Source : BBC NEWS

રૂપિયો, ડૉલર, બીબીસી ગુજરાતી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કૉંગ્રેસ, મનમોહનસિંહ

ઇમેજ સ્રોત, Getty Images

15 જાન્યુઆરી 2025, 10:27 IST

અપડેટેડ 24 મિનિટ પહેલા

મંગળવારે કરન્સી માર્કેટમાં રૂપિયાની કિંમતમાં થોડો સુધારો આવ્યો, પણ કૉંગ્રેસે ડૉલરની તુલનામાં રૂપિયાની ઘટતી કિંમત પર મોદી સરકાર પર નિશાન સાધ્યું. તેમજ સોશિયલ મીડિયામાં પણ લોકો આના પર ચર્ચા કરતા જોવા મળ્યા.

સોમવારે રૂપિયો 86.62 (અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે) હતો, ત્યાંથી હવે એ 86.50 પર આવી ગયો છે.

છ જાન્યુઆરીએ એક ડૉલરની કિંમત 85 રૂપિયા અને 68 પૈસા હતી, જે સોમવારે એટલે 13 જાન્યુઆરીએ 86 રૂપિયા અને 62 પૈસા પર પહોંચી હતી.

કૉંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે “જેમ જેમ રૂપિયો ગગડતો જાય છે, મોદીજી પોતે જ ખોદેલા ખાડામાં ફસાતા જાય છે.”

તો કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકાર રૂપિયાની સતત ઘટતી કિંમતને રોકવામાં અસફળ રહ્યા છે.

મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?

મલ્લિકાર્જુન ખડગેએ ઘટતી રૂપિયાની કિંમત મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું

ઇમેજ સ્રોત, Getty Images

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે “નરેન્દ્ર મોદીજી, તમારી સરકાર રૂપિયાની સતત ઘટતી કિંમતને રોકવામાં અસફળ રહી છે. પહેલી વાર રૂપિયો 86.50ને પાર પહોંચી ગયો છે. આ અસફળતાની કિંમત ભારતના લોકોએ ચૂકવવી પડે છે.”

મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો કે ભારતનો વિદેશ મુદ્રાભંડાર દસ મહિનામાં સૌથી નીચેના સ્તરે પહોંચી ગયો છે.

તેમણે કહ્યું, “ભારતીય શૅરબજારોમાંથી વિદેશી મૂડીની મોટા પાયે થતી નિકાસે નકારાત્મકતાને વધારી છે. રૂપિયો ઘટતા બજારમાં ચાર દિવસમાં રોકાણકારોને 24.69 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.”

“આયાત મૂલ્ય વધવાને કારણે ઑઇલની કિંમત વધી છે અને તેનો ભોગ દેશના ગરીબ લોકો બની રહ્યા છે. તેની અસર આપણી અર્થવ્યવસ્થા પર પડી છે અને એ પણ નબળી થઈ છે. ભારે મોંઘવારીને કારણે લોકોનું જીવન વધુ મુશ્કેલ થઈ ગયું છે.”

કરન્સી ઍક્સચેન્જ વેબસાઇટ અનુસાર, હાલમાં રૂપિયો એક અમેરિકન ડૉલરના તુલનામાં 86.56 પર છે. ગત 90 દિવસમાં રૂપિયો એક પણ વાર અમેરિકન ડૉલર કરતાં 84થી નીચે ગયો નથી.

આ 90 દિવસમાં એક અમેરિકન ડૉલરના મુકાબલે રૂપિયાની સરેરાશ કિંમત 85.96 રહી છે.

‘મોદી પોતે ખોદેલા ખાડામાં ફસાઈ રહ્યા છે’

મલ્લિકાર્જુન ખડગેએ ઘટતી રૂપિયાની કિંમત મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું

ઇમેજ સ્રોત, X/JAIRAM RAMESH

જયરામ રમેશે નરેન્દ્ર મોદીને જૂનો વાયદો યાદ અપાવતા કહ્યું, “જ્યારે મોદીજીએ વડા પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો ત્યારે તેઓ 64 વર્ષના થવાના હતા અને ડૉલરના મુકાબલે રૂપિયો 58.58 પર હતો. એ સમયે તેમણે રૂપિયાને મજબૂત કરવા ઘણું બધું કહ્યું હતું. તેમણે આ મૂલ્યમાં થયેલા ઘટાડાને પૂર્વ પીએમની ઉંમર સાથે જોડી દીધો હતો.”

“હવે જુઓ, મોદીજી આ વર્ષના અંતમાં 75 વર્ષના થવાના છે અને રૂપિયો પહેલેથી ડૉલરના મુકાબલે 86 પાર કરી ચૂક્યો છે. જેમ જેમ રૂપિયો ઘટતો જશે તેમ મોદી પોતે ખોદેલા ખાડામાં ફસાતા જવાના છે.”

સોશિયલ મીડિયામાં લોકોની પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍૅક્સ પર આનંદ પ્રકાશ નામના યૂઝરે લખ્યું, “રૂપિયો કોઈ કાગળનો ટુકડો નથી, પણ દેશની પ્રતિષ્ઠા હોય છે. જેમ જેમ રૂપિયો ઘટશે તેમ દેશની પ્રતિષ્ઠા પણ ઘટશે. રૂપિયો ઘટતા દેકારો કરનારા બધા ભાજપવાળા આજે ચૂપ છે.”

પ્રિન્સ નામના એક યૂઝરે લખ્યું, “રૂપિયાની કિંમત સતત ઘટવાનું કારણ શું છે?”

તરુણ નામના એક યૂઝરે રૂપિયાની ઘટતી કિંમતને પીએમ મોદીની ઉંમર સાથે જોડી છે. તેમણે કહ્યું, “2014માં રૂપિયો 62 પર હતો અને પીએમ મોદીની ઉંમર 64 હતી. 2025 મોદી 74 વર્ષના છે અને રૂપિયો 86 પાર થઈ ગયો છે.”

રૂપિયો નબળો પડતા એક સમયે મનમોહનસિંહને નિશાન બનાવાયા હતા

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં જીત બાદ ડૉલર મજબૂત થયો છે

ઇમેજ સ્રોત, Getty Images

2014માં પીએમ બનતા પહેલાં નરેન્દ્ર મોદી સતત એ સમયે કૉંગ્રેસની સરકાર પર રૂપિયાની કિંમત ઘટવા પર નિશાન સાધતા હતા.

2013માં નરેન્દ્ર મોદીએ એક ભાષણમાં કહ્યું હતું, “આજે જુઓ, રૂપિયાની કિંમત ઝડપથી ઘટી રહી છે અને ક્યારેક તો એવું લાગે છે કે દિલ્હી સરકાર અને રૂપિયા વચ્ચે હરીફાઈ ચાલી રહી છે, કોની આબરૂ ઝડપથી ઘટશે. દેશ જ્યારે આઝાદ થયો ત્યારે એક રૂપિયો એક ડૉલરના બરાબર હતો. જ્યારે અટલજીએ પહેલી વાર સરકાર બનાવી ત્યારે મામલો પહોંચી ગયો હતો 42 રૂપિયા સુધી, જ્યારે અટલજીએ (સરકાર) છોડી તો રૂપિયો 44 પર પહોંચી ગયો હતો. પરંતુ આ સરકારોમાં અને અર્થશાસ્ત્રી વડા પ્રધાન (મનમોહનસિંહ)ના કાર્યકાળમાં આ 60 રૂપિયા પર પહોંચી ગયો છે.”

ડૉલરની મજબૂતી અને ટ્રમ્પ ફૅક્ટર

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીતની સાથે જ ડૉલરની ધાક દુનિયાભરનાં ચલણો પર વધુ મજબૂત થઈ છે.

ખાસ કરીને એશિયન દેશોની કરન્સી વર્ષોના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. ભારતીય રૂપિયો જ નહીં, ચીનનું યુઆન, જાપાનનું યેન અને દક્ષિણ કોરિયાના ચલણ વૉનમાં નબળાઈ જોવાં મળી છે.

કરન્સી નિષ્ણાતોનું માનવું છે કે ટ્રમ્પની અનેક દેશો પર ઇમ્પૉર્ટ ટૅરિફ લાદવાની મંશા જોતા કરન્સી બજાર સમસમી ઊઠ્યું છે.

ટ્રમ્પે પોતાના ચૂંટણીપ્રચારમાં વાયદો કર્યો હતો કે તેઓ ચીન સમેત અનેક દેશો પર ટૅરિફ લાદી શકે છે અને ટૅક્સ રેટમાં પણ ઘટાડો કરી શકે છે.

માનવામાં આવે છે કે જો ટ્રમ્પ પોતાના વાયદાઓનો અમલ કરશે તો અમેરિકામાં મોંઘવારી વધી શકે છે અને એટલે ફેડરલ રિઝર્વ વ્યાજદરોને સ્થિર રાખી શકે છે અથવા તો તેમાં વધારો પણ કરી શકે છે.

તેનો અર્થ એ થયો કે દુનિયાભરનાં શૅરબજારોમાં રોકાણ કરનારા અમેરિકન રોકાણકારો માટે અમેરિકન બજાર વધુ સુરક્ષિત અને આકર્ષક બની જશે.

ભારતીય રૂપિયાની કહાણી

રૂપિયો, ડૉલર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

એક જમાનો હતો જ્યારે રૂપિયો ડૉલરને ટક્કર આપતો હતો. ભારત આઝાદ થયું ક્યારે ડૉલર અને રૂપિયો એકસરખા હતા. મતલબ કે એક ડૉલર બરાબર એક રૂપિયો. ત્યારે દેશ પર કોઈ દેવું નહોતું. પછી જ્યારે 1951માં પહેલી પંચવર્ષીય યોજના લાગુ થઈ ત્યારે સરકારે વિદેશોમાં કરજ લેવાનું શરૂ કર્યું અને પછી રૂપિયાની કિંમત સતત ઘટતી રહી.

1975 સુધીમાં એક ડૉલરની કિંમત 8 રૂપિયા થઈ અને 1885માં ડૉલરનો ભાવ 12 રૂપિયા થઈ ગયો.

1991માં નરસિમ્હારાવના શાસનકાળમાં ભારતે ઉદારીકરણની દિશા પકડી અને રૂપિયો ધડામ થઈને પડ્યો. હકીકતમાં નિકાસને પ્રોત્સાહન આપવા રૂપિયાનું અલમૂલ્યન કરાયું હતું.

આગામી 10 વર્ષમાં તેની કિંમત 47-48 થઈ અને હવે એક ડૉલરની તુલનામાં તે ઘટીને 86 પર આવી ગયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS