Source : BBC NEWS
અપડેટેડ એક કલાક પહેલા
અમેરિકાની કંપની હિંડનબર્ગ રિસર્ચ બંધ થવાની છે એવી માહિતી સંસ્થાપક નેથન ઍન્ડરસને આપી છે.
હિંડનબર્ગ રિસર્ચની વેબસાઈટ પર પર્સનલ નોટમાં એન્ડરસને લખ્યું છે કે, “મેં ગયા વર્ષે જ મારા પરિવાર, મારા મિત્રો અને પોતાની ટીમને જણાવી દીધું હતું તે મુજબ મેં હિંડનબર્ગ રિસર્ચને વિખેરી નાખવાનો નિર્ણય લીધો છે.”
તેમણે કહ્યું કે યોજના એવી હતી કે અમે જે આઇડિયા પર કામ કરતા હતા તે પૂરા થાય ત્યાર પછી કંપની બંધ કરવામાં આવશે. જે પોન્ઝી કેસની તપાસ કરવામાં આવી છે તેના વિશે અમે બજારના નિયમનકારને જણાવી દીધું છે.
નેથન એન્ડરસને જણાવ્યું કે, “હું આ બધું ખુશીથી લખી રહ્યો છું. આને બનાવવું મારા જીવનનું સપનું રહ્યું છે.”
હિંડનબર્ગ રિસર્ચે પોતાના રિપોર્ટમાં અદાણી જૂથ વિરુદ્ધ છેતરપિંડી, ઈનસાઈડર ટ્રેડિંગના નિયમોના ભંગ અને મની લૉન્ડરિંગના આરોપો લગાવ્યા હતા.
ત્યાર પછી ભારતમાં હિંડનબર્ગ રિસર્ચ ચર્ચાસ્પદ બની હતી.
જોકે, અદાણી જૂથે હિંડનબર્ગ રિસર્ચના આરોપોને નકારી કાઢ્યા હતા.
સૈફ અલી ખાન પર ઘરની અંદર છરીથી હુમલો; હૉસ્પિટલમાં દાખલ
બોલિવૂડના અભિનેતા સૈફ અલી ખાન પર મુંબઈમાં તેમના નિવાસસ્થાને એક ઘૂસણખોરે છરી વડે હુમલો કર્યા પછી તેમને ઈજા થઈ છે તેમ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું.
પીટીઆઈના અહેવાલ પ્રમાણે બાંદ્રા વિસ્તારમાં અભિનેતાના ઘરે મધ્યરાત્રિની આસપાસ આ ઘટના બની હતી. ત્યાર પછી ખાનને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ એક અજાણી વ્યક્તિ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી આવી હતી અને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘટના સમયે અભિનેતાના પરિવારના કેટલાક સભ્યો પણ ઘરમાં હાજર હતા.
અમેરિકામાં ધનાઢ્ય, શક્તિશાળી લોકોના વધતા પ્રભાવ પર બાઇડને ચિંતા વ્યક્ત કરી
અમેરિકાના વિદાય લઈ રહેલા રાષ્ટ્રપતિ જો બાઇડને દેશમાં અત્યંત ધનાઢ્ય લોકોના પ્રભાવ વિશે ચિંતા વ્યક્ત કરી છે. બાઇડને બુધવારે પોતાનું વિદાય સંબોધન આપ્યું હતું અને આ સાથે રાજકારણમાં તેમની કેટલાય દાયકા લાંબી કારકિર્દીનો અંત આવ્યો હતો. બાઇડને ચેતવણી આપી કે અમેરિકામાં એક ‘ખતરનાક’ કુલીનશાહી આકાર લઈ રહી છે.
તેમણે કહ્યું કે, “આજે અમેરિકામાં અત્યંત ધન, શક્તિ અને પ્રભાવ ધરાવતી એક કુલીનશાહી આકાર લઈ રહી છે જે સમગ્ર લોકશાહી, આપણા પાયાના અધિકારો અને સ્વતંત્રતા સામે જોખમ પેદા કરે છે.”
82 વર્ષના બાઇડને એક અત્યંત શ્રીમંત “ટેક-ઇન્ડસ્ટ્રીયલ કૉમ્પ્લેક્સ”ને નિશાન બનાવ્યું હતું અને કહ્યું કે આ લોકો અમેરિકનો પર અમર્યાદ સત્તા ધરાવે છે.
તેમણે વ્હાઇટ હાઉસમાંથી આપેલા અંતિમ ટેલિવિઝન ભાષણમાં ક્લાઇમેટ ચેન્જ અને સોશિયલ મીડિયાથી ફેલાતી ગેરમાહિતી વિશે પણ ચેતવણી આપી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS