Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
વાંચવાનો સમય: 3 મિનિટ
ગુજરાતના કેટલાક ભાગોમાં ભાદરવા મહિનામાં ચોમાસું ફરી સક્રિય થયું છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હવે રાજ્યના બીજા ભાગોમાં પણ ત્રણ દિવસ સુધી હળવાથી અતિશય ભારે વરસાદની આગાહી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ઉમરપાડા, અંકલેશ્વર, નડિયાદ, તિલકવાડા, આણંદ, ઉકાઇ, મોરવા હડફ, ભરુચ, ડાંગ, સાગબારા, નાંદોદ, નસવાડી, માંગરોળ, લીમખેડા તાલુકામાં સારો એવો વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ થયો છે. જેમાં ઉકાઈમાં સૌથી વધુ 11.80 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સોનગઢમાં 5.31 ઇંચ, તાપીના ઉચ્છલમાં ચાર ઇંચ, વ્યારામાં 2.2 ઇંચ, વરસાદ પડ્યો છે.
સુરતના ઉમરપાડા તાલુકામાં 8.35 ઇંચ, ડાંગના સુબીરમાં 5.71 ઇંચ, વઘઈમાં 5.67 ઇંચ, આહવામાં 4.37 ઇંચ, સુરતના ચોર્યાસીમાં 4.41 ઇંચ, નર્મદાના ડેડિયાપાડામાં 4.25 ઇંચ, નર્મદાના ચિકડામાં 3.45 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભરુચ, વાંસદા, સાગબારા, અંકલેશ્વર, ઘોઘા તાલુકામાં પણ બેથી ચાર ઇંચ સુધી વરસાદ પડ્યો છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થયો છે, પરંતુ કચ્છ મુખ્યત્વે કોરું રહ્યું છે, પરંતુ કેટલીક જગ્યાએ ઝાપટાં પડ્યાં છે.
હાલમાં છત્તીસગઢ અને પડોશના વિસ્તારમાં લો-પ્રેશર એરિયા સર્જાયો છે જેના કારણે સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઉંચાઈએ એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આગામી ચોવીસ કલાકમાં તે છત્તીસગઢ અને વિદર્ભ તરફ આગળ વધશે.
હાલમાં જૈસલમેર, કોટા, હોસંગાબાદ પરથી એક મોન્સુન ટ્રફ પસાર થાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પાકિસ્તાન અને જમ્મુ પર એક સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.
ઇમેજ સ્રોત, IMD
હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન પ્રમાણે 13 સપ્ટેમ્બર, રવિવારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે રેડ ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
રવિવારે ભરુચ, સુરત, તાપી અન ડાંગ તથા અમરેલી અને ભાવનગરમાં પણ છૂટીછવાઈ જગ્યાએ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ પાંચ જિલ્લા માટે ઑરેન્જ ઍલર્ટ જારી કરાયું છે.
આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના બાકીના ભાગોમાં પણ રવિવારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જે દરમિયાન ગાજવીજ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.
ઇમેજ સ્રોત, IMD
14 સપ્ટેમ્બર, સોમવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે છે.
સોમવારે ભરુચ, સુરત, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં પણ છૂટીછવાઈ જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે, જ્યારે રાજ્યના બાકીના જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે.
15 સપ્ટેમ્બર, મંગળવારે જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે બાકીના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આજે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને મધ્યમ વરસાદ પડી શકે છે.
ખેડૂતોને કેટલી રાહત મળશે?
ગુજરાતમાં અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને બાદ કરતા બાકી દરેક જગ્યાએ અપૂરતો વરસાદ પડ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં દુષ્કાળની સ્થિતિ છે, ડૅમ ખાલી છે, ઘાસચારાની અછત છે અને પશુધનની હાલત ખરાબ છે.
દક્ષિણ ગુજરાતમાં જ્યાં શેરડીની ખેતી થાય છે ત્યાં વરસાદ ખેંચાઈ જવાના કારણે પાકને નુકસાન થવાનું શરૂ થઈ ગયું છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણી જગ્યાએ વાવેતર સંપૂર્ણ નિષ્ફળ ગયું છે અને સરકાર દુષ્કાળ જાહેર કરે તેવી માંગણી શરૂ થઈ છે.
શનિવાર સુધીના આંકડા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 76 ટકા વરસાદ નોંધાયો છે જેમાં માત્ર સાઉથ ગુજરાતમાં 104 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યના બાકીના ભાગોમાં વરસાદની ઘટ છે.
કચ્છમાં અત્યાર સુધીમાં માત્ર 30 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં 56 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 75 ટકા, સૌરાષ્ટ્રમાં 56 ટકા વરસાદ નોંધાયો છે.
દ્વારકા તાલુકામાં માત્ર બે ટકા, કલ્યાણપુર તાલુકામાં ચાર ટકા અને ખંભાળિયામાં 9 ટકા વરસાદ પડ્યો છે. પોરબંદર તાલુકામાં પણ નવ ટકા, રાણાવાવમાં 14 ટકા, કચ્છના અબડાસા તાલુકામાં ફક્ત 14 ટકા વરસાદ થયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




