Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Reuters
28 મિનિટ પહેલા
અમેરિકામાંથી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હઠાવવા મામલે લૉસ એન્જલસમાં વિરોધ પ્રદર્શન જારી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રદર્શનકારીઓને ખદેડવા માટે વધુ 2000 નૅશનલ ગાર્ડ્સના જવાન ગોઠવવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત મરીન્સના 700 જવાનો પણ મોકલવામાં આવ્યા છે.
પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા શૉન પાર્નેલે જણાવ્યું કે વધુ 2000 નૅશનલ ગાર્ડના જવાનોનો લૉસ એન્જલસ મોકલવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે “રાષ્ટ્રપતિના આદેશ બાદ સંરક્ષણ મંત્રાલયે વધુ 2000 કૅલિફોર્નિયા નૅશનલ ગાર્ડના જવાનોને ડ્યૂટી પર બોલાવ્યા છે, જેથી તેઓ આઈસીઈની મદદ કરી શકે.”
અગાઉ રવિવારે પણ ટ્રમ્પે વિરોધપ્રદર્શનોને અટકાવવા માટે લૉસ એન્જલસમાં 2000 ગાર્ડને ગોઠવવાનો આદેશ આપ્યો હતો. એટલે કે હવે 4000 જવાનો ડ્યૂટી પર છે.
અમેરિકાના કૅલિફોર્નિયાના લૉસ એન્જલસ શહેરમાં અમેરિકન ઇમિગ્રૅશન એજન્સીની કાર્યવાહી અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર દરોડાના વિરોધમાં ચાર દિવસથી પ્રદર્શનો ચાલુ છે.
પોલીસે ટોળા પર રબરની ગોળીઓ ફાયર કરી

ઇમેજ સ્રોત, Getty Images
લૉસ એન્જલસમાં વિરોધ પ્રદર્શન કરતા અને વાહનો સળગાવતા ટોળાને વિખેરવા માટે પોલીસે બળપ્રયોગ કર્યો છે. સોમવારે ટોળા પર રબરની બુલેટ્સ છોડવામાં આવી હતી.
લૉસ એન્જલસના લીટલ ટોક્યો તરીકે ઓળખાતા વિસ્તારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક વ્યક્તિએ પોલીસ પર બૉટલ ફેંકી હતી, જ્યારે બીજાએ ફટાકડા ફેંક્યા હતા.
પોલીસે પ્રદર્શનકારીઓ સામે સ્ટન્ટ ગ્રૅનેડ અને પૅપર બૉલ્સ (આંસુ લાવતા ગોળા) ઉપયોગ કર્યો છે.
બીબીસીના અહેવાલ પ્રમાણે લૉસ એન્જલસમાં આસપાસની કાઉન્ટીમાંથી પણ વધારાના પોલીસ દળો ઉતારવામાં આવ્યા છે.
એફબીઆઈએ પ્રદર્શનકારીને પકડવા ઈનામ જાહેર કર્યું

ઇમેજ સ્રોત, FBI
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર દરોડાનો વિરોધ કરવામાં હિંસક બનતા લોકો સામે એફબીઆઈ કાર્યવાહી કરી રહી છે.
કેલિફોર્નિયાના પેરામાઉન્ટ ખાતે એક વ્યક્તિએ પોલીસના વાહન પર પથ્થર ફેંક્યા હતા અને હવે આ વ્યક્તિને એફબીઆઈના મૉસ્ટ વોન્ટેડની યાદીમાં ઉમેરવામાં આવી છે.
બીબીસીના અહેવાલ પ્રમાણે પોલીસ પર હુમલો કરનારી આ વ્યક્તિની ઓળખ જાણવા પોલીસ લોકોની મદદ લઈ રહી છે.
આ શકમંદ વ્યક્તિએ કૅપ પહેરી છે અને તે એક કાર પર ચઢી ગયો હતો. આ વ્યક્તિ વિશે માહિતી આપનારને 50 હજાર ડૉલરનું ઇનામ આપવાની એફબીઆઈએ જાહેરાત કરી છે.
મરીન્સને ગોઠવવા બદલ સરકાર સામે કેસ થશે?

ઇમેજ સ્રોત, Getty Images
કૅલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે ધમકી આપી છે કે તેઓ લૉસ એન્જલસમાં મરીન્સને ગોઠવવા બદલ સરકાર સામે કેસ કરશે.
અગાઉના અહેવાલ પ્રમાણે, ન્યુસમ અને કૅલિફોર્નિયાના ઍટર્ની જનરલ રોબ બોન્ટાએ ન્યુસમની મંજૂરી લીધા વગર લૉસ એન્જલસમાં નૅશનલ ગાર્ડ્સ ગોઠવવા બદલ પહેલેથી ટ્રમ્પ સરકાર સામે કેસ કરી દીધો છે.
ન્યુસમે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે યુએસ મરીન્સનું કામ લોકશાહીનું રક્ષણ કરવાનું છે, કોઈના રાજકીય હાથા બનવાનું નથી.
સંરક્ષણ મંત્રાલયે તેમને અમેરિકાની શેરીઓમાં ગેરકાયદે ગોઠવ્યા છે, જેથી ટ્રમ્પ પોતાની પરેડમાં તેનો ઉપયોગ કરી શકે. આ સત્તાનો ખુલ્લો દુરુપયોગ છે. તેને અટકાવવા માટે અમે કેસ કરીશું.
અમેરિકાના અનેક શહેરોમાં વિરોધપ્રદર્શન

ઇમેજ સ્રોત, Reuters
લૉસ એન્જલસમાં ઇમિગ્રૅશન મામલે જે પ્રદર્શન થયા તેવા પ્રદર્શન બીજા શહેરોમાં પણ થઈ રહ્યા છે.
ફ્લૉરિડાના ટેમ્પા શહેર, મેસેચ્યુસેટ્સના બોસ્ટન અને ટેક્સાસના હ્યુસ્ટનમાં પણ પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
આ દરમિયાન સરકારના ઇમિગ્રૅશન દરોડા ચાલુ છે. લૉસ એન્જલસના મેયર કેરેન બાસે કહ્યું કે “એક દિવસમાં પાંચ જગ્યાએ આઈસીઈએ દરોડા પાડ્યા છે.”
પોલીસે પણ આ સમાચારની પુષ્ટિ આપીને કહ્યું કે આખા વિસ્તારમાં ઍન્ફોર્સમેન્ટની કાર્યવાહી ચાલુ છે.
ટ્રમ્પ ઢીલ નહીં આપે, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
એક તરફ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ પર દરોડાના મામલે વિરોધપ્રદર્શન ચાલુ છે, ત્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નમતું નહીં જોખે.
તેમણે ઍક્સ પર લખ્યું, “તોફાનોથી વહીવટીતંત્ર ગભરાવાનું નથી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ પીછેહઠ નહીં કરે.”
કૅલિફોર્નિયાના ગવર્નર આ મામલે કોર્ટમાં જવાની વાત કરે છે ત્યારે જેડી વેન્સે આ નિવેદન આપ્યું છે.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS