Source : BBC NEWS
અપડેટેડ 6 મિનિટ પહેલા
ગુજરાત સરકારે ગત સોમવારે આણંદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ‘અશાંતધારા’ની સમયમર્યાદા લંબાવવાનો નિર્ણય કર્યો હતો.
નોંધનીય છે કે આણંદ જિલ્લાના આ વિસ્તારોમાં અશાંત ધારાની મુદ્દત ગત રવિવારે સમાપ્ત થઈ હતી. રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે હવે આ વિસ્તારોમાં 12 જાન્યુઆરી, 2030 સુધી ‘અશાંતધારો’ અમલમાં રહેશે.
ગુજરાતમાં પાછલાં કેટલાંક વર્ષોથી ઘણા વિસ્તારોમાં ‘અશાંતધારો’ લાગુ કરાયાના સમાચાર આવતા રહે છે.
‘હુલ્લડો અને જૂથ હિંસાનાં સમયગાળા અને તીવ્રતા’ને રાજ્ય સરકારે પોતાના આ નિર્ણયના કારણ સ્વરૂપે દર્શાવ્યું છે.
અમદાવાદ સહિતના રાજ્યના ઘણા વિસ્તારોમાં ‘અશાંતધારો’ લાગુ કરાયેલો છે.
નોંધનીય છે કે વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસ પહેલાં જ ગુજરાત સરકારે આણંદ જિલ્લાના બોરસદ અને પેટલાદ શહેરમાં પણ અશાંતધારો લાગુ કરવાની જાહેરાત કરી હતી.
નાગરિક સંગઠનો અને લઘુમતી સમાજના આગેવાનો ઘણી વાર ‘અશાંતધારા’ને લઘુમતી સમાજ માટે ‘અન્યાયી, કોમવાદને પ્રેરતો અને ચાલીઓમાં રહેવા મજબૂર કરાનારો કાયદો’ ગણાવે છે, જ્યારે સત્તાપક્ષ આ કાયદાને નવા વિસ્તારોમાં લાગુ કરવાની બાબતને ‘પ્રજાની લાગણીઓનો પડઘો’ ગણાવે છે.
આ અહેવાલમાં જાણીએ કે જે કાયદા સંદર્ભે ઘણી વાર ચર્ચા જોર પકડે છે, એવો આ કાયદો ખરેખર શું છે અને તેના કારણે સમાજ પર કેવી અસરો થવાના દાવા કરાતા રહે છે?
શું છે આ કાયદો?
90ના દાયકાની શરૂઆતમાં જ્યારે રાજ્યમાં કૉંગ્રેસની સરકાર સત્તામાં હતી ત્યારે અશાંતધારો અસ્તિત્વમાં આવ્યો હતો.
બીબીસી ગુજરાતીના જ એક અહેવાલમાં આ કાયદાના અભ્યાસુ અને જાણકાર વકીલ શમસાદ પઠાણે કહ્યું હતું કે અમદાવાદમાં વર્ષ 1986-87માં થયેલાં રમખાણો બાદ જૂના શહેરની પોળમાં રહેતા હિંદુ રહીશો ત્યાંથી જતા ન રહે એ ઉદ્દેશથી આ કાયદો ઘડાયો હતો.
આ કાયદો જ્યાં લાગુ હોય ત્યાં મિલકત વેચતા પહેલાં કલેક્ટરની પૂર્વમંજૂરી લેવાનું અનિવાર્ય છે.
વેચાણ માટેની પરવાનગી કલેક્ટર દસ્તાવેજોની ચકાસણી અને સ્થાનિક પોલીસના અભિપ્રાય પર આધાર રાખીને આપતા કે નકારતા હોય છે.
નોંધનીય છે કે સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામામાં અશાંત જાહેર કરાય તેવા વિસ્તારોમાં જ આ કાયદો લાગુ પડે છે.
અમદાવાદના કેટલાક વિસ્તારોના રહીશોની લાગણી છે કે ધ ગુજરાત પ્રોહિબિશન ઑફ ટ્રાન્સફર ઑફ ઇમૂવેબલ પ્રૉપર્ટીઝ ઍક્ટ ઍન્ડ પ્રોવિઝન ફૉર પ્રોટેક્શન ઑફ ટેનન્ટ્સ ફ્રૉમ ઇવિક્શન ફ્રૉમ પ્રિમાઇસીઝ ઇન ડિસ્ટર્બ્ડ એરિયાઝ (સ્થાવર મિલકતોની ફેરબદલી પર પ્રતિબંધ અને અશાંત વિસ્તારોમાંથી ભાડૂતોની હકાલપટ્ટી સામે રક્ષણ) એવું લાંબુંલચક નામ ધરાવતા કાયદાના દુરુપયોગને કારણે શહેરના કેટલાક વિસ્તારો વધુ ગીચ બન્યા છે.
આ કાયદો લાગુ હોય એવા કોઈ પણ વિસ્તારમાં મિલકત વેચાણ સંદર્ભના ટ્રાન્ઝેક્શનમાં આ કાયદો લાગુ પડે છે. તેમાં પણ ખાસ તો આવા વિસ્તારોમાં હિંદુ અને મુસ્લિમ વ્યક્તિ વચ્ચે સોદો થાય તેવી સ્થિતિમાં.
સ્થાનિક લેવલે આ કાયદાની કેવી અસર થાય છે?
આ કાયદો લાગુ હોય તેવા વિસ્તારોના સ્થાનિકોનું કહેવું છે કે આ કાયદો લાગુ હોય ત્યાં મુસ્લિમો માટે મકાન મેળવવાનું મુશ્કેલ બન્યું છે.
તેમનો દાવો છે કે ‘અશાંત ધારો લાગુ હોય એવા કોઈ વિસ્તારમાં મુસ્લિમો મકાન ખરીદી શકતા નથી.’
સ્થાનિક કર્મશીલો પોતાના અનુભવ શૅર કરતાં કહે છે કે, “અશાંતધારો લાગુ હોય એવા વિસ્તારોમાં જો કોઈ પૈસાદાર મુસ્લિમ જે-તે મિલકતનો બમણો ભાવ આપવા રાજી હોય તો પણ તેઓ મિલકત ખરીદી શકતા નથી.”
આવા જ એક કર્મશીલ કલીમુદ્દીન સિદ્દિકીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં અમદાવાદના જે વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો છે ત્યાંની પરિસ્થિતિ અંગે દાવો કરતાં કહ્યું હતું કે, “ખરીદનાર વ્યક્તિ કઈ કોમની છે તે જોયા પછી રિયલ એસ્ટેટ એજન્ટ મિલકતોના ભાવ નક્કી કરતા હોય છે.”
એક દાખલો આપતાં તેઓ કહે છે, “જ્યાં અશાંતધારો લાગુ કરાયો હોય તેવા પોળના વિસ્તારોમાં એક ઓરડાના મકાનનો ભાવ હિંદુઓ માટે પાંચ લાખ રૂપિયાની આસપાસ છે, જ્યારે મુસ્લિમો માટે ભાવ બમણા થઈને દસ લાખ રૂ. થઈ જાય છે. જોકે, બમણી રકમ ચૂકવવા તૈયાર મુસ્લિમોને પણ અશાંતધારો લાગુ હોય એ વિસ્તારમાં મનગમતું મકાન નથી મળી શકતું.”
ઉપરાંત રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતાં મિતેશ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં અશાંતધારો લાગુ હોય એ વિસ્તારમાં કેવી સ્થિતિ સર્જાય છે એ સમજાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, “અમદાવાદની એક સોસાયટીમાં પ્રૉપર્ટીની ડીલ માટે હિંદુ ગ્રાહકની સામે મુસ્લિમ ખરીદદાર 70 લાખ રૂ. આપવા તૈયાર હતા. પરંતુ છેલ્લે તો પ્રૉપર્ટી 36 લાખ રૂ.ના ભાવે હિંદુ ખરીદદારને જ મળી.”
તેમણે દાવો કર્યો હતો કે કેટલાંક સ્થાનિક સંગઠનો અશાંતધારો લાગુ હોય તેવા વિસ્તારોમાં થતા પ્રૉપર્ટીના સોદા પર નજર રાખતા હોય છે, તેથી ‘હિંદુઓ પોતાનાં મકાનો મુસ્લિમોને વેચતા ગભરાય’ છે.
સિદ્દિકીનો દાવો છે કે અશાંતધારો લાગુ હોય એ વિસ્તારની બધી મિલકતો અને હિંદુ-મુસ્લિમ તમામ રહેવાસીઓને તે લાગુ પડે છે, પરંતુ તેની ‘વધુ અસર મુસ્લિમોને’ થાય છે.
જોકે, બીજી બાજુ એક જાણીતા ન્યૂઝ પૉર્ટલના અહેવાલમાં વડોદરા ભાજપના આગેવાન વિજયસિંહે દાવો કર્યો હતો કે, “આ કાયદાનો અંતિમ હેતુ સામાજિક સૌહાર્દ જાળવવાનો” છે.
તેમના મતે લગભગ રાજ્યના અનેક વિસ્તારોમાં આ કાયદો લાગુ કરાયો છે, એ પાછળનો હેતુ ‘જુદી જુદી જાતિના લોકોના એકબીજાથી નિકટ રહેવાને કારણે ઊભા થતા સામાજિક મતભેદોને ટાળવાનો’ છે.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આણંદના પેટલાદ અને બોરસદમાં અશાંતધારો લાગુ કરાયાના નિર્ણયનો આણંદ જિલ્લાના ભાજપ અગ્રણી વિપુલ પટેલે બચાવ કરતાં તેને ‘ચૂંટણીલક્ષી કે મતોના ધ્રુવીકરણ માટેનું પગલું માનવાનો’ ઇન્કાર કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, “સરકારે નાગરિકોની લાગણીઓનું સન્માન કર્યું છે. કોમી રમખાણો ન થાય એ માટે આ ખૂબ જરૂરી પગલું હતું. લોકોની મિલકતોનું રક્ષણ થાય અને વિસ્તારોમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે ગુજરાતની ભાજપ સરકારે આ નિર્ણય કર્યો છે.”
ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્ય સચિવ જે. એન. સિંહે વર્ષ 2018માં બીબીસી સાથેની વાતચીતમાં આ કાયદાને લાગુ કરવાના પગલાને કારણે હકારાત્મક પરિણામ આવ્યાં હોવાનો દાવો કર્યો હતો.
તેમણે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કાયદો લાગુ કરવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું હતું, “આ વિસ્તારોમાં કોમી તોફાનોના બનાવોને ધ્યાનમાં રાખીને સરકારે અશાંતધારો ત્યાં લાગુ કરવાનું નક્કી કર્યું છે.”
તેમનું કહેવું હતું કે, “આ કાયદાનાં હકારાત્મક પરિણામો આવ્યાં છે, કેમ કે આ વિસ્તારોમાં રમખાણના કોઈ બનાવો બન્યા નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS