Source : BBC NEWS

સાબરમતી નદી બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત પ્રદૂષણ રિવરફ્રન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ એક જાણીતી ફરવા લાયક જગ્યા ગણવામાં આવે છે, જ્યાં રોજ હજારો લોકો નદીનો નજારો જોવા આવે છે.

પરંતુ હાલમાં તમે સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવા જશો તો તમને નદીમાં પાણી નહીં દેખાય, કારણ કે નદીને ખાલી કરવામાં આવી રહી છે.

તેનું કારણ છે કે નદીમાં પુષ્કળ પ્રમાણમાં કાંપ ભરાયો છે તે હટાવવાનો છે, નદીના પટમાં ભારે પ્રમાણમાં કચરો ઠાલવવામાં આવ્યો છે અને પ્રદૂષણની પણ મોટી સમસ્યા છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના 2023ના અહેવાલ પ્રમાણે ભારતની સૌથી પ્રદૂષિત નદીઓમાં અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી બીજા સ્થાને છે અને ગુજરાતની તે સૌથી વધારે પ્રદૂષિત નદી છે.

હવે સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બૅરેજના દરવાજાનું સમારકામ શરૂ કર્યું હોવાથી સાબરમતી નદીનું પાણી ખાલી કરાઈ રહ્યું છે. તેના કારણે 12 મેથી 5 જૂન સુધી નદીમાં પાણી રહેશે નહીં.

જોકે, વાસણા બૅરેજના સમારકામની સાથે બીજું કામ અમદાવાદમાં સાબરમતી નદીના પટની સફાઈનું પણ કરવામાં આવશે.

અમદાવાદમાં સુભાષબ્રિજથી વાસણા બૅરેજ વચ્ચેના નદીના પટની સફાઈ કરવામાં આવશે, જનભાગીદારીથી પટમાંથી કચરો ઉપાડવામાં આવશે. તેમજ, જરૂર જણાશે ત્યાં મશીનરીનો ઉપયોગ કરીને નદીમાંથી કાંપ અને સ્લજ બહાર કાઢીને ડિસિલ્ટિંગ કરવામાં આવશે.

રાજ્યમાં સાબરમતી સહિતની નદીઓમાં પ્રદૂષણ

સાબરમતી નદી બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત પ્રદૂષણ રિવરફ્રન્ટ

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL

ઑગસ્ટ 2021માં ગુજરાત હાઇકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે સુઓમોટો નોટિસ લીધી, ત્યારે ધ્યાનમાં આવ્યું કે, ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર જ નદીમાં ઠાલવવામાં આવે છે. ઘણી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઝેરી રસાયણોને સીધાં નદીમાં ઠાલવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 4 ઑગસ્ટ 2022ના રોજ લોકસભામાં આપેલી માહિતી મુજબ દેશમાં 351 નદી પ્રદૂષિત છે અને તે યાદીમાં 20 નદીઓ ગુજરાતની છે.

લોકસભામાં રજૂ કરાયેલા ‘સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ’ (CPCB)ના રિપોર્ટ અનુસાર સાબરમતી ભારતની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે.

એક તરફ અમદાવાદમાં સાબરમતી નદીના બન્ને કાંઠે બનાવાયેલો રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર છે તો બીજી તરફ આ જ રિપોર્ટમાં બન્ને રિવરફ્રન્ટની વચ્ચેથી વહી રહેલા પાણીની ગુણવત્તા પર પણ સવાલ ઉઠાવાયા છે.

પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની યાદીમાં સાબરમતી, ભાદર, અમલાખાડી, ભોગાવો અને ખારી નદીઓને ભારે પ્રદૂષિત હોવાથી પ્રથમ શ્રેણીમાં મૂકવામાં આવી છે.

નોંધનીય છે કે વર્ષ 2019માં સાબરમતી નદી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં 15 હજાર કરતાં વધારે નાગરિકો જોડાયા હતા. સફાઈ અભિયાન દરમિયાન લગભગ 500 ટન કચરો બહાર કાઢવામાં આવ્યો હતો જેમાં 40 ટકા કચરો પ્લાસ્ટિકનો હતો.

સાબરમતી નદીની સફાઈ કેવી રીતે કરાશે?

સાબરમતી નદી બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત પ્રદૂષણ રિવરફ્રન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમૅન્ટ કૉર્પોરેશને આપેલી માહિતી અનુસાર ચોમાસા પહેલાં વાસણા બૅરેજના દરવાજાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

વાસણા બૅરેજના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની કામગીરી પણ હાથ ધરવાની હોવાથી નદીને સંપૂર્ણ ખાલી કરવી પડી છે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમૅન્ટ કૉર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અમૃતેશ ઓરંગાબાદકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદીનું પાણી ખાલી કરાઈ રહ્યું છે. પાણી હજુ સંપૂર્ણ ખાલી થયું નથી.”

તેમણે વધુમાં જણાવ્યું કે, “પાણી સુકાઈ જાય ત્યાર પછી નદીમાં સફાઈ અભિયાન હાથ ધરાશે. તેમાં નાગરિકોને પણ સામેલ કરવામાં આવશે. અત્યારે અમારી ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે કે ક્યા સ્ટ્રેચમાં પાણી સુકાઈ ગયું છે, કયા પેચમાં કેટલા લોકો આવી શકશે, વગેરે. કારણ કે એરિયા નાનો હોય અને વધારે લોકો આવી જાય તો પણ મુશ્કેલી થઈ શકે છે.”

તેમણે કહ્યું કે, “ચકાસણી કર્યા પછી સફાઈની જરૂરિયાત મુજબ પ્લાન ઘડવામાં આવશે. આગામી બેથી ત્રણ દિવસમાં નાગરિકોને સફાઈ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરવામાં આવશે.”

અમૃતેશ ઓરંગાબાદકરે જણાવ્યું કે, “નદીનાં પટમાં જ્યાં ડિસિલ્ટિંગની જરૂર પડશે ત્યાં મશીનરીથી કાંપ અને માટી કાઢવામાં આવશે. જોકે, આ કામ પાણી સુકાય પછી જ કરી શકાશે, કારણ કે નહીંતર મશીનરી ફસાઈ શકે છે.”

નિષ્ણાતોએ શું કહ્યું?

સાબરમતી નદી બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત પ્રદૂષણ રિવરફ્રન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત હાઇકોર્ટમાં સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે સુઓમોટો પિટિશનમાં નિમાયેલા કોર્ટમિત્ર હેમાંગ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, “સાબરમતી નદીની સફાઈ કરવા અંગે અગાઉ ચર્ચા થઈ હતી. હાલમાં વાસણા બૅરેજનું સમારકામ શરૂ કરવાનું હોવાથી નદીને સંપૂર્ણ ખાલી કરવાની છે. જેથી અમદાવાદ મ્યનિસિપલ કૉર્પોરેશન દ્વારા નદી સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.”

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે “નદીની સફાઈ દરમિયાન સોઇલ સૅમ્પલ લઈને તેનું ઍનાલિસીસ કરવામાં આવશે. હાલમાં નદીનું પાણી ખાલી કરવામાં આવ્યું છે જેમાંથી લોખંડ, પ્લાસ્ટિક વગેરે કચરો મળી રહ્યો છે.”

સાબરમતી નદીમાં ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી યોગ્ય શુદ્ધીકરણ વગર છોડવામાં આવે છે તે એક મોટી સમસ્યા છે.

પર્યાવરણ મુદ્દે કામ કરતાં એક કર્મશીલે નામ ન આપવાની શરતે બીબીસીને જણાવ્યું હતું કે, “નદીની સફાઈ કરવામાં આવે તે ખૂબ જ સારી વાત છે. નદીમાં સુએઝનું અને કેમિકલવાળુ પાણી જતું હતું. જેથી નદીમાં સ્લજ જામી ગયો હોય તેની સફાઈ કરવી જરૂરી છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે નદીની સફાઈ બાદ તેને કોઈ ગંદી ન કરે તેનુ ધ્યાન રાખવું જોઈએ અને તે માટે પગલાં લેવાં જોઈએ.”

પર્યાવરણવિદ મહેશ પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, “સાબરમતી નદીની સફાઈ નહીં, પરંતુ સાબરમતી રિવરફ્રન્ટના નદીના પટના ડિસિલ્ટિંગનું કામ થવાનું છે. ચોમાસા દરમિયાન નદીમાં પાણી છોડવામાં આવે પાણીની સાથે કાંપ પણ આવે છે. ડિસિલ્ટિંગનું કામ દર વર્ષે ચોમાસું શરૂ થતાં પહેલાં કરવાનું હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને છેલ્લે 2019માં ડિસિલ્ટિંગ કર્યું હતું અને હવે અત્યારે કામ શરૂ કરવામાં આવ્યું છે.”

મહેશ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, “નદીને આખા વર્ષ દરમિયાન ગંદી કરવામાં ન આવે તે જોવાનું કામ પણ એએમસીનું છે. તેમને વર્ષ દરમિયાન પણ નદી ગંદી ન થાય તે અંગે પણ ધ્યાન આપવું જોઈએ.”

દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી

સાબરમતી નદી બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત પ્રદૂષણ રિવરફ્રન્ટ

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL

પ્રદૂષિત નદીની વ્યાખ્યા કરવામાં આવે તો કોઈ પણ નદીમાં બાયૉકેમિકલ ઑક્સિજન ડિમાન્ડ એટલે કે બીઓડીનું પ્રમાણ એક લિટર દીઠ 3 મિલીગ્રામ કરતાં વધી જાય તો એ નદીને પ્રદૂષિત નદી ગણવામાં આવે છે.

સંસદમાં રજૂ કરાયેલા રિપોર્ટ અનુસાર ગાંધીનગરના રાયસણથી અમદાવાદ જિલ્લાના વૌઠા સુધી સાબરમતીના પાણીમાં 292 મિલીગ્રામ બીઓડી જોવા મળ્યું છે. ભારતની સૌથી વધુ પ્રદૂષતિ નદી તામિલનાડુમાં આવેલી કોઉમ છે, જેમાં બીઓડીનું પ્રમાણે એક લિટર દીઠ 345 મિલીગ્રામ છે.

સાબરમતીને પુનર્જીવન આપવાનો પ્રયાસ કરી રહેલી સંસ્થા ‘પર્યાવરણ સુરક્ષા સમિતિ’ (PSS)એ નદીને ચાર ભાગમાં વિભાજિત કરીને પ્રદૂષણનો અભ્યાસ કર્યો છે. સંસ્થાએ સાબરમતીને ધરોઈથી ગાંધીનગર, ગાંધીનગરથી રિવરફ્રન્ટ, રિવરફ્રન્ટથી વૌઠા અને વૌઠાથી દરિયા સુધી એમ ચાર ભાગમાં વહેંચી છે.

સાબરમતી નદીમાંથી પ્રદૂષણ દૂર કરવા માટેના પ્રયાસો

સાબરમતી નદી બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત પ્રદૂષણ રિવરફ્રન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

સાબરમતી નદીનું પ્રદૂષણ એક ચિંતાજનક મુદ્દો છે અને અદાલતોએ પણ તેની નોંધ લીધી છે.

ગુજરાત હાઇકોર્ટે પોતાના એક આદેશમાં નોંધ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકાના સિવેજ પ્લાન્ટ સારી રીતે કામ ન કરતા હોવાથી સાબરમતી નદી વધુ પ્રદૂષિત થાય છે. આદેશમાં એવું પણ નોંધવામાં આવ્યું હતું કે આના લીધે સ્વાસ્થ્ય સામે પણ ગંભીર સમસ્યાઓ ઊભી થઈ રહી છે.

વૉટર ઍક્ટ, 1974 લાગુ થયો હોવા છતાં નદીઓ પ્રદૂષિત છે તેને લઈને જાણીતા સામાજિક કાર્યકર રોહિત પ્રજાપતિએ સુપ્રીમ કોર્ટમાં વર્ષ 2012માં સિવિલ રિટ પિટિશન ફાઇલ કરી હતી.

‘પર્યાવરણ સુરક્ષા સમિતિ વિરુદ્ધ ભારત સરકાર’ના નામે ઓળખાતા એ કેસનો ચુકાદો 22 ફેબ્રુઆરી, 2017ના રોજ આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ગટરનું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર નદી, જળસ્રોતો કે જમીનમાં પણ છોડી શકાય નહીં. સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાયદા મુજબ ચાલવા જોઈએ. ચુકાદાના ત્રણ મહિનામાં કાયદા મુજબ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થઈ જવા જોઈએ.

સાબરમતી નદી બીબીસી ગુજરાતી અમદાવાદ ગુજરાત પ્રદૂષણ રિવરફ્રન્ટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્લાન્ટ જરૂરી હોવા છતાં સ્થાપવામાં આવ્યા હોય તો ત્રણ વર્ષમાં પ્લાન્ટ તૈયાર કરવાનું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. આ ઉપરાંત, અમલવારી ન થાય તેવા એકમોને કાયમી ધોરણે બંધ કરી દેવાનું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.

સાબરમતી નદીમાં કેમિકલ ના જાય એ માટે ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિયેશન, જીપીસીબી, જીઆઈડીસી, એએમસી જેવી સંસ્થાઓની મળીને મેગા ક્લિન ઍસોસિયેશનની સ્થાપના કરી છે. ઇન્ડસ્ટ્રિયલ એરિયામાંથી નદીમાં ભળતા કેમિકલ વગેરેના નિકાલ માટે નરોડાથી પિરાણા સુધી 27 કિલોમીટરની મેગાઇન બનાવવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટે આ સંસ્થાને ઇન્ડસ્ટ્રીઝનાં ગેરકાયદે જોડાણોને દૂર કરવા પગલાં લેવાનો હુકમ કર્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS