધુ સમય પછી પહેલી વખત 4000 ડૉલર પ્રતિ ઔંસ (લગભગ 28.35 ગ્રામ)થી નીચે ગયો હતો. બુધવારે સોનામાં એક સાથે 3.3 ટકાનો ઘટાડો થયો હતો.

આ દરમિયાન ડૉલર વધારે મજબૂત બન્યો છે જેથી ડૉલર સિવાયની કરન્સીમાં સોનું ખરીદવું મોંઘું થયું છે.

સોનાને માત્ર સંગ્રહ કરી રાખવાથી કોઈ આવક કે વ્યાજ નથી મળતું. તેના કારણે જ્યારે વ્યાજના દર વધે ત્યારે સોનું ઓછું આકર્ષક બને છે.

જાન્યુઆરીમાં સોનાનો ભાવ 5594 ડૉલરની રેકૉર્ડ સપાટી પર પહોંચ્યો હતો, પરંતુ ત્યાર પછી તેમાં 1600 ડૉલર પ્રતિ ઔંસનો ઘટાડો થયો છે.

બીબીસીએ આ વિશે બુલિયન ક્ષેત્રના નિષ્ણાતો અને ટ્રેડર્સ સાથે વાત કરીને સ્થિતિને સમજવાનો પ્રયાસ કર્યો છે.

સોનાચાંદીની કિંમતો પર કઈ વાતની અસર પડે?

બીબીસી ગુજરાતી સોનું ચાંદી સિલ્વર ગોલ્ડ જ્વેલર્સ

ઇમેજ સ્રોત, Getty Images

યુએસમાં રેટ વધવાની સંભાવનાથી કિંમતી ધાતુઓ પર ભારે અસર પડી છે.

છેલ્લા બે દિવસમાં મલ્ટિ કૉમોડિટી ઍક્સ્ચેન્જ (એમસીએક્સ) પર સોનાના ભાવમાં 10 ગ્રામ દીઠ 6000 રૂપિયાનો ઘટાડો થયો છે, જ્યારે ચાંદીનો ભાવ 15,500 રૂપિયા ઘટી ગયો છે.

એચડીએફસી સિક્યૉરિટીઝના કૉમોડિટી ઍનાલિસ્ટ સૌમિલ ગાંધીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે યુએસ ફેડની ગયા અઠવાડિયે બેઠક હતી જેમાં ફેડના નવા ચૅરમૅન કેવિન વોર્શે વ્યાજદર અંગે હૉકિશ વલણ અપનાવ્યું છે.

તેમણે કહ્યું કે “છેલ્લા પાંચ વર્ષથી અમેરિકામાં ફુગાવાનો દર ઊચો છે અને યુએસ ફેડની પ્રાથમિકતા અત્યારે ફુગાવાને નિયંત્રણમાં રાખવાની છે. તેના કારણે આ વર્ષમાં ફેડ એકથી બે વખત રેટ વધારે તેવી શક્યતા છે. વ્યાજના દર વધવાના સંકેત મળવાના કારણે સોનામાંથી રોકાણ ખેંચાઈને ડૉલર તરફ જઈ રહ્યું છે.”

તેમણે જણાવ્યું કે “હાલમાં ડૉલર ઇન્ડેક્સ 13 મહિનાની ટોચ પર છે. જેના લીધે તમામ બેઝ મેટલ અને સોના-ચાંદીમાં વેચાણ થઈ રહ્યું છે.”

બીબીસી ગુજરાતી સોનું ચાંદી સિલ્વર ગોલ્ડ જ્વેલર્સ

ઇમેજ સ્રોત, Saumil Gandhi

સૌમિલ ગાંધીના માનવા પ્રમાણે આગામી સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં યુએસ ફેડ રેટ વધારશે તેવી બજારને અપેક્ષા છે.

તેમણે કહ્યું કે “સોનાની જેમ ચાંદીમાં પણ ભાવ ઘટી રહ્યા છે અને જાન્યુઆરીની ટોચ પરથી ભાવ લગભગ અડધો થઈ ગયો છે. હજુ લગભગ એક ક્વાર્ટર સુધી આવી જ સ્થિતિ જોવા મળી શકે. અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસ માટે સંઘર્ષ વિરામના કરાર થયા છે. જોકે, તે કેટલા સમય સુધી ટકશે તે કહેવું મુશ્કેલ છે. તેથી હેડલાઈન્સના આધારે સોના અને ક્રૂડ ઑઇલના ભાવમાં વધારે કે ઘટાડો આવી શકે છે.”

ઝવેરીઓની કેવી સ્થિતિ?

બીબીસી ગુજરાતી સોનું ચાંદી સિલ્વર ગોલ્ડ જ્વેલર્સ

ઇમેજ સ્રોત, Getty Images

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 4000 હજાર ડૉલરથી નીચે ગયા તેનાથી ભારતમાં ખરીદી જોવા મળશે કે નહીં તે જાણવા માટે અમદાવાદ ચોક્સી મહાજનના હેમંત સથવારા સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું કે “સોના અને ચાંદીના ભાવોમાં ઘટાડો થવા છતાં અત્યારે બજારમાં ઘરાકીનો બિલકુલ અભાવ છે. સોના-ચાંદી માર્કેટમાં હાલમાં સાવ મંદી છે તેમ કહી શકાય. અત્યારે શાળાઓ ખુલી છે તેથી લોકોએ સ્કૂલ ફી, ચોપડા વગેરેમાં રૂપિયા ખર્ચી નાખ્યા છે જેના કારણે રિટેલ ખરીદીનો અભાવ છે.”

આ ઉપરાંત સોના અને ચાંદીના ભાવમાં થયેલા તીવ્ર વધારા, તેના પરની ઇમ્પોર્ટ ડ્યૂટીમાં વધારા પછી વેચાણને મોટો ફટકો પડ્યો છે.

તેમણે કહ્યું કે “છેલ્લા ત્રણ દિવસથી ડૉલરના કારણે સોના અને ચાંદીમાં કડાકો આવ્યો છે. યુએસ ફેડ રેટ વધારે ત્યારે સોના-ચાંદીના ભાવ ઘટતા હોય છે, જ્યારે ફેડ રેટમાં કાપ મૂકે તો કિંમતી ધાતુઓના ભાવ વધતા હોય છે.”

ભાવ નીચા પણ ખરીદીનો ઉત્સાહ કેમ નથી?

બીબીસી ગુજરાતી સોનું ચાંદી સિલ્વર ગોલ્ડ જ્વેલર્સ

ઇમેજ સ્રોત, Getty Images

હેમંત સથવારાએ જણાવ્યા પ્રમાણે 25 જૂન, ગુરુવારે અમદાવાદમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1.44 લાખ રૂપિયા ચાલતો હતો જ્યારે ચાંદીનો ભાવ કિલો દીઠ 2.19 લાખ રૂપિયા હતો. ગ્રાહકો ખરીદી કરે ત્યારે આ ભાવ પર ત્રણ ટકા જીએસટી અલગથી લાગે છે.

તેમણે એમ પણ કહ્યું કે, “સોના-ચાંદી બજારમાં અત્યારે ઑર્ડર જ નથી આવતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સોનાના ઘરેણાની ખરીદી ટાળવા કહ્યું ત્યાર પછી ઘરાકી સાવ ઘટી ગઈ છે. આવામાં નાના કારીગરો પણ કામધંધા વગર બેસી ગયા છે.”

હેમંત સથવારાને કહે છે કે સોનાના ભાવ જ્યારે ઘટે ત્યારે બજારમાં ખરીદી જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે ખરીદીનો અભાવ છે. બીજા બધા સેક્ટરમાં મંદીનો માહોલ છે અને બુલિયન ઉદ્યોગ પણ તેમાંથી બાકાત નથી એવું તેઓ કહે છે.

આગામી ઓગસ્ટ મહિનાથી તહેવારોની સિઝન શરૂ થશે જે દિવાળી સુધી ચાલશે. તે દરમિયાન ઉદ્યોગમાં ખરીદી જોવા મળશે તેવી હેમંત સથવારાને આશા છે, જોકે અત્યારે કોઈ ઍડવાન્સ બુકિંગ નથી થતું એવું તેઓ જણાવે છે.

ચાંદીમાં મોટો કડાકો કેમ આવ્યો?

બીબીસી ગુજરાતી સોનું ચાંદી સિલ્વર ગોલ્ડ જ્વેલર્સ

ઇમેજ સ્રોત, Bloomberg via Getty Images

ચાંદીના ભાવમાં ગયા વર્ષે જે તેજી આવી તેનાથી બધા ચોંકી ગયા હતા. જોકે, હવે તેમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે.

યુએસ ફેડ વ્યાજના દર વધારશે તે એક કારણ છે. આ ઉપરાંત અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટવાથી ચાંદીમાં રિસ્ક પ્રીમિયમ પણ ઓછું થયું છે.

સોનાની જેમ ચાંદી પણ કોઈ વ્યાજ અથવા સ્થિર આવક આપતી નથી, તેની તુલનામાં યુએસ બૉન્ડની યીલ્ડ વધારે છે, તેથી રોકાણકારો વધુ સારી આવક મેળવવા માટે ચાંદી છોડીને બૉન્ડ તરફ વળ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS