Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, ડિપૉર્ટેશન, પનામા, યુએસએ, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત

પનામા સિટીની ડેકાપોલિસ હોટેલમાં બંધ કરવામાં આવેલા ને બારીઓમાંથી મદદ માટે વિનંતી કરતા યુ.એસ.માંથી દેશનિકાલ કરાયેલા ડઝનબંધ એશિયન અને આફ્રિકન સ્થળાંતરકારો કોઈ સ્પષ્ટ દિશા વિના છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી પનામામાં જ રહે છે.

ફે વાય એલેગ્રિયા નામના ધાર્મિક સંગઠનના પ્રવક્તાએ બીબીસીને જણાવ્યું હતું કે, આ લોકો ઈરાન, અફઘાનિસ્તાન, નેપાળ, પાકિસ્તાન, સોમાલિયા, કેમરૂન, ઇથોપિયા, ચીન અને રશિયા જેવા દેશોના છે. ફે વાય એલેગ્રિયા એક ધાર્મિક સંગઠન છે જે હાલમાં પનામા સિટીમાં 61 લોકોને આશ્રય આપી રહ્યું છે.

પનામા સરકારના હાલનાં ડેટા અનુસાર યુનાઇટેડ સ્ટેટ્સમાંથી દેશનિકાલ થયા પછી તે દેશમાં પહોંચેલા 299 સ્થળાંતરકારોમાંથી 192 લોકોએ સ્વેચ્છાએ પોતાના દેશોમાં પાછા ફરવા સંમતિ આપી.

બાકીના લોકોને 30 દિવસ માટે કામચલાઉ માનવતાવાદી પરમિટ આપવામાં આવી હતી. જેને 60 દિવસ સુધી વધારી શકાય એમ છે. આ સમયગાળા પછી તેમને પનામાથી દેશનિકાલ કરવામાં આવી શકે છે.

બીબીસીએ પનામામાં ત્રણ સ્થળાંતર કરનારાઓ, બે ઈરાની અને એક અફઘાન સાથે વાત કરી. જેમણે કહ્યું કે તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં છે. તેમની પાસે ન તો પૈસા છે કે ન તો જવા માટે કોઈ જગ્યા.

ત્રણેય એ બાબતે સહમત છે કે પોતાના દેશમાં પાછા ફરવું એ કોઈ વિકલ્પ નથી.

આર્ટેમિસ ઘાસેમઝાદેહે બીબીસીને જણાવ્યું, “2022માં મેં મારો ધર્મ બદલીને ખ્રિસ્તી બનવાનું નક્કી કર્યું. ઈરાનમાં આની સજા મૃત્યુ છે.”

હ્યુમન રાઇટ્સ વૉચ (HRW) ના અમેરિકાના ડિરેક્ટર જુઆનિતા ગોબર્ટ્સે બીબીસીને જણાવ્યું કે અમે એવા કિસ્સાઓ ઓળખી કાઢ્યા છે જેમાં “અત્યાચાર થવાના સ્પષ્ટ સંકેતો છે. જે આ લોકોને તેમના જીવનને જોખમમાં મૂક્યા વિના તેમના મૂળ દેશોમાં પાછા ફરતા અટકાવે છે.”

પનામા સરકારે કહ્યું છે કે જે સ્થળાંતર કરનારાઓ તેમના મૂળ દેશમાં પાછા ફરી શકતા નથી તેમણે તેમને સ્વીકારવા તૈયાર હોય એવો ત્રીજો દેશ શોધવો જોઈએ.

જોકે, બીબીસીએ જેમની સાથે વાત કરી હતી પણ તેમની પાસે ક્યાંય જવાનો રસ્તો નહોતો.

પનામા કેવી રીતે પહોંચ્યા?

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, ડિપૉર્ટેશન, પનામા, યુએસએ, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

ઈરાની સરકારે એક ભૂગર્ભ ખ્રિસ્તી ચર્ચ શોધી કાઢ્યું અને તેના બે મિત્રોની ધરપકડ થયા પછી આર્ટેમિસે ઈરાનથી ભાગી જવાનું નક્કી કર્યું હતું.

તેણે બીબીસીને જણાવ્યું કે મહસા અમીનીની હત્યા બાદ – એક યુવાન ઈરાની મહિલા જેની હિજાબ યોગ્ય રીતે ન પહેરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો પછી – તેને “ઈરાનમાં હિજાબ સાથે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી કહ્યા હતો.”

અમેરિકા પહોંચવા માટે આર્ટેમિસ પહેલા સંયુક્ત આરબ અમીરાત, પછી દક્ષિણ કોરિયા અને અંતે મેક્સિકો ગઇ. જ્યાંથી તેણે તેના મોટા ભાઈ સાથે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરી. તેનો ઇરાદો આશ્રય મેળવવાનો હતો.

કેલિફોર્નિયાના સાન ડિએગોમાં બોર્ડર પેટ્રોલ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી.

થોડા દિવસો પછી તેમને અને અન્ય ડઝનબંધ સ્થળાંતર કરનારાઓને કહેવામાં આવ્યું કે તેમને ટેક્સાસ ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેઓ હકીકતમાં પનામા સિટીમાં આવી ગયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેના કરારના ભાગ રૂપે પનામાએ આર્ટેમિસ જેવા 299 સ્થળાંતરકારો મળ્યાં.

બીબીસીએ કરારની વિગતો જાણવા માટે પનામા અને યુએસ બંને સરકારોનો સંપર્ક કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.

સ્થળાંતર કરનારાઓને શરૂઆતમાં એક અઠવાડિયા માટે વૈભવી ડેકાપોલિસ હોટેલમાં રાખવામાં આવ્યા હતા.

તે સમયે પનામાના સુરક્ષા પ્રધાન ફ્રૅન્ક એબ્રેગોએ કહ્યું હતું કે તેમને અટકાયતમાં લેવામાં આવ્યા નથી પરંતુ “તેમના રક્ષણ માટે અમારી અસ્થાયી કસ્ટડીમાં મૂકવામાં આવ્યા છે” અને તેઓ યુએન એજન્સીઓની દેખરેખ હેઠળ છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, ડિપૉર્ટેશન, પનામા, યુએસએ, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock

પરંતુ બીબીસી સાથે વાત કરતા એક અફઘાન સ્થળાંતરકાર હોહએ કહ્યું: “અમને તે હોટલમાં કેદીઓની જેમ જ રાખવામાં આવતા હતા.”

તેમણે કહ્યું, “રૂમના દરવાજા પર સુરક્ષા ગાર્ડ, પોલીસ અધિકારીઓ અને ઇમિગ્રેશન એજન્ટો ઊભા રહેતા હતા.”

ફોટોમાં ઘણા સ્થળાંતર કરનારાઓ હોટલની બારીઓમાંથી બહાર ઝૂકીને મદદ માટે વિનંતી કરતા જોવા મળ્યા હતા. કારણ કે તેમના પર સંદેશાવ્યવહાર અને વકીલોની સેવાનો પ્રતિબંધ હતો.

ગોબર્ટ્સે જણાવ્યું, “આ લોકો મનસ્વી પ્રક્રિયાનો ભોગ બન્યા હતા. તેમને આશ્રય મેળવવાની શક્યતા વિના વકીલોની પહોંચ વિના અઠવાડિયા સુધી સંપર્કવિહોણા રાખીને પનામામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.”

એક અઠવાડિયા પછી પનામા સરકારે જાહેરાત કરી કે 171 સ્થળાંતર કરનારાઓએ સ્વેચ્છાએ પોતપોતાના દેશોમાં પાછા ફરવા સંમતિ આપી છે અને અમેરિકા તેમના પરિવહનનો ખર્ચ ઉપાડશે.

મંત્રી એબ્રેગોએ જણાવ્યું હતું કે જે સ્થળાંતર કરનારાઓ તેમના દેશમાં પાછા ફરવા માટે સંમત નહીં થાય તેમને સાન વિસેન્ટે નામના અસ્થાઈ માઇગ્રન્ટ રિસેપ્શન સેન્ટર (ETRM) માં ટ્રાન્સફર કરવામાં આવશે.

સાન વિસેન્ટે ડેરિયન એ જંગલની હદ પર સ્થિત એક આશ્રયસ્થાન છે જ્યાં યુનાઇટેડ સ્ટેટ્સ જતા ઇમિગ્રન્ટ્સને રાખવામાં આવતા હતા. પનામા સરકારના ડેટા અનુસાર ડેરિયનમાં ટ્રાફિક 99 ટકા ઘટ્યો છે.

સુરક્ષા ગાર્ડ્સની સૂચનાઓનું પાલન કરીને ડેકાપોલિસ હોટેલની સામે બસમાં ચઢ્યો ત્યારે હોહને આ નિર્ણયની જાણ નહોતી.

“તેઓએ અમને કહ્યું કે તેઓ અમારી હોટેલ બદલવાના છે. અમને બસમાં બેસાડ્યાનાં આઠ કલાક પછી અમને ખ્યાલ આવ્યો કે અમે ડેરિયન જંગલમાં છીએ.”

ડેરિયનનાં જંગલમાં રોકાણ

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, ડિપૉર્ટેશન, પનામા, યુએસએ, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત

બીબીસીએ જે ત્રણ લોકોનો ઇન્ટરવ્યૂ લીધો તેમણે કહ્યું હતું કે ડેરિયન આશ્રયસ્થાનની સ્થિતિ ભયાનક હતી અને પનામાના અધિકારીઓ દ્વારા તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો.

ઈરાની મૂળના અર્સલાને કહ્યું, “મને ડાયાબિટીસ છે અને તેઓ મને દવા આપતા નથી. મારા બ્લડ સુગરનું સ્તર ખૂબ ઊંચું છે અને અહીં કોઈ મને મદદ કરતું નથી. તેઓ મારી સાથે ગુનેગાર, ખૂની જેવો વ્યવહાર કરે છે.”

તેમણે કહ્યું, ” કૅમ્પ ગંદા હતા અને દરેક જગ્યાએ ફૂગ અને જંતુઓ હતા. સામાન્ય રીતે અમારી સાથે માનવીય વર્તન કરવામાં આવતું નહોતું.”

હોહે કહ્યું કે એક ગાર્ડ હંમેશાં તેમનો પીછો કરતો હતો, જ્યારે તેમને શૌચાલય જવું પડતું ત્યારે પણ.

તેમણે કહ્યું: “ખોરાક ખૂબ જ ખરાબ અને અપૂરતો હતો. જ્યારે અમે તેમને કહ્યું કે અમારા માટે પૂરતો ખોરાક નથી, ત્યારે તેમણે કહ્યું કે આ પનામા સરકારનો આદેશ છે.”

પનામા સરકારના જણાવ્યા અનુસાર સંયુક્ત રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન (IOM) અને UNHCR હેઠળની એજન્સીઓ સાન વિસેન્ટ ETMR માં સ્થળાંતર કરનારાઓની સંભાળ માટે જવાબદાર લીધી હતી.

જોકે, IOM ના પ્રવક્તાએ 20 ફેબ્રુઆરીના રોજ બીબીસીને જણાવ્યું હતું કે ત્યાં સંસ્થાની ત્યાં કોઈ હાજરી નથી.

આર્ટેમિસની જુબાની મુજબ યુએન એજન્સીઓ થોડા દિવસો બાદ જ સેન્ટ વિન્સેન્ટ પહોંચી હતી.

“ઇમિગ્રેશન વિભાગે અમારી સાથે સારો વ્યવહાર કર્યો નહીં,” ઈરાની સ્થળાંતરે કહ્યું.

HRW ના અમેરિકાના ડિરેક્ટરે જણાવ્યું હતું કે સ્થળાંતર કરનારાઓને “અપૂરતી પરિસ્થિતિમાં અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. તેમને ભવિષ્ય વિશે કોઈ જાણકારી નહોતી અને તેમનામાં મૂળભૂત અધિકારોનો ઉપયોગ કરવાની કોઈ ક્ષમતા નહોતી.”

‘અમે અમારા દેશ પાછા ન જઈ શકીએ’

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, ડિપૉર્ટેશન, પનામા, યુએસએ, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

સાત માર્ચે સ્થળાંતર કરનારાઓ બે અઠવાડિયા સુધી સાન વિસેન્ટેમાં રહ્યા પછી મંત્રી અબ્રેગોએ જાહેરાત કરી કે પનામા તેમને મુક્ત કરશે. તેમને 30 દિવસ માટે દેશમાં રહેવાની મંજૂરી આપશે જેમાં વધારાના 60 દિવસ ઉમેરવાની શક્યતા છે.

આ નિર્ણય અનુસાર પનામા ઇમિગ્રેશને તે જ સપ્તાહના અંતે તેમને પનામા સિટીના આલ્બ્રુક ટર્મિનલ પર પહોંચાડ્યા. ત્યાં તેમને છોડી મૂકવામાં આવ્યા.

પનામા સિટી પહોંચ્યાના થોડા સમય પછી બીબીસી સાથેની એક મુલાકાતમાં આર્ટેમિસે કહ્યું કે તે મુક્ત થઈને ખુશ છે, પરંતુ તેનું શું થશે તેની ચિંતા છે.

હોહ આ બાબતે સંમત થયા અને ઉમેર્યું, “અમે અમારા દેશમાં પાછા જઈ શકતા નથી, જવા માટે બીજો દેશ શોધી શકતા નથી, ખબર નથી કે આપણું શું થવાનું છે.”

તેમની પરિસ્થિતિ ખાસ કરીને જટિલ છે કારણ કે તેમની પાસે પૈસા કે કોઇ જોડાણ નથી. તેઓ સ્પેનિશ ભાષા પણ જાણતા નથી.

તેમણે કહ્યું, “હવે અમે બહાર જઈ શકીએ છીએ, દુકાનમાંથી કંઈક ખરીદી શકીએ છીએ, પોલીસ વિના હાઇવે પર ચાલી શકીએ છીએ. પણ મુખ્ય સમસ્યા તો એ છે કે અમારી પાસે પૈસા નથી. અમે અમેરિકા જતા રસ્તામાં જ અમારી પાસે જે કંઈ હતું તે બધું ખર્ચી નાખ્યું છે.”

જ્યારે સ્થળાંતર કરનારાઓએ બીબીસી સાથે વાત કરી ત્યારે તેઓ પનામા સિટીની એક હોટલમાં હતા. “મને ખબર નથી કે અમારા ખર્ચ કોણે ચૂકવ્યો. તેમણે અમને ફક્ત એટલું જ કહ્યું કે અમે આજે રાત્રે આ હોટેલમાં રહેવાના છીએ. અમને ખબર નથી કે અમે કાલે ક્યાં જઈશું.”

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, ડિપૉર્ટેશન, પનામા, યુએસએ, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત

ઇમેજ સ્રોત, Getty Images

HRW ના અમેરિકા ડિરેક્ટર જુઆનિતા ગોબર્ટ્સે બીબીસીને જણાવ્યું, “અમને આ લોકો પનામા સિટીના એક બસ સ્ટેશન પર ત્યજી દેવાયેલી હાલતમાં મળ્યા હતા. જેમાંથી ઘણા પાસે રહેવા માટે કોઈ જગ્યા નહોતી.”

સ્થળાંતર કરનારાઓની મુક્તિ પનામા અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા સંમત થયેલી પ્રારંભિક યોજનામાં એક ફેરફાર દર્શાવે છે. જે મુજબ મધ્ય અમેરિકન દેશ ફક્ત મધ્યસ્થી રહેશે. જે વાપસીની પ્રક્રિયા દરમિયાન તેમનું રક્ષણ કરશે, યજમાન દેશ નહીં.

બીબીસીએ પનામાના સુરક્ષા મંત્રાલય અને રાષ્ટ્રીય ઇમિગ્રેશન સેવાનો સંપર્ક કરીને પૂછ્યું કે આ નિર્ણય કેવી રીતે લેવામાં આવ્યો અને સ્થળાંતર કરનારાઓના અધિકારોની ખાતરી આપવા માટે તેમની મુક્તિ પછી કયા પગલાં લેવામાં આવ્યાં છે, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.

ગોબર્ટસના મતે, “યુનાઇટેડ સ્ટેટ્સમાંથી તેમની હકાલપટ્ટી ગમે તેટલી ગેરકાયદેસર હોય, આ ત્રીજા દેશના નાગરિકો હવે પનામા સરકારની જવાબદારી હેઠળ છે. જેણે તેમને સ્વીકારવાની સંમતિ આપી છે.”

ન્યૂ યૉર્ક ટાઇમ્સે ખુલાસો કર્યો છે કે વકીલોના એક જૂથે ઇન્ટર-અમેરિકન હ્યુમન રાઇટ્સ કમિશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં પનામા ઉપર સ્થળાંતર કરનારાઓના આ જૂથના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

HRW એ બીબીસીને જણાવ્યું હતું કે તે આ કેસમાં વકીલો સાથે તે દસ્તાવેજીકૃત માહિતી શેર કરશે અને આશા રાખે છે કે તેનું કાર્ય “જવાબદારી સ્થાપિત કરવામાં અને ભવિષ્યમાં ગેરકાયદેસર હકાલપટ્ટી અટકાવવામાં” ફાળો આપશે.

અમેરિકાથી ડિપૉર્ટ થયેલા લોકો જિમ્નેસિયમમાં સૂવા મજબૂર

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમેરિકા, ડિપૉર્ટેશન, પનામા, યુએસએ, ડોનાલ્ડ ટ્રમ્પ, ભારત

ઇમેજ સ્રોત, Faith and Joy

પનામા સિટીમાં પાછા આવ્યા ત્યારથી સ્થળાંતર કરનારાઓને કેથૉલિક ચર્ચ તરફથી સમર્થન મળી રહ્યું છે.

તેમાંથી મોટાભાગના ફે વાય એલેગ્રિયા દ્વારા સંચાલિત જિમ્નેશિયમમાં રોકાઈ રહ્યા છે. તે એક કેથૉલિક સંસ્થા છે જે મોટાભાગના લેટિન અમેરિકન દેશોમાં હાજરી ધરાવે છે અને મુખ્યત્વે નબળા સમુદાયોના શિક્ષણ માટે સમર્પિત છે.

સંસ્થાના માઇગ્રન્ટ કેર સેક્ટર કોઓર્ડિનેટર એલિયાસ કોર્નેજોએ બીબીસીને જણાવ્યું, “અમારી પાસે થોડા પથારીઓ સાથેનું એક કેર હોમ છે. અમે ત્યાં મહિલાઓને રાખીએ છીએ.”

પરંતુ તેમણે સ્પષ્ટતા કરી કે તે સંપૂર્ણ સુવિધાયુક્ત આશ્રયસ્થાન નથી.

કોર્નેજોના જણાવ્યા મુજબ 69 લોકો ત્યાં પહોંચ્યા જેમાંથી 27 પુરુષો અને 42 સ્ત્રીઓ છે. તેમાંથી નવ લોકોએ પનામામાં આશ્રય લેવાનું નક્કી કર્યું છે. બાકીના “આગળ તેઓ શું કરશે તે નક્કી કરવાની પ્રક્રિયામાં છે.”

હ્યુમન રાઇટ્સ વૉચના અમેરિકાના ડિરેક્ટરે જણાવ્યું હતું કે સ્થળાંતર કરનારાઓને “આશ્રય મેળવવાનો અને તેમના દાવાઓનું સંપૂર્ણ, ન્યાયી અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર મૂલ્યાંકન કરવાનો અધિકાર છે.”

સરકાર સાથેની તેમની વાતચીત અંગે કોર્નેજોએ કહ્યું કે સરકાર તેમની સાથે વાત કરવાનો ઇનકાર કરી રહી છે.

“સૈદ્ધાંતિક રીતે આ આપણા માટે વધુ સારું છે કારણ કે અધિકારીઓ સાથે તેમનો [સ્થળાંતર કરનારાઓનો] અનુભવ સારો નહોતો રહ્યો,” તેમણે કહ્યું.

કોર્નેજોએ નિષ્કર્ષ કાઢ્યો, “જો સરકાર ફરીવાર ફે વાય એલેગ્રિયામાં પાછી આવશે, તો તે અમને ભયંકર નુકસાન પહોંચાડશે. આનાથી લોકો આપણા પરથી વિશ્વાસ ગુમાવી દેશે. તેઓ વિચારશે કે અમે સરકારને ફરીથી તેમની ધરપકડ કરવા માટેનું કારણ પૂરું આપ્યું છે.”

હાલમાં તેમને મળતી સહાય છતાં સ્થળાંતર કરનારાઓનું ભવિષ્ય અનિશ્ચિત રહે છે. પનામા છોડવાની 30 દિવસની મુદત – જે 7 એપ્રિલે સમાપ્ત થઈ રહી છે – સમાપ્ત થઈ ગયા પછી તેમનું શું થશે તે સ્પષ્ટ નથી. તેમની પરમિટ લંબાવવા માટે તેમણે શું કરવું પડશે તે પણ સ્પષ્ટ નથી.

યુનાઇટેડ સ્ટેટ્સમાંથી હાંકી કાઢવામાં આવેલા નવા સ્થળાંતર કરનારાઓ પનામા પહોંચશે કે કેમ તે અંગે પણ કોઈ જાણકારી નથી. જોકે રાષ્ટ્રપતિ જોસ રાઉલ મુલિનોએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું: “હું આ માટે ખૂબ ઉત્સુક નથી કારણ કે તેઓ આપણને મુશ્કેલીમાં મૂકી દેશે.”

ફેબ્રુઆરીમાં યુનાઇટેડ સ્ટેટ્સમાંથી હાંકી કાઢવામાં આવેલા 200 સ્થળાંતરકારો પણ કોસ્ટા રિકા પહોંચ્યા, જેમાંથી મોટાભાગના લોકો સમાન અનિશ્ચિતતામાં હતા.

પનામામાં દોઢ મહિનો વિતાવ્યા પછી આર્ટેમિસ, આર્સલાન અને હોહની એક જ માંગ છે: “સ્વતંત્રતા અને રહેવા માટે એક સામાન્ય જગ્યા. અમારા માટે આટલું પૂરતું છે.”

*હોહ એ ઓળખ છુપાવવા માટે રાખવામાં આવેલું કાલ્પનિક નામ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS