Source : BBC NEWS

કોલકતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની દીલધડક મેચ, આઈપીએલ 2025, ક્રિકેટના લેટેસ્ટ સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

4 મે 2025, 08:20 IST

અપડેટેડ 3 કલાક પહેલા

રવિવારે કોલકતા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે દીલધડક મુકાબલો યોજાયો હતો, જેમાં રાજસ્થાનની ટીમનો એક રને પરાજય થયો હતો.

કોલકતાની ટીમે વિજય માટે 207 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. એક તબક્કે રાજસ્થાનની અડધી ટીમ માત્ર 75 રને આઉટ થઈ ગઈ હતી.

એવામાં કૅપ્ટન રિયાન પરાગ મેદાન ઉપર ઉતર્યા હતા અને તેમણે મૅચમાં પ્રાણ ફૂંક્યા હતા. છતાં રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 205 રન જ બનાવી શકી હતી. આમ તેનો એક રને પરાજય થયો હતો.

કૅપ્ટન રિયાન પરાગે 45 બૉલમાં છ ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે 95 રનની તોફાની ઇનિંગ રમી હતી.

છેલ્લી ઓવરમાં મૅચ ખૂબ જ રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ હતી. રાજસ્થાને ત્રણ બૉલમાં 13 રન કરવાના હતા.

શુભમ દુબેએ એક ચોગ્ગો અને એક છગ્ગો મારીને મૅચને રોમાંચક બનાવી દીધી હતી. રાજસ્થાનને વિજય માટે છેલ્લા બૉલમાં ત્રણ રન જોઈતા હતા.

પરંતુ સામા છેડે રહેલા જોફ્રા આર્ચર રન લેતી વખતે આઉટ થઈ ગયા હતા.

રાજસ્થાન રૉયલ્સના ઑપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી વધુ એક વખત નિષ્ફળ રહ્યા હતા, તેઓ ચાર રન બનાવીને આઉટ થઈ ગયા હતા.

કોલકતા તરફથી આંદ્રે રસેલે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. તેમણે 25 બૉલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી આ સ્કોર ખડક્યો હતો.

ધો. 12 ગુજરાત બોર્ડનાં પરિણામ આવતીકાલે જાહેર થશે, આવી રીતે જોઈ શકાશે રિઝલ્ટ

12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહની પરીક્ષાનું પરિણામ કેવી રીતે જાણવું, gseb.org, વોટ્સએપ નંબર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં લેવાયેલી ધો. 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહની પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર થશે.

આ સિવાય ગુજકેટ-2025 તથા સંસ્કૃત માધ્યમની પરીક્ષાનાં રિઝલ્ટ પણ જાહેર થશે.

આ માહિતી ગુજરાતના પ્રાથમિક, ઉચ્ચતર માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ (અગાઉ ટ્વિટર) પોસ્ટમાં આપી હતી.

અન્ય એક પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ gseb.org પર પોતાનો સીટ નંબર દાખલ કરીને પરિણામ જાણી શકશે.

આ સિવાય 6357300971 નંબર પર બેઠક ક્રમાંક દાખલ કરીને પરિણામ જાણી શકશે.

ઇઝરાયલના આ મુખ્ય ઍરપૉર્ટ પર કોણે છોડી મિસાઇલ?

ઇઝરાયલના આ મુખ્ય ઍરપૉર્ટ પર કોણે છોડી મિસાઇલ? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇઝરાયલી અધિકારીઓએ દાવો કર્યો છે કે યમનથી છોડવામાં આવેલી એક મિસાઇલ રવિવારે સવારે ઇઝરાયલના બેન ગુરિયન ઍરપૉર્ટના મેન ટર્મિનલ પાસે પડી હતી.

ઑનલાઇન પોસ્ટ કરવામાં આવેલાં અસત્યાપિત ફૂટેજમાં દેખાડવામાં આવ્યું છે કે તેલ અવીવના બહારના વિસ્તારમાં આવેલા આ ઍરપૉરટ પાસે એક મિસાઇલ પડવાને કારણે કાળો ધુમાડો છવાઈ ગયો. જે કારણે સડક પર ચાલતા લોકો અને સડક પર ચાલતી ગાડીમાં સવાર લોકો ગભરાઈને છુપાઈ ગયા.

ઇઝરાયલી મીડિયાએ ઇમરજન્સી સેવાઓનો હવાલો આપીને કહ્યું કે વિસ્ફોટના કારણે ચાર લોકો ઘાયલ થયા છે અને બે લોકો શેલ્ટર લેવા જતા ઘાયલ થયા છે.

ઇઝરાયલના સંરક્ષણ મંત્રી કાટ્જે એક નિવેદનમાં કહ્યું, ” જે કોઈ અમારા પર હુમલો કરશે, તેના પર અમે સાત ગણી તાકાતથી મારીશું.”

હૂતી સૈન્ય પ્રવક્તા યાહ્યા સારેયાએ ટેલિવિઝન પર આપેલા નિવેદનમાં જણાવ્યું કે “ઇઝરાયલ ઍરપૉર્ટ હવે હવાઇયાત્રા માટે સુરક્ષિત નથી.”

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં બેની ધકપકડ કરાઈ હોવાનો પંજાબ પોલીસનો દાવો

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં બેની ધકપકડ કરાઈ હોવાનો પંજાબ પોલીસનો દાવો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

પંજાબ પોલીસે દાવો કર્યો છે કે તેણે સંવેદનશીલ જાણકારી શૅર કરવાની કથિત ભૂમિકા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.

પોલીસે રવિવારે જણાવ્યું કે અમૃતસર ગ્રામીણ પોલીસે પલક શેર મસીહ અને સૂરજ મસીહને શનિવારે પકડ્યા છે.

અમૃતસરમાં એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરતા એસએસપી(ગ્રામીણ) મનિંદરસિંહે કહ્યું, “અમને એક જાણકારી મળી હતી કે અજનાલા થાણાના એક ગામમાં બે વ્યક્તિ પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓને સંવેદનશીલ જાણકારી શૅર કરી રહ્યા છે.”

મનિંદરસિંહે કહ્યું, “અમે કાલે પલક શેર મસીહ અને સૂરજ મસીહ નામની બે વ્યક્તિની ધરપકડ કરી છે. અમે ચેક કર્યું તે ખબર મળી કે તેમણે તેમના મોબાઇલ મારફતે સંવેદનશીલ સ્થળોની તસવીરો અને વીડિયો શૅર કર્યાં હતાં.”

“અમે પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓના ફોન નંબર પણ મળ્યા છે, જેમની સાથે તેઓ જાણકારી શૅર કરતા હતા.”

પોલીસે જણાવ્યું, “તેમની સામે અમે એફઆઈઆર નોંધી છે. તેમના સાથી હરપ્રીતસિંહ મામલે જાણકારી પ્રાપ્ત થઈ છે. જે અમૃતસરની સેન્ટ્રલ જેલમાં બંધ છે. જેમના થકી આ બંનેનો પાકિસ્તાની એજન્સીઓ સાથે સંપર્ક હતો.”

પહલગામ હુમલો : ઓવૈસીએ કહ્યું કે વિપક્ષો સરકારના તમામ નિર્ણયમાં તેની સાથે છે

એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે સરકારે પહલગામ હુમલા બાદ કાર્યવાહી કરવી જોઈએ.
બીબીસી ગુજરાતી, ગુજરાત, પાકિસ્તાન, બીબીસી, રાજકારણ, નરેન્દ્ર મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, ANI

ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન(એઆઈએમઆઈએમ)ના અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ઑલ પાર્ટી મિટિંગમાં થયેલી ચર્ચા પર મીડિયા સાથે વાતચીત કરી.

તેમણે કહ્યું, “વિપક્ષે ઑલ પાર્ટી મિટિંગમાં સરકારને કહ્યું કે તમે તેના પર(પહલગામ હુમલા પર) જે કાર્યવાહી કરો અને પીડિત પરિવારોને ઇન્સાફ અપાવો તથા આતંકવાદને હંમેશાં માટે ખતમ કરો.”

“સરકાર જે કોઈ નિર્ણય લેશે, અમે તેની સાથે છે. પરંતુ તે શું કરવા માગે છે અને શું કરશે તે અમને જણાવે.”

તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનથી આતંકવાદી આવીને આપણા દેશના લોકોની હત્યા કરે છે.

પાકિસ્તાને નૅશનલ ઍસેમ્બ્લીનું વિશેષ સત્ર બોલાવાયું, શું છે હેતુ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, પાકિસ્તાન, બીબીસી, રાજકારણ, નરેન્દ્ર મોદી, ભાજપ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સોમવારે 5 મે, 2025ની સાંજે 5 વાગ્યે નૅશનલ ઍસેમ્બ્લીનું વિશેષ સત્ર બોલાવ્યું છે.

રાષ્ટ્રપતિ ઝરદારીએ પાકિસ્તાની બંધારણના અનુચ્છેદ 54ની ધારા 1 અંતર્ગત પ્રાપ્ત અધિકારોનો ઉપયોગ કરીને નૅશનલ ઍસેમ્બ્લીનું સત્ર બોલાવ્યું છે.

આ સત્ર વર્તમાન નૅશનલ ઍસેમ્બ્લીનું 16મું સત્ર હશે.

આ પહેલાં શનિવારે સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફની અધ્યક્ષતામાં એક પરામર્શ બેઠક થઈ. આ બેઠકમાં એવો નિર્ણય લેવાયો કે સોમવારે નૅશનલ ઍસેમ્બ્લીનું સત્ર બોલાવાશે, જેમાં ભારતની સંભવિત આક્રમકતા અને કાર્યવાહીઓની નિંદા કરવાનો એક પ્રસ્તાવ પસાર કરાશે.

ગત મહિનાના અંતે, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશમંત્રી ઇસહાક ડારે નૅશનલ ઍસેમ્બ્લીમાં બારતની હાલની આક્રમકતા અને એકતરફી કાર્યવાહીઓની નિંદા કરવાનો એક પ્રસ્તાવ રજૂ કર્યું હતું, જેને સર્વસંમતિથી પસાર કરાયો.

22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલામાં 26 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાંથી મોટા ભાગના પર્યટક હતા.

આ હુમલા બાદથી બંને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.

પીએમ મોદી સહિત વિશ્વના ઘણા નેતાઓએ એન્થની અલ્બનીઝને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યાં

બીબીસી ગુજરાતી, ગુજરાતી, ગુજરાત, બીબીસી, એન્થની અલ્બનીઝ, ઑસ્ટ્રેલિયા, નરેન્દ્ર મોદી, રાજકારણ

ઇમેજ સ્રોત, Getty Images

ઑસ્ટ્રેલિયાની સામાન્ય ચૂંટણીમાં જીત અને ફરી વાર વડા પ્રધાન તરીકે ચૂંટાઈ આવવા બદલ એન્થની અલ્બનીઝને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યાં હતાં.

તેમણે પોતાના ઍક્સ એકાઉન્ટમાં લખ્યું, “એન્થની અલ્બનીઝને તેમની શાનદાર જીત અને ફરી વાર ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ચૂંટાઈ આવવા બદલ અભિનંદન. આ જબરદસ્ત જનાદેશ બતાવે છે કે ઑસ્ટ્રેલિયન જનતાને તમારા નેતૃત્વમાં કેટલો વિશ્વાસ છે. હું ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વ્યૂહરચનાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને પ્રગતિ માટે તમારી સાથે કામ કરવા માટે ઉત્સુક છું.”

આ સાથે જ, સમગ્ર વિશ્વના નેતાઓએ પણ ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બનીઝને તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યાં હતાં.

બ્રિટનના વડા પ્રધાન કીએર સ્ટાર્મરે ઑસ્ટ્રેલિયા અને બ્રિટન વચ્ચેની મજબૂત મિત્રતાની પ્રશંસા કરી અને ઑક્સ સિક્યૉરિટી પાર્ટનરશિપની સતત પ્રગતિની સરાહના કરી.

અમેરિકના વિદેશમંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે ઑસ્ટ્રેલિયા અમેરિકાનો નિકટનો અને ભરોસાપાત્ર મિત્ર છે અને તેઓ અલ્બનીઝ સાથે મળીને સ્વતંત્રતા અને સુરક્ષા વધારવા માટે કામ કરવા માગે છે.

તેમજ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ઑસ્ટ્રેલિયાને તેના સતત સમર્થન માટે અભિનંદન પાઠવ્યાં અને કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચે મજબૂત ભાગીદારીને વધુ આગળ લઈ જવા માગે છે.

આ સિવાય કૅનેડાના નવા ચૂંટાયેલા વડા પ્રધાન માર્ક કાર્નીએ કહ્યું કે ઑસ્ટ્રેલિયા અને કૅનેડા સૌથી ભરોસાપાત્ર મિત્ર છે અને તેમણે આ સંબંધને વધુ મજબૂત કરવાની તકને મહત્ત્વ આપવાની વાત કરી.

અબજોપતિ રોકાણકાર વૉરેન બફેટ બર્કશાયર હેથવેના સીઇઓ પદેથી રાજીનામું આપશે

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, વિશ્વના સમાચાર, ગુજરાતના સમાચાર, વૉરેન બફેટ, રોકાણ,

ઇમેજ સ્રોત, Getty Images

અબજોપતિ રોકાણકાર વૉરેન બફેટે જાહેરાત કરી છે કે તેઓ આ વર્ષના અંતમાં બર્કશાયર હેથવેના સીઇઓ પદેથી રાજીનામું આપશે.

94 વર્ષના બફેટે પોતાની કંપનીની વાર્ષિક બેઠકમાં કહ્યું કે તેઓ વાઇસ પ્રેસિડેન્ટ ગ્રેગ એબલને કંપનીની ધુરા સોંપશે.

તેમણે કહ્યું, “મને લાગે છે કે હવે સમય પાકી ગયો છે કે જ્યારે ગ્રેગે આ વર્ષના અંતમાં કંપનીના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઇઓ) બની જવું જોઈએ.”

બફેટે બર્કશાયર હેથવેની એક સમયે નિષ્ફળ થઈ રહેલી ટેક્સટાઇલ કંપનીમાંથી એક મોટી રોકાણકાર કંપનીની કાયાપલટ કરી નાખી હતી, જેનું વર્તમાન મૂલ્ય લગભગ 1.16 ટ્રિલિયન ડૉલર છે.

તેમને વિશ્વના સૌથી સફળ રોકાણકાર માનવામાં આવે છે.

બર્કશાયર હેથવે પાસે 60 કરતાં વધુ કંપનીઓ છે, જેમાં વીમા કંપની ગેકો, બૅટરી નિર્માતા ડ્યૂરાસેલ અને ઘણી રેસ્ટોરાં જેમ કે ડેરી ક્વીન સામેલ છે.

આ સિવાય તેમની પાસે ઍપલ, કોકા કોલા, બૅંક ઑફ અમેરિકા અને અમેરિકન ઍક્સપ્રેસ જેવી મોટી કંપનીઓમાં પણ ભાગીદારી છે.

ગત મહિને બ્લૂમબર્ગ પ્રમાણે, વૉરેન બફેટ વિશ્વની ચોથી સૌથી અમીર વ્યક્તિ હતા, જેમની કુલ સંપત્તિ 154 અબજ ડૉલર છે.

ઍપલના સીઇઓ ટીમ કૂકે પણ બફેટની નિવૃત્તિ અંગે ઍક્સ પર પોસ્ટ કરી છે.

તેમણે લખ્યું, “વૉરેન જેવા કોઈ નથી અને અગણિત લોકો, જેમાં હું પણ સામેલ છું, તેમની સમજદારીથી ખૂબ પ્રેરિત થયા છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS