Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનના સુફૉક મ્યુઝિયમમાં સંગ્રહિત એક પુસ્તકનું કવરપેજ લગભગ 200 વર્ષ પહેલાં એક કુખ્યાત હત્યા માટે ફાંસીની સજા પામેલા એક માણસની ચામડીમાંથી બનાવવામાં આવ્યું હોવાનું તાજેતરમાં જાણવા મળ્યું છે.
વિલિયમ કોર્ડર નામની તે વ્યક્તિને 1827માં એક મહિલાની હત્યા માટે દોષી ઠેરવવામાં આવી હતી. તે હત્યાએ જ્યૉર્જિયન બ્રિટનને આંચકો આપ્યો હતો અને એ ઘટના રેડ બાર્ન મર્ડર તરીકે જાણીતી થઈ હતી.
બરી સેન્ટ ઍડમંડ્સના મોયસે હૉલ મ્યુઝિયમના ક્યુરેટર્સને એક ઑફિસની બુકશેલ્ફ પર પડેલા પુસ્તક વિશે તાજેતરમાં ખ્યાલ આવ્યો હતો. એ પુસ્તક હવે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે.
કોર્ડનના શબનું વિચ્છેદન કરનાર સર્જન સાથે નજીકનો સંબંધ ધરાવતા એક પરિવાર દ્વારા તે પુસ્તક દાન કરવામાં આવ્યું હતું.
સવાલ એ છે કે આપણે વિલિયમ કોર્ડર વિશે અને તેણે કરેલી, આજ સુધી લોકોને ચકિત કરતી રહેલી હત્યા વિશે કેટલું જાણીએ છીએ?
વિલિયમ અને હત્યાનો ભોગ બનેલાં મારિયા કોણ હતાં?

વિલિયમ 19મી સદીના અંતમાં ઇપ્સવિચ અને સડબરી વચ્ચે આવેલા પોલસ્ટેડ ગામમાં ભાડૂઆત તરીકે રહેલા એક મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારનો સભ્ય હતો.
22 વર્ષની વયે વિલિયમ અને મારિયા માર્ટેન પ્રેમમાં પડ્યાં હતાં. એ વખતે વિલિયમ કોર્ડર પરિવારનો વડો હતો અને તેની છાપ મહિલાઓને પ્રિય પુરુષની હતી. મારિયા 24 વર્ષનાં હતાં અને તેના પિતા, સાવકાં માતા, બહેન તથા તેમના નાના પુત્ર સાથે રહેતાં હતાં. કદાચ આ કારણસર મારિયાએ વિલિયમ નાસી છૂટવાનું વિચાર્યું હશે.
1827માં વિલિયમ ભાગી જવાની યોજના બનાવી હતી. તેણે મારિયાને કોર્ડર્સ ફાર્મના રેડ બર્નમાં મળવાનું, ત્યાંથી ભાગીને ઈપ્સવિચ જઈને લગ્ન કરી લેવાનું જણાવ્યું હતું.
જોકે, મારિયા એ પછી ક્યારેય દેખાઈ ન હતી અને વિલિયમ પણ ગાયબ થઈ ગયો હતો.
પછી શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
વિલિયમે આખરે સફોક છોડ્યું હતું અને માર્ટેન પરિવારને લખી જણાવ્યું હતું કે તે મારિયાને લઈને આઇલ ઑફ વાઇટમાં ભાગી ગયો છે.
વાસ્તવમાં વિલિયમ લંડનની બહાર જ છુપાયો હતો અને મારિયાને લવર્સ રૉન્દેવૂમાં દફનાવી દેવામાં આવ્યાં હતાં. એ પહેલાં તેમનાં ગળામાં ગોળી મારવામાં આવી હતી.
દંતકથા જણાવે છે કે લગભગ એક વર્ષ પછી એન માર્ટેનને સપનું આવ્યું હતું કે તેમનાં સાવકાં પુત્રી રેડ બાર્નમાં મૃત્યુ પામ્યાં છે. મારિયાના પિતાએ કોદાળીથી ખોદકામ કરીને પોતાની દીકરીના અવશેષો શોધી કાઢ્યા હતા.
મારિયાની હત્યા સંબંધે શોધખોળ શરૂ થતાં એક અખબારના તંત્રીએ જણાવ્યું હતું કે તેઓ વિલિયમ કોર્ડરને ઓળખે છે.
મોયસેના હૉલ મ્યુઝિયમના હૅરિટેજ ઑફિસર ડેન ક્લાર્ક કહે છે, “તે નાસતો ફરતો હતો અને વાસ્તવમાં એકલો હતો. તેણે નવી પત્ની માટે અખબારમાં જાહેરાત પ્રકાશિત કરાવી હતી.”
આ મ્યુઝિયમમાં રેડ બાર્ન મર્ડરની ઘણી ચીજોનો સંગ્રહ છે. તેમાં કોર્ડરની ચામડી વડે કવર કરવામાં આવેલાં બે પુસ્તકોનો પણ સમાવેશ થાય છે.
સત્તાવાળાઓએ કોર્ડરને શોધી કાઢ્યો હતો, પણ પોતે મારિયા વિશે કશું જાણતો હોવાનો કોર્ડરે ઇન્કાર કર્યો હતો. જોકે, પોલીસને પોલસ્ટેડ તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે મારિયાનો મૃતદેહ મળી આવ્યો છે.

ઇમેજ સ્રોત, BBC/Jamie Niblock
મુકદ્દમો અને જાહેરમાં ફાંસી

ઇમેજ સ્રોત, Getty Images
હત્યાના 10 આરોપસર વિલિયમને બરી સેન્ટ ઍડમંડ્સ લાવવામાં આવ્યો હતો. દરેક આરોપ મારિયાના મૃત્યુ વિશેની અલગ થિયરી પર આધારિત હતો અને વિલિયમને દોષિત ઠેરવવાની શક્યતા મજબૂત બનાવવાના હેતુસરનો હતો.
વિલિયમે પોતાના બચાવમાં દાવો કર્યો હતો કે મારિયાએ આત્મહત્યા કરી હતી. એ કારણે મૃત મહિલા પર એક ગંભીર અપરાધનો આરોપ કરવામાં આવ્યો હતો. બે દિવસની અદાલતી કાર્યવાહી પછી વિલિયમને દોષી ઠેરવવામાં આવ્યો હતો. અંતિમ કબૂલાતમાં તેણે કહ્યું હતું કે તેણે દલીલબાજી દરમિયાન મારિયાને ભૂલથી ગોળી મારી દીધી હતી.
1828ની 11 ઑગસ્ટની બપોરે વિલિયમને જેલની બહાર ફાંસી આપવામાં આવી તે જોવા અંદાજે 7,000થી 10,000 લોકો આવ્યા હતા. એ પછી શહેરના શાયર હૉલમાં રાખવામાં આવેલા વિલિયમના મૃતદેહને જોવા માટે લોકોએ લાઇન લગાવી હતી.
ડેન ક્લાર્ક કહે છે, “એટલી ભીડ હતી કે તેને જેલની બહાર લઈ જઈ શકાયો ન હતો. ઇમારતની બાજુમાં એક બાકોરું બનાવવું પડ્યું હતું અને કામચલાઉ માંચડો બનાવવો પડ્યો હતો એવી કથા છે.”
“ત્યાં નાચગાન થયું હતું અને પછી દોરડાનો એક હિસ્સો પણ ખરીદી શકાય તેવું હતું.”
પોલસ્ટેડ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. રેડ બાર્ન અને મારિયાની કબરના પથ્થરો પણ ઘણા લોકો સંભારણા તરીકે લઈ ગયા હતા.
કોર્ડરનો વારસો

રેડ બાર્ન મર્ડરમાં લોકોને એટલો બધો રસ પડ્યો હતો કે તેના વિશે પુસ્તકો, નાટકો લખાયાં હતાં અને તે આજે પણ વાસ્તવિક અપરાધ જગતમાં વ્યાપ્ત છે.
બે સદી પહેલાંની આ ઘટના આજે રોમાંચક કહાણી બની ગઈ છે અને સાચી કથા કિંવદંતિઓ ગૂંચવાયેલી રહી છે.
કોર્ડરની છબીમાં તેની બંધ આંખો તથા ફૂલેલાં નસકોરા જોવા મળે છે અને એ કારણે કલ્પનાને બળ મળ્યું હશે. તેનું ડેથ માસ્ક મોયસેના હૉલ અને નોર્વિચ કેસલમાં રાખવામાં આવ્યું છે.
તેનું હાડપિંજર તૂટવું શરૂ ન થયું ત્યાં સુધી, ઘણાં વર્ષો સુધી, તેનો ઉપયોગ વેસ્ટ સફોક હૉસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ્સને ભણાવવા માટે કરવામાં આવ્યો હતો.
વિચલિત કરે તેવી હકીકત એ છે કે તેની ચામડીથી ઢંકાયેલાં બે પુસ્તકો અને તેના કાન સહિતની ખોપરીને મોયસેના હૉલમાં એક ભયાનક આભૂષણ તરીકે સાચવી રાખવામાં આવ્યાં હતાં.
હૉરિબલ હિસ્ટ્રીઝના સર્જક ટેરી ડીરી માને છે કે કોર્ડરને “બદનામ” કરવામાં આવ્યો છે અને મારિયાને એક નિર્દોષ યુવતી તરીકે ખોટી રીતે દર્શાવવામાં આવ્યાં છે.
મોયસેના હૉલના જણાવ્યા મુજબ, કોર્ડર સંબંધી દૃષ્ટિકોણને સુધારવા માટે ભવિષ્યમાં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે અને તેમાં મારિયા સહિતની સફોકની મહિલા પીડિતો પર પ્રકાશ ફેંકવામાં આવશે.
હેરિટેજ આસિસ્ટંટ એબી સ્મિથે જણાવ્યું હતું કે અહીં આવતા 80 ટકા મુલાકાતીઓ રેડ બાર્ન મર્ડર વિશે જાણવા “ઉત્સુક” હોય છે.
“એ ઘટનાનો અંત ભયંકર છે. તે એક મોટું પરિબળ છે. તે ભયાનક છે અને લોકો તેના તરફ આકર્ષિત થવાના જ.”
“તે લોહિયાળ, વિકૃત છે. તેથી લોકોને પસંદ હોય તેવું લાગે છે, જે ચિંતાજનક છે.”
આ પુસ્તકો વિશે આપણે કેટલું જાણીએ છીએ?

ઇમેજ સ્રોત, BBC/Jamie Niblock
બે પૈકીનું પહેલું પુસ્તક મુકદ્દમા વિશેનું છે. તેના લેખક પત્રકાર જે કર્ટિસ છે. તેનું શીર્ષક છે ‘ધ ટ્રાયલ ઑફ ડબલ્યુ. કોર્ડર’
વિલિયમ કોર્ડરનું શબ વિચ્છેદન જ્યૉર્જ ક્રીડ નામના સર્જને કર્યું હતું. તેમણે પણ એક નોંધ લખી છે. એ નોંધ જણાવે છે કે જ્યૉર્જ ક્રીડે જ વિલિયમની ચામડીને ટેન કરીને તેના વડે પુસ્તકનું આવરણ બનાવ્યું હતું.
બીજું પુસ્તક તેની જ આવૃત્તિ હોવાનું માનવામાં આવે છે, પરંતુ બીજા પુસ્તકનું શીર્ષક ‘પોલસ્ટેડ – વિલિયમ કોર્ડર’ છે.
આ પુસ્તક જ્યૉર્જ ક્રીડ સાથે ગાઢ સંબંધ ધરાવતા એક પરિવારે સંગ્રહાલયને દાનમાં આપ્યું હતું. એ પરિવારને જ્યૉર્જ ક્રીડે ઘણી સંપત્તિ આપી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.
SOURCE : BBC NEWS