Source : BBC NEWS

ઇમેજ સ્રોત, EPA
અપડેટેડ 42 મિનિટ પહેલા

ઇમેજ સ્રોત, PIB/Video Grab
ભારતીય સૈન્યે બુધવારે રાતના એક-દોઢ વાગ્યાના અરસામાં ‘ઑપરેશન સિંદૂર’ ચલાવીને પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં નવ સ્થળોએ હુમલો કર્યો હતો.
ભારત સરકાર તરફથી ભારતના વિદેશસચિવ વિક્રમ મિસરી,(કર્નલ)સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહે આ કાર્યવાહી અંગે નવી દિલ્હી ખાતે યોજાયેલી એક પ્રેસ કૉન્ફરન્સમાં વિશ્વ અને દેશને આધિકારિક માહિતી આપી હતી.
વિદેશસચિવની સાથે મહત્ત્વપૂર્ણ પ્રેસ કૉન્ફરન્સમાં હાજર રહેનાર આ ભારતીય સૈન્યની ‘નારીશક્તિનાં આ પ્રતિનિધિઓ’ આ બાદથી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયાં હતાં.
નોંધનીય છે કે ભારતીય સૈન્યના દાવા અનુસાર આ કાર્યવાહીમાં પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર નવ ‘આતંકી’ ઠેકાણાં પર હવાઈ હુમલા કરી ‘આતંકી કૅમ્પ’ ધ્વસ્ત કરી નખાયાં હતાં.
આ બાબતની જાણકારી મીડિયાને આપનાર ભારતીય સૈન્યનાં કર્નલ સોફિયા કુરેશી ગુજરાતના વડોદરાનાં હોવાનું સામે આવ્યું છે.
આ હકીકત સામે આવતાં હવે કર્નલ સોફિયાને ‘ગુજરાતની દીકરી’ ગણાવતાં સંદેશા પણ સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા છે.
બીબીસી ગુજરાતીએ કર્નલ સોફિયા અને તેમના ગુજરાતી મૂળ અંગે વધુ માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
‘ગુજરાતની દીકરી’ કર્નલ સોફિયાએ આપી ઑપરેશન સિંદૂરની જાણકારી

ઇમેજ સ્રોત, Information Department, Gujarat
ગુજરાતના માહિતી વિભાગ દ્વારા જાહેર કરાયેલ એક સંદેશ પ્રમાણે કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાનાં રહેવાસી છે અને તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી 1997માં બાયૉકેમિસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે.
અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરી અને કૉર્પ્સ ઑફ સિગ્નલ્સમાં જોડાઈને અનેક સફળતા મેળવી.
તેમના દાદા પણ ભારતીય સેના સાથે જોડાયેલા હતા, જેમણે ધાર્મિક શિક્ષક તરીકે સેવામાં યોગદાન આપ્યું હતું.
સોફિયાના પતિ પણ ભારતીય સેનાની મિકેનાઇઝ્ડ ઇન્ફેન્ટ્રીમાં અધિકારી છે.
આ યુગલ દેશની રક્ષા માટે સમર્પિત છે.
2016માં કર્નલ સોફિયા એ ભારતીય સેનાના ઇતિહાસમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.

ઇમેજ સ્રોત, Information Department, Gujarat
તેઓ પ્રથમ મહિલા અધિકારી તરીકે ભારતીય દળનું નેતૃત્વ કરવા માટે ઍસોસિયેશન ઑફ સાઉથઇસ્ટ એશિયન નૅશન્સ + (ASEAN પ્લસ) દેશોની મલ્ટિનૅશનલ મિલિટરી કવાયત ‘ફોર્સ 18’માં ભાગ લેનારા 18 દેશોના પ્રતિનિધિઓ પૈકી એકમાત્ર મહિલા કમાન્ડર રહ્યાં. તેમના નેતૃત્વમાં ભારતીય દળે વિશ્વસ્તરે પોતાના કૌશલ્ય અને સંકલ્પશક્તિનું પ્રદર્શન કર્યું.
વિભાગે આપેલી માહિતી અનુસાર સોફિયાએ કર્મક્ષેત્રે માત્ર યોદ્ધાની ભૂમિકા જ નથી ભજવી, પરંતુ આંતરરાષ્ટ્રીય શાંતિ મિશનમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. યુનાઇટેડ નૅશન્સના પીસકીપિંગ ઑપરેશન્સ અંતર્ગત છ વર્ષના સેવાકાળ દરમિયાન 2006માં તેઓ કૉંગોમાં તહેનાત રહ્યાં હતાં. શાંતિ સ્થાપના અને માનવીય સહાયમાં તેમણે મહત્ત્વપૂર્ણ કામ કર્યું છે.
“વિસંવાદિત વિસ્તારોમાં શાંતિ લાવવા માટેનો પ્રયાસ એ મારા માટે ગૌરવનો ક્ષણ રહ્યો છે,” આ તેમનો સ્પષ્ટ સંદેશ છે.
રાજ્યના માહિતીવિભાગ પ્રમાણે વિંગ કમાન્ડર વ્યોમિકાસિંહ સાથે મળીને કર્નલ સોફિયાએ દેશના રક્ષણ અંગે એક સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી. ‘ઑપરેશન સિંદૂરના વિજય’ અને સેના દ્વારા ઉપયોગમાં લેવાયલી વ્યૂહરચનાઓની ઝાંખી મીડિયા સામે રજૂ કરી હતી.
કર્નલ સોફિયાએ પ્રેસ કૉન્ફરન્સમાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, PIB
પ્રેસ બ્રીફિંગમાં હાજર રહેલાં ભારતીય સૈન્યનાં સોફિયા કુરેશીએ જણાવ્યું કે ભારતનાં સશસ્ત્ર દળોએ 6-7 મે 2025ની રાત્રે એક વાગ્યને પાંચ મિનિટથી દોઢ વાગ્યાની વચ્ચે ‘ઑપરેશન સિંદૂર’ ચલાવ્યું.
તેમણે કહ્યું કે, “આ ઑપરેશન 22 એપ્રિલના રોજ પહલગામમાં થયેલા બિભત્સ આતંકવાદી હુમલાના શિકાર માસૂમ નાગરિકો અને તેમના પરિવારોને ન્યાય આપવા માટે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં નવ આતંકવાદી શિબિરોને ટારગેટ કરાયાં અને તેમને સંપૂર્ણપણે નષ્ટ કરી દેવાયાં.”
કર્નલ સોફિયાએ દાવો કર્યો કે પાકિસ્તાનમાં પાછલા ત્રણ દાયકાથી ‘આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર’નું નિર્માણ થઈ રહ્યું હતું. કર્નલ સોફિયાએ જણાવ્યું કે ‘આતંકી માળખાં’ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ફેલાયેલાં છે.
સોફિયાના સહાધ્યાયીએ તેમને કેવી રીતે યાદ કર્યાં?

ઇમેજ સ્રોત, Information Department, Gujarat
સોફિયાના સહાધ્યાયી અને એમ. એસ. યુનિવર્સિટીના બાયૉકેમિસ્ટ્રી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર દેવેશ સુથારે આજે જ્યારે સોફિયાનું નામ આખા દેશમાં ચર્યાનો વિષય બન્યું છે ત્યારે બીબીસી ગુજરાતીના સહયોગી હાર્દિક સાથેની વાતચીતમાં તેમને યાદ કર્યાં હતાં.
તેમણે કહ્યું હતું કે, “અભ્યાસકાળ દરમિયાન સોફિયા ખૂબ મિલનસાર સ્વાભાવનાં હતાં. સોફિયાનું બૅકગ્રાઉન્ટ પહેલાંથી જ આર્મીનું રહ્યું છે. સોફિયાએ દેશ, વડોદરા અને એમ. એસ. યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે. આજે અમને ખૂબ ગર્વ છે.”

ઇમેજ સ્રોત, Information Department, Gujarat
તેમણે સોફિયાના વિદ્યાર્થીજીવન અને કારકિર્દીની શરૂઆતનાં વર્ષોની વાતનો યાદ કરતાં કહ્યું, “સોફિયાએ એક વર્ષ સુધી બાયૉકેમિસ્ટ્રી ફેકલ્ટીમાં પ્રોફેસર તરીકે વિદ્યાર્થીઓ ને ભણાવ્યા પણ છે.તેને રિસર્ચમાં ખૂબ રસ હતો. અમે જ્યારે સાથે અભ્યાસ કરતા ત્યારે અંદાજો નહોતો કે તે આટલી મોટી સિદ્ધિ હાંસલ કરશે.”
“અમે ક્લાસ અને લાઇબ્રેરીમાં સાથે બેસી અભ્યાસ કરતાં હતાં. એ સમયે ઇન્ટરનેટ નહોતું. લાઇબ્રેરીમાં બુક લેવા અમારા વચ્ચે લડાઈ થતી.”
તેઓ સોફિયાના પરિવાર અંગે વાત કરતાં કહે છે કે, “તેમનાં માતાપિતા પણ ખૂબ મિલનસાર સ્વભાવનાં હતાં. અમે હોસ્ટેલમાં રહેતાં, ઘરના ભોજનની યાદ આવે ત્યારે ક્યારેક ક્યારેક સોફિયાના ઘરેથી ટિફિન આવતું. પ્રોફેસર હરિ કટારિયાના માર્ગદર્શનમાં તે રિસર્ચ પણ કરતી હતી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS