Source : BBC NEWS

રૂદ્રપ્રયાગમાં હેલિકૉપ્ટર દુર્ઘટના, એનડીઆરએફ,

ઇમેજ સ્રોત, Ashif Ali

15 જૂન 2025, 11:32 IST

અપડેટેડ 43 મિનિટ પહેલા

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં રવિવારે એક હેલિકૉપ્ટર ક્રૅશ થયું છે, જેમાં છ પુખ્ત લોકો અને એક શિશુનું મૃત્યુ થયું છે. આ હેલિકૉપ્ટર યાત્રિકોને કેદારનાથ મંદિરેથી ગુપ્તકાશીના બેઝ પર પાછા લાવી રહ્યું હતું, ત્યારે આ દુર્ઘટના થઈ હતી.

અચાનક હવામાન ખરાબ થવાને કારણે હેલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. જિલ્લા પર્યટન અધિકારી તથા હેલિકૉપ્ટર સેવાના નૉડલ ઑફિસર રાહુલ ચૌબેએ જણાવ્યું હતું :

“આજે સવારે હેલિ (હેલિકૉપ્ટર) મીસિંગ વિશે માહિતી મળી હતી. આ જાણકારી મળતા જ તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.”

“પ્રાથમિક માહિતી પ્રમાણે, આર્યન ઍવિયેશનનું હેલિકૉપ્ટર કેદારનાથથી શ્રદ્ધાળુઓને લઈને પોતાના બેઝ ગુપ્તકાશી ખાતે પરત ફરી રહ્યું હતું.”

“આ દરમિયાન ઘાટીમાં અચાનક જ હવામાન પલટાયું હતું. પાઇલટે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ દરમિયાન હેલિ (હેલિકૉપ્ટર) ક્રૅશ થઈ ગયું હતું.”

ચૌબેના કહેવા પ્રમાણે, વિમાનમાં પાઇલટ, પાંચ પુખ્ય યાત્રાળુ અને એક શિશુ હતાં.

આ પહેલાં મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર દુર્ઘટના વિશે માહિતી આપતા લખ્યું, “રૂદ્રપ્રયાગમાં હેલિકૉપ્ટર દુર્ઘટનાના દુખદાયક સમાચાર મળ્યા છે.”

પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું કે રાહત અને બચાવકાર્યમાં ઉત્તરાખંડ પોલીસ, એનડીઆરએફ (નૅશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ), એસડીઆરએફ (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ) તથા સ્થાનિક વહીવટીતંત્રના લોકો જોડાયા છે.

અમેરિકાની સેનાની 250મી વર્ષગાંઠે વિશાળ પરેડ, બીજી બાજુ ટ્રમ્પ વિરુદ્ધ દેખાવો

અમેરિકાની સેનાના 250 વર્ષ, ટ્રમ્પ વિરુદ્ધ દેખાવો, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Anadolu via Getty Images

રવિવારે અમેરિકાની સેનાની સ્થાપનાની 250મી વર્ષગાંઠ ઊજવવામાં આવી. આ તકે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સેનાને સંબોધિત કરી હતી.

બીજી બાજુ, અમેરિકામાં અનેક સ્થળોએ ટ્રમ્પ વિરુદ્ધ દેખાવો શરૂ થઈ ગયા હતા.

ટ્રમ્પે પોતાના ભાષણમાં કહ્યું, “અમેરિકાના દુશ્મનોએ દરેક વખત જાણ્યું છે કે જો તમે અમારા લોકોને ડરાવવાનો પ્રયાસ કરશો, તો અમારા સૈનિક જવાબ આપવા ચોક્કસથી આવશે.”

“આપણા સૈનિક ક્યારેય હાર નથી માનતા, ક્યારેય હથિયાર હેઠાં નથી મૂકતા અને ક્યારેય પીછેહઠ નથી કરતા. તેઓ સતત લડે છે અને હંમેશાં વિજયી થઈને જ પરત ફરે છે.”

અમેરિકાની સેનાના 250 વર્ષ, ટ્રમ્પ વિરુદ્ધ દેખાવો, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બીજી બાજુ, વૉશિંગ્ટન ડીસીમાં રિફ્યૂઝ ફાસિઝમ ડૉટ ઓઆરજી નામના સંગઠને વ્હાઇટ હાઉસ તરફ કૂચ કરી, જેમાં લગભગ એક હજાર લોકો સામેલ થયા હતા.

આ કૂચ પહેલાં વૉશિંગ્ટન ડીસીના લોગાન સર્કલ વિસ્તારમાં એક રેલી યોજાઈ હતી, જ્યાં એક પૂર્વ સૈનિક તથા એક ટ્રાન્સજેન્ડર કાર્યકર્તા સહિત અનેક લોકોએ ભીડને સંબોધિત કરી હતી.

અમેરિકાના લૉસ એન્જલસમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પગલે વિરોધપ્રદર્શન થયાં હતાં. એ પછી ત્યાંની સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ હતી.

ટ્રમ્પે લૉસ એન્જલસમાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનોને અટકાવવા માટે નૅશનલ ગાર્ડ્સના ચાર હજાર જવાન તથા 700 મરીન તહેનાત કરવાના આદેશ આપ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS