Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વેલેરિયા પેરાસો
- પદ, બીબીસી મુંડો
-
16 મે 2025, 13:41 IST
અપડેટેડ 39 મિનિટ પહેલા
અલ્કાટ્રાઝ યુનાઇટેડ સ્ટેટ્સના પશ્ચિમ કિનારે દીવાદાંડી ધરાવતો પહેલો ટાપુ હતો. 19મી સદીના મધ્ય ભાગમાં પેસિફિક મહાસાગરનાં જહાજોને દિશાસૂચન કરવા માટે આ લાઇટ-હાઉસ બનાવાયું હતું.
જે દીવાદાંડીની સાથે-સાથે એક રક્ષણાત્મક કિલ્લો પણ હતો, જેની સેંકડો તોપો કૅલિફોર્નિયાને કોઈ પણ દરિયાઈ હુમલાથી બચાવવા તૈયાર હતી.
તે પેલિકન માટેનું કુદરતી અભયારણ્ય પણ હતો, જેના પરથી તેને આ નામ મળ્યું હતું.
જોકે, અલ્કાટ્રાઝની (કુ)ખ્યાતિ આ વર્ષો દરમિયાન મજબૂત બની હતી. એ સમયે અહીં ઉચ્ચ-સુરક્ષાવાળી જેલ હતી, એ તત્કાલીન યુએસના કેટલાક સૌથી ભયાનક ગૅંગસ્ટરોની ‘સળિયાવાળું ઘર’ હતું.
1934 અને 1963ની વચ્ચે, ‘ધ રૉક’ તરીકે ઓળખાતી આ જેલ અમેરિકાની એવી જગ્યા હતી, જ્યાં મુખ્ય ભૂમિ પરની અન્ય જેલો માટે ખૂબ જોખમી માનવામાં આવતા ગુનેગારોને મોકલવામાં આવતા.
આ જેલમાંથી ભાગી જવાની સૌથી પ્રખ્યાત ઘટના 1962માં બની હતી અને તેમાં સામેલ ત્રણ કેદીઓ વિશે ફરી ક્યારેય કશું જાણવા મળ્યું ન હતું.
જોકે, આ ઘટનાની આસપાસ રહેલી મૌખિક વાર્તાઓ અને હોલીવૂડ ફિલ્મો દ્વારા તેની કીવદંતીઓ અવિરતપણે લોકો સુધી પહોંચતી રહી છે .
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે દેશની સૌથી કુખ્યાત જેલને “અમેરિકાના સૌથી ક્રૂર અને હિંસક ગુનેગારોને રાખવા” માટે ફરીથી ખોલવાનો અને વિસ્તરણ કરવાનો આદેશ આપ્યો છે.
તેની વિશ્વવ્યાપી ખ્યાતિ હોવા છતાં અહીં એવી પાંચ બાબતોનો ઉલ્લેખ છે, જે તમે અલ્કાટ્રાઝ વિશે કદાચ જાણતા ન હોવ.
અમેરિકાની આ મૉડલ જેલ કેવી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઉત્તર પેસિફિકમાં એક ઉજ્જડ, ખડકાળ ટાપુ પર પ્રથમ કિલ્લેબંધ અલ્કાટ્રાઝ 1850ની આસપાસ બનાવાઈ હતી અને તેનો ઉપયોગ લશ્કરી જેલ તરીકે કરાયો હતો.
અધિકારીઓ માનતા હતા કે ભૌગોલિક રીતે અલગ મજબૂત પ્રવાહો અને નીચા પાણીના તાપમાનને કારણે આ જેલ કોઈ પણના પણ ભાગવાના પ્રયાસને રોકવા માટે પૂરતી છે,
1912 સુધીમાં તો તે વિશ્વની સૌથી મોટી કૉંક્રિટની ઇમારત બની ગઈ હતી, પરંતુ 1933માં અલ્કાટ્રાઝે એક અલગ પ્રકારની જેલ તરીકે તેની પ્રતિષ્ઠા મજબૂત કરી, તે હવે “જેલોની જેલ” તરીકે ઓળખાતી ગઈ.
આનો વ્યાવહારિક અર્થ એ હતો કે તેમાં એવા કુખ્યાત કેદીઓને રાખવાનો હતો, જેઓ અમેરિકામાં અન્ય ડિટેન્શન જેલોમાં બેકાબૂપણે રહેતા હતા.
તે કહેવાતી 1×3 કસ્ટડી સિસ્ટમ માટે એક પરીક્ષણ મૉડલ પણ હતું, જેમાં દર ત્રણ કેદીઓ માટે એક ગાર્ડ રાખવામાં આવતો હતો. પછીથી અન્ય ફેડરલ જેલોમાં પણ આ લાગુ પાડવામાં આવ્યું હતું.
તેના પ્રથમ વૉર્ડન જૅમ્સ જૉહ્યસ્ટન હતા, જેઓ જેલને કેદીઓના પુનર્વસન કરતાં અત્યંત શિસ્તનું સ્થળ માનતા હતા.
તેમના કડક નિયમો હેઠળ, દરેક કેદીને એક વ્યક્તિગત કોટડી આપવામાં આવી હતી, તેમનું માનવું હતું કે એકાંત કેદ કાવતરાં અને યોજનાઓને રોકવાનો એક રસ્તો છે.
અહીંના બંદીઓના અનુભવો અનુસાર જેલમાં અમલી સૌથી ખરાબ નિયમ મૌનનો હતો. કેદીઓને ફક્ત સપ્તાહના વિરામ દરમિયાન વાતચીત કરવાની મંજૂરી આપવામાં આવતી હતી. નિયમો તોડનારને “હૉલ” તરીકે ઓળખાતી સાંકડી ભૂગર્ભ જગ્યામાં મોકલાતા હતા, જ્યાં કેદીએ અઠવાડિયું વિતાવવું પડતું.
જેલમાં 260થી 275 કેદીઓ રાખવામાં આવતા

ઇમેજ સ્રોત, Getty Images
ફેડરલ બ્યૂરો ઑફ પ્રિઝન્સ (BOP) અનુસાર અલ્કાટ્રાઝ ખાતે જેલની વસ્તી હંમેશાં તેની મહત્તમ સુવિધાની ક્ષમતાથી ઓછી રાખવામાં આવી હતી.
સરેરાશ તેમાં 260થી 275 કેદીઓ રાખવામાં આવતા, જે કુલ ફેડરલ કેદીઓના માંડ એક ટકા જ હતા. આ સંખ્યાની રીતે ભલે ઓછી હતી, પરંતુ જેલના સળિયા પાછળ રહેનારા ખૂબ જ નામચીન હતા.
મહામંદી દરમિયાન ઘણા સંગઠિત ગુનાની દુનિયાના ગૅંગસ્ટર આ જેલમાં બંધ હતા. જેમાં સૌથી વધુ જાણીતું નામ નિઃશંકપણે આલ્ફોન્સ “અલ” કેપોનનું છે. તે દાણચોર હતો અને શિકાગોસ્થિત કુખ્યાત ગુનાહિત સંગઠનનો વડો હતો.
કેપોનને અલ્કાટ્રાઝ મોકલવામાં આવ્યો હતો, કારણ કે અધિકારીઓના મતે ઍટલાન્ટાની જેલમાં તેની અગાઉની કેદ તેને તેની ગુનાહિત પ્રવૃત્તિઓના દોરને અટકાવી શકી ન હતી.
કેપોને ‘ધ રૉક ‘ પર ચાર વર્ષથી વધુ સમય વિતાવ્યો. તેને સિફિલિસનું નિદાન થયું, ત્યારે તેને અમેરિકાની અન્ય એક જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો.
અહીંના અન્ય એક કેદીની ખ્યાતિ જેલના કૉરિડૉરને વટાવી ગઈ હતી, તે હતો રૉબર્ટ સ્ટ્રૉડ, જેને હત્યાના દોષિત ઠેરવાયો હતો.
પક્ષીઓ પ્રત્યેના તેમના પ્રેમને કારણે તેમને “અલ્કાટ્રાઝનાન પક્ષીનિરીક્ષક”નું ઉપનામ આપવામાં આવ્યું હતું. તેણે કૅન્સાસમાં તેમની અગાઉની કેદ દરમિયાન ઘણાં પક્ષીઓ પાળ્યાં હતાં, પરંતુ અલ્કાટ્રાઝમાં પાળતુ પ્રાણીઓ રાખવાની મંજૂરી નહોતી.
રૉબર્ટ સ્ટ્રોડને પક્ષી રાખવાને બદલે પુસ્તકો વાંચી પક્ષીશાસ્ત્રનો શોખ પૂરો કરતો.
“ક્રિપી કાર્પિસ” ઉપનામ ધરાવતો ઍલ્વિન કાર્પોવિઝ 1930ના દાયકામાં FBIની યાદીમાં “દુશ્મન નંબર 1″ના સ્થાને હતો. તે અલ્કાટ્રાઝમાં સૌથી લાંબા સમય સુધી રહેનાર કેદી હતો. તેને ત્યાં 25 વર્ષ અને એક મહિના સુધી આ જેલમાં રાખવામાં આવ્યો હતો.
ગૅંગસ્ટર જ્યૉર્જ “મશીનગન” કેલી બાર્ન્સ અને રાફેલ કૅન્સલ મિરાન્ડા પણ અહીંના કેદી હતા. મિરાન્ડા 1950ના દાયકામાં વૉશિંગ્ટનમાં કૅપિટલ પર સશસ્ત્ર હુમલા માટે જવાબદાર પ્યુર્ટો રિકન નૅશનાલિસ્ટ પાર્ટીનો સભ્ય હતો.
જેલમાં ભાગવાના પ્રયાસો

ઇમેજ સ્રોત, Getty Images
આર્કિટેક્ટ્સે અલ્કાટ્રાઝને એક અભેદ્ય જેલની કલ્પના કરીને બનાવી હતી, જેમાં વીજળીકૃત વાડ, કાંટાળા તાર અને સશસ્ત્ર રક્ષકો દ્વારા સંચાલિત બુર્જ હતા.
પરંતુ અહીંથી ડઝનેક કેદીઓને ભાગી જવાનો પ્રયાસ કરતાં કોઈ રોકી શક્યું નહીં. સત્તાવાર રેકૉર્ડ પ્રમાણે, લગભગ ત્રણ દાયકામાં 14 પ્રયાસ નોંધાયા છે, જેમાં 36 કેદીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
રેકૉર્ડ અનુસાર, 23 લોકોને ફરીથી પકડી લેવામાં આવ્યા હતા, છને ભાગી જવાના પ્રયાસો દરમિયાન ગોળી મારીને મારી નાખવામાં આવ્યા હતા અને અન્ય બે ડૂબી ગયા હતા.
પરંતુ આમાંથી પાંચ ક્યારેય ન મળ્યા. અધિકારીઓ તેમને “અદૃશ્ય” તરીકે વર્ગીકૃત કરે છે. જોકે કેટલાક સૂચવે છે કે તેઓ ભાગી જવામાં સફળ થયા હશે.
પહેલો પ્રયાસ 1936માં જેલનું ઉદ્ઘાટન થયું તેના બે વર્ષ પછી થયો હતો. તે એક અણઘડ અને ભયાનક પ્રયાસ હતો. જો બોવર્સ નામની એક વ્યક્તિએ જેલની દીવાલ પાર કરવાનો નિર્ણય લીધો અને જ્યારે તેણે નીચે ઊતરવાનો આદેશ માનવાનો ઇનકાર કર્યો, ત્યારે રક્ષકોએ તેને ગોળી મારી દીધી.
એક દાયકા પછી નાસી છૂટવાના વધુ ગંભીર પ્રયાસ પણ થયા.

ઇમેજ સ્રોત, Getty Images
જોન ગિલ્સનો 1945માં ભાગી જવાનો પ્રયાસ લગભગ સફળ રહ્યો હતો. ચોરાયેલાં લશ્કરી વસ્ત્રો અને બનાવટી દસ્તાવેજો સાથે તેઓ લશ્કરી જહાજમાં ચઢીને મુખ્ય ભૂમિ સુધી પહોંચવામાં સફળ રહ્યા, પરંતુ અધિકારીઓએ જોયું કે તેમનો ગણવેશ અન્યો કરતાં અલગ હતો, એટલે તેમને ઝડપી લીધા.
1946માં કેન્દ્રના ઇતિહાસમાં સૌથી હિંસક ભાગી જવાનો પ્રયાસ નિષ્ફળ ગયો. કહેવાતા “અલ્કાટ્રાઝના યુદ્ધ”માં છ કેદીઓએ હથિયારો મેળવ્યા, બે રક્ષકોને મારી નાખ્યા તથા 18 અન્યોને ઘાયલ કર્યા, પરંતુ ભાગી શક્યા નહીં.
છેલ્લા બે પ્રયાસો 1962માં થયા હતા અને અલ્કાટ્રાઝનું જેલ તરીકેનું ભાગ્ય નક્કી થયું હતું. પ્રથમ કેદીઓ ફ્રૅન્ક મૉરિસ અને ક્લેરેન્સ અને જોન ઍંગલિન કોઈ સગડ વગર ભાગી ગયા, નજીકના એન્જલ આઇલૅન્ડ પર મળેલા કેટલાક સામાન સિવાય અને અહેવાલોમાં તેમને “ડૂબી ગયા હોવાનું” તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા.
પછી, જૉન સ્કૉટ અને ડાર્લ પાર્કર બારને પાર કરીને ભોંયરાના રસોડામાંથી ભાગી જવામાં સફળ રહ્યા, જોકે તેમને ટાપુની આસપાસના પાણીમાં અટકાવી દેવાયા.
હોલીવૂડમાં ફિલ્મો બની

ઇમેજ સ્રોત, Getty Images
લોકપ્રિય કલ્પનામાં અલ્કાટ્રાઝનું પ્રતિનિધિત્વ હોલીવૂડની ફિલ્મો દ્વારા કરવામાં આવ્યું છે, જે હંમેશાં ઇતિહાસકારો અને દસ્તાવેજી ફિલ્મ નિર્માતાઓ દ્વારા નોંધાયેલાં તથ્યો પ્રત્યે વફાદાર નથી રહી.
BOP પ્રવક્તાએ જણાવ્યું, “અલ્કાટ્રાઝ યુનાઇટેડ સ્ટેટ્સની ‘શાપિત જેલ’ નહોતી જે ઘણાં પુસ્તકો અને ફિલ્મોમાં દર્શાવાઈ છે. હકીકતમાં ઘણા કેદીઓએ વ્યક્તિગત કોટડીમાં જેવી રહેવાની પરિસ્થિતિઓને અન્ય ફેડરલ જેલોની સ્થિતિ કરતાં સારી હોવાનું જણાવ્યું હતું.”
સૌથી યાદગાર ફિલ્મ “ઍસ્કેપ ફ્રોમ અલ્કાટ્રાઝ” છે, ક્લિન્ટ ઇસ્ટવૂડ અભિનીત 1979ની ફિલ્મ ફ્રૅન્ક મૉરિસ અને એંગ્લિન ભાઈઓના ભાગી જવાના પ્રયાસને નાટકીય રીતે રજૂ કરે છે. ફિલ્મ સૂચવે છે કે તેઓ સફળ થયા હતા. જોકે આજ સુધી કોઈ સ્પષ્ટ પુરાવા નથી કે તેઓ મુખ્ય ભૂમિ પર તરીને કેવી રીતે પહોંચી શક્યા.
દરમિયાન પક્ષીનિરીક્ષકની સ્ટ્રૉડ પર એક જીવનચરિત્રાત્મક લખાણ પ્રસિદ્ધ થયું હતું, જેને પાછળથી 1972માં બર્ટ લૅન્કેસ્ટર અભિનીત ફિલ્મમાં રૂપાંતરિત કરાઈ હતી.
દરમિયાન, “મર્ડર ઇન ધ ફર્સ્ટ”માં કેદી હેનરી થિયોડોર યંગને એકલા અનાથ તરીકે દર્શાવાયા હતા, જે નાના ગુના માટે જેલમાં જાય છે. જોકે સમકાલીન અહેવાલો નોંધે છે કે યંગ ઘણા ગુનામાં સામેલ હતા, જેમાં એક હત્યાનો આરોપ પણ હતો.
જેલનું “ધ રૉક” (1996) સેટિંગ હતું જેમાં નિકોલસ કેજ અને સીન કોનેરી અભિનીત ફિલ્મ, જેલના નામની વીડિયો ગેમ અને ટીવી શ્રેણી “અલ્કાટ્રાઝ” 2012માં રિલીઝ થઈ હતી, પરંતુ તેની પ્રથમ સિઝન પછી રદ કરાઈ હતી.
જેલ શા માટે બંધ કરવામાં આવી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
ભાગી જવાના પ્રયાસો ઉપરાંત, અલ્કાટ્રાઝના સંચાલન ખર્ચને કારણે 1963માં તેને બંધ કરવાની ફરજ પડી. યુએસ ન્યાય વિભાગે અંદાજ લગાવ્યો હતો કે ખારાશથી ધોવાણ થયેલી આ જેલના સમારકામ માટે 50 લાખ ડૉલરની જરૂર હતી, સાથે-સાથે દરેક કેદી માટે લગભગ પ્રતિ દિવસનું 10 ડૉલરનું બજેટ પણ જરૂરી હતું, જે અન્ય જેલ કરતાં ઘણું વધારે હતું.
પરંતુ તેના સત્તાવાર રીતે બંધ થયા પછી ટાપુ લાંબા સમય સુધી નિર્જન ન રહ્યો. એબોરિજિનલ્સ ઑફ ઑલ ટ્રાઇબ્સ સંગઠન હેઠળ એક થયેલા સ્વદેશી કાર્યકરોના એક જૂથે સ્થળનો કબજો મેળવ્યો અને ત્યાં એક શાળા અને સાંસ્કૃતિક કેન્દ્રની સ્થાપના કરી હતી.
તેઓએ ધ રૉક પર ઐતિહાસિક અધિકારોનો દાવો કર્યો, જ્યાં 19મી સદીમાં યુએસ સરકાર સામે બળવો કરનારા સ્વદેશી વડાઓને કેદ કરવામાં આવ્યા હતા.
પરંતુ આ પ્રોજેક્ટ નાણાકીય અવરોધો દ્વારા ચિહ્નિત થયેલો હતો, ખાસ કરીને ટાપુ પર પુરવઠો અને સાધનોના પરિવહનનો ઊંચો ખર્ચ, આંતરિક વિવાદો અને જેલ સુવિધાના બાકી રહેલા ભાગમાં મોટી આગ લાગી, જેના કારણે યુએસ પ્રમુખ રિચાર્ડ નિક્સને 1971માં તેને ખાલી કરાવવાનો આદેશ આપ્યો હતો.
આજે, તે સાન ફ્રાન્સિસ્કોના સૌથી વધુ મુલાકાત લેવાયેલાં સ્થળોમાંનું એક છે, જ્યાં દર વર્ષે લગભગ 1.3 મિલિયન પ્રવાસીઓ આવે છે. તે વાર્ષિક ઍસ્કેપ ફ્રૉમ અલ્કાટ્રાઝ ટ્રાયથ્લોનનું પ્રારંભિક બિંદુ પણ છે, જેમાં સેંકડો રમતવીરો એવું સાબિત કરવા મથે છે કે, યોગ્ય તાલીમ અને સાધનો સાથે એક ટુકડીમાં કુખ્યાત ટાપુથી પરથી છટકી જઈ જમીન પર પાછા જવું શક્ય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS