Source : BBC NEWS

ઇમેજ સ્રોત, AFP
આપણે એક અદૃશ્ય દુશ્મનના પંજામાં સપડાયેલાં છીએ. અને આ સ્થિતિથી એટલા ટેવાઈ ગયાં છીએ કે, આપણે એ વાત પર ધ્યાન જ નથી આપી રહ્યા કે, આ જોખમ આપણું જીવન ટૂંકાવી રહ્યું છે.
તેના કારણે હાર્ટ ઍટેક, ટાઇપ-ટુ ડાયાબિટીસની બીમારીઓ ઘર કરી રહી છે અને હવે તેનાથી ચિત્તભ્રમ જેવી સમસ્યા સર્જાતી હોવાનું અભ્યાસોમાં બહાર આવ્યું છે.
શું તમે કહી શકો છો કે, આ જોખમનું નામ શું છે?
જવાબ છે, ઘોંઘાટ – અને તે શ્રવણ શક્તિને નુકસાન પહોંચાડવા ઉપરાંત પણ માનવ શરીરને ઘણી હાનિ પહોંચાડે છે.

યુનિવર્સિટી ઑફ લંડનના સેન્ટ જ્યોર્જનાં પ્રોફેસર ચાર્લોટ ક્લાર્કે જણાવ્યું હતું, “આ એક જાહેર આરોગ્ય કટોકટી છે અને રોજબરોજના જીવનમાં ઘણા લોકો આ સમસ્યામાંથી પસાર થાય છે.”
સામાન્યપણે આપણે આ કટોકટી વિશે વાત કરતાં નથી.

શોરબકોર ક્યારે જોખમી બને છે, તે અંગે હું સંશોધન કરી રહ્યો છું, જેમના સ્વાસ્થ્ય પર અસર પડી હોય, તેવા લોકો સાથે વાતચીત કરી રહ્યો છું અને ઘોંઘાટની આ સમસ્યા દૂર કરવાનો કોઈ માર્ગ છે કે નહીં, તે તપાસી રહ્યો છું. એક અત્યંત શાંત લેબોરેટરીમાં હું પ્રોફેસર ક્લાર્કને મળ્યો. અમે એ તપાસવાનાં છીએ કે, મારું શરીર શોરબકોર સામે કેવી પ્રતિક્રિયા આપે છે અને મને એક મોટી સ્માર્ટવૉચ જેવું દેખાતું ડિવાઇસ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસ મારી ત્વચામાં કેટલો પરસેવો વળે છે તે અને મારા હાર્ટ રેટનું માપન કરશે.”
જો તમારી પાસે હેડફોન હોય, તો તમે પણ સામેલ થઈ શકો છો. આ પાંચ અવાજથી તમને કેવી લાગણી થાય છે, તે વિચારો.
બાંગ્લાદેશના ઢાકાના ટ્રાફિકનો ઘોંઘાટ મને સૌથી વધુ પરેશાન કરી મૂકનારો છે. ઢાકા વિશ્વનું સૌથી ઘોંઘાટિયું શહેર ગણાય છે. તરત જ મને લાગ્યું કે, જાણે હું ચક્કાજામ, તણાવભર્યા ટ્રાફિકમાં ફસાઈ ગયો છું.
સેન્સર્સ પણ મારી અસ્વસ્થતા પામી જાય છે – મારા હૃદયના ધબકારા વધી જાય છે અને મારી ત્વચામાંથી વધુ પરસેવો છૂટવા માંડે છે.
પ્રોફેસર ક્લાર્ક જણાવે છે કે,”ટ્રાફિકના ઘોંઘાટની હૃદયના આરોગ્ય પર સીધી અસર વર્તાય છે, તેનો આ પુરાવો છે.”
પ્લેગ્રાઉન્ડના આનંદપ્રદ અવાજોની મારા શરીર પર શાંતિદાયક અસર થાય છે. પણ કૂતરાના ભસવાના અવાજ અને મળસ્કે પાડોશીઓની પાર્ટીના કોલાહલ પ્રત્યે મારા શરીરે તરત જ નકારાત્મક પ્રતિક્રિયા આપી હતી.

પ્રોફેસર ક્લાર્ક સમજાવે છે, “તમે ધ્વનિ પ્રત્યે સાંવેદનિક પ્રતિક્રિયા આપતા હોવ છો.”
કાન ધ્વનિની ઓળખ કરે છે અને પછીથી તે ધ્વનિને મસ્તિષ્ક સુધી પહોંચાડવામાં આવે છે તથા એક ક્ષેત્ર – એમિગ્ડાલા – તેનું ભાવનાત્મક મૂલ્યાંકન કરે છે.
તે શરીરની ‘લડો કે ભાગો’ પ્રતિક્રિયાનો ભાગ છે, જે ઝાડીમાં કોઈ શિકારીના ખખડાટ જેવા અવાજો સામે ત્વરિત પ્રતિક્રિયા આપવામાં મદદ કરવા માટે વિકસી છે.
પ્રોફેસર ક્લાર્કે જણાવ્યું હતું કે, “આવા સમયે વ્યક્તિના હૃદયના ધબકારા વધી જાય છે, નર્વસ સિસ્ટમ સક્રિય થઈ જાય છે અને શરીરમાંથી તણાવના હોર્મોન્સનો સ્રાવ થાય છે.”
કટોકટીની સ્થિતિ માટે આ બધું સારું છે, પણ સમય વીતવા સાથે તેનાથી નુકસાન પહોંચતું હોય છે.
ક્લાર્ક કહે છે, “જો તમે વર્ષો સુધી સતત આવા ઘોંઘાટની વચ્ચે રહો છો, તો તમારું શરીર દર વખતે આ પ્રકારે પ્રતિક્રિયા આપે છે, અને તેનાથી હાર્ટ ઍટેક, હાઈ બ્લડ પ્રેશર, સ્ટ્રોક અને ટાઇપ-ટુ ડાયાબિટીસ જેવી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે.”
આ બધું ત્યારે પણ થાય છે, જ્યારે આપણે ગાઢ નિદ્રામાં હોઈએ છીએ. તમે વિચારતા હશો કે, આપણે ઘોંઘાટથી ટેવાઈ જતાં હોઈએ છીએ. હું જ્યારે એરપોર્ટ નજીક ભાડે રહેતો હતો, ત્યારે મને પણ એમ જ લાગતું હતું, પણ જીવવિજ્ઞાન અલગ જ હકીકત વર્ણવે છે.
ક્લાર્ક જણાવે છે તેમ, “તમે કદી તમારા કાન બંધ નથી રાખતા. વ્યક્તિ જ્યારે નિદ્રાવશ હોય, તે સમયે પણ તે સાંભળી જ રહી હોય છે. આથી, હૃદયના ધબકારા વધી જવા જેવી પ્રતિક્રિયાઓ નિદ્રામાં પણ થતી હોય છે.”
કોલાહલ એ અવાંછિત ધ્વનિ છે. પરિવહન – ટ્રાફિક, ટ્રેન અને ઍરોપ્લેન તેના મુખ્ય સ્ત્રોતો છે, પણ આપણા મોજ-મસ્તીના અવાજો પણ શોરબકોરનો મુખ્ય સ્ત્રોત છે. એક વ્યક્તિની ભવ્ય પાર્ટી બીજી વ્યક્તિ માટે અસહ્ય ઘોંઘાટ હોય છે.
હું સ્પેનના બાર્સેલોનાના ઐતિહાસિક વિલા દ ગ્રાસિયા વિસ્તારમાં રહેતી કોકોને તેના ચોથા માળે આવેલા ફ્લૅટમાં મળ્યો હતો.
તેના દરવાજા પર પાડોશીએ ભેટમાં આપેલાં તાજાં લીંબુની થેલી લટકે છે. તેના ફ્રિજમાં બીજા એક પાડોશીએ આપેલા ટોર્ટિલા છે અને કોકોએ મને તેના ત્રીજા પાડોશીએ બનાવેલી સરસ મજાની કેક ઑફર કરી.
કોકોના ફ્લૅટની બાલ્કનીમાંથી શહેરની પ્રસિદ્ધ ઇમારત બેસિલિકા, ધી સગ્રાદા ફેમિલિયા જોઈ શકાય છે. કોકોને આ ઘર કેમ ગમે છે, તે સમજી શકાય છે, પણ અહીં રહેવાની તેણે ઘણી આકરી કિંમત ચૂકવવી પડી છે અને હવે તેને લાગે છે કે, તેણે આ ઘર છોડવું પડશે.
તેમણે મને જણાવ્યું હતું, “આ સ્થળ અત્યંત ઘોંઘાટિયું છે… અહીં 24 કલાક શોરબકોર રહે છે.”
અહીં એક ડૉગ પાર્ક આવેલો છે, જ્યાં લોકો તેમનાં શ્વાનો સાથે ટહેલવા નીકળે છે. આ શ્વાનો આખી રાત ભસતા રહે છે અને કમ્પાઉન્ડ એક જાહેર સ્થળ છે, જેનો ઉપયોગ બાળકોની બર્થડે પાર્ટીથી માંડીને આખો દિવસ ચાલતી કૉન્સર્ટ્સ માટે કરવામાં આવે છે, જેનું સમાપન આતિશબાજી સાથે થાય છે.
કોકોએ તેમનો ફોન કાઢીને મ્યુઝિકનું રેકૉર્ડિંગ એટલું જોરથી વગાડ્યું કે, તેની બારીના કાચ ધ્રુજવા લાગ્યા.
“ઘર એ કામના ભારણમાંથી હળવાશ મેળવવા માટેનું આશ્રય સ્થાન હોવું જોઈએ પણ અહીંનો ઘોંઘાટ નિરાશા જન્માવે છે અને મને રડવાનું મન થાય છે.”
કોકોને છાતીમાં દુખાવો ઊપડતાં તેમને બે વખત હૉસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં હતાં અને તેમને લાગે છે કે, શોરબકોરને કારણે તેઓ તણાવ અનુભવી રહ્યાં છે અને તેના લીધે તેમનું આરોગ્ય કથળી રહ્યું છે.
તેઓ કહે છે, “મને શરીરમાં ફેરફાર થતો જણાય છે. શરીર ઉપર શોરબકોરની નિઃશંકપણે અસર પડતી હોય છે.”

વિશ્વ આરોગ્ય સંગઠન માટે ઘોંઘાટ પરના પુરાવાની સમીક્ષા કરનારાં રિસર્ચર ડૉક્ટર મારિયા ફૉરેસ્ટરના જણાવ્યા પ્રમાણે, બાર્સેલોનામાં કેવળ ટ્રાફિકના અવાજને કારણે અંદાજે 300 હાર્ટ ઍટેક અને 30 મોતની ઘટના બને છે.
સમગ્ર યુરોપમાં ઘોંઘાટને લીધે દર વર્ષે 12,000 લોકોનાં અકાળે મોત નીપજે છે અને સાથે જ ઊંઘમાં ગંભીર વિક્ષેપ તથા ઘોંઘાટને કારણે પરેશાનીના પણ લાખો કેસ નોંધાય છે, જેની માનસિક આરોગ્ય પર અસર થઈ શકે છે.
હું ડૉક્ટર ફૉરેસ્ટરને એક કાફેમાં મળ્યો હતો. આ કાફે બાર્સેલોનાના એક અતિવ્યસ્ત માર્ગ પાસેના નાના પાર્કની નજીક આવેલો હતો. મારા સાઉન્ડ મીટર અનુસાર, દૂરના ટ્રાફિકનો અવાજ અહીં 60 ડેસિબલ કરતાં થોડો વધુ હતો.
અમે અમારો અવાજ ઊંચો કર્યા વિના શાંતિથી વાત કરી શકતાં હતાં, તો પણ અહીં આવી રહેલો અવાજ બિન-આરોગ્યપ્રદ હતો.
તેમણે મને જણાવ્યું કે, હૃદયના આરોગ્ય માટે મહત્ત્વનો આંક 53 ડેસિબલ છે, એ પછી અવાજ જેટલો વધુ થાય, તેટલું આરોગ્ય માટે જોખમ વધી શકે છે.
તેઓ કહે છે, “આ 53નો અર્થ એ કે, આપણે શાંત વાતાવરણમાં રહેવું જોઈએ.”
તેમણે કહ્યું હતું, “અને આ તો હજી દિવસ માટેનું પ્રમાણ છે, રાતના સમયે વધુ શાંતિની જરૂર પડે છે.”
જોકે, વાત કેવળ અવાજની તીવ્રતાની નથી, અવાજ કેટલો વિક્ષેપકારક છે અને તમારું તેના પર કેટલું નિયંત્રણ છે, તે બાબત ઘોંઘાટ પ્રત્યેની તમારી સાંવેદનિક પ્રતિક્રિયાને પ્રભાવિત કરે છે.
ડૉક્ટર ફૉરેસ્ટર દલીલ કરે છે કે, ઘોંઘાટની આરોગ્ય પર થતી અસર વાયુ પ્રદૂષણના સ્તર પર છે, પણ તે સમજવું મુશ્કેલ છે.
તેઓ સમજાવે છે, “આપણે એ સહેલાઈથી સમજી શકીએ છીએ કે, કેમિકલ્સ આરોગ્યને હાનિ પહોંચાડી શકે છે અને તે ઝેરયુક્ત હોય છે, પરંતુ ઘોંઘાટ જેવું કોઈ ભૌતિક પરિબળ આપણી શ્રવણ શક્તિ સિવાય અન્ય રીતે આપણને નુકસાન પહોંચાડે, એ સમજવું એટલું સરળ નથી.”

મોજ-મસ્તી અને ધમાલથી છલોછલ પાર્ટી એક વ્યક્તિને મજા કરાવી દેતી હોય છે, પણ અન્ય કોઈ વ્યક્તિ માટે તેનો ઘોંઘાટ અસહ્ય હોઈ શકે છે.
ટ્રાફિકના શોરબકોરની આરોગ્ય પર ઘણી વિપરીત અસર પડે છે, કારણ કે, ઘણા લોકો તેના સંપર્કમાં આવતા હોય છે. પણ ટ્રાફિકના અવાજમાં કામે જવાના અવાજ, શૉપિંગ કરવાના અવાજો અને બાળકોને શાળાએ લઈ જવાના અવાજો પણ સામેલ હોય છે. ઘોંઘાટનું નિવારણ કરવાનો અર્થ થાય છે, લોકોને તેમનું જીવન અલગ રીતે જીવવા જણાવવું – અને તેમાં પણ અલગ પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે.
બાર્સેલોના ઇન્સ્ટિટ્યૂટ ફૉર ગ્લોબલ હેલ્થ સાથે સંકળાયેલાં ડૉક્ટર નેટલી મ્યુલર મને શહેરમાં લટાર મારવા લઈ જાય છે. અમે વ્યસ્ત માર્ગ પર ચાલીએ છીએ – મારું સાઉન્ડ મીટર 80 ડેસિબલ કરતાં વધુ ધ્વનિ બતાવે છે. એ પછી અમે વૃક્ષોની હારમાળા ધરાવતી એક ગલી તરફ જઈએ છીએ, જ્યાં ઘોંઘાટ 50 કરતાં નીચેના સ્તર પર છે.
આ ગલી થોડી અલગ છે. આ ગલી એક સમયે વ્યસ્ત માર્ગ હતો, પણ પછીથી આ જગ્યા રાહદારીઓ, કાફે અને બગીચાઓને આપી દેવાઈ. અહીં ફૂલોની ક્યારીઓના આકારમાં જૂના ચાર રસ્તાની ઝલક જોવા મળે છે. હજુયે અહીં વાહન આવી શકે છે, પણ તેમની ગતિ ધીમી હોય છે.
તમને યાદ હશે કે, લૅબમાં આપણે જાણ્યું કે, અમુક અવાજો શરીરને શાંતિ બક્ષે છે.
ડૉક્ટર મ્યુલર કહે છે, “અહીં નિરવ શાંતિ નથી, પણ અહીં ધ્વનિ અને ઘોંઘાટનો અલગ દૃષ્ટિકોણ વ્યાપેલો છે.”
પ્રારંભિક યોજના આ પ્રકારનાં 500 કરતાં વધુ સ્થળો ઊભાં કરવાની હતી, જે “સુપરબ્લૉક્સ” તરીકે ઓળખાય છે, જેનો અર્થ થાય છે – ઘણા સિટી બ્લૉક્સને એકત્રિત કરીને તૈયાર કરવામાં આવેલા પદયાત્રીઓ માટેનાં સ્થળો.
ડૉક્ટર મ્યુલરે અભ્યાસ હાથ ધરીને શહેરમાં ઘોંઘાટમાં પાંચથી દસ ટકાના ઘટાડાનો અંદાજ આંક્યો, જેનાથી દર વર્ષે ઘોંઘાટથી 150 જેટલાં અકાળે નીપજતાં મોત અટકાવી શકાશે અને આ તો આરોગ્યને થનારા લાભોનો એક નાનો અમથો ભાગ હશે.
પરંતુ વાસ્તવમાં માત્ર છ સુપરબ્લૉક્સ જ તૈયાર કરવામાં આવ્યા. સિટી કાઉન્સિલે આ અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

જોકે, ઘોંઘાટનાં જોખમો સતત વધી રહ્યાં છે. શહેરીકરણને પગલે વધુને વધુ લોકો ઘોંઘાટભર્યાં શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે.
બાંગ્લાદેશનું ઢાકા વિશ્વનાં સૌથી ઝડપથી વિકાસ સાધી રહેલાં મહાનગરોમાં સ્થાન ધરાવે છે. તેના કારણે શહેરનો ટ્રાફિક વધી ગયો છે અને હૉર્નનો કર્કશ અવાજ સતત કાને અથડાતો રહે છે.
કલાકાર મોમીનુર રહેમાન રોયલને “એકમાત્ર નાયક”નું બિરુદ મળ્યું છે, કારણ કે, તેમના મૂક દેખાવો શહેરના કોલાહલની સમસ્યા પર કેન્દ્રીત છે.
તેઓ રોજ આશરે 10 મિનિટ સુધી શહેરના કેટલાક વ્યસ્ત ચાર રસ્તાઓ પર પીળા રંગનું મોટું પ્લેકાર્ડ લઈને ઊભા રહે છે, જેમાં તીવ્ર અવાજે હૉર્ન વગાડીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકોની આલોચના કરવામાં આવે છે.
તેમને ત્યાં પુત્રીનો જન્મ થયો, તે પછી તેમણે આ અભિયાન આદર્યું હતું. તેઓ કહે છે, “હું ફક્ત ઢાકામાંથી જ નહીં, બલ્કે સમગ્ર બાંગ્લાદેશમાંથી હૉર્નના ઘોંઘાટનું દૂષણ દૂર કરવા માગું છું.”
તેઓ આગળ કહે છે, “જરા પક્ષીઓ, વૃક્ષો કે નદીઓ તરફ નજર કરો, એક માનવજાતને બાદ કરતાં કોઈ જીવ ઘોંઘાટ નથી કરતો. આ સમસ્યા માટે માનવી જ જવાબદાર છે.”
પરંતુ, અહીં રાજકીય કાર્યવાહી પણ શરૂ થઈ ચૂકી છે. બાંગ્લાદેશનાં પર્યાવરણ સલાહકાર તથા મંત્રી સઈદા રિઝવાના હસને ઘોંઘાટની આરોગ્ય પર પડતી અસરો અંગે મારી સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી.
ઘોંઘાટની તીવ્રતા ઘટાડવા માટે હોર્ન વગાડવાની મનાઈ ફરમાવવામાં આવી રહી છે – જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે અને વર્તમાન કાયદાઓનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું, “આ કાર્ય એક કે બે વર્ષમાં પૂર્ણ કરવું અશક્ય છે, પણ મને લાગે છે કે, શહેરમાં ધ્વનિ પ્રદૂષણનું સ્તર ઓછું થાય, એ સુનિશ્ચિત કરવું સંભવ છે. અને જ્યારે લોકોને કોલાહલ ઘટ્યાનો અનુભવ થશે, ત્યારે તેમને વધુ સારું લાગશે. મને ખાતરી છે કે, તેમની ટેવ પણ બદલાશે.”
ઘોંઘાટના ઉકેલો મુશ્કેલ, જટિલ અને નિવારવા પડકારરૂપ હોઈ શકે છે.
હું એટલું કહીશ કે, આપણે શોરબકોરથી બચવા માટે આપણાં જીવનમાં થોડી જગ્યા શોધી કાઢવી જોઈએ, કારણ કે, બાંગ્લાદેશ યુનિવર્સિટી ઑફ પ્રોફેશનલ્સના ડોક્ટર મસરૂર અબ્દુલ કાદર કહે છે તેમ, ઘોંઘાટ એક છૂપો શત્રુ અને ધીમું ઝેર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS