Source : BBC NEWS

મહાકુંભ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળો શરૂ થવા જઈ રહ્યો છે.

પ્રયાગરાજમાં હાલમાં તાપમાન લગભગ 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું છે. દિવસભર અહીંયા ધુમ્મસ છવાયેલું રહે છે અને બપોરે પણ સૂર્યપ્રકાશ ભાગ્યે જ જોવા મળે છે.

પરંતુ અહીંયા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવશે તેવી ધારણા છે. તેઓ ગંગા નદીમાં પવિત્ર સ્નાન કરવા ત્રિવેણી સંગમની મુલાકાત લેશે..

મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ઉમટવાના કારણે પોલીસે પ્રયાગરાજમાં મહાકુંભ મેળા તરફ રફ જતા રસ્તાઓ પર પ્રતિબંધો લાદી દીધો છે. પ્રયાગરાજ અગાઉ અલ્હાબાદ તરીકે ઓળખાતું હતું.

ત્રિવેણી સંગમ ઘાટ, હનુમાન મંદિર કૉરિડોર, સરસ્વતી ઘાટ અને અરૈલ ઘાટ તરફ જતા રસ્તાઓ પર પ્રતિબંધો જોવા મળી રહ્યો છે.

કુંભ મેળામાં 40 કરોડ શ્રદ્ધાળુઓ આવે તેવી અપેક્ષા છે

મહાકુંભ, કુંભમેળો 2025, પ્રયાગરાજ, હિંદુ, પરંપરા, શ્રદ્ધા, સંસ્કૃતિ, કુંભમેળો, ઉત્તરપ્રદેશ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યના જણાવ્યા અનુસાર ભારતના વિવિધ રાજ્યો અને 123 દેશોમાંથી 40 કરોડ શ્રદ્ધાળુઓ કુંભ મેળામાં આવે તેવી ધારણાં છે.

ઉત્તર પ્રદેશ સરકારનો અંદાજ હતો કે 2019 માં પ્રયાગરાજમાં યોજાયેલા છેલ્લા (અર્ધ) કુંભ મેળામાં લગભગ 20 કરોડ શ્રદ્ધાળુઓ આવ્યા હતા.

ઉત્તર પ્રદેશ સરકારના નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ તાજેતરમાં જ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિત દક્ષિણ ભારતીય રાજ્યોનો પ્રવાસ કર્યો હતો. ઉત્તર પ્રદેશના પ્રતિનિધિ તરીકેના તેમણે દક્ષિણ પ્રવાસ દરમિયાન કુંભ મેળા વિશે વાત કરી હતી. તેમણે યાત્રાળુઓને કુંભ મેળાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવા પત્રકાર પરિષદો યોજી હતી.

કુંભ મેળો ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે?

મહાકુંભ, કુંભમેળો 2025, પ્રયાગરાજ, હિંદુ, પરંપરા, શ્રદ્ધા, સંસ્કૃતિ, કુંભમેળો, ઉત્તરપ્રદેશ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કુંભ મેળો દર 12 વર્ષે એકવાર યોજાય છે.

છેલ્લો કુંભ મેળો 2013માં યોજાયો હતો અને ત્યાર બાદ 2019માં અર્ધ (અર્ધ) કુંભ મેળો યોજાયો હતો. અર્ધ કુંભ મેળો દર છ વર્ષે એકવાર યોજાય છે.

આ વર્ષે કુંભ મેળો 13 જાન્યુઆરી પુષ્ય મહિનાની પૂર્ણિમાના દિવસે શરૂ થશે. આ દિવસને ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને તે 45 દિવસ સુધી ચાલશે.

મહાકુંભ, કુંભમેળો 2025, પ્રયાગરાજ, હિંદુ, પરંપરા, શ્રદ્ધા, સંસ્કૃતિ, કુંભમેળો, ઉત્તરપ્રદેશ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કુંભ મેળો 26 ફેબ્રુઆરીએ મહા શિવરાત્રીના દિવસે સમાપ્ત થશે. 45 દિવસોમાં ઉપરોક્ત ઉલ્લેખિત આ છ દિવસો ભક્તો માટે ખૂબ જ ધાર્મિક મહત્ત્વના છે.

રાજ્ય સરકાર આશા રાખે છે કે લાખો ભક્તો આ છ દિવસોમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર (શાહી) સ્નાન કરવા આવશે.

સામાન્ય ભક્તો સાથે, વીઆઈપી, નાગા સાધુ, અન્ય સંતો, કલ્પવાસીઓ (જેઓ એક મહિના સુધી તપસ્યા અને કઠોર ધાર્મિક વિધિઓ કરે છે), પીઠા-અધિપતિઓ (પવિત્ર સ્થાનોના વડાઓ), મઠ-અધિપતિઓ (ધાર્મિક મઠોના વડાઓ) પણ કુંભ મેળામાં હાજરી આપશે.

કુંભ મેળાનાં 4 મહત્ત્વનાં સ્થળો:

પ્રયાગરાજ – ત્રિવેણી સંગમ

હરિદ્વાર – ગંગા નદી

ઉજ્જૈન – ક્ષિપ્રા નદી

નાસિક- ગોદાવરી નદી

કુંભ મેળો ક્યારે શરૂ થયો?

મહાકુંભ, કુંભમેળો 2025, પ્રયાગરાજ, હિંદુ, પરંપરા, શ્રદ્ધા, સંસ્કૃતિ, કુંભમેળો, ઉત્તરપ્રદેશ, બીબીસી ગુજરાતી

પ્રાચીન ઇતિહાસનાં પ્રોફેસર અને અલ્હાબાદ યુનિવર્સિટીના આર્ટસ વિભાગનાં ડીન અનામિકા રૉયે જણાવ્યું કે, “ઐતિહાસિક પુરાવા સૂચવે છે કે કુંભ મેળો સૌપ્રથમ સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન શરૂ થયો હતો.”

તેમણે દેશમાં કુંભ મેળાની શરૂઆત વિશે બીબીસી સાથે વાત કરી હતી.

રોય ઉમેરે છે કે, “ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગ (7મી સદીના ચીની બૌદ્ધ સાધુ ઝુઆનઝાંગ) ના મતે હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન કુંભ મેળા જેવો મોટો કાર્યક્રમ દર પાંચ વર્ષે લગભગ એક વાર યોજાતો હતો. ત્યારે દર પાંચ વર્ષે આવા ધાર્મિક મેળાનું આયોજન થતું અને હર્ષવર્ધન પ્રયાગ આવતા હતા. તેઓ કવિઓ અને આધ્યાત્મિક સંતોને ભેગા કરતા હતા અને તેમને દાન આપતા હતા. કુંભ મેળા અંગેનો આ પહેલો ઐતિહાસિક પુરાવો કહી શકાય.”

પ્રોફેસર રૉયે કહ્યું કે સમ્રાટ હર્ષવર્ધન પહેલાં ગુપ્ત (સામ્રાજ્ય) સમયગાળા દરમિયાન કુંભ મેળો યોજાયો હોવાનો કોઈ ઐતિહાસિક પુરાવો મળતા નથી.

“અમારા જેવા ઇતિહાસકારો ફક્ત (ઐતિહાસિક) પુરાવાઓના આધારે જ વાત કરે છે. ગુપ્તકાળ દરમિયાન કુંભ મેળાના આયોજન અંગે ક્યાંય કોઈ ઐતિહાસિક પુરાવા નથી. આપણે અત્યાર સુધી ઉપલબ્ધ પુરાવાઓ પર નજર કરીએ તો, એવા પુરાવા છે કે કુંભ હર્ષવર્ધનના સમયમાં અને તે પછી શંકરાચાર્યના સમયમાં યોજાતો હતો. ” પ્રોફેસર અનામિકા રૉયે કહ્યું.

અનામિક રૉયે બીબીસીને જણાવ્યું હતું કે શ્રી કરપત્રી સ્વામી દ્વારા લખાયેલ પુસ્તક ‘કુંભ તિથ્યાદિ નિર્ણય’માં કુંભનો ઉલ્લેખ છે. પરંતુ તે શંકરાચાર્યના સમયમાં યોજાતો હોય તેના કોઈ સ્પષ્ટ પુરાવા નથી.

શંકરાચાર્ય ખગોળશાસ્ત્રનું પાલન કરતા હતા. દર 12 વર્ષે તારાઓ ભેગા થતા ત્યારે શંકરાચાર્ય તે સમયે કુંભ મેળાનું આયોજન કરતા હતા. આને ગણીએ તો આ ક્રમમાં એવું કહી શકાય કે તે ઇતિહાસ સાથે જોડાયેલો છે. પ્રોફેસર રૉય નોંધે છે.

કુંભ મેળા વિશે અન્ય સ્ત્રોતો શું કહે છે?

મહાકુંભ, કુંભમેળો 2025, પ્રયાગરાજ, હિંદુ, પરંપરા, શ્રદ્ધા, સંસ્કૃતિ, કુંભમેળો, ઉત્તરપ્રદેશ, બીબીસી ગુજરાતી

તેલુગુ પુજારી યાદવેલી ચંદ્રશેખર પ્રવીણ શર્માએ બીબીસીને સમજાવ્યું કે કુંભ મેળો દેશમાં ચાર અલગ અલગ સ્થળોએ કેમ યોજાય છે. પ્રવીણ શર્મા છેલ્લાં 12 વર્ષથી પ્રયાગરાજમાં પુરોહિતની ફરજો બજાવી રહ્યા છે.

તેમણે કહ્યું કે કુંભ મેળાના આયોજન વિશે પૌરાણિક કથાઓમાં વિવિધ વાર્તાઓ છે. અને ચાર સ્થળોનાં ધાર્મિક મહત્ત્વની ઐતિહાસિકતા પણ છે.

“‘સામ અને અથર્વવેદ અનુસાર જ્યારે દેવતાઓ અને રાક્ષસોએ સમુદ્ર મંથન કર્યું હતું ત્યારે તેમાંથી અમૃતનો ઘડો નીકળ્યો હતો. ત્યારે જયંત નામનો કાગડાએ તેને તેના મોંમાં લઈને પૃથ્વીની પરિક્રમા કરી હતી.

એવું કહેવાય છે કે પછી અમૃત કળશ (અમરત્વનું અમૃત) માંથી ચાર ટીપાં પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં પડ્યા હતા. જેના કારણે આ સ્થાનો ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પ્રવીણ શર્માએ સમજાવ્યું.

કુંભ મેળો દર 12 વર્ષે ફક્ત એક જ વાર કેમ યોજાય છે?

ચંદ્રશેખર પ્રવીણ શર્માએ સમજાવ્યું કે કુંભ મેળો દર12૨ વર્ષે શા માટે યોજાય છે.

“આપણો એક દિવસ 24 કલાકનો હોય છે. દેવતાઓ માટે એક દિવસ આપણાં કેટલાંય વર્ષો જેટલો હોય છે. પુરાણો કહે છે કે પક્ષીએ 12 દિવસ પૃથ્વીની પરિક્રમા કરી હતી. તેથી જ દર 12 વર્ષે તેને યોજવાનો રિવાજ છે,” પ્રવીણ શર્માએ કહ્યું.

કુંભ મેળો ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ પર યોજાય છે. વિદ્વાનો કહે છે કે સંગમ સ્થળે સરસ્વતી અંદરની બાજુ વહે છે.

મુલાકાતીઓ માટે કુંભ મેળામાં શું વ્યવસ્થા કરવામાં આવી છે?

મહાકુંભ, કુંભમેળો 2025, પ્રયાગરાજ, હિંદુ, પરંપરા, શ્રદ્ધા, સંસ્કૃતિ, કુંભમેળો, ઉત્તરપ્રદેશ, બીબીસી ગુજરાતી

પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે એક ખાસ ઘાટ ઊભો કરવામાં આવ્યો છે. ત્યાં સુધી પહોંચવા માટે લગભગ ત્રણથી ચાર કિલોમીટર જેટલું ચાલવું પડે છે.

યુપી સરકારે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યા પછી ભક્તો કપડાં બદલી શકે તે માટે ‘ફ્લોટિંગ ચેન્જિંગ રૂમ’ પણ બનાવ્યા છે.

“અમે ભક્તો અને VIP લોકો માટે 12 જેટી પર ચેન્જિંગ રૂમ બનાવી રહ્યા છીએ. ભક્તો જેટી સુધી પહોંચીને પગથિયાં ઊતરી નદીમાં સ્નાન કરી શકશે. સ્નાન કરીને તે કપડાં બદલવા માટે ઉપર આવી શકે છે.” આ જેટીઓનું નિર્માણ કરતી કંપની દાસ ઍન્ડ કુમારના પાર્નર યશ અગ્રવાલે બીબીસીને જણાવ્યું.

‘ફ્લોટિંગ ચેન્જિંગ રૂમ’ ઉપરાંત સરકારે સંગમના કિનારે પણ કામચલાઉ ચેન્જિંગ રૂમ બનાવ્યા છે.

યાત્રાળુઓ માટે સુવિધાઓનું કામકાજ હજુ પણ પુરજોશમાં ચાલુ છે જેમ કે કુંભ મેળા વિસ્તારમાં નદી કિનારાના વિસ્તારને સમતળ બનાવવો. ફ્લોટિંગ પુલનું બાંધકામ પણ ચાલી રહ્યું છે.

2013ના કુંભ મેળામાં 22 ફ્લોટિંગ પુલ બનાવવામાં આવ્યા હતા. જ્યારે આ વખતે, 30 પુલ બનાવવામાં આવ્યા છે. પુલનું નિરીક્ષણ કરી રહેલા અધિકારીઓ કહે છે કે આ માટે 3,308 પોન્ટૂન ( હોડી જેવી રચના ) પુલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ પુલનો ઉપયોગ ફક્ત પગપાળા જનારા લોકો જ નહીં પરંતુ 5 ટન વજનવાળાં વાહનો પણ કરી શકે છે.

વાહનોને નદીની રેતીમાં ફસાઈ ન જાય તે માટે સરકારે 2,69,000 લોખંડના ફ્રેમ બનાવી રહી છે. જે કુલ 488 કિમીના પાકા રસ્તાઓને આવરી લેશે.

નદીના પટ પર કેટલાક રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. વાહનોને ફસાઈ ન જાય તે માટે, રસ્તાઓ અને રસ્તાઓ પર 2,69,000 લોખંડનાં પતરા (ચેકર્ડ પ્લેટો) પાથરવામાં આવ્યા છે.

નદી કિનારે જમીન સમતળ કરવાનું અને રેતીની થેલીઓ નાખવાનું કામ ચાલી રહ્યું છે. JCB સવારથી રાત સુધી કામ કરી રહ્યા છે. તે માટી ઉપાડી કિનારે નાંખી વિસ્તારને સમતળ કરી રહ્યા છે.

ટેન્ટ સિટીમાં મુલાકાતીઓ માટે તંબુ બનાવવાનું કામ હજુ પૂર્ણ થયું નથી.

કુંભ મેળા ઓથોરીટીએ ત્રિવેણી સંગમની આસપાસના 4,000 હેક્ટર વિસ્તારમાં કુંભ મેળા માટે વ્યવસ્થા કરી છે.

કુંભ મેળાના એડિશનલ અધિકારી વિવેક ચતુર્વેદીએ બીબીસીને જણાવ્યું કે, જમીન ફાળવણી પરંપરાગત પદ્ધતિ અનુસાર જ કરવામાં આવી છે.

“અમે ચાર હજાર હેક્ટર જમીન સમતળ કરી છે અને તેને અખાડા, દાંડીવડા, અચરવડા, શંકરાચાર્ય, મહામંડલેશ્વર સહિત વિવિધ સંસ્થાઓને મફતમાં ફાળવી છે. સરકારે ત્યાં તંબુ, પાણીનું જોડાણ અને વીજળી જેવી સુવિધાઓ પણ પૂરી પાડી છે,” વિવેક ચતુર્વેદીએ જણાવ્યું.

વિવેક ચતુર્વેદીએ બીબીસીને જણાવ્યું કે 1850 હેક્ટર જમીન પર વાહનો માટે પાર્કિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવી છે.

એક વૈભવી તંબુમાં રહેવા માટેનો રોજનો ખર્ચ 1.10 લાખનો થઈ શકે છે.

2019 માં યોજાયેલા અર્ધ કુંભ મેળા માટે 80 હજાર તંબુ બાંધવામાં આવ્યા હતા, જ્યારે આ વખતે ૧.૬૦ લાખ તંબુ બાંધવામાં આવી રહ્યા છે.

ભક્તોને સમાવવા માટે ટેન્ટ સિટીમાં કામચલાઉ તંબુ પણ બનાવવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશ પ્રવાસન વિભાગની સાથે આઈઆરસીટીસી સહિત 11 ખાનગી સંસ્થાઓ પણ શ્રદ્ધાળુઓના રોકાણ માટે તંબુ બનાવી રહી છે.

પ્રવાસન વિભાગ ડૉર્મિટરી, ડબલ બેડરૂમ વિલા, સિંગલ બેડરૂમ, મહારાજા કૉટેજ અને અન્ય શ્રેણીઓ હેઠળ રહેઠાણ માટે બુકિંગ ઓફર કરી રહ્યું છે.

અધિકારીઓ કહે છે કે રહેઠાણમાં બેડ, બાથરૂમ, સોફા- ખુરશી અને જમવાની સુવિધાઓનો સમાવેશ થાય છે.

અહીં જે તંબુ ઉપલબ્ધ છે તેનું ભાડું રોજના 1500 થી લઈને અધધધ 1.10 લાખ સુધીનું છે.

ડોમ સિટી નામના સ્થળે તંબુ બનાવવામાં આવી રહ્યા છે, જ્યાં પ્રતિ દિવસનું ભાડુ રૂ. 1.10 લાખ લેવામાં આવે છે.

વધુ વિગતો માટે કરીને વેબસાઇટ https://kumbh.gov.in/en/Wheretostaylist ની મુલાકાત લો એમ પ્રવાસન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

ગંગા નદીમાં સ્વચ્છતા મુશ્કેલ !

કુંભ મેળાની શરૂઆત પહેલાં યમુના અને ગંગા નદીઓમાં કચરો જોવા મળી રહ્યો છે. ત્રિવેણી સંગમ ઘાટ પર ભક્તો નદીમાં ફૂલો અને અન્ય પૂજા-સામગ્રી નદીમાં પધરાવી રહ્યા છે.

સ્વચ્છતા કર્મચારીઓ નદીની સફાઈ કરતા જોવા મળી રહ્યા છે. વિવેક ચતુર્વેદીએ કહ્યું કે કચરો નદીમાં ન જાય તે માટે સાવચેતી રાખવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે નદીની સ્વચ્છતા અંગે NGTના નિર્દેશો અનુસાર તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ સ્પષ્ટતા કરી કે સ્વચ્છતા સુધારવા માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

“આ વખતે અમે કુંભ મેળાને દિવ્ય-ભવ્ય-ડિજિટલ કુંભ મેળો કહી રહ્યા છીએ. અમે 1.50 લાખ શૌચાલય બનાવ્યાં છે. પર્યાવરણનું રક્ષણ કરવા અમે સિંગલ-યૂઝ પ્લાસ્ટિકને દૂર કરવા પગલાં લઈશું. અમે 11 ભાષાઓમાં ચેટ બૉટ પણ તૈયાર કરી રહ્યા છે.” મૌર્યએ ઉમેર્યું.

અંડરવૉટર ડ્રોનથી દેખરેખ

મહાકુંભ, કુંભમેળો 2025, પ્રયાગરાજ, હિંદુ, પરંપરા, શ્રદ્ધા, સંસ્કૃતિ, કુંભમેળો, ઉત્તરપ્રદેશ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

કુંભ મેળાના અધિકારી વિવેક ચતુર્વેદીએ બીબીસીને જણાવ્યું કે કુંભ મેળામાં યાત્રાળુઓની સુરક્ષા માટે 50,000 પોલીસ કર્મચારીઓ તહેનાત કરાશે.

“અમે 2,700 AI આધારિત CCTV કેમેરા લગાવ્યા છે. તે બધા કમાન્ડ કંટ્રોલ સેન્ટર સાથે જોડાયેલા છે. આ કૅમેરાની મદદથી અમે ભક્તો અને મેળાનાં તમામ સ્થળોની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યા છીએ,” વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું.

કુંભ મેળાના અધિકારીઓ કહે છે કે પાણીની અંદર અંડરવૉટર ડ્રોનથી પણ દેખરેખ રાખવામાં આવી રહી છે જે 100 મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે.

પોન્ટૂન પુલો પર પોલીસ પેટ્રોલિંગ કરતી જોઈ શકાય છે. આ પુલ વનવે હોવાથી પોલીસ એક બાજુથી જ વાહનચાલકોને જવા દઈ રહી છે.

જોકે અધિકારીઓ કહે છે કે ગયા વર્ષે જ સંગમ તરફ જતા રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા છે. પરંતુ ટ્રાફિક સમસ્યા ગંભીર તો છે જ.

સાંકડા રસ્તાઓ ટ્રાફિક જામનું કારણ બની રહ્યા છે અને વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પ્રયાગરાજના રહેવાસીઓનું કહેવું છે કે કુંભ મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા વધી શકે છે.

“કુલ પાંચથી છ હજાર જાહેર પરિવહન માટે બસો હશે. અમે ખાતરી કરી રહ્યા છીએ કે લોકોને અવરજવરમાં કોઈ સમસ્યા ન આવે. ઍરપોર્ટ પર નવું ટર્મિનલ ખૂબ જ ટૂંક સમયમાં ખોલવામાં આવશે. અમે કુલ 67 હજાર LED લાઇટો પણ લગાવી રહ્યા છીએ,” વિવેક ચતુર્વેદીએ બીબીસીને જણાવ્યું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS