Source : BBC NEWS

જખૌ બંદર પર લંગારાયેલી બોટ્સ (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Getty Images

ભારત પાકિસ્તાન વચ્ચે સીમા પર તણાવ બાદ, ઑપરેશન સિંદૂરના ઍલર્ટ સમયે રાજ્યની દરિયાઈ સીમાથી માછીમારોની તમામ બોટને પાછી બોલાવી લેવામાં આવી હતી. આ બોટને વિવિધ બંદરો પર લંગારવા માટે કહેવામાં આવ્યું હતું. આ સમયમાં પાછી બોલાવેલી બોટમાંથી ઘણી બોટ જખૌ બંદર પર લંગારવામાં આવી હતી.

આવી વિવિધ બોટના લગભગ 200 જેટલા માછીમારો હાલમાં પોતાના ઘર અને વ્યવસાય બન્નેથી દૂર છે.

બન્ને દેશો વચ્ચે સંઘર્ષવિરામ પછી ઘણી જગ્યાએ પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે, પરંતુ માછીમારો પ્રમાણે જખૌ બંદર પર તેઓ હજી સુધી એલર્ટની સ્થિતિમાં જ જીવી રહ્યા છે. તેમની બોટ હજી સુધી જખૌ બંદર પર પડી છે, તેઓ દરિયામાં જઈ નથી શકતા, અને તેઓ જખૌથી દરિયાઈ માર્ગે પોતાની બોટ લઈ પોતાના ઘર તરફ જઈ નથી શકી રહ્યાં. જેના કારણે આ માછીમારોને ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

સામાન્ય રીતે ચોમાસા પહેલાંના આ સમયને માછીમારો સૌથી સારો ગણે છે, જેમાં ખૂબ સારી સંખ્યામાં માછલીઓ પકડી શકાય છે. ઍક્સપોર્ટ ક્વૉલિટીની માછલીઓ પણ આ સમયમાં સૌથી વધારે મળતી હોય છે.

ગુજરાતમાંથી દરે વર્ષે ઍક્સપોર્ટ ક્વૉલિટીની માછલીઓનું પ્રોડક્શન સદંતર વધી રહ્યું છે. જેમ કે 2023-24માં ઍક્સપોર્ટ ક્વૉલિટીની માછલીનું પ્રોડક્શન 33,6991 મેટ્રિક ટન હતું, જેની બજાર કિંમત લગભગ 6000 કરોડથી વધારે હતી.

જો કે આ વખતે છેલ્લા 14 દિવસથી આ તમામ માછીમારો ન તો દરિયામાં જઈ શક્યા છે, કે ન તો પોતાના ઘરે પહોંચી શક્યા છે.

શું છે સમસ્યા?

ઑપરેશન સિંદૂર બાદ જખૌ બંદર પર પડી રહેલી બોટની તસ્વીર

ઇમેજ સ્રોત, Shareef Musa

સામાન્ય રીતે જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, કચ્છ વગેરેના માછીમારો ઑગસ્ટ મહિનામાં પોતાનું ઘર છોડીને 10 મહિના માટે દરિયો ખેડવા નીકળી જાય છે અને મે મહિનાના અંત સુધી પાછા પોતાના ઘરે પહોંચે છે.

આ સમય દરમિયાન દરેક બોટ લાખો રૂપિયાની માછલી દરિયામાંથી પકડીને જખૌ, ઓખા જેવાં બંદરો પર લઈ આવે છે, જેને વેપારીઓ ખરીદીને માર્કેટમાં લઈ જાય છે. સીઝન પતે એટલે દરેક બોટમાં માછીમારો લાખોનો વેપાર કરીને મે મહિનાના અંત કે જૂન મહિના સુધી પોતાના ઘરે પરત ફરે છે.

પરંતુ આ વખતે ઑપરેશન સિંદૂરને કારણે આવા ઘણા માછીમારોનું ગણિત ખોટું પડી ગયું છે, કારણ કે છેલ્લા એક મહિનાનો તેમનો ‘કેચ’ તો ગયો જ છે, પરંતુ તેની સાથે સાથે તેઓ પોતાના ઘરે નથી પહોંચી શક્યા જેને કારણે તેમને વધારાનો ખર્ચ થયો છે.

જેમ કે ફતેહ મોહમ્મદ કેરે જણાવ્યું કે તેમને કેવી રીતે નુકસાન થયું છે. તેમની બોટમાં આઠ લોકો કામ કરે છે. જેમનો દરેકનો પગાર મહિને 12000 થી 15000 વચ્ચે છે. આ તમામ લોકોના ભોજન વગેરેનો ખર્ચ પણ ફતેહભાઈ પર હોય છે.

તેઓ કહે છે કે, “હાલમાં જો હું દરિયામાં હોત, તો આ સમયમાં મેં ચારથી પાંચ લાખ રૂપિયાની માછલીઓ લાવી હોત. આટલી કમાણી સામે આ ખર્ચ પોસાઈ શકે છે, પરંતુ હાલમાં તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આવક બંધ છે અને ખર્ચ ચાલુ છે.”

ઑપરેશન સિંદૂર સમયના એલર્ટ વખતે આ તમામ બોટ દરિયામાં હતી. તેમને પાંચમી મેના રોજ પાછી બોલાવીને, બીજી માહિતી ન મળે ત્યાં સુધી જખૌ બંદર પર રહેવાનું કહેવામાં આવ્યું છે.

ઝીનત કેર નામના જામનગરના એક વેપારીની લગભગ આઠ બોટ આવી રીતે હાલમાં જખૌ બંદર પર પડી છે.

જામનગરથી બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેઓ કહે છે કે, “મારા તંડેલ અને કારીગરો, હાલમાં ત્યાં ફસાયેલા છે. તેમનું રેશન પણ પતવા આવ્યું છે, તેમને જામનગર આવવા નથી દેતા. બંદર બંધ હોવાથી તેમને બીજી પણ કોઈ મદદ મળી નથી રહી.”

જખૌ બંદર પર રાહ જોતા લોકો

જખૌ બંદર બંધ થઇ ગયો છે, અને  માછીમારો પોતાના ઘરે પરત ફરી નથી શકી રહ્યાં.

ઇમેજ સ્રોત, Shareef Musa

જખૌ બંદર પર હાલમાં અનેક બોટ પડી છે. આ માછીમારોમાંથી અનેકનું રેશન પતી ગયું છે.

બીબીસી ગુજરાતીએ આવા અનેક માછીમારો સાથે વાત કરી. જેમ કે માછીમાર શરીફ મુસા કહે છે કે, “આખું બંદર બંધ છે. આસપાસ કોઈ દુકાન નથી. ચા દૂધ વગેરે તો નથી જ પી શકતા, પરંતુ છેલ્લા અમુક દિવસોથી ઘણા લોકો ભોજન પણ એક જ સમયે કરી રહ્યા છે.”

સામાન્ય રીતે માછીમારો 15થી 20 દિવસોનું રેશન સાથે રાખતા હોય છે, બોટમાં જ બે સમય રસોઈ તૈયાર કરીને તમામ લોકો જમતા હોય છે. ગુલામ મોહમ્મદ કેર નામના એક માછીમાર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે, “લોકોનું રેશન પતી ગયું છે. વધુ સમય સુધી બોટ ઍન્કર પર છે, એટલે એક બીજા સાથે અથડાઈને તૂટી પણ ગઈ છે. મારી પોતાની બોટને લગભગ 25 હજાર જેટલું નુકસાન આના કારણે થયું છે. જો સરકાર અમને પરવાનગી આપી દે તો અમે અમારી બોટ લઈ જામનગર જતા રહીએ.”

બીજી બાજુ બીબીસી ગુજરાતીએ જ્યારે આ વિશે ગુજરાતના ફિશરીઝ ડિપાર્ટમેન્ટમાં વાત કરી તો જાણવા મળ્યું કે, “આ તમામ બોટને સુરક્ષાનાં કારણોથી તાત્કાલિક પાછી બોલાવી લેવામાં આવી હતી.”

ગુજરાત રાજ્ય ફિશરીઝ ડિપાર્ટમેન્ટના આસિસટન્ટ ડિરેક્ટર એસ.એમ.અર્દેસરાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું હતું કે, “ડિપાર્ટમેન્ટ આ વિશે ચિંતિત છે. બોટની સંખ્યા ખૂબ વધારે હોવાને કારણે તેમને પાછા પોતાના ઘરે મોકલવામાં મોડું થયું છે. જો કે ઝડપથી તેમને પાતાના મૂળ સ્થાને મોકલવાની પ્રક્રિયા હવે ચાલી રહી છે, અને લગભગ એક-બે દિવસમાં બધાને મોકલી દેવામાં આવશે.”

સુરક્ષાનાં કારણોસર, હાલમાં જખૌ બંદર, બીજી બોટ્સ ન મળે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.

અર્દેસરાએ જણાવ્યું, “સુરક્ષા એજન્સીઓ લીલી ઝંડી આપે ત્યાર બાદ જ બંદર ફરીથી ખોલવામાં આવશે.”

ગુજરાતમાં માછીમારી ઉદ્યોગ

ગુજરાતના ફિશરીઝ વિભાગ અનુસાર રાજ્યમાં 26,826 રજિસ્ટર્ડ બોટ છે. રાજ્યમાં જખૌ સહિત 107 ફિશિંગ લૅન્ડિંગ સ્ટેશન છે.

વર્ષ 2023-24 પ્રમાણે રાજ્યમાં 9,07,901 મેટ્રિક ટન માછલીઓનું ઉત્પાદન રહ્યું હતું, જેમાં મરીન અને ઇન્લૅન્ડ બંન્ને પ્રકારની માછલીઓનો સમાવેશ થાય છે.

ફિશરીઝ ડિપાર્ટમેન્ટ પ્રમાણે, આ પ્રોડક્શનની બજાર કિંમત લગભગ રૂ. 1.58 લાખ કરોડની આસપાસ હતી.

માછીમારી સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ભરૂચ જિલ્લાના ઘણા લોકો માછીમારી પર નિર્ભર છે, જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, અને ભાવનગર જેવા જિલ્લામાં માછીમારી સાથે ઘણા લોકો જોડાયેલા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS