Home તાજા સમાચાર gujrati સ્થાપના થયાના ચાર દિવસમાં જ નષ્ટ થઈ ગયેલા દેશની કહાણી

સ્થાપના થયાના ચાર દિવસમાં જ નષ્ટ થઈ ગયેલા દેશની કહાણી

8
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

તારીખ બીજી ઑગસ્ટ, 1990ના રોજ ઇરાકે અચાનક લશ્કરી કાર્યવાહી કરીને કુવૈત પર આક્રમણ કર્યું હતું. ઇરાકના તત્કાલીન રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈનના આદેશથી થયેલા આ આક્રમણ સાથે અરબી અખાતના પ્રદેશમાં સૌથી ગંભીર કટોકટીઓમાંની એકની શરૂઆત થઈ હતી. આ ઘટનાએ પાછળથી બીજા અખાતી યુદ્ધનો માર્ગ મોકળો કર્યો હતો.

ઇરાક અને કુવૈત વચ્ચેની કટોકટી પાછળ અનેક રાજકીય અને આર્થિક કારણો હતાં.

1988માં ઈરાન-ઇરાક યુદ્ધ પૂરું થયા પછી ઇરાક ભારે દેવામાં ડૂબી ગયું હતું. યુદ્ધ દરમિયાન આર્થિક મદદ કરનારા અખાતી દેશો, ખાસ કરીને કુવૈત અને સાઉદી અરેબિયાનું તેના પર મોટું દેવું હતું. કુવૈતે ઇરાક પાસે આ દેવાની ચુકવણીની માગણી કરી હતી.

ઓપેક (પેટ્રોલિયમ નિકાસકાર દેશોનું સંગઠન) દ્વારા નક્કી કરવામાં આવેલી તેલ ઉત્પાદનની મર્યાદા કરતાં કુવૈત વધુ તેલનું ઉત્પાદન કરી રહ્યું હોવાનો પણ ઇરાકે આક્ષેપ કર્યો હતો. તેના કારણે તેલના ભાવ ઘટ્યા હતા અને પરિણામે ઇરાકની આવકમાં ઘટાડો થયો હતો. આ આક્ષેપે બંને દેશો વચ્ચેની કટોકટીને વધુ ઘેરી બનાવી હતી.

ઇરાકે કુવૈત પર બંને દેશોના સહિયારા રુમૈલા તેલક્ષેત્રમાંથી તેલની ચોરી કરવાનો પણ આરોપ મૂક્યો હતો.

આવા તંગ વાતાવરણ વચ્ચે સદ્દામ હુસૈને ૨ ઑગસ્ટ, ૧૯૯૦ના રોજ કુવૈત પર આક્રમણ કરવાનો નિર્ણય લીધો હતો. દેશ પર કબજો મેળવ્યા બાદ સદ્દામના પિતરાઈ ભાઈ અલી હસન અલ-મજીદને કુવૈતના લશ્કરી ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

કુવૈતમાં વચગાળાની સરકાર આવી ત્યારે શું થયું

બીબીસી ગુજરાતી

ત્યાર બાદ ઇરાકી સત્તાવાળાઓએ કુવૈતમાં પોતાની હાજરીને કાયદેસર ઠેરવવાનો દેખાવ ઊભો કરવા માટે ઝડપથી પગલાં ભરવાનું શરૂ કર્યું.

આ પૈકીનું એક પગલું હતું ‘રિપબ્લિક ઑફ કુવૈત’ એટલે કે ‘કુવૈત પ્રજાસત્તાક’ની રચના. સ્વતંત્ર કુવૈતી રાજ્યના અવશેષો પર આ નવા રાજકીય એકમની રચના કરવામાં આવી હતી.

દેશ પર કબજો મેળવ્યાના બે દિવસ બાદ, એટલે કે ચાર ઑગસ્ટ, 1990ના રોજ સદ્દામ હુસૈને ‘રિપબ્લિક ઑફ કુવૈત’ની સ્થાપનાની જાહેરાત કરી હતી.

તેમણે જાહેર કર્યું હતું કે આ નવું પ્રજાસત્તાક એક સ્વતંત્ર રાજકીય એકમ છે અને તેના પર ‘લોકક્રાંતિ’ દ્વારા શાસન કરવામાં આવશે. રાજા હસન મિનાવીના પુસ્તક ‘કુવૈત : આક્રમણ અને મુક્તિ’માં આ વિગતો આપવામાં આવી છે.

વિશ્લેષકો અને ઇતિહાસકારોના મતે, આ જાહેરાત સદ્દામ હુસૈનની વિલંબ કરવાની અને રાજકીય ગૂંચવણ ઊભી કરવાની વ્યૂહરચનાનો જ એક ભાગ હતી.

પહેલા જ દિવસથી કુવૈતને ઇરાકમાં ભેળવી દેવાની સીધી જાહેરાત કરવાને બદલે ઇરાકી શાસને આ ઘટનાને ‘આંતરિક ક્રાંતિ’ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ક્રાંતિ ‘કુવૈતના લોકોએ પોતે’ એવા શાસન સામે કરી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જે ‘સંસ્થાનવાદ અને સામ્રાજ્યવાદનું એજન્ટ’ હતું. તે સમયે ઇરાકી માધ્યમોએ આરબ અને આંતરરાષ્ટ્રીય જનમત સમક્ષ આક્રમણને વાજબી ઠેરવવા માટે આ પ્રકારનાં વર્ણનોનો ઉપયોગ કર્યો હતો.

આ દિશામાં પહેલું પગલું ‘ફ્રી કુવૈત’ની વચગાળાની સરકારની નિમણૂકનું હતું. આ સરકારમાં કુવૈતના નવ ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેઓ ઇરાકી શાસનને સહકાર આપનારા હતા અથવા તેમના પર એવો આક્ષેપ થયો હતો.

કર્નલ અલાઉદ્દીન હુસૈન અલી અલ-ખફાજી અલ-જબ્બારને વડા પ્રધાન અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની પાસે સંરક્ષણ અને ગૃહ મંત્રાલયનો હવાલો પણ હતો. આ ઉપરાંત, લેફ્ટનન્ટ કર્નલ વાલિદ સાઉદ મોહમ્મદ અબ્દુલ્લાને વિદેશમંત્રી, લેફ્ટનન્ટ કર્નલ ફુઆદ હુસૈન અહમદને નાણાં અને પેટ્રોલિયમમંત્રી, મેજર ફાધિલ હૈદર અલ-વફકીને માહિતી અને પરિવહનમંત્રી તથા લેફ્ટનન્ટ કર્નલ હુસૈન દહિમાન અલ-શમ્મારીને સામાજિક બાબતોના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

રાજા હસન મિનાવીનાં પુસ્તક ‘કુવૈત… આક્રમણ અને મુક્તિ’માં જણાવવામાં આવ્યું છે કે અલાઉદ્દીન હુસૈનનો જન્મ 1948માં કુવૈતમાં થયો હતો. બગદાદ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન તેઓ ઇરાકની બાથ પાર્ટીમાં જોડાયા હતા. તેઓ કુવૈતી લશ્કરમાં ભૂતપૂર્વ અધિકારી હતા.

ઇરાકી સૈન્યના નિયંત્રણ હેઠળના કુવૈતી સરકારી ટેલિવિઝન પર અલાઉદ્દીન હુસૈનનું એક નિવેદન પ્રસારિત કરવામાં આવ્યું હતું. તેમાં તેમણે નવી સરકારની રચનાની જાહેરાત કરી હતી અને કુવૈતના લોકોને નવી સરકારને સહકાર આપવા અપીલ કરી હતી.

નવી સરકારે શ્રેણીબદ્ધ ‘ક્રાંતિકારી નિર્ણયો’ જાહેર કર્યા હતા. તેમાં પશ્ચિમી કંપનીઓનું રાષ્ટ્રીયકરણ, શાસક પરિવારની મિલકતો જપ્ત કરવી, કુવૈતી નૅશનલ ઍસેમ્બલીનું વિસર્જન, કુવૈતના અમીરાતને પ્રજાસત્તાકમાં ફેરવવું અને તે સમયે કુવૈતમાં વસતા તમામ આરબ નાગરિકોને નાગરિકતા આપવાનો સમાવેશ થતો હતો.

કુવૈતને ઇરાકમાં ભેળવવાના ઇરાદાથી બનાવાઈ વચગાળાની સરકારમાં કોણ હતું?

બીબીસી ગુજરાતી

આ સરકાર પાસે કોઈ વાસ્તવિક સત્તા નહોતી અને તે માત્ર દેખાવ પૂરતી જ હતી. કેટલાક લોકોના મતે, કુવૈતને ઇરાકમાં ભેળવી દેવાના નિર્ણયને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય જનમત સમક્ષ યોગ્ય ઠેરવવા માટે ઇરાકી શાસને આ સરકારનો ઉપયોગ એક સાધન તરીકે કર્યો હતો. કુવૈતના લોકોએ આ સરકારનો અસ્વીકાર કર્યો હતો અને કુવૈતી વિરોધ પક્ષે તેને સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો.

સમયની દૃષ્ટિએ આ સરકારનું અસ્તિત્વ માંડ ચાર દિવસનું રહ્યું હતું. આઠ ઑગસ્ટ, 1990ના રોજ સદ્દામ હુસૈને કુવૈતને સત્તાવાર રીતે ઇરાકમાં ભેળવી દેવાનો નિર્ણય લીધો હતો. તેમણે એવી જાહેરાત કરી હતી કે વચગાળાની સરકારે પોતે તેમને આ વિનંતી કરી હતી. આથી આ સરકારનું અસ્તિત્વ કાયદાકીય અને વ્યવહારુ, બંને રીતે અર્થહીન બની ગયું હતું.

28 ઑગસ્ટ, 1990ના રોજ એક હુકમનામું બહાર પાડીને કુવૈતને ઇરાકના 19મા ગવર્નરેટ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું હતું. તેમાં ત્રણ વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો : કાઝમા (કુવૈત શહેર), જહરા અને નિદા (અહમદી). ઇરાકી નાગરિક અઝીઝ સાલેહ અલ-નુમાનને કુવૈતના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

વચગાળાની સરકારનું વિસર્જન કર્યા બાદ સદ્દામ હુસૈને એક હુકમનામું બહાર પાડીને અલાઉદ્દીન હુસૈન અલીને ઇરાકના નાયબ વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા. બાકીના મંત્રીઓને પ્રધાનના દરજ્જા સાથે રાષ્ટ્રપતિ કાર્યાલયના સલાહકાર બનાવવામાં આવ્યા હતા.

આમ, કુવૈતને ઇરાકના એક પ્રાંત તરીકે ભેળવી દેવામાં આવ્યું હતું. ઇરાકી સૈન્યે કુવૈતના સમગ્ર પ્રદેશમાં ઇરાકી કાયદાઓનો અમલ શરૂ કર્યો હતો. તેમાં અભ્યાસક્રમ બદલવો, ચલણ બદલવું અને કુવૈતી અખબારો પર પ્રતિબંધ મૂકવાનો સમાવેશ થતો હતો.

કુવૈતમાં આવેલા વિદેશી દૂતાવાસો બંધ કરી દેવામાં આવ્યા હતા અને અનેક રાજદ્વારીઓને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક લોકો પર આકરા નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. લોકોને ડરાવવા માટે ત્રાસ આપવો, મનસ્વી રીતે ધરપકડ કરવી અને ફાંસી આપવી જેવાં પગલાં લેવામાં આવતાં હતાં. રોજિંદા જીવનમાં લશ્કરની હાજરી સર્વત્ર વર્તાતી હતી. સદ્દામ હુસૈને જાહેર કર્યું હતું કે, “કુવૈત માતૃભૂમિમાં પાછું ફર્યું છે.”

ઘણા ઇતિહાસકારો અને રાજકીય વિશ્લેષકોના મતે, ‘રિપબ્લિક ઑફ કુવૈત’ની જાહેરાત માત્ર એક ‘રાજકીય નાટક અને ઇરાકી વ્યૂહાત્મક ચાલ’ હતી, જેનો હેતુ વધતા આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે વધુ સમય મેળવવાનો હતો.

ઇરાકી નેતૃત્વ જાણતું હતું કે પહેલા જ દિવસથી કુવૈતને સીધું ઇરાકમાં ભેળવી દેવાની જાહેરાત કરવાથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં વિરોધ ઊભો થશે.

આથી તેમણે આ સમગ્ર ઘટનાને પહેલાં ‘આંતરિક લોકક્રાંતિ’ અને ત્યાર બાદ ઇરાકમાં જોડાવા માટે કરવામાં આવેલી ‘વિનંતી’ તરીકે રજૂ કરવાનું પસંદ કર્યું હતું.

કુવૈત પરથી ઇરાકનો કબજો હટાવવા માટે અમેરિકા સહિત અન્ય દેશોનાં દળોએ જ્યારે અભિયાન શરૂ કર્યું

સંયુક્ત રાષ્ટ્રે આ આક્રમણની ટીકા કરી હતી અને તે જ વર્ષે છ ઑગસ્ટના રોજ ઇરાક પર પ્રતિબંધો લાદવાનું શરૂ કર્યું હતું.

ત્યાર બાદ 29 નવેમ્બરના રોજ સુરક્ષા પરિષદે ઠરાવ 678ને મંજૂરી આપી હતી. આ ઠરાવમાં ઇરાક સામે બળપ્રયોગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને કુવૈતમાંથી ઇરાકી સૈન્યને પાછું ખેંચી લેવા માટે 15 જાન્યુઆરી, 1991ની મધરાત સુધીની મુદત આપવામાં આવી હતી.

જાન્યુઆરી 1991ની શરૂઆતમાં લશ્કરી બળનો ઉપયોગ કર્યા વિના કટોકટીનો અંત લાવવા માટે સઘન રાજદ્વારી પ્રયાસો થયા હતા. જોકે, દિવસો વીતતા ગયા તેમ યુદ્ધ અનિવાર્ય હોવાની લાગણી વધુ પ્રબળ બનતી ગઈ હતી.

કટોકટીનો ઉકેલ લાવવાના આરબ દેશોના પ્રયાસો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હતા. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ હાવિયેર પેરેઝ દ કુયેલારે ઇરાકના રાષ્ટ્રપતિ સદ્દામ હુસૈન સાથે મુલાકાત કરી હતી, પરંતુ તેઓ સદ્દામને કુવૈતમાંથી સૈન્ય પાછું ખેંચવા કે એ અંગે વાટાઘાટો કરવા માટે પણ મનાવી શક્યા નહોતા.

નવ જાન્યુઆરી, 1991ના રોજ અમેરિકાના વિદેશમંત્રી જેમ્સ બેકર અને તેમના ઇરાકી સમકક્ષ તારિક અઝીઝ વચ્ચે થયેલી મંત્રણા પણ નિષ્ફળ રહી હતી.

ત્યાર બાદ વૉશિંગ્ટને જાહેરાત કરી હતી કે સમાધાન માટેના તમામ રાજદ્વારી પ્રયાસો કરી લેવામાં આવ્યા છે. 12 જાન્યુઆરીના રોજ અમેરિકી કૉંગ્રેસે ઇરાક સામે યુદ્ધ કરવાની તરફેણમાં ઠરાવ પસાર કર્યો હતો.

કુવૈત પર ઇરાકનો કબજો અનેક મહિનાઓ સુધી ચાલુ રહ્યો હતો. આખરે અમેરિકાના નેતૃત્વ હેઠળ 34 દેશોના આંતરરાષ્ટ્રીય ગઠબંધને કુવૈતને મુક્ત કરાવવા લશ્કરી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. 16 જાન્યુઆરી, 1991ના રોજ ‘ઑપરેશન ડેઝર્ટ સ્ટૉર્મ’ નામે આ લશ્કરી કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

એ જ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કુવૈત સંપૂર્ણપણે મુક્ત થયું હતું. ભારે લશ્કરી દબાણ વચ્ચે ઇરાકી સૈન્યે પીછેહઠ કરી હતી.

જોકે, ઇરાકી સૈન્ય પાછળ વ્યાપક વિનાશ છોડીને ગયું હતું. તેમાં તેલના કૂવાઓને આગ લગાડવી અને માળખાકીય સુવિધાઓનો નાશ કરવો જેવી બાબતોનો સમાવેશ થતો હતો.

14 માર્ચ, 1991ના રોજ કુવૈતના અમીર શેખ જાબેર અલ-અહમદ અલ-સબાહ પોતાના દેશમાં પાછા ફર્યા હતા. આ અગાઉ કેટલાય મહિનાઓ સુધી તેમની સરકાર સાઉદી અરેબિયાથી કામચલાઉ ધોરણે વહીવટી કામગીરી ચલાવી રહી હતી.

ઇરાકના કબજામાંથી મુક્ત થયા બાદ કુવૈતમાં શું થયું?

બીબીસી ગુજરાતી

કુવૈતની મુક્તિ બાદ ઇરાકતરફી વચગાળાની સરકારના સભ્યો 27 એપ્રિલ, 1991ના રોજ કુવૈત પાછા ફર્યા હતા. અલાઉદ્દીન હુસૈનને બાદ કરતાં બાકીના તમામ સભ્યોએ દેશમાં પાછા ફરતાં જ કુવૈતી સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

તેમને કુવૈતની રાજ્ય સુરક્ષા સેવાની તપાસ એજન્સીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

આ એજન્સીઓએ 15 મે, 1991ના રોજ તેમની પૂછપરછ પૂરી કરી હતી અને ત્યાર બાદ 22 જુલાઈના રોજ તેમને રાજ્ય સુરક્ષા ફરિયાદ પક્ષને સોંપ્યા હતા.

તપાસ દરમિયાન તેમણે કુવૈત અને તેના અમીર પ્રત્યેની વફાદારી વ્યક્ત કરી હતી અને અલાઉદ્દીન હુસૈન વિરુદ્ધ જુબાની આપી હતી.

9 સપ્ટેમ્બર, 1991ના રોજ કુવૈતના તત્કાલીન ન્યાયમંત્રી ગાઝી ઉબૈદ અલ-સામરે વચગાળાની સરકારનો મામલો બંધ કરવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તપાસ પૂરી થઈ ગઈ છે અને એ સરકારના સભ્યોને “તેમની ઇચ્છા વિરુદ્ધ આ કામ કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. તેમને માર મારવામાં આવ્યો હતો, ધમકીઓ આપવામાં આવી હતી તેમજ શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો.”

“આ તપાસ લશ્કરી ગુપ્તચર વિભાગ અને રાજ્ય સુરક્ષા તપાસ એજન્સી પાસેથી મળેલા અહેવાલોના આધારે કરવામાં આવી હતી.”

ત્યાર બાદ તેઓ કુવૈતના સંરક્ષણ મંત્રાલયમાં ફરી પોતાની કામગીરીમાં જોડાયા હતા. રાજા હસન મિનાવીનાં પુસ્તક ‘કુવૈત : આક્રમણ અને મુક્તિ’ અનુસાર, કુવૈતી સમાજે ધીમે ધીમે આ પ્રકરણને ભૂલાવી દીધું હતું.

આ સરકારનું નેતૃત્વ કરનારા અલાઉદ્દીન હુસૈન અલીની વાત કરીએ તો તેઓ 1998માં ઇરાક છોડીને તુર્કી ગયા હતા. ત્યાંથી નૉર્વે ગયા હતા.

ત્યાર બાદ 2000માં તેઓ કુવૈત પાછા ફર્યા હતા અને ઇરાક માટે કામ કરવાના આરોપમાંથી પોતાને નિર્દોષ સાબિત કરવા માટે, તેમના કહેવા મુજબ, તેમણે કુવૈતી સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.

તેમની સામે દેશદ્રોહના ગંભીર આરોપો હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જોકે, પાછળથી આ સજા ઘટાડીને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી.

અલાઉદ્દીન હુસૈન અલીએ ન્યાયાધીશોને જણાવ્યું હતું કે ઇરાકી સત્તાવાળાઓએ તેમના પરિવારને અટકાયતમાં લેવાની અને મારી નાખવાની ધમકી આપીને તેમને આ ‘કઠપૂતળી સરકાર’નું નેતૃત્વ કરવા મજબૂર કર્યા હતા.

તેમણે વધુમાં કહ્યું હતું કે “સેંકડો યુદ્ધકેદીઓમાંથી ઇરાકીઓએ તેમને જ કુવૈતમાં કઠપૂતળી સરકારનું નેતૃત્વ કરવા માટે શા માટે પસંદ કર્યા, તે તેમને સમજાયું નહોતું.” તેમણે એમ પણ જણાવ્યું હતું કે યુદ્ધ પૂરું થયા પછી પણ ઇરાકીઓએ તેમને 1998 સુધી ઇરાકમાં રહેવા મજબૂર કર્યા હતા. ગયા સપ્ટેમ્બરમાં કુવૈતે અલાઉદ્દીન હુસૈનની નાગરિકતા રદ કરી હતી.

કાયદાકીય દૃષ્ટિએ જોઈએ તો ‘રિપબ્લિક ઑફ કુવૈત’ રાજ્ય તરીકે અસ્તિત્વ ધરાવવા માટેનાં કોઈ પણ કાનૂની માપદંડો પૂરાં કરી શક્યું નહોતું. તેની પાસે કોઈ પણ પ્રકારનું સાર્વભૌમત્વ નહોતું અને તેને કોઈ દેશે માન્યતા પણ આપી નહોતી.

આથી કાયદાની નજરે તેનું અસ્તિત્વ શૂન્યવત્ હતું. વળી, આ સરકારની રચના જેટલી ઝડપથી કરવામાં આવી હતી, એટલી જ ઝડપથી તેનું વિસર્જન પણ થઈ ગયું હતું.

આ બાબતો દર્શાવે છે કે તે કોઈ વાસ્તવિક રાજકીય એકમ નહોતું, પરંતુ આક્રમણને યોગ્ય ઠેરવવા માટે ઊભું કરાયેલું કામચલાઉ સાધન માત્ર હતું.

‘ફ્રી કુવૈતની વચગાળાની સરકાર’ દ્વારા કોઈ કાયદા ઘડાયા નહોતા, કોઈ વહીવટી કે રાજદ્વારી કામગીરી કરાઈ નહોતી અને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે તેનો કોઈ સંપર્ક પણ નહોતો.

આ સરકારનું અસ્તિત્વ ભલે થોડા સમય માટે જ રહ્યું હોય, પરંતુ તેની માનસિક અને રાજકીય અસરો કુવૈતી લોકોની સામૂહિક સ્મૃતિમાં કડવી યાદ તરીકે રહી ગઈ હતી. આ ઘટનાએ તેમની રાષ્ટ્રીય એકતાને વધુ મજબૂત બનાવી હતી અને સાર્વભૌમત્વ તથા સ્વતંત્રતાના મહત્ત્વને ફરીથી દૃઢ કર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS