Source : BBC NEWS
એ..કાપ્યો છે, લપેટ લપેટની બૂમો, ડીજે પર વાગતાં ગીતો, ઊંધિયું-જલેબીની જયાફત તેમજ સપ્તરંગી પતંગોથી ભરેલું આકાશ એટલે ઉત્તરાયણનો તહેવાર.
ગુજરાતમાં યોજાતા પતંગોત્સવમાં દેશ વિદેશથી પતંગરસિકો ભાગ લેવા માટે આવે છે. પરંતુ ઉત્તરાયણના દિવસે તો અમદાવાદીઓ પોળમાં જ ઉત્તરાયણ ઊજવવાનું પસંદ કરે છે. માત્ર અમદાવાદીઓ જ નહીં પણ દેશ-વિદેશમાંથી લોકો ઉત્તરાયણ ઊજવવા અમદાવાદની પોળોમાં આવે છે.
જે લોકોના સગાં કે મિત્રો અમદાવાદની પોળમાં રહેતા હોય તેઓ તો વર્ષોથી પોળમાં જ પતંગ ચગાવવા માટે જતા હોય છે. પરંતુ, જેમના સગાંસંબંધી પોળમાં રહેતા ન હોય તેવા પતંગરસિકોમાં પણ છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણની બે દિવસની ઉજવણી માટે ‘ઑલ્ડ સિટી’માં મકાનનાં ધાબાં ભાડે રાખવાનો ટ્રૅન્ડ શરૂ થયો છે.
દિવાનજીની હવેલી જેવી હેરિટેજ હવેલીઓમાં કૉર્પોરેટ ગ્રૂપ કે પ્રૉફેશનલ ગ્રૂપના તો બે લાખ સુધીનાં પૅકેજ હોય છે.
પોળમાં અડોઅડ આવેલાં ઘરોનાં ધાબાઓ પર 14 અને 15 તારીખે પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી.
ધીમેધીમે ધાબાં ભાડે રાખવાનો ટ્રૅન્ડ વધવાને કારણે ધાબાના માલિકોએ તેમજ ટ્રાવેલ ઍજન્ટોએ પણ ઉત્તરાયણ માટે ધાબા બુકિંગ કરતા હોય છે.
ધાબાં ભાડે આપવાનો ટ્રૅન્ડ કેમ શરૂ થયો ?
અમદાવાદની કલ્પના આ પોળ વિસ્તાર વગર અધૂરી છે. સુલતાન અહમદ શાહે બંધાવેલા ભદ્રના કિલ્લાની આજુબાજુ વિકસેલા કોટ વિસ્તારમાં આવતા પરાઓમાં સારંગપુર, દરિયાપુર, કાલુપુર, જમાલપુર, શાહપુર, રાયખડ અને ખાડિયાનો સમાવેશ થાય છે.
ખાડિયાની મોટા સુથારની પોળમાં રહેતા 65 વર્ષના આશિષ મહેતાનું પોતાનું હેરિટેજ મકાન છે. તેઓ હેરિટેજ અંગે સજાગ છે તેઓ ફૂડ વૉક, હેરિટેજ વૉક, ફોટો વૉક જેવા કાર્યક્રમો કરે છે. તેમણે વર્ષ 2019થી ઉત્તરાયણના તહેવારમાં ધાબા ભાડે આપવાની શરૂઆત કરી હતી.
તેઓ પોતાના ઘરનું ધાબું તો ભાડે આપે જ છે, પરંતુ આ સિવાય પોળમાં ન રહેવાને કારણે જેમનાં ઘરો બંધ પડી રહે છે તેમનાં ઘરોનાં ધાબાં પણ તેઓ ભાડે લઈને પતંગરસિકોને આપે છે. આ વર્ષે તેઓ કુલ પાંચ ધાબાં ભાડે આપવાના છે.
આશિષ મહેતા બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે કે, “મારું ઘર એ હેરિટેજ હાઉસ છે. હું સમજણો થયો ત્યારથી હું જોતો આવ્યો છું કે ઉત્તરાયણની ઉજવણી કરવા માટે સગાં-સંબધીઓ અમારા ઘરે આગળની રાત્રે જ આવી જતાં અને રોકાઈ જતાં હતાં.”
“જોકે, અત્યારે પણ સગાંસંબંધીઓ તો આવે જ છે. પરંતુ પોળમાં સગાંસંબંધી ન હોય પરંતુ પોળમાં ઉત્તરાયણ કરવા માંગતા હોય તેવા લોકો મારો સંપર્ક કરતા હતા. હું હેરિટેજ વૉક કરાવું છું એટલે અનેક લોકો મારા સંપર્કમાં હતા.”
આશિષ મહેતા જણાવે છે કે, “લોકોની વધતી જતી માગને કારણે મને 2019માં વિચાર આવ્યો કે બહારથી પોળમાં ઉત્તરાયણ ઉજવવા માંગતા લોકોને ધાબાં ભાડે આપી શકાય. જેથી તે લોકોને સુવિધા મળી શકે અને ધાબાંના માલિકોને આવક થાય.”
“પોળમાં ઘર હોય પરંતુ બહાર રહેતા હોય તેવા લોકોનાં બંધ ઘરોનાં ધાબા મેં ભાડે આપવાનાં શરૂ કર્યાં. હવે તો ઉત્તરાયણના મહિનાઓ પહેલાં જ ધાબાઓનું બુકિંગ શરૂ થઈ જાય છે.”
‘ખાડિયામાં 200 જેટલાં ધાબાં ભાડે અપાતાં હોવાનો અંદાજ’
જૂના અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં આવેલી ફાફડાની પોળના મિથિલેશ શાહ છેલ્લાં કેટલાંક વર્ષોથી મણિનગરમાં રહેવા ગયા છે. પરંતુ તેમણે પોતાનું પોળનું મકાન ખાસ ઉત્તરાયણ અને દિવાળી જેવા તહેવારોની ઉજવણી માટે જ વેચ્યું નથી. તેઓ છેલ્લાં ચાર વર્ષથી પોતાના ઘરનું ધાબું ભાડે આપે છે.
મિથિલેશ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, “છેલ્લાં ચાર વર્ષથી ધાબાં ભાડે આપવાનો ટ્રૅન્ડ વધતો જોવા મળી રહ્યો છે. આ વર્ષે ખાડિયા વિસ્તારમાં જ અંદાજે 200 કરતાં વધારે ધાબાં ભાડે આપવામાં આવશે તેવો અંદાજ છે. અન્ય પોળમાં પણ ધાબાં ભાડે આપવામાં આવે છે.”
મિથિલેશ શાહ જણાવે છે કે, “પોળથી બહાર રહેવા ગયેલા લોકો પણ ધાબાં ભાડે લે છે. ધાબાં ભાડે લેવા માટે મને બહુ લોકો પૂછપરછ કરતા હતા. જોકે, શરૂઆતમાં અમને ખચકાટ હતો, પરંતુ અમે જોયું કે ઉત્તરાયણ કરવા આવનાર લોકોમાં પણ ઉત્સાહ એટલો જ હોય છે અને તેઓ સરળતાથી ભળી જાય છે.”
“આથી મારા ધાબા પર અમારો પરિવાર તેમજ ભાડે ઉજવણી કરવા આવનાર લોકો બધાં જ સાથે મળીને ઉત્તરાયણ ઉજવીએ છીએ.”
‘વિદેશોથી પણ લોકો આવે છે’
આશિષ મહેતા જણાવે છે કે, “છેલ્લાં પાંચ વર્ષમાં મારા ધાબા પર અમેરિકા, દુબઈ, કુવૈત જેવા દેશોમાંથી તેમજ દિલ્હી, ચેન્નઈ વગેરે શહેરોમાંથી પતંગરસિકો ઉત્તરાયણની ઉજવણી માટે આવેલા છે. આ વર્ષે મારા ધાબા પર અમેરિકા, મુંબઈ અને પશ્ચિમ અમદાવાદના ઉત્સવપ્રેમીઓએ બુકિંગ કરાવ્યું છે.”
ઉત્તરાયણમાં ધાબાની માંગ એટલી વધારે હોય છે કે લોકો મહિનાઓ પહેલાં બુકિંગ કરાવી દે છે.
આશિષ મહેતા વધુમાં જણાવે છે કે, “અમેરિકામાં રહેતા ગુજરાતી યુવકને તેના અમેરિકાના મિત્રોને ઉત્તરાયણ પોળની ઉત્તરાયણ તેમજ ‘કતલની રાત’ તરીકે ઓળખાતી ઉત્તરાયણની આગળની રાતની તૈયારીઓ બતાવવી છે. આ યુવકે દિવાળી પહેલા જ મારો સંપર્ક કરીને ધાબું બૂક કરાવી લીધું છે. તેઓ 13 તારીખથી આવશે. તેમના રહેવાની વ્યવસ્થા પણ હૅરિટેજ હવેલીમાં મેં કરાવી આપી છે.”
ટ્રાવેલ ઍજન્ટ મનીષ શર્મા 2012થી અમદાવાદમાં હૅરિટેજ વૉક કરાવે છે.
મનીષ શર્મા જણાવે છે કે, “અત્યારે અમદાવાદમાં 128 દેશના પતંગરસિકો કાઇટ ફેસ્ટિવલમાં આવેલા છે. આ પતંગરસિકોમાંના કેટલાક લોકો પણ ઉત્તરાયણના દિવસે પોળની ઉત્તરાયણ માણવા જાય છે.”
“આ સિવાય અમને અમેરિકા, લંડન, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકા જેવા દેશોમાંથી લોકો પણ સંપર્ક કરીને પોળની ઉત્તરાયણ અંગે ઇન્કવાયરી માટે સંપર્ક કરે છે. અમે તેમની વ્યવસ્થા પણ કરાવી આપીએ છીએ.”
જમવા અને નાસ્તા સાથેનું પૅકેજ
આશિષ મહેતા જણાવે છે કે, “આ વર્ષે વ્યક્તિદીઠ પૅકેજ સાથે 2500 રૂપિયા છે. તેમજ 12 વર્ષથી નીચેનાં બાળકના 400 રૂપિયા છે.”
“પૅકેજમાં પતંગ દોરી, જમવાનું ઊંધિયું-પુરી, જલેબી, કચોરી, ચોળાફળી, બોર, જામફળ તેમજ તલસાંકળી, સિંગપાક અને ચા અનલિમિટેડ છે. કેટલાક લોકો ગ્રૂપ માટે ધાબું ભાડે લે છે. જેમાં ગ્રૂપમાં 15 લોકો, 18 લોકો અને 20 લોકોના ગ્રૂપની ક્ષમતાનાં ધાબાંનાં પૅકેજ પણ હોય છે. જેનું એક દિવસનું ધાબાનું ભાડું 15 હજારથી લઈને 40 હજાર સુધી જાય છે.”
મિથિલેશ શાહ જણાવે છે કે, “અમે પાંચ લોકોના ગ્રૂપને એક દિવસના 10 હજાર રૂપિયા લેખે ભાડે ધાબું આપીએ છીએ.”
“જેમાં અમે પતંગ, જમવાનું અને ચા-નાસ્તાનાં પૅકેજ સાથે આપીએ છીએ. ધાબાની સાઇઝ અને અપાતી સુવિધાને આધારે પૅકેજ નક્કી કરવામાં આવે છે.”
પોળની ઉત્તરાયણ કઈ રીતે અલગ પડે છે?
આશિષ મહેતા જણાવે છે કે, “પોળમાં દિવાળી કે હોળી કરતાં પણ વધું મહત્ત્વ ઉત્તરાયણનું છે. ઉત્તરાયણનું મહત્વ એટલા માટે છે કે આ તહેવારમાં હરિફાઇનું તત્વ રહેલું છે. ઉત્તરાયણમાં એ કપાયો, લપેટની બૂમો સંભળાય છે. પોળમાં ઘરો એકબીજાની નજીક આવેલા હોવાને કારણે લોકોમાં જુસ્સો જોવા મળે છે. જ્યારે પોળની બહાર ઉંચી બિલ્ડિંગો છે અથવા બંગ્લોઝ છે. વૃક્ષો તેમજ વીજળીના તાર નડે છે. આ પ્રકારની તકલીફો પોળમાં જોવા મળતી નથી.”
અભય જોશી પણ પહેલાં પોળમાં રહેતા હતા અને છેલ્લાં 20 વર્ષથી તેઓ પશ્ચિમ અમદાવાદમાં રહે છે.
તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે,” હું 47 વર્ષનો થયો, પણ મેં એક પણ ઉત્તરાયણ પોળની બહાર નથી કરી. અમે મિત્રો પોળમાં જ જઈએ છીએ. હવે ભાડે મકાન લઈને જઈએ છીએ. અમારું છ મિત્રોનું ગ્રૂપ છે અને અમે બંને દિવસ ત્યાં જ ઉજવણી કરીએ છીએ. પોળમાં ઉત્તરાયણ માટે ઉત્સાહી ક્રાઉડ જોવા મળે છે. પોળમાં સાંજે ફટાકડા અને આતશબાજી પણ કરવામાં આવે છે જેના લીધે ઉત્તરાયણની સાથે-સાથે દિવાળીની પણ મજા માણી શકાય છે.”
અભય જોશી જણાવે છે કે “પોળની ઉત્તરાયણ અને પશ્ચિમ અમદાવાદની ઉત્તરાયણની ઉજવણીની રીત અલગ છે. પશ્ચિમ અમદાવાદમાં સવારે અને સાંજે જ પતંગ દેખાય છે. જ્યારે પોળમાં આખો દિવસ લોકો ધાબા પર જ હોય છે. ઉત્તરાયણના બે દિવસ લોકો આખો દિવસ તહેવાર ઊજવે છે અને તમે ખૂલીને મજા માણી શકો છો.
અભયને લાગે છે કે, “પશ્ચિમ અમદાવાદમાં લોકો વધું મળતાવડાં હોતા નથી જેથી તમારે સંયમિત વ્યવહાર કરવો પડે છે. ખુલ્લા મને તહેવારની ઉજવણી કરી શકાતી નથી.”
તેઓ કહે છે, “પોળમાં પતંગ કપાય તો તમે બૂમો પાડી શકો છો અને પશ્ચિમ અમદાવાદમાં થોડો સંકોચ જોવા મળે છે. કોઈનો પતંગ કાપવાની, કપાયેલો પતંગ પકડવાની, તેમજ બૂમો પાડવાની મજા પશ્ચિમ કરતાં પોળમાં વધારે જોવા મળે છે.”
આશિષ મહેતા જણાવે છે કે “અત્યારે મોટા પ્રમાણમાં લોકો ઉત્તરાયણ કરવા આવે છે. જે લોકો બહારથી આવે છે તે ધાબા પર બેસે છે, ગીતો સાંભળે છે, ડાન્સ કરે છે અને ખાવાની મજા માણે છે. જોકે, તેઓ પતંગ ઓછા ચગાવે છે પણ આનંદથી તહેવારની ઉજવણી કરે છે. બહારના વિસ્તારોમાંથી એટલા લોકો પોળમાં આવે છે કે પોળમાં ગાડીઓની લાઈનો લાગે છે પાર્કિંગની જગ્યા પણ મળતી નથી.”
અમદાવાદની પોળ વિસ્તાર કેવો છે?
અમદાવાદમાં ખાડિયા વિસ્તારમાં આવેલી પોળોમાં બનેલાં મકાનોનું બાંધકામ ખાસ માનવામાં આવે છે.
8 જુલાઈ, 2017 ના રોજ યુનેસ્કો દ્વારા અમદાવાદ શહેરને ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપવામાં આવ્યો જેમાં 300-400 વર્ષ જૂનાં મકાનોનો સમાવેશ થાય છે. અમદાવાદમાં હેરિટેજ લિસ્ટમાં કુલ 2692 મકાન છે.
ઑલ્ડ સિટીમાં ખાડિયા અને કાલુપુર વિસ્તારમાં ઘણી હેરિટેજ હવેલીઓ છે.
પહેલાંના સમયમાં અમદાવાદના કોટ વિસ્તારમાં પ્રવેશ કરવાના 12 દરવાજા હતા. સંશોધકો અનુસાર લગભગ 5.78 વર્ગ કિલોમીટરના વિસ્તારમાં આશરે 360 જેટલી પોળ આવેલી છે. અમદાવાદના કોટ વિસ્તારમાં પોળની જાળ એવી રીતે ફેલાયેલી છે કે એક પોળમાંથી પણ અનેક પોળ જઈ શકે છે.
આ પોળોમાં રહેલાં મકાનો ખૂબ અડોઅડ બનેલાં છે અને સ્થાનિકોનું કહેવું છે આવી સંરચનાને કારણે અહીં રહેતા લોકો એકમેક સાથે નિકટતાથી જોડાયેલા રહ્યા છે જે શહેરમાં એવલા પોળ વિસ્તારની સંસ્કૃતિને અલગ ઓળખ મળી છે.
અમદાવાદના ઇતિહાસની વાત કરીએ તો ‘હિસ્ટ્રી ઑફ ગુજરાત’ મુજબ અહમદશાહે સાબરમતી નદીની પૂર્વ દિશામાં અને આશાવલની એકદમ બાજુમાં અહમદાબાદની સ્થાપના કરી હતી.
તેમણે 53 ફૂટ ઊંચો માણેક બુરજ બંધાવ્યો હતો, જે હાલના એલિસબ્રિજથી થોડો આગળ હતો. અહીં અમદાવાદનો પાયો નંખાયો હતો.
‘મિરાત-એ-અહમદી’ના લેખ અલી મોહમ્મદ ખાનના વર્ણન પ્રમાણે, અહમદાબાદમાં બાંધવામાં આવેલા ભદ્રના કિલ્લાનું નામ પાટણના કિલ્લા પરથી ઊતરી આવ્યું છે.
ભદ્રનો કિલ્લો ચોરસ આકારમાં હતો અને આશરે તે 43 એકર વિસ્તારમાં ફેલાયેલો હતો.
જોકે, શહેરની ફરતે કરવામાં આવેલી દિવાલ ક્યારે પૂર્ણ થઈ તે મામલે મતમતાંતર જોવા મળે છે.
‘ફિરિશ્તા’એ કરેલા વર્ણન મુજબ મહમદ બેગડાના સમયમાં અહમદાબાદ શહેરની ફરતે દિવાલનું કામ પૂર્ણ થયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS