Source : BBC NEWS

ઇઝરાયલ, હમાસ, ભારત, નરેન્દ્ર મોદી, જયશંકર, અમેરિકા, યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, દીપક મંડલ
  • પદ, બીબીસી સંવાદદાતા
  • 17 જાન્યુઆરી 2025, 20:56 IST

    અપડેટેડ 2 કલાક પહેલા

અમેરિકા અને મધ્યસ્થી કતારે કહ્યું છે કે ઇઝરાયલ અને હમાસ ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા માટે સહમત થયા છે.

સમાધાનની શરતો અનુસાર, હમાસ ઇઝરાયલના બંધકોને મુક્ત કરશે. તેના બદલામાં ઇઝરાયલ પેલેસ્ટિનિયન કેદીઓને પણ મુક્ત કરશે. છેલ્લાં દોઢ વર્ષથી ચાલી રહેલા ઇઝરાયલ-હમાસ યુદ્ધને ધ્યાનમાં લઈએ તો આને એક મહત્ત્વપૂર્ણ સફળતા માનવામાં આવે છે.

7 ઑક્ટોબર, 2023ના રોજ હમાસના ઉગ્રવાદીઓએ દક્ષિણ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. આ પછી ઇઝરાયલે ગાઝામાં હુમલા શરૂ કર્યા હતા.

હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલય અનુસાર, ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 46,700 લોકોનાં મોત થયાં છે. આમાં મોટા ભાગના નાગરિકો છે.

વિશ્લેષકોના મતે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે માત્ર મધ્યપૂર્વમાં જ અસ્થિરતા નથી આવી, પરંતુ સમગ્ર વિશ્વને પણ તેની અસર થઈ છે.

ભારત પણ એનાથી બાકાત નથી. આ જ કારણ છે કે ભારતીય વિદેશ મંત્રાલયે ગાઝામાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટેની સમજૂતીનું સ્વાગત કર્યું છે.

ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે, “ભારતને આશા છે કે આ સમાધાનને લીધે કોઈ પણ અડચણ વગર ગાઝાના લોકો સુધી માનવીય મદદ પહોંચતી થશે. અમે તમામ બંધકોની મુક્તિ, યુદ્ધવિરામ, વાટાઘાટ અને કુનેહ દ્વારા આ મામલાના નિરાકરણની સતત હિમાયત કરી રહ્યા છીએ.”

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના જણાવ્યા અનુસાર, ત્રણ તબક્કામાં લાગુ થનારા આ કરાર હેઠળ યુદ્ધવિરામ, બંધકોની મુક્તિ અને ગાઝાના પુનર્નિર્માણ સંબંધિત પગલાં લેવામાં આવશે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેની સમજૂતીથી ભારતને પણ ઘણા મોરચે રાહત મળી શકે છે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષને કારણે અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહેલા મધ્ય પૂર્વમાં ભારતના ઊંડા આર્થિક અને વ્યૂહાત્મક હિત છે.

આવી સ્થિતિમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધથી ભારતનાં વિવિધ હિતોને કેવી અસર થઈ છે અને યુદ્ધવિરામથી તેને શું રાહત મળશે તે જાણવું મહત્ત્વપૂર્ણ બની જાય છે.

ઊર્જા સુરક્ષા

ઇઝરાયલ, હમાસ, ભારત, નરેન્દ્ર મોદી, જયશંકર, અમેરિકા, યુદ્ધ

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકા અને ચીન પછી ભારત ક્રૂડઑઇલનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારત તેની 85 ટકા ઑઇલની જરૂરિયાત આયાત દ્વારા પૂરી કરે છે.

યુક્રેન પર હુમલા બાદ ભારતે રશિયા પાસેથી ઑઇલની આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો હતો. પરંતુ મધ્યપૂર્વના દેશો હજુ પણ તેની તેલની આયાતમાં મોટો હિસ્સો ધરાવે છે.

એપ્રિલ અને સપ્ટેમ્બર 2023 વચ્ચે રશિયા પાસેથી ઑઇલની ખરીદીમાં વધારો થયો હોવા છતાં, ભારતે તેની જરૂરિયાતના 44 ટકા ઑઇલ મધ્યપૂર્વ અને આફ્રિકન દેશો પાસેથી ખરીદ્યું હતું. એના એક વર્ષ પહેલાં સુધી આ આંકડો 60 ટકા હતો.

જ્યારે ઇઝરાયલે એપ્રિલ 2024માં ઈરાન પર હુમલો કર્યો ત્યારે ક્રૂડઑઇલની કિંમત અચાનક વધી ગઈ હતી અને બેરલ દીઠ 90 ડૉલર સુધી પહોંચી ગઈ હતી.

તેવી જ રીતે, જ્યારે અમેરિકાના બાઇડન વહીવટીતંત્રે 13 જાન્યુઆરી, 2025ના રોજ રશિયા પર નવા પ્રતિબંધો લાદ્યા, ત્યારે તેલની કિંમતો ફરી એક વાર વધી હતી.

જો મધ્યપૂર્વમાં અશાંતિ વધશે તો ભારતનું આયાત બિલ વધશે. મોંઘા ઑઇલથી ભારતમાં ઉત્પાદન ખર્ચમાં વધારો થશે. દેખીતી રીતે આનાથી ફુગાવાને કાબૂમાં લેવાના ભારતના પ્રયાસોને અસર થશે.

ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ચોક્કસપણે મધ્યપૂર્વમાં સ્થિરતા લાવશે અને ઑઇલની આયાતના મોરચે ભારતને રાહત મળશે.

રિફાઇન્ડ ઑઇલ (પેટ્રોલ) એ ભારત દ્વારા નિકાસ થતી મુખ્ય વસ્તુઓમાંની એક હોવાથી, ક્રૂડઑઇલના ભાવમાં વધારો ભારતની નિકાસને મોંઘી બનાવી શકે છે.

તેથી જો મધ્યપૂર્વમાં શાંતિના કારણે ક્રૂડઑઇલ સસ્તું થશે તો ભારત ચોક્કસપણે રાહત અનુભવશે.

વ્યાપારના મોરચે રાહત

ઇઝરાયલ, હમાસ, ભારત, નરેન્દ્ર મોદી, જયશંકર, અમેરિકા, યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

હમાસ અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ પછી હમાસ તરફી હુતી બળવાખોરોએ લાલ સાગર દ્વારા ઇઝરાયલ જતાં જહાજોને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.

હુતી બળવાખોરોએ અહીં રૉકેટ અને ડ્રૉન વડે અનેક વેપારી જહાજોને નિશાન બનાવ્યાં હતાં.

ભારતીય નૌકાદળે દરિયાઈ જહાજોને હુમલાઓથી બચાવવા માટે અહીં અનેક ઑપરેશન શરૂ કર્યાં હતાં.

હુતી બળવાખોરોના હુમલાને કારણે આ માર્ગ પર શિપિંગ ખર્ચ વધી ગયો હતો. સ્વાભાવિક છે કે આ દરિયાઈ માર્ગ પર શાંતિ રહે તો શિપિંગ કંપનીઓને રાહત મળશે અને દરિયાઈ વેપારમાં આવતી અડચણોનો અંત આવશે.

ઇન્ડિયન કાઉન્સીલ ઑફ વર્લ્ડ અફર્સ સાથે સંકળાયેલા વરિષ્ઠ ફેલો ડૉ. ફઝ્ઝુર્રહમાને આ બાબતને સમજાવતા કહ્યું હતું કે, “લાલ સાગર યુરોપ, આફ્રિકા અને એશિયા વચ્ચેના વેપાર માટે એક મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. ભારતની આયાત-નિકાસમાં અમેરિકા, યુરોપ અને ઉત્તર આફ્રિકાના દેશોનો હિસ્સો 37 ટકાથી વધુ છે.

અને આ વેપાર મોટે ભાગે લાલ સાગર અને સુએઝ નહેર દ્વારા થાય છે. તેથી, તમે આ માર્ગ પર શાંતિનું મહત્ત્વ સમજી શકો છો.”

મધ્યપૂર્વ દેશોમાંથી કમાણી

ઇઝરાયલ, હમાસ, ભારત, નરેન્દ્ર મોદી, જયશંકર, અમેરિકા, યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

સરકારના અંદાજે આંકડા મુજબ, 1.34 કરોડ પ્રવાસી ભારતીયમાંથી લગભગ 90 લાખ ભારતીય અખાતના દેશોમાં રહે છે અને દર વર્ષે લગભગ 50થી 55 લાખ ડૉલર ભારત મોકલે છે.

વર્ષ 2020-21માં યુએઈ, સાઉદી અરેબિયા, કુવૈત અને કતારનો ભારતની બહારથી મોકલવામાં આવતી આવકમાં 29 ટકા હિસ્સો છે.

તે પછી અમેરિકા છે, જ્યાં રહેતા ભારતીયો દ્વારા દેશમાં મોકલવામાં આવતાં નાણાંનો હિસ્સો 23.4 ટકા છે.

ડૉ. ફઝ્ઝુર્રહમાન કહે છે કે, “જો મધ્યપૂર્વમાં શાંતિ છે, તો ભારતને ત્યાં કામ કરતા ભારતીયોની સુરક્ષાની ખાતરી આપી શકાય છે. જો હમાસ અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ આ વિસ્તારોમાં ફેલાયું હોત તો ભારતે પોતાના કામદારોને અહીંથી બહાર કાઢવા માટે મોટી રકમ ખર્ચવી પડી હોત. આ ભારત પર વધારાનો બોજ હોત.

1990ના દાયકામાં ભારતે સુરક્ષાના કારણસર ઇરાક અને કુવૈતમાંથી પોતાના એક લાખ દસ હજાર નાગરિકોને બહાર કાઢવા માટે મોટી રકમ ખર્ચવી પડી હતી.

સંરક્ષણ ક્ષેત્રે ફાયદો

ઇઝરાયલ, હમાસ, ભારત, નરેન્દ્ર મોદી, જયશંકર, અમેરિકા, યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

યુદ્ધવિરામ કરાર પછી ઇઝરાયલ ભારત સાથે અટકેલા સંરક્ષણ સોદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

આ સમયગાળા દરમિયાન, ભારત ઇઝરાયલનાં શસ્ત્રોનો સૌથી મોટો ખરીદાર દેશ રહ્યો છે. 2017માં ભારતે ઇઝરાયલ પાસેથી 60 કરોડ ડૉલરથી વધુનાં શસ્ત્ર ખરીદ્યાં હતાં.

2022માં ભારતે ઇઝરાયલ પાસેથી 24 કરોડ ડૉલરથી વધુનાં શસ્ત્ર ખરીદ્યાં હતાં. આ ઇઝરાયલની સંરક્ષણ નિકાસનો 30 ટકા હતો.

આ સમયગાળા દરમિયાન, ઇઝરાયલે ભારતને સેન્સર, ફાયર કંટ્રોલ સિસ્ટમ, મિસાઇલ (ઍર ડિફેન્સ સિસ્ટમ), યુએવી જેવાં સંરક્ષણ સાધનો વેચ્યાં હતાં.

ભારતે બરાક ઍર ડિફેન્સ સિસ્ટમ, હેરન અને સ્પાઇસ શ્રેણીના ગાઇડેડ બૉમ્બ પણ ખરીદ્યા હતા.

જોકે, ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે ભારત અને ઇઝરાયલ વચ્ચે સંરક્ષણ સહયોગ ધીમો પડ્યો હોવાના કોઈ પુરાવા નથી. પરંતુ યુદ્ધવિરામ બાદ સંરક્ષણ સહયોગને વધુ વેગ મળશે.

તાજેતરનાં વર્ષોમાં મધ્યપૂર્વના દેશો અને ભારતનો પરસ્પરનો રસ વધ્યો છે.

બંને પક્ષો તરફથી નાણાકીય સહયોગ વધ્યો છે. ભારત અને મધ્યપૂર્વના દેશો વચ્ચે પણ રોકાણ વધ્યું છે.

ફઝ્ઝર્રહમાન કહે છે કે, “યુદ્ધવિરામ પછી આઇટુયુટૂ એટલે કે ભારત, ઇઝરાયલ, સંયુક્ત આરબ અમીરાત અને અમેરિકા વચ્ચે સહયોગ વધશે. આ સાથે ઇન્ડિયા મિડલ ઇસ્ટ કૉરિડૉરનું કામ પણ આગળ વધશે.”

બુધવારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે ભારત મધ્યપૂર્વ કૉરિડૉર હવે યુદ્ધવિરામ સાથે વાસ્તવિકતા બની શકે છે.

ઇન્ડિયા મિડલ ઇસ્ટ કૉરિડૉરને ચીનના વન બેલ્ટ વન રોડ ઇનિશિએટિવનો જવાબ માનવામાં આવે છે.

આ સમજૂતી પર ભારત, અમેરિકા, સાઉદી અરેબિયા, યુએઈ, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, જર્મની અને ઇટાલીએ હસ્તાક્ષર કર્યા છે.

નવી દિલ્હીમાં તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેના દ્વારા યુરોપ અને એશિયા વચ્ચે રેલ અને શિપિંગ નેટવર્ક દ્વારા ટ્રાફિક અને કૉમ્યુનિકેશન જોડાણ ઊભું થશે.

7 ઑક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર હમાસના હુમલાને કારણે, ભારત મધ્યપૂર્વ કૉરિડૉર પર કામ આગળ વધ્યું નથી.

ભારતનો સોફ્ટ પાવર

ઇઝરાયલ, હમાસ, ભારત, નરેન્દ્ર મોદી, જયશંકર, અમેરિકા, યુદ્ધ

ઇમેજ સ્રોત, Reuters

ભારતીય કંપનીઓને અહીં કામ મળી શકે છે. ભારતીય કામદારોને ઇઝરાયલ મોકલાઈ રહ્યા છે. સુરક્ષા કારણસર આ ગતિ ધીમી પડી ગઈ હતી.

યુદ્ધવિરામ બાદ વધુને વધુ ભારતીય કામદારો ઇઝરાયલ જઈ શકશે.

જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના નેલ્સન મંડેલા સેન્ટર ફૉર પીસ ઍન્ડ કૉન્ફ્લિક્ટ રિઝોલ્યુશનના ફેકલ્ટી મેમ્બર ડૉ. પ્રેમાનંદ મિશ્રા કહે છે, “ગાઝામાં માનવીય સહાય વધારવાનું કામ પણ હવે ઝડપી બનશે. ભારત આમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે અને શાંતિ જાળવવાના પ્રયાસોમાં સક્રિયપણે ભાગ લેશે. આ ભારતના સોફ્ટ પાવરનું ઉદાહરણ હશે.”

પ્રેમાનંદ મિશ્રા કહે છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ ભારત માટે અનુકૂળ બની શકે છે. જોકે, આ યુદ્ધવિરામનો અમલ કેવી રીતે થાય છે તેના પર નિર્ભર રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS