Source : BBC NEWS

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રને કરેલા સંબોધનમાં કહ્યું હતું કે ‘ઑપરેશન સિંદૂરે’ ભારતની “આતંકવાદ સામેની લડાઈમાં” એક નવો માનદંડ સ્થાપિત કર્યો છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 26 લોકોની હત્યાના બદલામાં નવી દિલ્હી દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાંના ‘આતંકવાદી માળખા’ પર મિસાઇલ હુમલા કરવામાં આવ્યાના પાંચ દિવસ પછી વડા પ્રધાને આ ભાષણ આપ્યું હતું.
એ હુમલાઓથી બંને દેશો વચ્ચે સશસ્ત્ર તણાવ સર્જાયો હતો. હુમલા શનિવારે બંધ થયા હતા, કારણ કે પરમાણુ શસ્ત્રોથી સજ્જ પાડોશી દેશો વચ્ચે સરહદ પાર લશ્કરી કાર્યવાહી બંધ કરવા “સમજૂતી” સધાઈ હતી.
જોકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતે વળતો હુમલો કરવાની કાર્યવાહી માત્ર સ્થગિત કરી છે.
વડા પ્રધાને કહ્યું હતું, “પાકિસ્તાન આગળ કેવું વલણ અપનાવે છે, એ માપદંડના આધારે અમે પાકિસ્તાનના દરેક પગલાનું મૂલ્યાંકન કરીશું.”
રાજકીય નિરીક્ષકોએ બીબીસીને જણાવ્યું હતું કે આ વાત ઉજાગર કરીને વડા પ્રધાને તેમના સમર્થકોના એક જૂથના, ભારત દ્વારા લશ્કરી કાર્યવાહી બંધ કરવાના અને પાકિસ્તાન સામે આક્રમણ ચાલુ ન રાખવા અંગેના અસંતોષને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
નિષ્ણાતોએ એમ પણ જણાવ્યું હતું કે “સંપૂર્ણ અને તત્કાળ યુદ્ધવિરામ” માટે અમેરિકાએ મધ્યસ્થી કરી હોવાના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-પાકિસ્તાન વચ્ચે વૉશિંગ્ટન દ્વારા મધ્યસ્થીનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો.
‘નક્કર સ્પષ્ટતા’

ઇમેજ સ્રોત, Getty Images
ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત તેમના ડેપ્યુટી જેડી વાન્સ અને અમેરિકાના વિદેશ સચિવ માર્કો રૂબિયોએ પણ શનિવારે દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાનને વાટાઘાટોના ટેબલ પર અમેરિકા લાવ્યું હતું.
રૂબિયોએ એવો દાવો કર્યો હતો કે બંને દેશો “તટસ્થ સ્થળે વ્યાપક મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવા” સંમત થયા હતા. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શનિવારે રાત્રે આપેલા ભાષણમાં માત્ર અમેરિકા જ નહીં, પરંતુ બ્રિટન, તુર્કી, સંયુક્ત આરબ અમિરાત, કતાર અને સંયુક્ત રાષ્ટ્રસંઘના મહામંત્રી ઍન્ટોનિયો ગુટેરેસનો આભાર પણ તણાવ ઓછો કરવા બદલ માન્યો હતો.
તેનાથી વિપરીત, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજા કોઈ પક્ષની ભૂમિકા સ્વીકારી ન હતી.
તેમણે કહ્યું હતું, “પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું અને પાકિસ્તાને જ ભારતના લશ્કરી કાર્યવાહીના ડિરેક્ટર જનરલનો સંપર્ક કર્યો હતો” અને કહ્યું હતું, “પાકિસ્તાન હવે કોઈપણ પ્રકારના આતંકવાદી પ્રવૃત્તિ કે લશ્કરી કાર્યવાહી કરશે નહીં.” એ પછી જ ભારત નરમ પડ્યું હતું.
વિદેશી બાબતોનાં વરિષ્ઠ પત્રકાર ઇન્દ્રાણી બાગચી માને છે કે નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં ભારતના દીર્ધકાલીન વલણનો પુનરોચ્ચાર કર્યો હતો.
ઇન્દ્રાણી બાગચીએ કહ્યું હતું “ભારત કાયમ કહેતું રહ્યું છે કે પાકિસ્તાનના સંદર્ભમાં તે કોઈપણ મધ્યસ્થી કે ત્રીજા પક્ષને સ્વીકારશે નહીં.”
નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં એમ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાન સાથેની વાતચીત આતંકવાદ અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર એમ માત્ર બે મુદ્દા પર જ કેન્દ્રિત રહેશે.
દિલ્હી સ્થિત થિંક ટૅન્ક સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચના પ્રોફેસર અને વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલાનીએ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીનું વકતવ્ય એ ડોનાલ્ડ ટ્રમ્પને “ગર્ભિત ઠપકો” હતું, જેમણે કાશ્મીર મુદ્દાના “નિરાકરણ”નો દાવો કર્યો હતો.
ઇન્દ્રાણી બાગચીએ એમ પણ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તેમની ટિપ્પણીઓ દ્વારા અમેરિકન પ્રમુખને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો.
તેમણે કહ્યું હતું, “2019માં કલમ ક્રમાંક 370 નાબૂદ કરવામાં આવી પછી ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે કાશ્મીર મંત્રણાનો મુદ્દો જ નથી. વડા પ્રધાને તે વાત સ્પષ્ટ જણાવી દીધી છે.”
એક નવો માપદંડ?

ઇમેજ સ્રોત, Getty Images
‘ઑપરેશન સિંદૂરે’ એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે, એમ કહીને વડા પ્રધાન મોદીએ ત્રણ મુદ્દા સૂચવ્યા હતા. એ પૈકીનો એક મુદ્દો એ હતો કે ભારત “પરમાણુ બ્લૅકમેઇલ સહન કરશે નહીં.”
નવી દિલ્હીએ વાસ્તવમાં નવી મર્યાદા સ્થાપિત કરી હોવા બાબતે ઇન્દ્રાણી બાગચી સંમત થયાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે 2016માં નિયંત્રણ રેખા પાર કરીને ‘સર્જિકલ સ્ટ્રાઇક’ શરૂ કરવાથી માંડીને આ મહિનાની શરૂઆતમાં ‘ઑપરેશન સિંદૂર’ દરમિયાન ભારત તેની લશ્કરી કાર્યવાહીના જવાબમાં પાકિસ્તાન દ્વારા પરમાણુ શસ્ત્રો તહેનાત કરવાના ભયને દૂર કરવામાં સક્ષમ સાબિત થયું છે.
ઇન્દ્રાણી બાગચીએ કહ્યું હતું, “2016 પહેલાં ભારતે પાકિસ્તાનની અંદર હુમલાઓ કર્યા હોવા છતાં તેનો પ્રચાર કરવામાં આવ્યો ન હતો. ત્યારથી માંડીને હાલના સતત ચાર દિવસના હુમલાઓ સુધીમાં ભારતે પરમાણુ સીમાને વિસ્તારી છે.”
જોકે, રાજકીય કટારલેખિકા અદિતિ ફડનીસે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ જાહેર કરેલી નીતિમાં નવું કશું નથી.
તેમના જણાવ્યા મુજબ, “ન્યૂ નૉર્મલ”ના પોતાના સિદ્ધાંત બાબતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારત આતંકવાદને તેની પોતાની શૈલીમાં યોગ્ય જવાબ આપશે અને તેમાં “આતંકવાદને પ્રોત્સાહિત કરતી સરકાર તથા આતંકવાદીઓના આકાઓ વચ્ચે કોઈ ભેદ પાડશે નહીં.”
અદિતિ ફડનીસે જણાવ્યું હતું કે 2016માં ઉરી લશ્કરી મથકમાં 19 ભારતીય સૈનિકો માર્યા ગયા ત્યારે અને 2019માં પુલવામા બૉમ્બ વિસ્ફોટમાં ભારતના અર્ધલશ્કરી દળોના 40 જવાનો માર્યા ગયા ત્યારે પણ મોદી સરકારે આ મુદ્દા ઉઠાવ્યા હતા.
અદિતિ ફડનીસે કહ્યું હતું, “ભારતનો પ્રતિભાવ દર વખતે એક ડગલું આગળ રહ્યો છે અને આ વખતે પણ એવું જ હતું, પરંતુ તેનાથી આતંકવાદી હુમલાઓ અટક્યા નથી. તે ફરીથી થઈ શકે છે.”
રાજકીય સંદેશ

ઇમેજ સ્રોત, Getty Images
બંને દેશ લશ્કરી કાર્યવાહી બંધ કરવા સંમત થયા ત્યારથી, બે દિવસમાં શાસક ભારતીય જનતા પક્ષના સમર્થકો સહિતના ઘણા લોકોએ મોદી સરકારની ટીકા કરી છે. આ સમર્થકો તાજેતરની ઘટનાને પાકિસ્તાનને વધુ નુકસાન કરવાની એક તક ગણે છે.
પ્રોફેસર બ્રહ્મા ચેલાનીએ આ નિર્ણયને “વિજયના જડબામાંથી પરાજયને છીનવી” લેવા સમાન ગણાવ્યો હતો.
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં તેમના રાજકીય સમર્થકોને શાંત પાડવાનો દેખીતો પ્રયાસ કર્યો છે.
નીરજા ચૌધરીએ કહ્યું હતું, “મિસાઇલ હુમલામાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે અને ભારતે તેની કાર્યવાહી માત્ર સ્થગિત કરી છે તથા ભારત પાકિસ્તાનને પોતાની શરતે જવાબ આપવાનું ચાલુ રાખશે, એમ કહીને તેમણે સંદેશો મોકલવાનો પ્રયાસ કર્યો છે.”
નીરજા ચૌધરીએ એમ પણ જણાવ્યું હતું કે “સિંદૂર”ના મહત્ત્વ પર ભાર મૂકવાના સંદર્ભમાં વડા પ્રધાનનો ઉદ્દેશ ભાવનાત્મક સંદેશો આપવાનો છે.
નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં કહ્યું હતું, “આપણી બહેનો, દીકરીઓના સિંદૂરનો નાશ કરવાનું પરિણામ શું હશે, તે દરેક આતંકવાદી સંગઠન જાણે છે.”
વડા પ્રધાનના આમ કહેવાનો હેતુ લોકો સાથે તાલમેલ સાધવાનો હતો, એમ નીરજા ચૌધરીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું, “પહલગામ હુમલો અન્ય આતંકવાદી હુમલાઓ કરતાં અલગ હતો. અહીં પુરુષોને તેમનો ધર્મ પૂછવામાં આવ્યો હતો અને તેઓની તેમની પત્નીઓ તથા પુત્રીઓ સામે હત્યા કરવામાં આવી હતી. તેના ભાવનાત્મક મૂલ્યને વડા પ્રધાન સમજે છે. તેથી તેમણે તેને ખાસ મહત્ત્વ આપ્યું હતું.”
જોકે, વડા પ્રધાનના ભાષણથી તેમના સમર્થકોનો અસંતોષ શાંત થયો હશે, તેની ખાતરી અદિતિ ફડનીસને નથી.
તેમણે કહ્યું હતું, “પાકિસ્તાન સાથેના વ્યવહાર વિશેના વડા પ્રધાનના મજબૂત વકતવ્યનો અર્થ એ છે કે સરકાર પોતે જ તેના પોતાના કથનનો ભોગ બની ગઈ છે. આ ભાષણ તેના માટે પૂરતું છે કે કેમ તેની મને ખાતરી નથી.”
અદિતિ ફડનીસે એમ પણ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાના શ્રેયનો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પનો દાવો પણ નરેન્દ્ર મોદીને સમર્થકોને ગમ્યો નથી. “આ મુદ્દો વિરોધ પક્ષો પણ ઉઠાવી રહ્યા છે.”
વૈશ્વિક શક્તિઓને સંદેશ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના મિસાઇલ હુમલાઓના ફાયદા ગણાવતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતના મિસાઇલ હુમલાના બે લક્ષ્ય – બહાવલપુર અને મુરીદકે “વૈશ્વિક આતંકવાદની યુનિવર્સિટીઓ” હતાં.
તેમણે દાવો કર્યો હતો કે ભારતમાંના “મોટા આતંકવાદી હુમલાઓ” તેમજ અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના 9/11 હુમલા અને 2005માં લંડનના ટ્યુબ બૉમ્બ વિસ્ફોટોના મૂળ પણ આ સ્થળો સાથે જ જોડાયેલાં હતાં.
ઇંદ્રાણી બાગચી માને છે કે વડા પ્રધાને આમ કહીને ભારતની કાર્યવાહી માટે વૈશ્વિક સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું હતું, “અમેરિકામાં એક પેઢી 9/11 પછી મોટી થઈ છે અને બ્રિટનમાં એક પેઢી 2005 પછી જન્મી હતી. નરેન્દ્ર મોદી તેમને સંદેશો આપવા માંગે છે કે ભારતે જે કર્યું તે વૈશ્વિક હિત માટે હતું.”
આ વાત સાથે અદિતિ ફડનીસ સંમત છે.
તેમણે કહ્યું હતું, “નરેન્દ્ર મોદી આ વર્ષના અંતમાં ક્વાટ શિખર પરિષદમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળશે ત્યારે અથવા આગામી વર્ષે સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કરશે ત્યારે આ મુદ્દો ઉઠાવશે.”
તેમણે ઉમેર્યું હતું, “ભારત યુદ્ધનો નહીં, પણ બુદ્ધનો દેશ છે, એવું કહેવાથી તે કંઈક અલગ છે. આજે બુદ્ધ પૂર્ણિમા છે, એવો ઉલ્લેખ કરવાની સાથે નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું કે શાંતિનો માર્ગ શક્તિમાંથી પસાર થાય છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS