Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Reuters
અપડેટેડ 7 મિનિટ પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પે ખાતરી આપી છે કે તેમની ગોલ્ડન ડોમ ડિફેન્સ સિસ્ટમ તેમના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળના અંત સુધીમાં “સંપૂર્ણપણે કાર્યરત” થઈ જશે.
આ પ્રકલ્પમાં પ્રારંભે 25 અબજ ડૉલરનું રોકાણ કરવામાં આવશે અને તેનો કુલ ખર્ચ આશરે 175 અબજ ડૉલર થવાનો રાષ્ટ્રપતિનો અંદાજ છે. જોકે, અધિકારીઓએ ચેતવણી આપી છે કે ફાઇનલ ખર્ચ પ્રસ્તુત આંકડા કરતાં ઓછામાં ઓછો ત્રણ ગણો વધારે હોઈ શકે છે.
આ યોજનામાં જમીન, સમુદ્ર અને અવકાશમાં ‘નેક્સ્ટ જનરેશન’ ટેકનૉલૉજીના નેટવર્કનો સમાવેશ થાય છે. તેમાં અવકાશસ્થિત ઇન્ટરસેપ્ટર્સ અને સેન્સર્સ પણ હશે. તેનો હેતુ અમેરિકા પર કોઈ મિસાઇલ હુમલો થાય તો તેને અટકાવવાનો છે.
રશિયા તથા ચીન જેવા દેશો તરફથી વધતાં જતાં અત્યાધુનિક હવાઈ જોખમો સામે રક્ષણ માટેની અમેરિકાની હાલની સિસ્ટમ્સને ગોલ્ડન ડોમ પ્રોજેક્ટ હેઠળ વિસ્તારવામાં આવશે.

ગોલ્ડન ડોમ કેવી રીતે કામ કરશે?
ટ્રમ્પની યોજના આંશિક રીતે ઇઝરાયલના આયર્ન ડોમથી પ્રેરિત છે. આયર્ન ડોમ સિસ્ટમમાં ટૂંકા અંતરના મિસાઇલ ખતરાને અટકાવવા માટે રડાર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. તે 2011થી કાર્યરત છે.
જોકે, ગોલ્ડન ડોમ અનેક ગણું મોટું હશે અને તેની રચના વ્યાપક જોખમોના સામના માટે કરવામાં આવશે.
તેમાં સેંકડો સેટેલાઇટ્સના નેકવર્કનો ઉપયોગ કરવામાં આવે તેવી શક્યતા છે. આ કામ ભૂતકાળમાં ખૂબ જ ખર્ચાળ હોત, પરંતુ આજે વ્યવહારુ રીતે તે વધારે શક્ય છે.
‘સ્ટાર વોર્સ’ નામે ઓળખાતી અવકાશ આધારિત મિસાઇલ સંરક્ષણ પ્રણાલીની દરખાસ્ત અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રોનાલ્ડ રીગને 1980ના દાયકામાં કરી હતી. તેનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે કહ્યું હતું, “રોનાલ્ડ રીગન ઘણાં વર્ષો પહેલાં તે ઇચ્છતા હતા, પરંતુ તેમની પાસે ટેકનૉલૉજી ન હતી.”
ટ્રમ્પે ઉમેર્યું હતું, “ગોલ્ડન ડોમ વિશ્વના બીજા છેડેથી છોડવામાં આવતી અથવા અવકાશમાંથી છોડવામાં આવતી મિસાઇલોને અટકાવવામાં પણ સક્ષમ હશે.”
ગોલ્ડન ડોમનું નિર્માણ ક્રૂઝ અને બેલિસ્ટિક (ધ્વનિની ગતિ કરતાં વધુ ઝડપે આગળ વધતાં હાઇપરસોનિક શસ્ત્રો સહિતના) મિસાઇલ્સ તેમજ ફ્રેક્શનલ ઓર્બિટલ બોમ્બાર્ડમેન્ટ સિસ્ટમ્સ (જેને ફોબ્સ પણ કહેવાય છે અને તે અવકાશમાંથી વોરહેડ્સ છોડી શકે છે) સામે રક્ષણ આપવા માટે કરવામાં આવશે.
અમેરિકન સેન્ટર ઑન સાયબર ઍન્ડ ટેકનૉલૉજી ઇનૉવેશનના સિનિયર ડિરેક્ટર રીઅર એડમિરલ (નિવૃત્ત) માર્ક મોન્ટગોમરીએ બીબીસીને જણાવ્યું હતું કે ગોલ્ડન ડોમ “સેંકડો ઉપગ્રહોના સરવાળા સમા સેટેલાઇટ્સનાં ત્રણ કે ચાર જૂથો પર આધારિત હશે.”
માર્ક મોન્ટગોમરીએ ન્યૂઝડે કાર્યક્રમમાં કહ્યું હતું, “અમેરિકા પાસે ડિટેક્શન કરતાં અનેક ઉપગ્રહો છે, જે પ્રક્ષેપણને શોધે છે. એ પછી શ્રેણીબદ્ધ ટ્રેકિંગ હોય છે અને ફાયર કન્ટ્રોલ સોલ્યુશન્શ હોય છે. એ ઉપરાંત એન્ગેજમેન્ટ સેટેલાઇટ્સ છે, જે ગતિશીલ શસ્ત્રો અથવા દુશ્મન મિસાઇલોને તોડી પાડવા જેનો ઉપયોગ કરવામાં આવતો હોય તેનું વહન કરે છે.”

ધ ઇકૉનૉમિસ્ટ સામયિકના ડિફેન્સ એડિટર શશાંક જોશીએ બીબીસીને જણાવ્યું હતું કે અમેરિકન સૈન્ય આ યોજનાને અત્યંત ગંભીર ગણશે, પરંતુ તે ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન જ પૂર્ણ થઈ જશે, એવું વિચારવું અવાસ્તવિક છે. આ યોજનામાં અમેરિકન સંરક્ષણ બજેટના મોટા હિસ્સાનો ખર્ચ થશે.
આ વાત સાથે સંમત થતાં ભૂતપૂર્વ એડમિરલ મોન્ટગોમરીએ કહ્યું હતું, “આ પાંચથી દસ વર્ષનું મિશન છે. તેને યોગ્ય રીતે સેટ કરવામાં આટલો સમય થશે.”
“આપણને વધુ સલામત બનાવે તેવી સિસ્ટમ ત્રણ વર્ષમાં તૈયાર થઈ જશે તેની ખાતરી નથી,” એમ કહેતાં તેમણે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિના વર્તમાન કાર્યકાળના અંત સુધીમાં આ સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત થઈ જાય તે શક્ય નથી.
અમેરિકન કૉંગ્રેસ એટલે કે સંસદને આર્થિક વિશ્લેષણ પૂરું પાડવાની જવાબદારી અમેરિકન સરકારની કૉંગ્રેસનલ બજેટ ઑફિસની છે. આ ઑફિસે સૂચવ્યું છે કે માત્ર આ સિસ્ટમના અવકાશ આધારિત હિસ્સાઓ પરનો ખર્ચ જ 20 વર્ષમાં 542 અબજ ડૉલર સુધી વધી શકે છે.

અબજો ડૉલરના ગોલ્ડન ડોમ પ્રોજેક્ટનું નેતૃત્વ યુએસ સ્પેસ ફોર્સના જનરલ માઇકલ ગુએટલિન સંભાળશે.
તેઓ 2023ના ડિસેમ્બરથી સ્પેસ ફોર્સમાં સ્પેસ ઑપરેશન્સના વડા તરીકે કાર્યરત છે. સ્પેસ ફોર્સ અમેરિકન લશ્કરની એક શાખા છે, જે “મિસાઇલ વૉર્નિંગ, સ્પેસ ડોમેન જાગૃતિ, પોઝિશનિંગ, નેવિગેશન તથા ટાઇમિંગ, કૉમ્યુનિકેશન તેમજ અવકાશી ઇલેક્ટ્રોનિક યુદ્ધ” સંબંધી કામગીરી કરે છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફોર-સ્ટાર જનરલ ગુએટલિનને “ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ” તરીકે વર્ણવ્યા છે. તેમની પાસે અવકાશ અને મિસાઇલ ડિટેક્શનનો નોંધપાત્ર અનુભવ છે. તેનું કારણ એ છે કે તેઓ અગાઉ સ્પેસ સિસ્ટમ કમાન્ડના વડા હતા અને રિમોટ સેન્સિંગ સિસ્ટમ્સના ડિરેક્ટર હતા.
અમેરિકાના ઓક્લાહોમા રાજ્યમાં જન્મેલા અને ઉછરેલા ગુએટલિન ઓક્લોહોમા સ્ટેટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી 1991માં અમેરિકન ઍરફોર્સમાં જોડાયા હતા.

ગોલ્ડન ડોમનું નિર્માણ મુખ્યત્વે રશિયા તથા ચીન દ્વારા લોન્ચ કરવામાં આવનારી મિસાઇલ્સ સામે રક્ષણના હેતુસર કરવામાં આવી રહ્યું છે.
ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક બ્રીફિંગ દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું હતું કે બંને દેશો કથિત રીતે અમેરિકન સંરક્ષણમાંના “છીંડાંનો લાભ લેવા માટે” સિસ્ટમ ડિઝાઈઇ કરી રહ્યા છે, ત્યારે મિસાઇલ જોખમોના “વ્યાપ અને અત્યાધુનિકતામાં વધારો થશે.”
ચીન અને રશિયા બંનેએ આ વિચારને “અત્યંત અસ્થિરતાજનક” ગણાવીને તેની ટીકા કરી છે.
આ મહિનાની શરૂઆતમાં રશિયા અને ચીન વચ્ચેની વાટાઘાટ પછી ક્રેમલિન દ્વારા પ્રકાશિત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે નવી સંરક્ષણ પ્રણાલી “અવકાશમાં લડાઈ માટેના શસ્ત્રાગારને નોંધપાત્ર રીતે મજબૂત કરે છે.”
અલબત્ત, ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે તાજેતરમાં જ પ્રસ્તુત યોજનાને અમેરિકા માટે “એક સાર્વભૌમ બાબત” ગણાવી હતી અને સૂચવ્યું હતું કે તેના પગલે પરમાણુ શસ્ત્રો માટે ફરીથી વાટાઘાટો શરૂ થઈ શકે છે.
દરમિયાન, ચીને જણાવ્યું છે કે આ યોજના બાહ્ય અવકાશમાં લશ્કરીકરણ વધારશે, શસ્ત્ર સ્પર્ધાનું જોખમ સર્જશે અને આંતરરાષ્ટ્રીય સલામતીમાં વિક્ષેપ સર્જશે.
આ સિસ્ટમ પડતી મૂકવાની વિનંતી અમેરિકાને કરતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું હતું કે ગોલ્ડન ડોમ પ્રોજેક્ટ “બાહ્ય અવકાશમાં યુદ્ધક્ષમતામાં ખુલ્લેઆમ વ્યાપક વધારો સૂચવે છે. તેનાં કેટલાંક પાસાં, બાહ્ય અવકાશ સંધિ હેઠળના શાંતિપૂર્ણ ઉપયોગથી વિપરીત રીતે ખૂબ જ આક્રમક છે.”

ઇમેજ સ્રોત, Getty Images

ઓવલ ઑફિસમાંથી પોતાની યોજનાઓની જાહેરાત કરતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કૅનેડાને આ સિસ્ટમનો ભાગ બનવાની વિનંતી કરી છે.
કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીની ઑફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ અને તેમના પ્રધાનો અમેરિકન સમકક્ષો સાથે નવા સુરક્ષા અને આર્થિક સંબંધો બાબતે ચર્ચા કરી રહ્યા છે.
નિવેદનમાં જણાવ્યા મુજબ, “એ ચર્ચામાં નૉર્થ અમેરિકન ઍરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (એનઓઆરએડી) અને ગોલ્ડન ડોમ જેવી પહેલોને મજબૂત બનાવવાનો સમાવેશ સ્વાભાવિક રીતે થાય છે.”
કૅનેડાના તત્કાલીન સંરક્ષણમંત્રી બિલ બ્લેરે આ વર્ષની શરૂઆતમાં વૉશિંગ્ટનની મુલાકાત દરમિયાન સ્વીકાર્યું હતું કે કૅનેડાને ડોમ પ્રોજેક્ટમાં ભાગ લેવામાં રસ છે. એ પ્રોજેક્ટ “અર્થપૂર્ણ” અને “રાષ્ટ્રહિત”માં હોવાની દલીલ તેમણે કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS