Source : BBC NEWS

હમાસ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ

ઇમેજ સ્રોત, Getty Images

15 મહિનાની લડાઈ બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગાઝામાં યુદ્ધવિરામ પર સમજૂતી થઈ ગઈ છે. બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી રહેલા કતર અને અમેરિકાએ જણાવ્યું છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે બંધકોને મુક્ત કરવાની સમજૂતી પણ થઈ ગઈ છે.

કતરના વડા પ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીએ કહ્યું કે ઇઝરાયલ સરકારના કૅબિનેટની મંજૂરી અનુસાર સમજૂતી રવિવારથી અમલમાં આવશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે યુદ્ધવિરામથી ગાઝામાં લડાઈ થોભશે અને પેલેસ્ટાઇનિયન નાગરિકો માટે માનવીય સહાયમાં વધારો થશે અને બંધકો ફરી પોતાના પરિવારોને મળી શકશે.

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે યુદ્ધવિરામની વિસ્તૃત વિગતો નક્કી કરવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ તેમણે આ યુદ્ધવિરામની સમજૂતીને ‘પ્રોત્સાહન’ આપવા માટે રાષ્ટ્રપતિ બાઇડનનો આભાર વ્યક્ત કર્યો છે. હમાસના નેતા ખલીલ-અલ-હાયાએ કહ્યું કે આ પેલેસ્ટાઇનની ‘લવચિકતા’નું પરિણામ છે.

યુદ્ધવિરામની જાહેરાત થતાં કેટલાક પેલેસ્ટાઇનિયન્સ અને ઇઝરાયલી બંધકોના પરિવારોમાં ખુશીની લહેરી દોડી ગઈ હતી, જોકે ગાઝામાં લડાઈ યથાવત ચાલી રહી હતી.

હમાસ દ્વારા સંચાલિત સિવિલ ડિફેન્સ એજન્સીના અહેવાલ અનુસાર કતરે કરેલી જાહેરાત બાદ ઇઝરાયલના હવાઈ હુમલામાં 12થી વધુ લોકોનાં મોત થયાં હતાં. મૃતકોમાં ગાઝા શહેર નજીક આવેલા શેખ રદવાનના એક રહેણાક વિસ્તારમાં રહેતા 12 લોકો પણ સામેલ છે. ઇઝરાયલની સેનાએ આ અંગે હજુ કોઈ નિવેદન આપ્યું નથી.

સાત ઑક્ટોબરે હમાસના સરહાદ પારના અભૂતપૂર્વ હુમલામાં 1,200થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ઇઝરાયલે હમાસને ખતમ કરવા માટે સૈન્ય અભિયાન હાથ ધર્યું હતું. ઇઝરાયલ હમાસને આતંકવાદી સંગઠન કહે છે.

હમાસ દ્વારા સંચાલિત આરોગ્ય વિભાગ અનુસાર ગાઝામાં ત્યારથી લઈ અત્યાર સુધી 46,700 લોકો માર્યા ગયા છે. 23 લાખ લોકો વિસ્થાપિત થયા છે અને મોટા પ્રમાણમાં તબાહી થઈ છે, ગાઝામાં ખાવા-પીવાની સાથે સાથે ઈંધણ, દવાઓ અને રહેઠાણની ભારે અછત ઊભી થઈ છે કારણ કે અહીં પૂરતા પ્રમાણમાં સહાય પહોંચી નથી શકતી.

ઇઝરાયલનું કહેવું છે કે હમાસ પાસે હજુ પણ 94 બંધકો છે જેમાંથી 34 બંધકોનાં મૃત્યુ થયાં હોવાનું મનાય છે. આ ઉપરાંત યુદ્ધ શરૂ થયા પહેલાં ચાર ઇઝરાયલી સૈનિકોનું અપહરણ કરવામાં આવ્યું હતું જેમાંથી બેનાં મૃત્યુ થઈ ગયાં છે.

યુદ્ધવિરામના ત્રણ તબક્કા

ઇઝરાયલ, હમાસ, ગાઝા, યુદ્ધવિરામ

ઇમેજ સ્રોત, Getty Images

કતરના વડા પ્રધાને યુદ્ધવિરામના છ અઠવાડિયાનો પ્રથમ તબક્કો શરૂ થાય તે પહેલાં બંને પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરી છે. પ્રથમ તબક્કામાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત 33 બંધકોને મુક્ત કરવામાં આવશે તો બીજી તરફ ઇઝરાયલની જેલોમાં બંધ પેલેસ્ટાઇનિયન કેદીઓને પણ છોડવામાં આવશે.

ઇઝરાયલી દળો ગાઝાના ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાંથી ખસીને પૂર્વ તરફ વધશે અને વિસ્થાપિત પેલેસ્ટાઇનિયન લોકો તેમના ઘરે પાછા જવાનું શરૂ કરી શકશે. આ ઉપરાંત ગાઝામાં દરરોજ માનવીય સહાય સાથે લૉરીઓ પણ પ્રવેશ કરી શકશે.

યુદ્ધવિરામના બીજા તબક્કામાં બાકીના બંધકોને મુક્ત કરવામાં આવશે અને ઇઝરાયલની સેના સંપૂર્ણ રીતે પાછળ ખસી જશે તથા 16માં દિવસથી ટકાઉ શાંતિ તરફ આગળ વધી શકાશે.

ત્રીજા અને નિર્ણાયક તબક્કામાં ગાઝાના પુનર્નિર્માણ પર કામ થશે જેમાં વર્ષો લાગી શકે છે તથા કોઈ પણ બાકી રહેલા બંધકોના મૃતદેહો પરત આપવામાં આવશે.

શેખ મોહમ્મહે કહ્યું કે સમજૂતીમાં મદદ કરનાર કતર, અમેરિકા અને ઇજિપ્ત સુનિશ્ચિત કરશે કે ઇઝરાયલ અને હમાસ પોતાના આપેલા વાયદા પૂરા કરે.

તેમણે કહ્યું કે, “અમને આશા છે કે આ યુદ્ધનું છેલ્લું પાનું છે અને બધા પક્ષો સમજૂતીની શરતોને લાગુ કરવા માટે કટિબદ્ધ રહેશે.”

રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, “આઠ મહિના પહેલાં તેમણે તૈયાર કરેલી યોજના હમાસ પર રહેલા ભયંકર દબાણ અને લેબનોનમાં યુદ્ધવિરામથી બદલાયેલી વિસ્તારની પરિસ્થિતિ તથા ઈરાનના નબળા પળવાનું પરિણામ છે. પરંતુ તેમાં અમેરિકાની કૂટનીતિના આગ્રહ અને મહેનતનો પણ ફાળો છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “જ્યારે આપણે યુદ્ધવિરામના સમાચારને આવકારી રહ્યા છીએ ત્યારે આપણે હમાસના સાત ઑક્ટોબરના હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારો અને ત્યાર બાદ શરૂ થયેલા યુદ્ધમાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને પણ યાદ કરીએ છીએ.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS