Home તાજા સમાચાર gujrati સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી, હવે કયા જિલ્લાઓનો વારો આવશે

સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી, હવે કયા જિલ્લાઓનો વારો આવશે

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો અડધો વીતી ગયો છે ત્યારે ઘણી જગ્યાએ વરસાદ નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના મોટા ભાગના તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકના આંકડા દર્શાવે છે કે કચ્છના અંજારમાં સૌથી વધારે 7.24 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે ભાવનગરના વલ્લભીપુરમાં 6.10 ઇંચ, જામનગરમાં 5.60 ઇંચ, આણંદના બોરસદમાં 5.50 ઇંચ, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 5.43 ઇંચ, રાજકોટના કોટડા સાંગાણીમાં 5.20 ઇંચ, કચ્છના ગાંધીધામમાં 4.61 ઇંચ, ભચાઉમાં 4.40 ઇંચ, મહેસાણાના કડીમાં 4.29 ઇંચ, વડોદરાના કરજણમાં 4.29 ઇંચ, સુરત શહેરમાં 4.17 ઇંચ, બોટાદમાં પણ 4.17 ઇંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત ધોળકામાં 4.13 ઇંચ, નડિયાદમાં ચાર ઇંચ, જામકંડોરણામાં ચાર ઇંચ, ભરુચમાં 3.98 ઇંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં તાલાલા, મેઘરજ, ગોંડલ, હાંસોટ, વાગરા, ભેસાણ, ગઢડા, મુંદ્રા, દસક્રોઈ, પાલિતાણા, લખતર, અમદાવાદ, ગોધરા, ઉમરાળા, ભુજ, માળિયા હાટિના, કુતિયાણા, માતર, અંકલેશ્વર, તારાપુર, ગણદેવી અને સાણંદ તાલુકામાં પણ ત્રણથી ચાર ઇંચ સુધી વરસાદ પડ્યો છે.

વરસાદની કઈ સિસ્ટમ સક્રિય છે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પર ચોમાસું ખાસ સક્રિય રહ્યું છે.

આ દરમિયાન વલસાડ, ભરુચ, નવસારી, ખેડા, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદ પડ્યો છે. તેની સાથે સાથે પંચમહાલ, આણંદ, દાહોદ, મહેસાણા, અમદાવાદ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ નોંધાયો છે.

હાલમાં દક્ષિણપૂર્વ રાજસ્થાન અને પડોશમાં ઉત્તર ગુજરાત પર એક લો-પ્રેશર એરિયાની રચના થઈ છે જેના કારણે સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઉંચાઈએ એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.

અત્યારે નલિયા પરથી એક મોન્સુન ટ્રફ પસાર થાય છે જેનાથી રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર લો પ્રેશર એરિયા રચાયો છે. આ ક્ષેત્ર ઝારખંડ, મધ્ય પ્રદેશ અને ઉત્તર છત્તીસગઢ પરથી પસાર થાય છે.

હવે ક્યાં વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, IMD

15 સપ્ટેમ્બર, મંગળવારે રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

આ ઉપરાંત રાજ્યના બીજા ભાગોમાં પણ મધ્યથી ભારે વરસાદ પડી શકે છે.

જેમાં બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે એવું હવામાન વિભાગ જણાવે છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ

ઇમેજ સ્રોત, IMD

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે જે દરમિયાન કેટલાંક વરસાદના ઝાપટાં પડી શકે છે.

છેલ્લા ત્રણ દિવસથી પડતા વરસાદના કારણે ગુજરાતમાં ચાલુ સિઝનમાં વરસાદની સરેરાશ 75 ટકાથી વધીને 80 ટકા થઈ છે.

વરસાદના આ રાઉન્ડ પછી પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં પાણીની ઘટ રહેશે કારણ કે 14 સપ્ટેમ્બર સુધીના આંકડા પ્રમાણે કચ્છમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 31 ટકા વરસાદ પડ્યો છે.

જ્યારે ઉત્તર ગુજરાતમાં 58 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 81 ટકા, સૌરાષ્ટ્રમાં 59 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 111 ટકા વરસાદ નોંધાયો છે.

અત્યાર સુધીમાં ભરુચ, સુરત, નવસારી, વલસાડ, ખેડા, આણંદ અને ડાંગ જિલ્લામાં 100 ટકા કરતા વધુ વરસાદ પડ્યો છે જેમાં નવસારી જિલ્લામાં 126 ટકા કરતા પણ વધુ વરસાદ પડ્યો છે. બાકીના જિલ્લાઓમાં ઓછો વરસાદ છે. તેમાં પણ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 14 સપ્ટેમ્બર સુધીમાં અનુક્રમે માત્ર સાત ટકા અને 18 ટકા વરસાદ પડ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS