Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર મહાગુજરાત આંદોલન મુંબઈ ઈન્દિરા ગાંધી જ્યોર્જ ફર્નાન્ડિઝ ગાંધીજી એસ. કે. પાટીલ

ઇમેજ સ્રોત, Getty Images

“આ સદોબા…લોકસભામાં જવાનું કહી રહ્યા છે. હું તેમને શોકસભામાં મોકલીશ.”

આ નિવેદન આચાર્ય પ્રહલાદ કેશવ અત્રેએ 1967ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આપ્યું હતું.

‘મુંબઈના બેતાજ સમ્રાટ’ તરીકે જાણીતા એસ. કે. પાટીલ 1967ની ચૂંટણીમાં સાઉથ મુંબઈ મતવિસ્તારમાંથી કૉંગ્રેસના ઉમેદવાર હતા અને જ્યૉર્જ ફર્નાન્ડિઝે તેમનો વિરોધ કર્યો હતો.

વરિષ્ઠ મરાઠી પત્રકાર મધુકર ભાવે યાદ કરે છે કે આચાર્ય અત્રેએ એસ. કે. પાટીલ વિરુદ્ધ જ્યૉર્જ ફર્નાન્ડિઝ કરતાં પણ વધુ સભાઓ યોજી હતી.

એક સભામાં અત્રેએ કહ્યું હતું, “મારો જન્મ 13 ઑગસ્ટે થયો હતો અને 15 ઑગસ્ટે દેશને આઝાદી મળી હતી. બે સારી બાબત વચ્ચે એક ખરાબ ઘટના એ હતી કે એસ. કે. પાટીલનો જન્મ 14 ઑગસ્ટે થયો હતો.”

એ ચૂંટણીમાં એસ. કે. પાટીલનો પરાજય થયો હતો અને જ્યૉર્જ ફર્નાન્ડિઝ જીત્યા હતા. તેઓ જીત્યા એટલું જ નહીં, પરંતુ મુંબઈના આ બેતાજ સમ્રાટના રાજકીય વર્ચસ્વને પણ મોટો ફટકો પણ માર્યો હતો.

આ ઘટનાને સ્વતંત્રતા પછીની ભારતીય ચૂંટણીઓમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પૈકીની એક માનવામાં આવી હતી.

બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર મહાગુજરાત આંદોલન મુંબઈ ઈન્દિરા ગાંધી જ્યોર્જ ફર્નાન્ડિઝ ગાંધીજી એસ. કે. પાટીલ

ઇમેજ સ્રોત, Getty Images

એસ. કે. પાટીલને હરાવનારા જ્યૉર્જ ફર્નાન્ડિસને ‘જાયન્ટ કિલર’ કહેવામાં આવ્યા હતા. માત્ર મુંબઈ-મહારાષ્ટ્રમાં જ નહીં, પણ દેશ-વિદેશનાં મીડિયામાં પણ ‘સાઉથ બૉમ્બે’નાં આ પરિણામની નોંધ લેવામાં આવી હતી, જે ભારતના સૌથી ધનિક લોકોના નિવાસસ્થાન તરીકે ઓળખાય છે.

એસ. કે. પાટીલમાં એવું તે શું હતું કે તેમને હરાવવાનું અશક્ય લાગતું હતું? એ ચૂંટણીમાં આચાર્ય અત્રેનો પણ પરાજય થયો હતો, પરંતુ એસ. કે. પાટીલના પરાજયથી તેમને પોતે વિજયી બન્યા હોય એવું શા માટે લાગ્યું હતું? એસ. કે. પાટીલને મુંબઈના બેતાજ સમ્રાટ શા માટે કહેવામાં આવતા હતા? શું તેઓ ખરેખર મુંબઈ અને સંયુક્ત મહારાષ્ટ્રનો વિરોધ કરતા હતા?

એસ. કે. પાટીલ ‘ખલનાયક’ હોવાના કિસ્સા જ તમે આજ સુધી સાંભળ્યા હશે, પરંતુ આજે આપણે તેમની રાજકીય સફરની સમીક્ષા કરીશું. તેના આધારે તમે નક્કી કરજો કે એસ. કે. પાટીલ મહારાષ્ટ્રના હીરો હતા કે ખલનાયક?

કોંકણથી મુંબઈ

સદાશિવ કાનોજી પાટીલ એટલે એસ. કે. પાટીલ.

તેમનો જન્મ તત્કાલીન રત્નાગિરિ અને હવે સિંધુદુર્ગમાં આવેલા પાટ નામના ગામમાં થયો હતો. એ ગામ હાલ કુડાલ તાલુકામાં આવેલું છે. તેમને બે બહેનો અને બે ભાઈઓ હતાં. તેઓ કુડાલદેશકર બ્રાહ્મણ પરિવારના હતા.

તેઓ દસ વર્ષના હતા ત્યારે તેમણે પિતાની છત્રછાયા ગુમાવી હતી. એ પછી તેમણે તમામ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કર્યો હતો.

શિક્ષણ માટે લાંબો પંથ કાપવો પડ્યો હતો એટલે શાબ્દિક અર્થમાં બહુ ચાલવું પડ્યું હતું. માલવણમાં અભ્યાસ માટે તેમણે રોજ ચાર કિલોમીટર ચાલવું પડતું હતું. ગામમાં શિક્ષણ પૂર્ણ કર્યા પછી કૉલેજ શિક્ષણ માટે તેઓ મુંબઈ આવ્યા હતા.

એ 1918નો સમયગાળો હતો. તેઓ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ભારત અને દુનિયાભરમાં ઇન્ફ્લ્યુએન્ઝાનો રોગચાળો ફેલાયો હતો. તેની ઝપટમાં એસ. કે. પાટીલ પણ આવી ગયા હતા અને પોતાના ગામ પાછા ફર્યા હતા, જ્યાં તેમણે માલવણ નગરપાલિકામાં કામ કરવાનું શરૂ કર્યું હતું. એ પછી તેઓ ફરી મુંબઈ આવ્યા હતા અને ઝેવિયર્સ કૉલેજમાં પ્રવેશ લીધો હતો. તેઓ અભ્યાસની સાથે પાર્ટ-ટાઇમ કામ કરતા હતા.

એ સમયગાળા દરમિયાન દેશમાં સ્વતંત્રતા ચળવળમાં મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બનતી હતી. 1920માં બાળ ગંગાધર ટિળકનું અવસાન થયું હતું અને મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય ચળવળનું નેતૃત્વ સંભાળ્યું હતું.

બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર મહાગુજરાત આંદોલન મુંબઈ ઈન્દિરા ગાંધી જ્યોર્જ ફર્નાન્ડિઝ ગાંધીજી એસ. કે. પાટીલ

ઇમેજ સ્રોત, Getty Images

ગાંધીજી ટિળકને મળવા મુંબઈ આવ્યા ત્યારે એસ. કે. પાટીલે તેમને પહેલી વખત જોયા હતા. એસ. કે. પાટીલે તેમની આત્મકથામાં એ ઘટના વિશે લખ્યું છે કે ગાંધીજીએ ધોતી, ખાદીનો કુર્તો અને માથા પર સફેદ ટોપી પહેરી હતી. એ સફેદ ટોપી પાછળથી ‘ગાંધી ટોપી’ તરીકે પ્રખ્યાત થઈ હતી.

એ સમયની પ્રખ્યાત નાગપુર પરિષદ પછી ગાંધીજીએ વિદ્યાર્થીઓને સ્વતંત્રતા ચળવળમાં ભાગ લેવાની અપીલ કરી હતી. ગાંધીજીથી પ્રભાવિત થયેલા એસ. કે. પાટીલે કૉલેજને રામ-રામ કર્યા હતા અને ગાંધીજીની અસહકાર ચળવળની વિદ્યાર્થી સભાઓના આયોજક બન્યા હતા.

એસ. કે. પાટીલની રાજકારણમાં સક્રિય ભાગીદારીની એ પહેલી ઘટના હતી.

એ પછી તેઓ ફરી માલવણ ગયા હતા. ત્યાં તેમણે ગાંધીજીના સંદેશ અનુસાર શાળાઓ શરૂ કરી હતી. ચાર-પાંચ શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ કર્યું હતું. બાદમાં તેઓ ફરી મુંબઈ આવ્યા હતા. અસહકાર ચળવળ માટે કૉલેજ છોડનારા પહેલા વિદ્યાર્થીઓ પૈકીના એક હોવાથી તેમને કૉંગ્રેસના તત્કાલીન વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાતની તક સાંપડી હતી. ત્યાં તેમની મુલાકાત વિઠ્ઠલભાઈ પટેલ સાથે થઈ હતી.

એસ. કે. પાટીલ વિઠ્ઠલભાઈ પટેલને કાયમ ગુરૂ માનતા રહ્યા. પોતાની આત્મકથામાં એસ. કે. પાટીલે વિઠ્ઠલભાઈ પટેલનો ઉલ્લેખ આદર સાથે કર્યો છે અને એમ પણ જણાવ્યું છે કે તેઓ તેમને ગુરૂ માને છે. આ વિઠ્ઠલભાઈ તે સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ.

એસ. કે. પાટીલને બાદમાં “પટેલ જૂથ”નો હિસ્સો ગણવામાં આવ્યા હતા અને તેમના પ્રત્યેની ‘જવાહરલાલ નહેરુની નારાજગીના બીજ’ અહીં રોપાયાં હતાં.

લંડનથી પત્રકારત્વમાં ડિપ્લોમા

અસહકાર ચળવળને કારણે શિક્ષણની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. એસ. કે. પાટીલ શિક્ષણ ચાલુ રાખવા ઇચ્છતા હતા, પરંતુ આગળ શું કરવું એ તેમને સમજાતું ન હતું. એ વખતે તેમણે ગાંધીજીની મદદ લેવાનું નક્કી કર્યું. તેમણે ગાંધીજીને પત્ર લખ્યો. ગાંધીજીએ તેમને કાકાસાહેબ કાલેલકરને મળવા જણાવ્યું.

સ્વતંત્રતા ચળવળમાં પત્રકારોની ભૂમિકાનું મહત્ત્વ સમજાવતાં કાકાસાહેબ કાલેલકરે એસ. કે. પાટીલને વિદેશમાં પત્રકારત્વનો અભ્યાસ કરવાની સલાહ આપી, વિદેશમાં પત્રકારત્વના અભ્યાસનાં આર્થિક સંસાધનો એસ. કે. પાટીલ પાસે ન હતાં. એ વખતે પી. બી. નાઇક તથા નારાયણરાવ દેસાઈ ટોપીવાલે જેવા લોકોએ એસ. કે. પાટીલ માટે નાણાકીય સહાય એકત્ર કરી હતી.

એસ. કે. પાટીલની ઇચ્છા લંડન યુનિવર્સિટીને બદલે અમેરિકામાં અભ્યાસ કરવાની હતી. તે અનુસાર તેઓ બોટમાં બેસીને અમેરિકા જવા રવાના થયા હતા, પણ લંડન પહોંચતા સુધીમાં તેઓ થાકી ગયા હતા અને તેમણે લંડન યુનિવર્સિટીમાંથી જ પત્રકારત્વનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું.

બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર મહાગુજરાત આંદોલન મુંબઈ ઈન્દિરા ગાંધી જ્યોર્જ ફર્નાન્ડિઝ ગાંધીજી એસ. કે. પાટીલ

ઇમેજ સ્રોત, Getty Images

લંડનમાં પત્રકારત્વનો અભ્યાસ કરીને ભારત પાછા ફરેલા એસ. કે. પાટીલ બૉમ્બે ક્રોનિકલ અખબારમાં જોડાયા હતા. પત્રકાર તરીકે તેમને પહેલું કામ ગાંધીજીની દાંડીયાત્રાનો અહેવાલ આપવાનું સોંપવામાં આવ્યું હતું. દાંડી કૂચ દરમિયાન તેઓ ગાંધીજીની વધુ નજીક આવ્યા હતા.

તેમણે બૉમ્બે ક્રોનિકલ માટે મોહમ્મદ અલી ઝીણા, જગદીશચંદ્ર બોઝ, સર પ્રફુલ્લચંદ્ર રોય, મદન મોહન માલવિયા અને મહાત્મા ગાંધી જેવા દિગ્ગજોના ઇન્ટરવ્યુ કર્યા હતા.

ગાંધીજીના સહવાસમાં આવ્યા પછી તેઓ ફરીથી સ્વતંત્રતા ચળવળ તરફ આકર્ષાયા અને તેમની પત્રકાર તરીકેની કારકિર્દી ત્યાં જ અટકી ગઈ. તેઓ મુંબઈ પ્રદેશ કૉંગ્રેસ સમિતિ (બીપીસીસી)ના મહાસચિવ બન્યા.

પોતાની આત્મકથામાં એસ. કે. પાટીલ નોંધે છે, “ગાંધીજી સાથે ચળવળમાં ભાગ લેવાને કારણે દર બે વર્ષે મારે જેલમાં જવું પડ્યું. તેથી મેં બૉમ્બે ક્રોનિકલમાંથી રાજીનામું આપ્યું હતું. પત્રકારત્વ મારો શોખ હતું. તેથી એ પછીના મારા જીવનમાં પણ હું કોઈ દસ્તાવેજ પર વ્યવસાયની જગ્યાએ પત્રકારત્વનો ઉલ્લેખ કરતો હતો.”

‘બૉમ્બેનો એ બાદશાહ’

બીપીસીસીના મહાસિચવ તરીકે એસ. કે. પાટીલની શરૂઆત તેમના “મુંબઈના બેતાજ બાદશાહ” બનવાની શરૂઆત હતી.

મુંબઈ શહેર, મુંબઈ મહાનગરપાલિકા, બીપીસીસી, મુંબઈના ઉદ્યોગપતિઓ આ બધા પર એસ. કે. પાટીલનો જબરો પ્રભાવ હતો.

1935માં તેઓ મુંબઈ મહાનગરપાલિકામાં કૉર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને 1952 સુધી ત્યાં રહ્યા હતા. 1952માં દેશની પહેલી ચૂંટણી યોજાઈ હતી. એ ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે તેઓ મહાનગરપાલિકામાંથી બહાર નીકળ્યા હતા. ત્યાં સુધી મુંબઈ શહેર અને મહાનગરપાલિકા પર તેમનું એકહથ્થુ વર્ચસ્વ હતું.

તેઓ 1949થી 1952 દરમિયાન ત્રણ વખત મુંબઈના મેયર બન્યા હતા. મેયર તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે મુંબઈ માટે ‘ઘણું કામ’ કર્યું. વૃક્ષારોપણ અને ઉદ્યાનોનું નિર્માણ તેમની કાર્યસૂચિમાં હતું. તેઓ મુંબઈને સુંદર બનાવવા ઇચ્છતા હતા.

આજે મુંબઈમાં મરીન લાઇન્સના કિનારે દેખાતો ‘ક્વીન્સ નેકલેસ’ એસ. કે. પાટીલે મેયર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન બનાવ્યો હતો.

તેમણે મુંબઈની સીમા વિસ્તારવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા. તેઓ થાણે શહેરને બૃહદ મુંબઈમાં સામેલ કરવાના આગ્રહી હતી. જોકે, બાદમાં થાણે જિલ્લાનું મુખ્ય મથક બન્યું. એસ. કે. પાટીલના કાર્યકાળ દરમિયાન બૃહદ મુંબઈમાં 42 નવાં ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર મહાગુજરાત આંદોલન મુંબઈ ઈન્દિરા ગાંધી જ્યોર્જ ફર્નાન્ડિઝ ગાંધીજી એસ. કે. પાટીલ

ઇમેજ સ્રોત, Getty Images

એક તરફ મુંબઈ મહાનગરપાલિકા અને બીજી તરફ બીપીસીસી પર તેમનું પ્રભુત્વ હતું. 1942-43 દરમિયાન બીપીસીસીનું પ્રમુખપદ સંભાળ્યા પછી 1957માં પંડિત નેહરુના પ્રધાનમંડળમાં પહેલીવાર સ્થાન મળ્યું ત્યાં સુધી તેઓ એ પદ પર જ રહ્યા હતા.

મુંબઈથી દેશને આર્થિક આધાર આપતા એસ. કે. પાટીલ મુંબઈના વેપારી સમુદાય સાથેની તેમની ‘મિત્રતા’ માટે કાયમ ચર્ચામાં રહેતા હતા. વરિષ્ઠ પત્રકાર મધુકર ભાવે કહે છે, “જે. આર. ડી. તાતા જેવા ઉદ્યોગપતિ પણ એસ. કે. પાટીલને મળવા માટે વેઇટિંગ રૂમમાં રાહ જોતા હતા.” તે એસ. કે. પાટીલનો પ્રભાવ દર્શાવે છે.

મીડિયા એસ. કે. પાટીલને ‘બેતાજ બાદશાહ’ કહેતું હતું, પરંતુ એસ. કે. પાટીલની આત્મકથાની પ્રસ્તાવનામાં પત્રકાર એમ. વી. કામથે નોંધ્યું છે કે મહાત્મા ગાંધી પોતે પણ એસ. કે. પાટીલનો ઉલ્લેખ “બૉમ્બેના એ બાદશાહ” તરીકે કરતા હતા.

કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રવેશ, પરંતુ નહેરુ સાથે મતભેદ

એસ. કે. પાટીલ નહેરુવાદી હોવાને કારણે તેમણે મહારાષ્ટ્રનો વિરોધ કર્યો હતો, એવું આજે પણ ઘણા લોકો કહે છે. અલબત, ઇતિહાસ અલગ કથા કહે છે. એસ. કે. પાટીલે તેમની આત્મકથામાં નહેરુ વિશે સ્વતંત્ર પ્રકરણો લખ્યા છે. તેમાં તેમણે નેહરુ સાથેના, ખાસ કરીને દેશને સ્વતંત્રતા મળી એ પછીના મતભેદોનો ઉલ્લેખ કર્યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલના જૂથમાં હોવાને કારણે પોતે નહેરુની નારાજગીનો સામનો કરવો પડ્યો હોવાનું એસ. કે. પાટીલે જણાવ્યું છે.

દેશની આઝાદી પછી દેશની બાગડોર કોણ સંભાળે તેનો પ્રશ્ન ઊભો થયો ત્યારે સરદાર પટેલ 70થી વધુ વર્ષના હતા. તેથી દેશની ધુરા નહેરુના હાથમાં ગઈ હોવાનું એસ. કે. પાટીલે જણાવ્યું છે. મહાત્મા ગાંધી હયાત હતા ત્યાં સુધી તેઓ તેમની પાસેથી માર્ગદર્શન મેળવતા હતા, પરંતુ ગાંધીજીના મૃત્યુ પછી નહેરુએ બધા નિર્ણયો લેવાનું શરૂ કર્યું હોવાનો ઉલ્લેખ એસ. કે. પાટીલે કર્યો છે.

એસ. કે. પાટીલના લખાણમાં દરેક પાના પર પંડિત નહેરુ પ્રત્યેની તેમની નારાજગી જોવા મળે છે.

મંત્રીમંડળમાં હતા ત્યારનો એક કિસ્સો એસ. કે. પાટીલે નોંધ્યો છે. તેઓ નહેરુના પ્રધાનમંડળમાં ખાદ્ય અને કૃષિ પ્રધાન હતા. તેમણે શેરડીના ખેડૂતો માટે ભાવ વધારવાનો પ્રસ્તાવ નહેરુ સમક્ષ મૂક્યો હતો. નહેરુએ તેને નકારી કાઢ્યો હતો. એ પ્રસ્તાવ મહત્ત્વપૂર્ણ હોવાનું કહીને એસ. કે. પાટીલે તત્કાળ રાજીનામું આપી દીધું હતું. એ પછી નહેરુએ તત્કાલીન ગૃહમંત્રી સરદાર પટેલને મધ્યસ્થી કરવા કહ્યું હતું અને એસ. કે. પાટીલે રાજીનામું પાછું ખેંચ્યું હતું. શેરડીના ભાવમાં વધારાનો પ્રસ્તાવ પણ સ્વીકારવામાં આવ્યો હતો.

બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર મહાગુજરાત આંદોલન મુંબઈ ઈન્દિરા ગાંધી જ્યોર્જ ફર્નાન્ડિઝ ગાંધીજી એસ. કે. પાટીલ

ઇમેજ સ્રોત, J. WILDS

એસ. કે. પાટીલ અને પંડિત નહેરુ વચ્ચે આવા તણખા વારંવાર ઝરતા હતા. એસ. કે. પાટીલનો સ્પષ્ટ મત હતો કે પંડિત નહેરુએ 1962 પછી વડા પ્રધાન પદ પર રહેવું ન જોઈએ, કારણ કે છેલ્લાં બે વર્ષમાં તેમણે કોઈ નોંધપાત્ર કામ કર્યું નથી.

તેમ છતાં 1957થી 1964 સુધી એસ. કે. પાટીલ નહેરુના પ્રધાનમંડળમાં યથાવત રહ્યા હતા.

એ દરમિયાન નહેરુ અને પાટીલ વચ્ચે વી. કે. કૃષ્ણ મેનન બાબતે પણ મતભેદ સર્જાયા હતા.

વી. કે. કૃષ્ણ મેનન લંડનમાં અભ્યાસ કરતા હતા. ત્યાં તેમણે ઇન્ડિયન લીગ નામનું સંગઠન બનાવ્યું હતું અને એ સંગઠન મારફતે તેમનો નહેરુ સાથે પરિચય થયો હતો. નહેરુએ મેનને લંડનમાં ભારતના પ્રથમ હાઇકમિશનર પણ બનાવ્યા હતા. એસ. કે. પાટીલના જણાવ્યા મુજબ, નહેરુ મેનનને આટલા બધા શા માટે પસંદ કરતા હતા એ મને ક્યારેય સમજાયું નથી.

મેનન ભારત પાછા ફર્યા ત્યારે નહેરુ ઈચ્છતા હતા કે તેઓ રાજકારણમાં આવે. 1957ની લોકસભા ચૂંટણી પછી નહેરુએ પાટીલને વિનંતી કરી હતી કે તેઓ મુંબઈમાંથી મેનને વિજય અપાવે. મુંબઈમાં એસ. કે. પાટીલના વર્ચસ્વને કારણે મેનનનો વિજય થયો હતો.

એસ. કે. પાટીલ માનતા હતા કે સંરક્ષણ પ્રધાન તરીકે મેનનની કામગીરી સારી ન હોવા છતાં નહેરુ એ બાબતની અવગણના કરતા હતા. પાટીલને આ બધું ગમતું ન હતું.

1962માં નહેરુએ મેનનને ફરીવાર મુંબઈથી જીતાડવા કહ્યું ત્યારે એસ. કે. પાટીલે જણાવ્યું હતું કે તેઓ મેનનનો વિરોધ નહીં કરે, પરંતુ તેમને ટેકો પણ નહીં આપે. આ રીતે તેમણે સ્પષ્ટ નકારનો સંકેત આપ્યો હતો. એ પછી મુંબઈ કૉંગ્રેસ વિભાજીત થઈ હતી. મેનન જીત્યા. તેઓ ફરીથી સંરક્ષણ પ્રધાન બન્યા. જોકે, બાદમાં ચીન સાથે યુદ્ધ થયું હતું અને મેનને રાજીનામું આપવું પડ્યું હતું.

આ બધાને કારણે કૉંગ્રેસમાં એસ. કે. પાટીલ અને નહેરુ વચ્ચેના મતભેદની વ્યાપક ચર્ચા થઈ હતી.

સંયુક્ત મહારાષ્ટ્ર બાબતે તેમની ભૂમિકા શું હતી?

રાજકીય ઈતિહાસકાર વાય. ડી. ફડકેએ તેમના પુસ્તક ‘મહારાષ્ટ્ર ઇન ધ ટ્વેન્ટીએથ સેન્યુરી’ના સાતમા ખંડમાં “એસ. કે. પાટીલની મનમાની” નામનું એક સ્વતંત્ર પ્રકરણ લખ્યું છે.

તેમાં તેમણે લખ્યું છે, “મુંબઈના બેતાજ બાદશાહ તરીકે જાણીતા એસ. કે. પાટીલના નિયંત્રણ હેઠળ બે સંગઠનો હતાં. બીપીસીસી ઉપરાંત તેઓ અખિલ ભારતીય ઐક્ય વ્યાસપીઠ નામના નવા રચાયેલા દબાણ જૂથના પ્રમુખ પણ હતા. એ જૂથે રાજ્ય પુનર્ગઠન પંચને સુપરત કરેલા એક આવેદનપત્રમાં અપીલ કરી હતી કે રાજ્યોના પુનર્ગઠનનો મુદ્દો ઓછામાં ઓછાં 25 વર્ષ સુધી મુલતવી રાખવો જોઈએ.”

એસ. કે. પાટીલે ‘સંયુક્ત મહારાષ્ટ્રવિરોધી’ વલણ અપનાવ્યું હોવાનું લાલજી પેંડસેએ તેમના ‘મહારાષ્ટ્રચે મનોમંથન’ પુસ્તકમાં લખ્યું છે. આ પુસ્તકમાં પેંડસેએ એ સમયગાળા દરમિયાનના એસ. કે. પાટીલનાં વલણ અને નિવેદનોનો ઉલ્લેખ કર્યો છે. વાય. ડી. ફડકેએ પણ ‘મહારાષ્ટ્ર ઇન ધ ટ્વેન્ટીએથ સેન્યુરી’ પુસ્તકના સાતમા તથા આઠમા ખંડમાં વિવિધ સ્થળે એસ. કે. પાટીલના “મહારાષ્ટ્ર વિરોધી” વલણનો ઉલ્લેખ કર્યો છે.

“મુંબઈ મહારાષ્ટ્રને કદી મળશે નહીં,” એવા એસ. કે. પાટીલનાં નિવેદનનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે.

જોકે. એસ. કે. પાટીલના દોહિત્ર સુહાસ ઠાકુરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, “એસ. કે. પાટીલનાં નિવેદનોને તોડી-મરોડીને વારંવાર રજૂ કરવામાં આવે છે. તેમણે એવું કહ્યું હતું કે ‘આવી હિંસા થશે તો મહારાષ્ટ્રને મુંબઈ ક્યારેય મળશે નહીં. ‘ આગળના શબ્દોને કાઢીને બાકીનું વાક્ય કહેવાતું રહ્યું છે.”

સંયુક્ત મહારાષ્ટ્ર અંગેના એસ. કે. પાટીલના વલણ બાબતે મતમતાંતર હોવા છતાં એક વાત નક્કી છે કે એસ. કે. પાટીલ સ્વતંત્ર મુંબઈ રાજ્યના આગ્રહી હતા.

એસ. કે. પાટીલે તેમની આત્મકથામાં ભાષા આધારિત રાજ્ય રચના સંદર્ભે સંયુક્ત મહારાષ્ટ્રની રચના વિશે વિગતવાર લખ્યું છે.

બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર મહાગુજરાત આંદોલન મુંબઈ ઈન્દિરા ગાંધી જ્યોર્જ ફર્નાન્ડિઝ ગાંધીજી એસ. કે. પાટીલ

ઇમેજ સ્રોત, TED WEST / GETTY

એસ. કે. પાટીલે લખ્યું છે, “યશવંતરાવ ચવાણ દ્વિભાષી રાજ્યના મુખ્ય મંત્રી હોવા છતાં સ્વતંત્ર મહારાષ્ટ્રની માંગ તરફ ઝુકાવ ધરાવતા જોવા મળ્યા ત્યારે હું પંડિત નહેરુ પાસે ગયો હતો અને સ્વતંત્ર મહારાષ્ટ્ર રાજ્યની માંગણીની વાત જણાવી હતી. આ માગણી પ્રત્યે દુર્લક્ષ કરીશું તો મુંબઈમાં સમર્થન ગુમાવવું પડશે. પછી ચવાણે તેમની સામે આ વાત માંડી હતી. તેથી ભાષા આધારિત રાજ્યની રચના માટે તેઓ સંમત થયા હતા.”

એસ. કે. પાટીલ છેવટે લખે છે, “મહારાષ્ટ્રની રચનામાં મારી ભાગીદારીનું સત્ય ઘણા લોકો જાણતા નથી.”

એ પછી દુઃખ વ્યક્ત કરતાં એસ. કે. પાટીલ લખે છે, “સંયુક્ત મહારાષ્ટ્રની રચના માટે મને આમંત્રણ સુદ્ધાં આપવામાં આવ્યું ન હતું. હું 1960ની દસમી મેએ અમેરિકા જવાનો હતો, પરંતુ સ્થાપના દિવસના કાર્યક્રમમાં આમંત્રણ ન હોવાથી પહેલી મેએ જ ચાલ્યો ગયો હતો. મને ખૂબ દુઃખ થયું હતું.”

એસ. કે. પાટીલ લખે છે, “હું મહારાષ્ટ્રની રચનાનો વિરોધી ક્યારેય ન હતો. મારો મત એ હતો કે ભાષાના આધારે દેશનું વિભાજન ન થવું જોઈએ.”

મહારાષ્ટ્રની રચનામાં મારી ભાગીદારીનો ઉલ્લેખ યશવંતરાવ ચવાણે ક્યાંય પણ કર્યો નથી, તેનો અફસોસ પણ એસ. કે. પાટીલે વ્યક્ત કર્યો છે. તેઓ લખે છે કે સત્ય જાણવા ઇચ્છતા લોકોએ યશવંતરાવ ચવાણના સંબંધીઓ દ્વારા લખવામાં આવેલું જીવનચરિત્ર વાંચવું જોઈએ.

એ જીવનચરિત્ર કોણે લખ્યું હતું અને તેનું નામ શું હતું, તેનો ઉલ્લેખ એસ. કે. પાટીલે કર્યું નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે સંયુક્ત મહારાષ્ટ્રને કારણે તેમણે જે અપમાન સહન કરવું પડ્યું તે પીડાદાયક હોવાનું એસ. કે. પાટીલે પોતાની આત્મકથામાં નોંધ્યું છે.

કામરાજ યોજના નહેરુવિરોધીઓને હાંકી કાઢવા માટે હતી?

કામરાજ યોજના બાબતે એસ. કે. પાટીલે તેમની આત્મકથામાં વ્યક્ત કરેલા વિચારો ખૂબ જ વિવાદાસ્પદ છે. જોકે, ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈએ પણ તેમની આત્મકથાના બીજા ખંડમાં આવા વિચારો વ્યક્ત કર્યા છે.

તામિલનાડુના તત્કાલીન મુખ્ય મંત્રી કે. કામરાજે 1963માં એક યોજના રજૂ કરી હતી. એ યોજનાનો ઉદ્દેશ કૉંગ્રેસના વરિષ્ઠ પ્રધાનોનાં રાજીનામાં લઈને તેમની પાસે સંગઠનનું કામ કરાવવાનો હતો. એ યોજના બાદમાં કામરાજ પ્લાન તરીકે જાણીતી થઈ હતી.

બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર મહાગુજરાત આંદોલન મુંબઈ ઈન્દિરા ગાંધી જ્યોર્જ ફર્નાન્ડિઝ ગાંધીજી એસ. કે. પાટીલ

ઇમેજ સ્રોત, Getty Images

કામરાજ પ્લાન હેઠળ મોરારજી દેસાઈ, જગજીવન રામ, લાલ બહાદુર શાસ્ત્રી અને એસ. કે. પાટીલ જેવા કેન્દ્રીય પ્રધાનો તથા એ સમયના કૉંગ્રેસ શાસિત ઘણાં રાજ્યોના મુખ્ય મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં.

અલબત, એસ. કે. પાટીલના મતે, “પંડિત નહેરુ અને તેમનાં પુત્રી ઇંદિરા ગાંધીએ અનિચ્છનીય પ્રધાનોને દૂર કરવા માટે કામરાજ પ્લાન બનાવ્યો હતો.”

મોરારજી દેસાઈએ તેમની આત્મકથા ‘ધ સ્ટોરી ઑફ માય લાઇફ’ના બીજા ખંડમાં કામરાજ યોજનાનો ઉલ્લેખ કર્યો છે. મે-જૂન 1963માં લોકસભા મુલતવી રાખ્યા પછી પંડિત નહેરુ કાશ્મીર ગયા હતા, જ્યાં બીજુ પટનાયક પણ તેમની સાથે હતા અને તેમણે આ યોજનાની વાત પહેલીવાર કરી હતી. કે. કામરાજે જુલાઈ 1963માં તેમની યોજના રજૂ કરી હતી, એવી માહિતી મોરારજી દેસાઈએ નોંધી છે.

એ ઉપરાંત મોરારજી દેસાઈએ પંડિત નહેરુને સીધું જણાવ્યું હતું કે કામરાજ યોજનામાં જે વાત છે તેનાથી સંગઠનમાં તમારા વિરુદ્ધ શંકા સર્જાશે. મોરારજી દેસાઈએ તેમની આત્મકથામાં એક અલગ પ્રકરણ લખીને કામરાજ પ્લાન બાબતે શંકા વ્યક્ત કરી છે. અગાઉ નોંધ્યું છે તેમ એસ. કે. પાટીલે પણ આવી જ શંકા વ્યક્ત કરી હતી.

ઇંદિરા ગાંધી પ્રત્યે નારાજગી અને 1967ની હાર

એસ. કે. પાટીલે તેમની આત્મકથામાં નોંધ્યું છે કે લાલ બહાદુર શાસ્ત્રી પછી વડા પ્રધાન બનવા માટે ઇંદિરા ગાંધી પાસે પંડિત નહેરુનાં પુત્રી હોવા સિવાયનો બીજો કોઈ અનુભવ ન હતો.

એસ. કે. પાટીલ પહેલાં વલ્લભભાઈ પટેલના નજીકના સાથી અને બાદમાં મોરારજી દેસાઈના સમર્થક તરીકે જાણીતા હતા. તેથી ઇંદિરા ગાંધી સાથે તેમને સારો સંબંધ ન હતો.

પોતે ઇંદિરા ગાંધી માટે ઘણીવાર માર્ગદર્શકની ભૂમિકા ભજવી હોવાનું એસ. કે. પાટીલે કહ્યું હતું, પરંતુ સુહાસ ઠાકુર કહે છે, “1967ની ચૂંટણીથી એસ. કે. પાટીલના રાજકીય પતનની શરૂઆત થઈ હતી. એ ચૂંટણીમાં પક્ષે ખાસ મદદ કરી ન હતી. એ વખતે પક્ષમાં ઇંદિરા ગાંધીનો દબદબો હતો.”

જોકે, 1967ની ચૂંટણી ભારતમાં સીમાચિહ્નરૂપ બની હતી. એક તરફ મુંબઈ પર એકહથ્થુ પ્રભુત્વ ધરાવતા એસ. કે. પાટીલ હતા, જ્યારે બીજી તરફ યુનાઇટેડ સોશિયાલિસ્ટ પાર્ટી તરફથી જ્યૉર્જ ફર્નાન્ડિઝ ચૂંટણી લડી રહ્યા હતા. એ જ્યૉર્જની આ પહેલી લોકસભા ચૂંટણી હતી.

ગુજરાતમાં એટલા લોકપ્રિય કે બનાસકાંઠાથી ચૂંટણી લડ્યા

બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર મહાગુજરાત આંદોલન મુંબઈ ઈન્દિરા ગાંધી જ્યોર્જ ફર્નાન્ડિઝ ગાંધીજી એસ. કે. પાટીલ

ઇમેજ સ્રોત, Getty Images

એ ચૂંટણીમાં આચાર્ય અત્રેથી માંડીને બધાએ જ્યૉર્જ ફર્નાન્ડિઝના વિજય માટે જોર લગાવ્યું હતું. એ સમયના તેમનાં ભાષણો પણ ગાજ્યાં હતાં.

નીલુ દામલેએ જ્યૉર્જ ફર્નાન્ડિઝનું જીવનચરિત્ર ‘સુસાટ જ્યૉર્જ’ લખ્યું છે. તેમાં તેમણે નોંધ્યું છે, “કૉંગ્રેસના નેતા એસ. કે. પાટીલ મુંબઈમાંથી જ ચૂંટાતા હતા. કૉંગ્રેસનો અખિલ ભારતીય નાણાભંડાર તેમની પાસે હતો. તેઓ પક્ષ માટે પૈસા એકઠા કરવામાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. મુંબઈમાં મોટા પ્રમાણમાં પૈસા હતા. મુંબઈ ભારતની આર્થિક રાજધાની હતું. મોટાંમોટાં કારખાના મુંબઈમાંં હતાં. દેશના અનેક મોટા ધનિક ઉદ્યોગપતિઓ મુંબઈમાં હતા. એસ. કે. પાટીલ તેમની સંભાળ રાખતા હોવાથી પાટીલ પાસે પૈસા હતા.”

આ કારણસર ચૂંટણી કેટલી પડકારજનક હતી તે સમજી શકાય. અલબત, આ પુસ્તકમાં જ નીલુ દામલેએ એક ઘટના નોંધી છે. તે એસ. કે. પાટીલને ઉથલાવવા માટે ઇંદિરા ગાંધીએ કરેલા પ્રયાસોને દર્શાવે છે.

એ ઘટનાનું વર્ણન કરતાં નીલુ દામલે લખે છે, “એક વાર જ્યૉર્જ ફર્નાન્ડિઝને દિલ્હીથી યશવંતરાવ ચવાણે ફોન કર્યો. ચવાણ એ વખતે કેન્દ્રીય ગૃહમંત્રી હતા અને ઇંદિરા ગાંધી વડાં પ્રધાન હતાં. ચવાણે જ્યૉર્જને દિલ્હી આવી મળવાનું આમંત્રણ આપ્યું હતું.”

જ્યૉર્જ ફર્નાન્ડિઝ દિલ્હી ગયા અને ચવાણને મળ્યા. ચવાણે રસપૂર્વક પૂછપરછ કરી અને ચૂંટણી ભંડોળમાં વ્યક્તિગત દાન આપ્યું.

ચવાણ ઇંદિરા ગાંધીના વફાદાર હતા. તેનો અર્થ એવો થાય કે એસ. કે. પાટીલ ચૂંટાઈ આવે એવું ઇંદિરા ગાંધી ઇચ્છતાં ન હતાં, એવી શંકા નીલુ દામલેનું આ પુસ્તક સર્જે છે.

એસ. કે. પાટીલે તેમની આત્મકથામાં ઇંદિરા ગાંધી વિશે કરેલાં વર્ણનોને આ ઘટના સમર્થન આપે છે.

એ ચૂંટણીમાં જ્યૉર્જ ફર્નાન્ડિઝને 1,47,841 મત મળ્યા હતા, જ્યારે એસ. કે. પાટીલને 1,18,407 મત મળ્યા હતા. એસ. કે. પાટીલનો પરાજય થયો હતો અને તેમના રાજકીય પતનની શરૂઆત થઈ હતી.

બાદમાં કૉંગ્રેસનું વિભાજન થયું અને ઇંદિરા ગાંધીનો વિરોધ કરતા નેતાઓ કૉંગ્રેસ(ઓ)માં જોડાયા. તેને સિન્ડિકેટ કૉંગ્રેસ કહેવામાં આવે છે. એસ. કે. પાટીલ પણ તેમાં જોડાયા હતા.

સાઉથ બૉમ્બેથી હાર્યા બાદ એસ. કે. પાટીલ ગુજરાતના બનાસકાંઠા મતવિસ્તારમાંથી લોકસભાની પેટાચૂંટણી લડ્યા હતા અને હારી ગયા હતા. એ વખતે તેઓ કૉંગ્રેસ (સંગઠન) તરફથી ચૂંટણી લડ્યા હતા. જોકે, ઇંદિરા કૉંગ્રેસના પોપટલાલ જોશીએ તેમને પરાજિત કર્યા હતા.

રાજકીય સક્રિયતામાં ઘટાડો

એ પરાજય પછી એસ. કે. પાટીલે રાજકારણ છોડી દીધું હતું. તેઓ બહુ સક્રિય ન હતા.

એ સમયે તેમની સાથે રહેલા તેમના દોહિત્ર સુહાસ ઠાકુર કહે છે, “1971ની ચૂંટણી પછી પણ એસ. કે. પાટીલ રોજ તેમની ઑફિસે જતા હતા અને બેસતા હતા. મળવા આવતા લોકો સાથે ચર્ચા કરતા હતા.”

સુહાસ ઠાકુરના જણાવ્યા મુજબ, એસ. કે. પાટીલનો મત હતો કે લોકો જેની બાજુએ હોય તેની સત્તા ગાજે. પોતાની હાર અને સત્તામાં ન હોવાનો અફસોસ એસ. કે. પાટીલે ક્યારેય કર્યો ન હતો.

બીબીસી ગુજરાતી ગુજરાત મહારાષ્ટ્ર મહાગુજરાત આંદોલન મુંબઈ ઈન્દિરા ગાંધી જ્યોર્જ ફર્નાન્ડિઝ ગાંધીજી એસ. કે. પાટીલ

ઇમેજ સ્રોત, Lokrajya Magazine

સુહાસ ઠાકુર કહે છે, “1980માં સંજય ગાંધીનું અવસાન થયું ત્યારે એસ. કે. પાટીલ દિલ્હી ગયા હતા અને ઇંદિરા ગાંધીને મળ્યા હતા. ઇંદિરા ગાંધી એસ. કે. પાટીલના ખભા પર માથું રાખીને રડ્યાં એ વખતે હું તેમની બાજુમાં ઊભો હતો.”

એસ. કે. પાટીલનું 1981ની 24 મેએ અવસાન થયું તે સમયે બૅરિસ્ટર અબ્દુલ રહેમાન અંતુલે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી હતા.

એસ. કે. પાટીલ મૂળ કોંકણના હતા અને બૅરિસ્ટર અંતુલે પણ કોંકણના હતા.

બૅરિસ્ટર અંતુલેએ શોક સંદેશમાં કહ્યું હતું, “એસ. કે. પાટીલના અવસાનથી મહારાષ્ટ્રને અને ખાસ કરીને કોંકણને ક્યારેય ન પૂરી શકાય તેવું નુકસાન થયું છે.”

સંદર્ભોઃ

  • માય યર્સ વિથ કૉંગ્રેસ – એસ. કે. પાટીલ
  • ઑર્ગેનાઇઝેશનલ રિકન્સ્ટ્રક્શન ઍન્ડ ધ ફ્યુચર પ્રોગ્રામ – એસ. કે. પાટીલ
  • ધ સ્ટોરી ઑફ માય લાઇફ – મોરારજી દેસાઈ
  • સુસાટ જ્યૉર્જ – નીલુ દામલે
  • વિસાવ્યા શતકાતીલ મહારાષ્ટ્ર (સાતમો ખંડ) – વાય. ડી. ફડકે
  • વિસાવ્યા શતકાતીલ મહારાષ્ટ્ર (આઠમો ખંડ) – વાય. ડી. ફડકે
  • લોકરાજ્ય અંક (મે, 1981)
  • ધ ન્યૂયૉર્ક ટાઇમ્સ ન્યૂઝપેપર આર્કાઈવ્ઝ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS