Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
-
- લેેખક, ચંદનકુમાર જજવારે
- પદ, બીબીસી સંવાદદાતા
-
14 ડિસેમ્બર 2025, 10:30 IST
અપડેટેડ એક કલાક પહેલા
શિયાળાના આગમન સાથે ઠંડી અંગે ઘણાં મીમ્સ બનવા માંડે છે. શિયાળામાં ન્હાવા અને નહીં ન્હાવાને લઈને નીતનવી વાતો સોશિયલ મીડિયાથી લઈને પરિવારો અને મિત્રવર્તુળોમાં ચારેકોર સંભળાતી રહેતી હોય છે.
કોઈ કહે છે, “જીવનમાં પ્રયત્ન કરવાનું કદી બંધ ન કરવું જોઈએ. હું છેલ્લા 15 દિવસથી ન્હાવાની કોશિશ કરી રહ્યો છું, પણ હજી સુધી તેમાં સફળ રહ્યો નથી. તેમ છતાં, મેં મારી કોશિશ ચાલુ રાખી છે.”
કેટલાક લોકો સ્નાનને પાણીના વેડફાટ સાથે જોડીને શિયાળામાં સ્નાન નહીં કરવાની તેમની આદતને યથાર્થ ઠેરવે છે, તો અન્ય લોકો સમયનો અભાવ કે અન્ય કોઈ બહાનાં આગળ ધરે છે.
આ લેખમાં આપણે એ જાણવાનો પ્રયાસ કરીશું કે, સમાન પરિવાર કે પછી સમાન વિસ્તારમાં રહેતા અમુક લોકોને વધુ ઠંડી જ્યારે અમુક લોકોને ઓછી ઠંડી શા માટે લાગતી હોય છે?
શિયાળામાં ઉત્તરાખંડ કે હિમાચલ પ્રદેશમાંથી દિલ્હી કે પટના જેવા શહેરની મુલાકાત લેનારી વ્યક્તિને કેરળ કે તમિલનાડુથી આ શહેરોમાં આવનાર વ્યક્તિ કરતાં ઘણી ઓછી ઠંડીનો અનુભવ થશે.
આ પાછળનું કારણ પણ સ્પષ્ટ છે, લોકો બાળપણથી જે પ્રકારની આબોહવામાં ઉછરે છે અને રહે છે, તે પ્રમાણે તેમનું શરીર અને આદતો જે-તે આબોહવા અને વાતાવરણ સાથે અનુકૂલન સાધી લે છે.
પરંતુ, શિયાળામાં આપણે ઘણી વખત જોતાં હોઈએ છીએ કે, એક જ પરિવાર કે એક જ જગ્યાએ રહેતાં લોકોમાંથી અમુક લોકો ઠંડીથી ઠુંઠવાતાં હોય છે, જ્યારે અમુક લોકોને ઠંડી સામાન્ય લાગતી હોય છે.
કેવા લોકોને ઠંડી વધુ લાગવાની શક્યતા રહે છે?

કેટલાક લોકોને ખૂબ ઠંડી લાગતી હોવાનું અને કેટલાક લોકોને ઠંડી ન લાગવા પાછળનું સૌથી મોટું કારણ કયું હોય છે?
દિલ્હી સ્થિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ (એઇમ્સ) ખાતે ડિપાર્ટમેન્ટ ઑફ કમ્યુનિટી મેડિસિનના પ્રોફેસર સંજય રાયના જણાવ્યા અનુસાર, “દરેક વ્યક્તિની સંરચના જુદી-જુદી હોય છે. આથી, અમુક લોકોને વધારે અને અમુકને ઓછી ઠંડી લાગતી હોય છે. વળી, તમારું શરીર ઠંડી સામે કેવી પ્રતિક્રિયા આપે છે, તેનો આધાર તમે સ્વયંને ઠંડી સામે કેવી રીતે ડેવલપ કર્યા છે, તેના પર રહે છે.”
“તમે જે રીતે તમારા શરીરને સજ્જ કરો છો, તેના આધારે તમારા શરીરની વર્તણૂક નક્કી થાય છે. આ જ મૂળભૂત કારણને પગલે અમુક લોકોને વધુ અને અમુક લોકોને ઓછી ઠંડી લાગે છે.”
સંજય રાય જણાવે છે, “અગાઉ જ્યારે ગીઝર ન હતાં, તે સમયે આપણે શિયાળાની ઋતુમાં પણ સાદા પાણીથી ન્હાવા માટે ટેવાયેલા હતા. તે પછી શરીરને ગીઝરના ગરમ પાણીથી ન્હાવાની આદત પડી ગઈ, તો આપણે શિયાળામાં ગીઝરના પાણીથી ન્હાવા લાગ્યા. બની શકે કે, આપણાં બાળકોએ અલગ આદત વિકસાવી હોય, તો ઠંડી ઘણી ઓછી થઈ ગઈ હોય, તો પણ તેઓ ગરમ પાણીથી જ ન્હાશે.”
ઇમેજ સ્રોત, Getty Images
આપણે આપણા પરિવારમાં પણ જોઈ શકીએ છીએ કે, શિયાળામાં કુટુંબના કેટલાક સભ્યો સાદા પાણીથી જ સ્નાન કરે છે, જ્યારે અમુક સભ્યો ગરમ પાણીથી ન્હાતા હોય છે.
ઘણા લોકો કડકડતી ઠંડીમાં ન્હાવાનું ટાળતા હોય છે.
દિલ્હીની સર ગંગારામ હૉસ્પિટલના સિનિયર ડૉક્ટર મોહસીન વલી જણાવે છે, “અમુક લોકોને વધુ ઠંડી શા માટે લાગતી હોય છે? જો કોઈ આવું કહે, તો તે માટે સામાન્યપણે આળસ અને માનસિક બાબત જવાબદાર હોય છે.”
ડોક્ટર વલીના મતે, થાઇરૉઇડના દર્દીઓ, અત્યંત દુબળા-પાતળા લોકો, ડાયાબિટીસના દર્દીઓ કે પછી બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવા માટે બિટા લોકર જેવી દવાઓ લેનારા લોકોને વધુ ઠંડી લાગતી હોય છે.
તેઓ જણાવે છે, “તે સિવાય, જો કોઈ તંદુરસ્ત વ્યક્તિ કહે કે, તેને ઘણી ઠંડી લાગે છે, તો તેનો અર્થ એ કે, તેનું શરીર ઓછી ગરમી ઉત્પન્ન કરતું હોય છે.”
શરીર સ્વયંને સજ્જ કરે છે
ઇમેજ સ્રોત, Getty Images
હીટ પ્રોડક્શન અર્થાત્, તમારા શરીર દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી ગરમી. તેનો આધાર વ્યાયામ, પ્રવૃત્તિ અને શરીરમાં ફેટની માત્રા જેવાં પરિબળો પર રહેતો હોય છે.
જો બે તંદુરસ્ત ભાઈઓ પૈકીના એકને વધારે ઠંડી લાગી રહી હોય, તો નિષ્ણાતોના મત અનુસાર, તેના શરીરનું હીટ પ્રોડક્શન ઓછું હોય છે, જે મુખ્યત્વે ઓછી શારીરિક પ્રવૃત્તિને કારણે હોય છે.
ડૉક્ટર સંજય રાય જણાવે છે, “જો કોઈ વ્યક્તિએ સડેલું કે ઝેરી ભોજન ખાધું હોય, તો તેને ઊલ્ટી શરૂ થઈ જશે, કારણ કે, શરીર પેટમાંથી તે પદાર્થને બહાર કાઢવા માગે છે. જો કોઈ વ્યક્તિને નાકમાં અજીબ લાગણી થઈ રહી હોય, તો તેને છીંકો આવવા માંડે છે, કારણ કે, નાક તેને બહાર કાઢવા માગે છે.”
સંજય રાય કહે છે, “શરીર તમામ પ્રકારની સ્થિતિ માટે સ્વયંને તૈયાર કરતું હોય છે. જો ઘણી ઠંડી હોય, તો શરીર ઠંડી સામે લડવા માટે સ્વયંને સજ્જ કરતું રહે છે. વળી, તમારું શરીર સ્વયંને કેવી રીતે તૈયાર કરશે, તેનો આધાર તમારી ટેવો પર રહેતો હોય છે.”
આ કારણો પણ જવાબદાર છે

કેટલાક લોકો ઉનાળાના દિવસોમાં એક કરતાં વધુ વખત સ્નાન કરતા હોય છે અને તે તેમની આદત બની જાય છે.
એ જ રીતે, શિયાળામાં કેટલાક લોકો સ્નાન કરવાનું ટાળે છે, જ્યારે કેટલાક લોકો કેવળ હાથ-પગ ધોવાને જ સ્નાન કર્યા બરાબર ગણે છે.
પૂણેની ડીવાય પાટીલ મેડિકલ કૉલેજ ખાતેના પ્રોફેસર અમિતાવ બેનરજી જણાવે છે, “આવા લોકોને વધુ ઠંડી લાગવા માટે એક કરતાં વધુ કારણો જવાબદાર હોય છે. ઉદાહરણ તરીકે, જે-તે સ્થળનું તાપમાન, તમે કેવાં વસ્ત્રો પહેરો છો, તમે કેટલું પાણી પીઓ છો, કારણ કે, પાણી શરીરના તાપમાનનું નિયમન કરે છે તેમજ તમે કેટલા સક્રિય છો.”
તેઓ આગળ કહે છે, “સમાન વિસ્તારમાં રહેતા જુદા-જુદા લોકોને વધુ કે ઓછી ઠંડી લાગવા પાછળનું સૌથી મોટું કારણ તેમની આદત હોય છે, પણ દરેક વ્યક્તિનું શરીર તમામ સમયે કામ કરતું હોય છે અને દરેક શરીર ભિન્ન હોય છે. આથી, લોકોને ઠંડી લાગવાના અનુભવમાં વિવિધતા પ્રવર્તતી હોય છે.”
તેમના મતે, “જે વ્યક્તિના શરીરમાં થાઈરોઈડ હોર્મોન ઓછા પ્રમાણમાં હોય, તેને અન્યો કરતાં વધુ ઠંડી લાગી શકે છે. તે જ રીતે, શરીરમાં ચરબીની માત્રા વધારે હોય, તેવી વ્યક્તિને ઓછી ઠંડી લાગી શકે છે.”
ઇમેજ સ્રોત, Getty Images
અમિતાવ બેનરજીના જણાવ્યા પ્રમાણે, “70-80 વર્ષની વય ધરાવનારા લોકો ખાસ શારીરિક શ્રમ કરી શકતાં નથી, આથી તેમની શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ જાય છે અને પરિણામે તેમને વધુ ઠંડી લાગે છે.”
વળી, ઠંડી વધુ લાગવાનો આધાર બૉડી માસ ઇન્ડેક્સ પર તેમજ શરીરના મેટાબોલિક રેટ પણ રહેતો હોય છે. વધુ મસલ માસ ધરાવનારા લોકોને ઓછી ઠંડી લાગે, તેવી શક્યતા રહે છે.
એટલું જ નહીં, તમે જે પ્રકારનાં વસ્ત્રો પહેરો છો, તેનાથી પણ તમને કેટલી ઠંડી લાગશે, તેનો અંદાજ લગાવી શકાય છે. હથેળીઓ, પગ, માથું, વગેરે જેવા શરીરના ભાગો ઉઘાડા રહેતા હોવાને કારણે તમને વધુ ઠંડી લાગે છે.
તે સિવાય, કેટલાક લોકો શિયાળાની ઋતુમાં તેમની શારીરિક પ્રવૃત્તિ ઓછી કરી દે છે, કેટલાક લોકો લાંબા સમય સુધી ધાબળો ઓઢી રાખે છે, તેના કારણે શરીરને હૂંફ જરૂર મળે છે, પણ ઠંડી સહન કરવાની ક્ષમતા બદલાવા માંડે છે.
આથી, જો તમે તંદુરસ્ત હોવ, પણ તમે આવી આદત વિકસાવી હોય, તો શિયાળામાં તમારે બાથરૂમના ફ્લોર પર પાણી રેડી દેવું જોઈએ, જેથી અન્ય લોકોને લાગે, કે તમે સ્નાન કરી રહ્યા છો.
ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે, આદતો બદલવી, તે ઠંડીને ભગાડવા માટેનો શ્રેષ્ઠ ઉપાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS







