Source : BBC NEWS

સાબરમતી નદીનો ઇતિહાસ, અમદાવાદનો ઇતિહાસ, સાબરમતીના નામો, શું સાબરમતી નદી માણેકચોકમાંથી વહેતી હતી,  બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, વિક્રમ મહેતા
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 23 મે 2025, 12:29 IST

    અપડેટેડ એક કલાક પહેલા

અમદાવાદ ખાતે હાલ ખાલી કરાયેલી સાબરમતીમાં સફાઈની કામગીરી ચાલી રહી છે, જે પાંચમી જૂન સુધી ચાલવાની છે એટલે આ દરમિયાન સાબરમતી નદીને ખાલી રાખવામાં આવશે.

સફાઈ અભિયાનના ભાગરૂપે અમદાવાદમાંથી વહેતી સાબરમતી નદી પર વાસણા ખાતે બેરેજ બનાવવામાં આવ્યો છે.

બેરેજના દરવાજાનાં રિપેરિંગ અને ઉપરવાસમાં માટીના રૅમ્પની કામગીરી હાથ ધરવામાં આવી હોવાથી રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરાઈ છે.

અમદાવાદ શહેરને બે ભાગમાં વહેંચતી સાબરમતી નદી અમદાવાદ શહેરના ઇતિહાસના અભિન્ન હિસ્સા સમી રહી છે.

આ જ સાબરમતીના પટમાં ‘કુત્તા પર હાવી થયેલા સસલા’ના સાહસથી પ્રેરાઈને અહેમદશાહે અમદાવાદનો પાયો નાખ્યો હોવાની દંતકથા બહુપ્રચલિત છે.

સાબરમતી નદીનો ઇતિહાસ, અમદાવાદનો ઇતિહાસ, સાબરમતીના નામો, શું સાબરમતી નદી માણેકચોકમાંથી વહેતી હતી,  બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સાબરમતીના નદીના પટમાં ચોમાસા સિવાયની ઋતુમાં ખેતી થતી હતી અને મનોરંજન માટે નદીના પટમાં સરકસનાં કરતબ પણ થતાં હતાં.

‘ભારતના માન્ચેસ્ટર’નું બિરુદ પામેલા ‘અમદાવાદ કાપડઉદ્યોગનું હબ’ હતું એટલે એક સમયે સાબરમતીના પટમાં કપડા રંગવાની પ્રવૃતિઓ પણ થતી હતી.

સાબરમતીના કિનારે મહાત્મા ગાંધીએ આશ્રમ સ્થાપ્યો અને અહીંથી જ મીઠાના સત્યાગ્રહના મંડાણ કર્યા હતા.

આમ, અમદાવાદ શહેરનાં સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પાસાઓ સાથે સાબરમતી નદી જોડાયેલી રહી છે.

રોચક ભૂતકાળ ધરાવતી સાબરમતીના વહેણ અંગે એક મત એવો છે કે આ નદી ભૂતકાળમાં માણેક ચોક પાસે વહેતી હતી. જોકે આ અંગે મતમતાંતર પ્રવર્તે છે.

શ્વભ્રવતી, સાભ્રમતી અને સાબરમતી

સાબરમતી નદીનો ઇતિહાસ, અમદાવાદનો ઇતિહાસ, સાબરમતીના નામો, શું સાબરમતી નદી માણેકચોકમાંથી વહેતી હતી,  બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સાબરમતી એ તો વર્તમાન નામ છે, પરંતુ પ્રાચીનકાળમાં આ નદીનું નામ જૂદું હતું.

ઇતિહાસકાર રત્નમણિરાવ ભીમરાવ જોટે પુસ્તક ‘ગુજરાતનું પાટનગર-અમદાવાદ’માં લખે છે, “આશરે ઇસવીસનની શરૂઆતથી અમદાવાદની ભૂમિ અને એની આસપાસનો ભાગ ‘શ્વભ્રદેશ’ કહેવાતો હશે એમ જણાય છે.”

“પ્રાચીન સાહિત્યમાં હિંદના ભૌગોલિક વિભાગોના જે ઉલ્લેખો છે તેમાં ગુજરાતના ‘સુરાષ્ટ્ર’,’આનર્ત’ અને ‘અપરાંત’ એમ ત્રણ વિભાગોનો કેટલોક ભાગ ‘લાટ’ નામથી ઓળખાતો હતો.”

રત્નમણિરાવ જોટે લખે છે, “ટોલેમીના મત પ્રમાણે લાટની સીમાઓ કલ્પીએ, તો અમદાવાદની ભૂમિ લાટ દેશની ઉત્તર હદ ઉપર આવે. એટલે ‘શ્વભ્રદેશ’, ‘આનર્ત’ અને ‘લાટ’ની સરહદ ઉપર એક નાનો ભાગ હશે.”

“સાબરમતીની આસપાસનો મુલક ‘શ્વભ્ર’ (એટલે કોતર) કહેવાતો હતો. શ્વભ્રદેશને પંડિત ભગવાનલાલ ઇંદ્રજી સાબરમતીને કાંઠે પશ્ચિમે અને અમદાવાદની ઉત્તરે આવેલો ગણે છે.”

પુરાણોમાં પણ ‘શ્વભ્રવતી’ (સાબરમતી) નદીનો ઉલ્લેખ જોવા મળે છે. રત્નમણિરાવ જોટે ‘પદ્મપુરાણ’ના સંદર્ભને ટાંકીને લખે છે એ મુજબ, સાબરમતી, હાથમતી, વાત્રક આદિ સાત નદીઓ ગુજરાતના પૂર્વોતર પ્રદેશમાંથી વહે છે, તેને ‘કશ્યપે લાવેલી ગંગાના જ ભિન્ન-ભિન્ન ફાંટા’ કહ્યા છે.

સાબરમતી નદી સાથે પ્રચલિત ધાર્મિક કથા પણ સંકળાયેલી છે. હિંદુ પુરાણોમાં ઉલ્લેખ પામેલી એ ધાર્મિક કથા પ્રમાણે ‘દેવાસુર સંગ્રામમાં અસુરોના સંહાર માટે દધિચી ઋષીએ દેવતાઓ માટે વજ્ર નામનું શસ્ત્ર બનાવવાના હેતુસર પોતાનાં અસ્થિઓનું દાન કરી આપ્યું હતું. જેના દ્વારા દેવરાજ ઇન્દ્રે અસુર વૃત્રાસુરનો વધ કર્યો હતો.’ આ જ દધિચી ઋષિની ભૂમિ સાબરમતી નદી કિનારે આવેલી હોવાની માન્યતા છે.

હાલ, સાબરમતી નદી પાસે ગાંધી આશ્રમ અને દધિચી બ્રિજની વચ્ચે એક પ્રખ્યાત અને પ્રાચીન દુધાધારી મહાદેવનું મંદિર આવેલું છે. માન્યતા છે કે આ મંદિરની આસપાસની જગ્યા ઋષિ દધિચીની તપોભૂમિ છે.

જોકે, પુરાણોમાં આ સાબરમતી નદીના નામનો કોઈ ઉલ્લેખ નથી.

ઇતિહાસકાર રત્નમણિરાવ જોટે પુસ્તક ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’માં આગળ લખે છે એ પ્રમાણે સાબરમતીનું મૂળ નામ ‘સાભ્રમતી’ મનાય છે. ‘પદ્મપુરાણ’માં પણ સાભ્રમતી નદીનું મોટું માહાત્મય લખેલું છે. તેરમી અને ચૌદમી સદીના સંસ્કૃત ગ્રંથોમાં પણ ‘સાભ્રમતી’ નામ દેખાય છે.

બારમી સદીની શરૂઆતમાં હેમચંદ્રાચાર્ય ‘શ્વભ્રવતી’ નામ લખે છે. હેમચંદ્રના દ્વયાશ્રયમાં ‘શ્વભ્રવતી’ નામ છે. રાજશેખરની ‘કાવ્ય મીમાંસા’ પણ નામ છે અને ‘હમ્મીરમદ મર્દન’, ‘પ્રબંધ ચિંતામણી’ વગેરે ગ્રંથમાં ‘સાભ્રમતી’ નામ છે.

‘શ્વભ્રવતી’ નામ બોલવામાં અઘરું હોવાથી તેરમી સદી પછી તેનું ‘સાભ્રમતી’ નામ પડ્યું હોવાનું રત્નમણિરાવ જોટે નોંધે છે.

સાબરમતી નદીનો પ્રવાહ ક્યાં વહેતો હતો?

સાબરમતી નદીનો ઇતિહાસ, અમદાવાદનો ઇતિહાસ, સાબરમતીના નામો, શું સાબરમતી નદી માણેકચોકમાંથી વહેતી હતી,  બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

‘અમદાવાદ: ગૌરવગાથા’ પુસ્તકમાં ડૉ. માણેક પટેલ ‘સેતુ’ જણાવે છે એ પ્રમાણે, સાબરમતી નદી ગુજરાતની ચોથા નંબરની 416 કિલોમીટર લાંબી નદી છે.

‘અરવલ્લીની દીકરી’ સમી આ નદી ઉદયપુર બાજુના ઢેબર તળાવના વધારાના પાણીથી પ્રવાહબદ્ધ આગળ વધે છે. વચ્ચે અનેક નાની નદીઓ મળે છે, ત્યાં સુધી એને ‘સાબર’ કહેવાય છે.

બનૈયા પાસે એ પહેલીવાર હાથમતી નદીને મળે છે, ત્યારે એ ‘સાબરમતી’ થઈ જાય છે. પછી એ સાબરમતી કસબાને અડીને અમદાવાદ પાસેથી વહે છે, જે અહીંથી આગળ વધતાં વડગામ પાસે ખંભાતના અખાતને મળે છે.

હાથમતી, ખારી, મેશ્વો, માઝમ, વાત્રક વગેરે સાબરમતીની મુખ્ય ઉપનદીઓ છે.

સાબરમતીના પ્રવાહ અંગે એક મત એવો પ્રવર્તે છે કે સાબરમતીનો કહેવાતો જૂનો પ્રવાહ શહેરની અંદરના ભાગમાં માણેક ચોક અને માંડવીની પોળ પાસે વહેતો હતો.

આ માન્યતાને અમદાવાદનો ઇતિહાસ આલેખનારા મગનલાલ વખતચંદે પણ પૃષ્ટિ આપી છે.

રત્નમણિરાવ જોટે ‘ગુજરાતનું પાટનગર અમદાવાદ’ પુસ્તકમાં ઇતિહાસકાર મગનલાલ વખતચંદનો મત ટાંકતા લખ્યું છે, “1851માં લખાએલા મગનલાલ વખતચંદના ઇતિહાસમાં જણાવેલું છે કે સાબરમતી નદી માણેક ચોકમાંથી વહેતી હતી અને માંડવી પોળ આગળ ખોદાણ કરેલું, ત્યારે નદીમાં ઉતરવાનો ઢાળ મગનલાલે નજરે જોયો હતો.”

“બીજું ત્યાં જ સ્મશાનિયા હનુમાનનું દેવાલય છે એટલે નદી કિનારે સ્મશાન પણ ત્યાં જ હતું એમ મનાય છે. બીજી બાજુએ જોતા હાલ ‘ખાડિયું’ કહેવાય છે, ત્યાં ખાડા જેવી નીચી જમીન હતી એ હજીરાની પોળનો હજીરો અને અસલ સપાટી જોતા પણ જણાય છે.”

“શાહીબાગથી ત્યાં થઈ સાબરમતી માણેકચોકમાં આવી નૈઋત્યમાં રાયખડ આગળ જતી હોય એના પટની એ નીચી જમીન હોય; કાળપુરનો વહેળો લગભગ આ જગ્યાએ થઈને વહે છે તે આ મૂળ પ્રવાહમાં જ વહે છે એમ કેટલાક કહે છે.”

અમદાવાદ શહેરની સ્થાપના વખતે ‘બાદશાહે આ પ્રવાહને વાળીને હાલ છે, તે સ્થાને કરાવ્યું હોવાનું માનવામાં આવે છે.’ ગુજરાતમાં ભારે ધરતીકંપને કારણે પણ નદીઓના પ્રવાહમાં ફેરફાર થયો હોવાનું મનાય છે.

સાબરમતીનો પ્રવાહ પલટાયો?

સાબરમતી નદીનો ઇતિહાસ, અમદાવાદનો ઇતિહાસ, સાબરમતીના નામો, શું સાબરમતી નદી માણેકચોકમાંથી વહેતી હતી,  બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જોકે રત્નમણિરાવ જોટે આ માન્યતા સામે કેટલાક સવાલો પણ કરે છે. તેઓ લખે છે, “અહેમદશાહે વર્ષ 1411માં અમદાવાદ વસાવ્યું અને વર્ષ 1417 સુધી કિલ્લો બાંધવાનું કામ ચાલ્યું. ઈ.સ.1412માં જુમા મસ્જિદનું બાંધકામ શરૂ થયું હતું. જો માણેકચોકમાં નદી વહેતી હોય તો જુમા મસ્જિદ બાંધવા જેવી ઊંચી સપાટ જગ્યા ત્યાં ન હોય અને એક વર્ષમાં નદી ખસેડીને મૂળ પ્રવાહનો ખાડો પૂરી શકાય નહીં.”

“નદીને છેક કિનારે ઊંચી જગ્યા ઉપર મસ્જિદ બાંધી એમ માની લઈએ, તો પણ 1411માં શહેરનો પાયો નખાયો અને એ સાથે જ કિલ્લો અને ભદ્રની મસ્જિદનું કામ છ વર્ષ સુધી ચાલ્યું હતું. પાયો નખાયા પછી એક વર્ષ બાદ જુમા મસ્જિદનું કામ શરૂ થયું તે બાર વર્ષ ચાલ્યું.”

“એટલે નદીનો પ્રવાહ એક પૂરી બીજો ખોદાવી તે પહેલાં ઘણા ટૂંકા સમયમાં શી રીતે બદલાયો તે સમજાતું નથી. ‘મિરાતે સિકંદરી’ અને તે પછી ત્રણસો વર્ષ લખાયેલી ‘મિરાતે અહમદી’માં દંતકથારૂપે પણ આ વાતની નોંધ નથી.”

“શહેરનો પાયો નખાયો તેની અને તે વખતે જે મસ્જિદો બંધાઈને પૂરી થઈ તેની તારીખો નોંધેલી છે, તો આ મોટી વાત નોંધાયા વગર રહે નહીં.”

રત્નમણિરાવ ભીમરાવ જોટે જે મત વ્યક્ત કરે છે એ પ્રમાણે શહેર વસાવ્યા બાદ એનો પ્રવાહ બદલાવામાં આવે એ શક્ય લાગતું નથી.

કોઈ મોટા ઇતિહાસકાર અને ફારસીમાંથી અંગ્રેજીમાં તરજુમો કરનાર કોઈ વિદ્વાને આ વાત પર ધ્યાન આપ્યું નથી.

રત્નમાળ અને બીજી વાતોના સંગ્રહમાં કવિશ્વર દલપતરામે આ વાત નોંધી છે તેનો કાંઈ આધાર નથી. બાદશાહનો અને રાણીનો હજીરો નદીના પ્રવાહની વચ્ચે આવે છે એટલે એ સમજાતું નથી.

સાબરમતી નદીનો ઇતિહાસ, અમદાવાદનો ઇતિહાસ, સાબરમતીના નામો, શું સાબરમતી નદી માણેકચોકમાંથી વહેતી હતી,  બીબીસી ગુજરાતી સાથે સમજો, બીબીસી ન્યૂઝ ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદના જાણીતા ઇતિહાસકાર ડૉ. માણેક પટેલ ‘સેતુ’ ની વાતમાં પણ આ જ મતનો સૂર સંભળાય છે. તેઓ માણેક ચોકમાંથી સાબરમતીનો પ્રવાહ વહેતો હોવાના મતને ટેકો આપતા નથી.

ડૉ. માણેક પટેલ બીબીસી ગુજરાતીને પુસ્તક ‘અમદાવાદ: ગૌરવગાથા’માં લખાયેલી વિગત જણાવે છે એ પ્રમાણે, માણેક ચોકમાં સાબરમતી વહેતી હોવાના કોઈ પ્રમાણ મળતા નથી.

રાણીપ બાજુથી ‘ચંદ્રભાગા’ નદીનો એક ફાંટો વાડજમાં ચંદ્રભાગા બ્રિજ નીચેથી સાબરમતીને મળે છે.

આવો જ એક પાણીનો પ્રવાહ શાહીબાગમાંથી પસાર થતો હતો- એ સ્થળને શાહીબાગ ‘ડફનાળા’ તરીકે ઓળખવામાં આવે છે.

સુલતાન અમદાવાદના ભદ્રના કિલ્લાનાં બાંધકામો, રાણીનો હજીરો અને બાદશાહનો હજીરો માણેક ચોકમાં મધ્યે આવેલાં છે. સાબરમતી નદીનો પ્રવાહ શહેરના કોટની બહાર વહેતો હતો અને આજે પણ એ જ જગ્યાએ વહે છે.

માણેકનાથ બાબા હાલની એમની સમાધિ સ્થળે ઝૂંપડી બાંધીને રહેતા હતા. એની બાજુમાં એક ઝરણા જેવો પાણીનો પ્રવાહ વહેતો હતો. એ પ્રવાહ ‘માણેક’ નદી નામે ઓળખાતો હતો.

‘માણેક’ નદી વિશેની તકતી પણ ફર્નાન્ડિઝ બ્રિજ નીચે જોવા મળે છે એટલે સાબરમતી નદી માણેક ચોકમાં વહેતી હતી, એ માન્યતાનો અહીં છેદ ઉડી જાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS