Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિકાસ પાંડે, અંતરિક્ષા પઠાનિયા અને ઝોયા મતીન
- પદ, બીબીસી ન્યૂઝ, અમદાવાદ
-
14 જૂન 2025, 21:15 IST
અપડેટેડ 56 મિનિટ પહેલા
બીજે મેડિકલ કૉલેજના છાત્રાલયમાં ગુરુવારની બપોરે વધુ ચહલપહલ ન હતી પરંતુ અહીંની કૅન્ટીનમાં બપોરે જમી રહેલા વિદ્યાર્થીઓથી ભીડ જરૂરથી હતી.
મજાક અને અરસપરસ મશ્કરી અને શૈક્ષણિક ચર્ચાના અવાજથી કૅન્ટીનનો આ રૂમ ગુંજી રહ્યો હતો.
સ્થાનિક સમય મુજબ બપોરે 13 : 39 વાગ્યા સુધીમાં આ કૅન્ટીનમાં ઓછામાં ઓછા 35 લોકો હતા. કેટલાકનું જમવાનું પતી ગયું હતું અને તેઓ આરામ કરી રહ્યા હતા, જ્યારે અન્ય પોતાનો જમવાનો વારો આવવાની રાહ જોતા કતારમાં ઊભા હતા.
વિદ્યાર્થી ડૉકટરો અને પરિવારના સભ્યો સાથે મળીને વાતચીત કરતા હતા પરંતુ અચાનક બધું બદલાઈ ગયું.
જેટ-એન્જિન નજીક આવવાના પ્રચંડ અવાજથી કૅન્ટીનનો મજાક-મસ્તીભર્યો અવાજ ખોવાઇ ગયો – અને પછી રૂમમાં ભયંકર વિસ્ફોટ થયો.
એક મિનિટ કરતાં પણ ઓછા સમય પહેલાં ફ્લાઇટ AI171એ અમદાવાદના ઍરપૉર્ટના રન-વે પરથી માત્ર 1.5 કિમી દૂરથી ઉડાન ભરી હતી.
ઍર ઇન્ડિયા 787 ડ્રીમલાઇનર 242 મુસાફરોને લઈને લંડન જઈ રહ્યું હતું.
પરંતુ કંઈક ભયાનક રીતે ખોટુ થયું હતું અને વિમાનનાં પૈંડા જમીન પરથી ઊંચાં થયાં એની થોડીક સેકન્ડ બાદ જ ડ્રીમલાઇનર મુશ્કેલીમાં મુકાઈ ગયું.
આ વિમાન ડૉક્ટરોની હૉસ્ટેલની ટોચ પર એક વ્યસ્ત રહેણાંક વિસ્તારમાં અથડાયું. આ પહેલા પાઇલોટે મેડે કૉલ મોકલાવ્યો હતો. વિમાન અથડાયું અને જોતજોતાંમાં એક વિશાળ આગના ગોળામાં ફેરવાઇ ગયું. વિમાનમાં સવાર એક મુસાફર સિવાય બધાં જ મૃત્યુ પામ્યાં.
બીબીસીએ આ ભયાનક થોડીક સેકન્ડોમાં શું બન્યું અને ત્યારબાદ શું બન્યું તે વિશેની માહિતી એકત્રિત કરવા માટે હૉસ્ટેલમાં રહેલા વિદ્યાર્થીઓ, મૃત્યુ પામેલા તાલીમાર્થી ડૉક્ટરોના મિત્રો અને તેમના શિક્ષકો સહિત પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરી હતી.
‘બહેરાશ લાવી દે એવો અવાજ સંભળાયો’

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images
આસપાસમાં રહેતા લોકો પહેલા તો સમજી જ ના શક્યા કે શું થયું છે.
કૉલેજના કિડની સાયન્સ વિભાગમાં કામ કરતા એક ડૉક્ટર કહે છે કે તેઓ અને તેમના સાથીદારો તેમનાં બિલ્ડિંગમાં લગભગ 500 મીટર દૂર હતા ત્યારે તેમને બહારની તરફ કાન બહેરા કરી નાંખે તેવો અવાજ સંભળાયો.
તેમણે કહ્યું, “પહેલા તો અમને લાગ્યું કે વીજળી પડી રહી છે. પરંતુ પછી અમે વિચાર્યું શું 40 ડીગ્રી તાપમાનની સૂકી ગરમીમાં આ શક્ય કઇ રીતે બને?”
ડૉક્ટરો બહાર દોડી આવ્યા.
ત્યારે તેમણે થોડા લોકોને ચીસો પાડતા સાંભળ્યા: “જુઓ, અહીં આવો, એક વિમાન અમારી ઇમારત સાથે અથડાયું છે.”
પછીની થોડી મિનિટો સાવ અસ્પષ્ટ હતી. કૅમ્પસમાં અંધાધૂંધીનાં દૃશ્યો છવાઈ ગયાં કારણ કે, લોકો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા – અથવા તો શું થયું છે તે જાણવા માટે દોડી રહ્યા હતા.
ભોજન કરતા લોકો પર પડ્યું પ્લેન ત્યારે શું થયું?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
પ્રિન્સ અને ક્રિશ પટણી નામના બે ભાઇઓ હૉસ્ટેલથી થોડા મીટર દૂર તેમની બાઇક પર હતા ત્યારે તેમણે અવાજ સાંભળ્યો.
18 વર્ષીય પ્રિન્સે બીબીસીને જણાવ્યું, “થોડીવારમાં જ અમને વિમાનની પાંખ જેવું કંઇ દેખાવા લાગ્યું.”
“અમે ઘટનાસ્થળે દોડી ગયા પરંતુ આગને કારણે ગરમી ખૂબ જ તીવ્ર હતી અને અમે હૉસ્ટેલમાં પ્રવેશી શક્યા નહીં. ત્યાં ઘણો કાટમાળ પડ્યો હતો.”
આ બે ભાઈઓ સ્થાનિક વિસ્તારના કેટલાક અન્ય સ્વયંસેવકો સાથે ગરમી ઓછી થાય તેની રાહ જોતા રહ્યા. પછી તેમણે ઇમારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. પ્રવેશદ્વાર સામેથી કાટમાળ ખસેડવા માટે તેઓએ પોલીસ સાથે મળીને કામ કર્યું.
આખરે તેઓ જ્યારે કૅન્ટીનમાં પહોંચ્યા ત્યારે તેઓ કંઈ જોઈ શક્યા નહીં.
ધુમાડાનાં ઘેરાં અને ગાઢ વાદળો ઓરડામાં છવાઈ ગયાં હતાં.
હવામાં બળી ગયેલી ધાતુની ગંધ આવતી હતી.
20 વર્ષીય ક્રિશ સમજાવે છે કે થોડીવાર પહેલાં ક્રિકેટ રમવા જઈ રહેલા તેમણે વધુ વિસ્ફોટ ટાળવા માટે ગૅસ સિલિન્ડરોને ત્યાંથી કાઢવાનું શરૂ કર્યું.
પછી તેમણે અને અન્ય સ્વયંસેવકોએ સૂટકેસનો ઢગલો જોયો અને તેમને ખસેડવા ગયા.
આગળ શું થયું? તેમણે કહ્યું કે તે રુંવાડા ઊભા કરી નાખે તેવું હતું.
આ સામાનની પાછળ તેઓ લોકોને શોધવા લાગ્યા.
મોટાભાગના જીવતા હતા. કેટલાકના હાથમાં ભોજનથી ભરેલી ચમચી હતી, કેટલાકની સામે જમવાની થાળી હતી, અને કેટલાકના હાથમાં ગ્લાસ હતા.
આ બધા ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તેઓ આઘાતના લીધે શાંત હતા. થોડી મિનિટ પહેલાં બપોરનું જમવાનું લઈને આરામ કરતા આ લોકો હવે બળી ગયેલા વિમાનના ધાતુના ટુકડાઓથી ઘેરાયેલા હતા.
“તેમને પ્રતિક્રિયા આપવાની તક પણ મળી નહતી,” નજીકના મકાનમાં રહેતા બીજા એક ડૉક્ટરે અમને કહ્યું.
‘એક મોટો ધડાકો અને ભયાનક ચીસો સંભળાઈ’

ઇમેજ સ્રોત, Dr Kevin Prajapati and Dr Bharat Ayar
છાત્રાલયમાં રહેતા બીજા વર્ષના વિદ્યાર્થી બચી જવામાં સફળ રહ્યા.
જ્યારે વિમાન ક્રૅશ થયું ત્યારે તેઓ તેમના સામાન્ય સ્થળે – મેસના ખૂણામાં, દિવાલની બાજુમાં રહેલા એક મોટા ટેબલની પાસે અન્ય નવ લોકો સાથે બેઠા હતા.
તેઓ કહે છે, “એક મોટો ધડાકો અને ભયાનક ચીસો સંભળાઈ. અમે મોટા પથ્થરો નીચે હતા, ક્યાંય જવાય એવું ન હતું, અમે ફસાયેલા હતા.”
તેઓ ઉમેરે છે, “ક્રૅશ થયેલા વિમાનની આગ અને ધુમાડો અમારા ચહેરાની નજીક હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.”
અકસ્માતમાં તેમને છાતીમાં ગંભીર ઈજા થઈ હતી અને તે હજુ પણ સ્થાનિક હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને તેમને ખબર નથી કે તેમના અન્ય મિત્રોનું શું થયું?
અનેક પ્રત્યક્ષદર્શીઓએ બીબીસીને જણાવ્યું કે વિમાનની વિશાળ પાંખે પહેલા છત વીંધી. જ્યાં પાંખ પડી ત્યાં નુકસાન સૌથી ગંભીર હતું.
અંધાધૂંધીમાં વિદ્યાર્થીઓએ બચવા માટે બીજા અને ત્રીજા માળ જેટલી ઊંચી સીડી પરથી કૂદવાનું શરૂ કર્યું. વિદ્યાર્થીઓએ પછીથી જણાવ્યું કે કેવી રીતે બહાર નીકળવાની એકમાત્ર સીડી કાટમાળથી ઢંકાઈ ગઈ હતી.
જમીન પર કેટલા લોકો માર્યા ગયા તે જાણી શકાયું નથી.
બી. જે. મેડિકલ કૉલેજ અને સિવિલ હૉસ્પિટલના ડીન ડૉ. મીનાક્ષી પરીખે બીબીસીને જણાવ્યું હતું કે તેમના ચાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના ચાર સંબંધીઓ મૃત્યુ પામ્યાં હતાં.
પરંતુ ચોક્કસ કેટલાં અને કોનું મૃત્યુ થયું તે નક્કી કરવામાં દિવસો લાગી શકે છે: કાટમાળમાંથી મળેલા મૃતદેહોની ઔપચારિક ઓળખ કરવા માટે તપાસકર્તાઓએ ડીએનએ ટેસ્ટ પર આધાર રાખવાની જરૂર હોય છે.
અને તે સમયે ફક્ત કૅન્ટીનમાં રહેલા લોકો જ માર્યા ગયા ન હતા.
થોડા કિલોમીટર દૂર રવિ ઠાકુર હતા જે હૉસ્ટેલના રસોડામાં કામ કરતા હતા. તેઓ શહેરની આસપાસની અન્ય હૉસ્ટેલમાં લંચ-બૉક્સ પહોંચાડવા માટે બહાર ગયા હતા. તેમની પત્ની અને તેમની બે વર્ષની પુત્રી ત્યાં જ હતી.
જ્યારે તેણે સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ પરત દોડી આવ્યા પરંતુ ભારે અંધાધૂંધી જોવા મળી. લગભગ 45 મિનિટ વીતી ગઈ હતી અને ઘટનાસ્થળ સ્થાનિકો, અગ્નિશામકો, ઍમ્બ્યુલન્સ કર્મચારીઓ અને ઍર ઇન્ડિયાના સ્ટાફથી ભરેલું હતું.
તેમણે તેમની પત્ની અને બાળકને શોધવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ મળ્યાં નહીં.
મુખ્ય હૉસ્પિટલ બ્લૉકમાં પ્રોફેસરો હજુ પણ અંધાધૂંધીને સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
કૉલેજના એક પ્રોફેસરે બીબીસીને જણાવ્યું, “હું આ વિદ્યાર્થીઓને ભણાવતો હતો અને તેમને વ્યક્તિગત રીતે જાણતો હતો. ઘાયલ વિદ્યાર્થીઓ હજુ પણ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, અને હાલમાં તેઓ અમારી પ્રાથમિકતા છે.”
દરમિયાન રવિ ઠાકુર હજુ પણ તેના પ્રિયજનોને શોધી રહ્યા છે, ભલે તેમની આશાઓ ઝડપથી ધૂંધળી થઈ રહી હોય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS