Source : BBC NEWS

બીબીસી ગુજરાતી આમ આદમી પાર્ટી ધારાસભ્ય હેમંત ખવા

ઇમેજ સ્રોત, Hemant Khava/FB

યુનિફૉર્મ પહેર્યા વગર પોલીસ કર્મચારી કોઈને ખોટી રીતે કાર પાર્કિંગ બદલ મૅમો આપી શકે કે નહીં? આ એવો સવાલ છે જેના મામલે ગુજરાતના એક ધારાસભ્ય અને પોલીસ કર્મચારી વચ્ચે ડખો થયો છે.

જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં જૂનાગઢ જિલ્લાના બિલખા શહેરમાં પોલીસ કર્મચારી સાથે તેમની રકઝક થતી જોવા મળે છે.

બિલખામાં રસ્તા પર હેમંત ખવાની કાર ખોટી રીતે પાર્ક થઈ હોવાના મામલે તેમને પોલીસ દ્વારા મૅમો આપવામાં આવ્યો હતો. પરંતુ મેમો આપનાર પોલીસ કર્મચારી યુનિફૉર્મમાં ન હોવાથી ધારાસભ્યએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને આ રીતે મૅમો આપી શકાય નહીં તેવી દલીલ કરી હતી.

જોકે, પોલીસ કર્મચારી તેમની સાથે સહમત ન હતા તેથી બંને પક્ષે એકબીજાનો વીડિયો ઉતાર્યો હતો.

આ ઘટનાની વિગત જોઈએ તો પોલીસના જણાવ્યા પ્રમાણે 28 ડિસેમ્બરે આપના ધારાસભ્ય હેમંત ખવાની કાર ટ્રાફિકને નડે તેવી રીતે પાર્ક કરવામાં આવી હોવાથી બિલખા પોલીસ સ્ટેશન દ્વારા તેમને મૅમો આપવામાં આવ્યો હતો.

હેમંત ખવા સીધા નજીકના પોલીસ મથકે પહોંચ્યા હતા. આ દરમિયાન પીએસઆઈની હાજરીમાં ધારાસભ્ય અને મૅમો આપનાર હેડકૉન્સ્ટેબલ હાર્દિક પંડ્યા વચ્ચે રકઝક થઇ હતી.

હેમંત ખવાએ હેડકૉન્સ્ટેબલનું નામ પૂછ્યું હતું અને ત્યારબાદ તેમણે સામે બેસેલી વ્યક્તિને હેડકૉન્સ્ટેબલનો વીડિયો બનાવવાનું કહ્યું હતું.

વીડિયોમાં બંને પક્ષ શું બોલે છે?

બિલખા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય જઈને મૅમો સામે વાંધો ઉઠાવે છે અને કહે છે કે, “આમાં ધારાસભ્યની વાત ક્યાં આવી, ગાડી લીટા બહાર હોય તો ડિટેઇન કરીને પહોંચ આપી દેવાની હોય. ઑફ-ડ્રેસમાં(યુનિફોર્મ વગર) તમે ગાડી ન રોકી શકો. તમે ડી-સ્ટાફ છો?”

તેના જવાબમાં હેડકૉન્સ્ટેબલ કહે છે કે “હું બીટ જમાદાર છું. એ તમારે નથી જોવાનું. મારે કામગીરી કરવાની છે. તમે દમ શેનો મારો છો?”

ધારાસભ્ય હેમંત ખવા કહે છે કે, “અમે પ્રજા છીએ, દમ તો મારીએ ને.”

હેડકૉન્સ્ટેબલ પંડ્યા કહે છે કે, “તમે પ્રજા નથી, તમે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય કહેવાવ. તમે પોલીસ સ્ટેશનમાં આવીને… કામગીરી ચાલુ જ છે. તમે ખોટું રહેવા દો.”

ઉગ્ર દલીલો થવાથી બીજા પોલીસ કર્મચારીઓ ત્યાં આવ્યા હતા અને બંનેને અલગ પાડ્યા હતા.

‘મેં કોઈ રોફ જમાવ્યો નથી’

આ વિશે જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યું કે “ગઈ 28 ડિસેમ્બરે વિસાવદરમાં અમારી ખેડૂત સભા હતી. જેમાં હાજરી આપીને અમે પરત આવતા હતા. રસ્તામાં બિલખા આવ્યું જ્યાં એક જગ્યાએ મારા ડ્રાઇવરે ગાડી પાર્ક કરી અને અમે ચા પીવા ગયા. તે સમયે યુનિફૉર્મ પહેર્યા વગર હેડકૉન્સ્ટેબલ ત્યાં આવ્યા અને અમારી કારનો વીડિયો ઉતારવા માંડ્યા તથા મૅમો આપ્યો હતો.”

“આ મામલે હું નજીકના પોલીસ સ્ટેશનમાં ગયો અને યુનિફૉર્મ પહેર્યા વગર કોઈ પોલીસ કર્મચારી આ રીતે ગાડી રોકે અને મૅમો આપે તે મામલે વિરોધ નોંધાવ્યો હતો. મારા વીડિયોમાં જોઈ શકો છો કે મેં કોઈ બિન-સંસદીય ભાષા વાપરી નથી.”

ધારાસભ્ય હેમંત ખવાનું કહેવું છે કે તેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોવાના કારણે પોલીસે આવું વર્તન કર્યું હોઈ શકે છે. તેઓ ઉમેરે છે, “મેં પોલીસ સામે કોઈ રોફ જમાવ્યો નથી.”

2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી હતી. જેમાં, જામજોધપુરની બેઠક પર હેમંતભાઈ ખવાએ ભાજપના ચીમનભાઈ સાપરિયાને હરાવ્યા હતા. ચીમનભાઈ સાપરિયા 2012થી 2017 દરમિયાન કૃષિમંત્રી તરીકે હતા. 2017 વિધાનસભાની ચૂંટણી સમયે સાપરિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો.ભાજપના અનુભવી અને પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયાને તથા કૉંગ્રેસના તે વખતના ધારાસભ્ય ચીરાગ કાલરિયાને પછડાટ આપીને હેમંત ખવા જાયન્ટ કિલર સાબિત થયા હતા.

વિવાદ વિશે પોલીસનું શું કહેવું છે

બીબીસી ગુજરાતી આમ આદમી પાર્ટી ધારાસભ્ય હેમંત ખવા

ઇમેજ સ્રોત, Getty Images

આ વિશે બીબીસીએ બિલખા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. એમ. હિંગોરા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે “ધારાસભ્યની કાર ખોટી રીતે પાર્ક કરાયેલી હતી તેથી અમારા હેડકૉન્સ્ટેબલ હાર્દિક પંડ્યાએ તેમને મૅમો આપ્યો હતો. તેના કારણે તેઓ રજૂઆત માટે પોલીસ સ્ટેશને આવ્યા હતા.”

પોલીસે યુનિફૉર્મ પહેર્યો ન હોય ત્યારે મૅમો આપી શકે કે નહીં તે વિશે પીએસઆઈ હિંગોરાએ જણાવ્યું કે “સામાન્ય રીતે પોલીસે યુનિફૉર્મમાં જ હોવું જોઈએ. પરંતુ ક્યારેક પ્રેક્ટિકલ સંજોગો એવા હોય કે ડ્રેસ બદલવાનો સમય મળ્યો ન હોય. તે સમયે સ્થિતિ પ્રમાણે જરૂરિયાત લાગે તો યુનિફૉર્મ વગર પણ મૅમો આપી શકાય છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS