Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
17 મિનિટ પહેલા
એશિયાના ઘણા દેશોમાં કોરોના વાઇરસના નવા કેસોમાં ફરીથી ઉછાળો આવ્યો છે. જોકે, ભારતમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવાય છે.
સિંગાપોરમાં 27 એપ્રિલથી 3 મે 2025 સુધીના સપ્તાહમાં 14,200 નવા કેસ નોંધાયા છે અને ગયા અઠવાડિયે 11,100 નવા કેસ નોંધાયા હતા.
થાઇલૅન્ડ અને હૉંગકૉંગ ઉપરાંત ચીનમાં ગયા કેટલાક મહિનામાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે.
હેલ્થ ઍક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોનાના કેસ વધવા પાછળ ઓમિક્રૉન વૅરિયન્ટનો પેટા વૅરિયન્ટ JN.1 જવાબદાર છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેશબોર્ડ પ્રમાણે ભારતમાં હાલમાં કોરોના વાઇરસના 257 ઍક્ટિવ કેસ છે. તેમાંથી 53 કેસ તો મુંબઈમાં છે.
ઇકૉનૉમિક ટાઇમ્સના અહેવાલ પ્રમાણે સિંગાપોરમાં અત્યાર સુધીમાં જે સૅમ્પલનું જિનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યું છે તેમાંથી મોટા ભાગના JN.1 વૅરિયન્ટનાં છે. જોકે, JN.1 વૅરિયન્ટ સાવ નવો નથી, પરંતુ તે ઓમિક્રૉનનો જ સબ વૅરિયન્ટ છે. તે ઘણા સમય સુધી દુનિયામાં ફેલાયેલો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીસ્થિત એઈમ્સમાં કૉમ્યુનિટી મેડિસિન સાયન્સના પ્રોફેસર અને ડૉક્ટર સંજય રાય કોરોના વૅક્સિનની ટ્રાયલના ત્રણેય તબક્કામાં મુખ્ય સંશોધનકર્તા હતા.
કોરોના વાઇરસના નવા વૅરિયન્ટ વિશે બીબીસી સંવાદદાતા ચંદન જજવાડેએ ડૉક્ટર સંજય રાય સાથે વાત કરી હતી.
તેમનું કહેવું છે કે, “JN.1 એ કોરોનાના ઓમિક્રૉન વાઇરસનો એક વૅરિયન્ટ છે. એક વર્ષ કરતાં વધુ સમય અગાઉ તેની ઓળખ થઈ ગઈ હતી. આ કોઈ નવો વાઇરસ નથી. તે કેટલો ગંભીર છે તેના વિશે આપણે બધું જાણીએ છીએ.”
તેઓ કહે છે કે, “JN.1 વૅરિયન્ટથી હાલમાં ડરવાની કોઈ જરૂર નથી. તેના કોઈ પુરાવા પણ નથી. આપણી પાસે હાલમાં જે પુરાવા છે તે પ્રમાણે આ સામાન્ય શરદી-તાવ જેવો અથવા તેનાથી પણ નબળો હોઈ શકે છે.”
કોરોના વાઇરસ વિશે નિષ્ણાતો કેવી સલાહ આપે છે?

ઇમેજ સ્રોત, Getty Images
સંજય રાય કહે છે કે, “સાદી શરદી પણ કોરોના વાઇરસ જ છે, એટલે કે તે ફૅમિલીમાં જ ગણાય. કોરોના વાઇરસની હજારો ફૅમિલી છે. પરંતુ માત્ર સાત ફૅમિલી જ માનવી માટે સમસ્યા પેદા કરી શકે છે. તેમાંથી ચાર પહેલેથી હાજર છે જે કૉમન કૉલ્ડ (શરદી) સાથે સંકળાયેલ હતા.”
“ત્યાર પછી 2003-04માં ચીનમાંથી જ સાર્સ-1 આવ્યો હતો. 2012-13માં મિડલ-ઇસ્ટમાં મર્સ (મિડલ-ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) આવ્યો હતો. ત્યાર પછી 2019માં કોરોના વાઇરસ-2 આવ્યો હતો, જેને આપણે કોવિડ-19 કહીએ છીએ.”
સંજય રાયના કહેવા મુજબ સામાન્ય શરદી-તાવ પણ ઘરમાં એક વ્યક્તિને થાય તો બધાને થઈ શકે છે. પરંતુ તે એટલો ગંભીર નથી કે કોઈનું મોત નિપજી શકે. કોરોના વાઇરસ પણ હવે લગભગ આવો જ બની ગયો છે.
સિંગાપોરના આરોગ્ય મંત્રાલય પ્રમાણે, “હાલના સમયમાં LF.7 અને NB 1.8 (JN.1ના પેટા વૅરિયન્ટ) એ સિંગાપોરમાં ફેલાઈ રહેલા કોરોના-19ના મુખ્ય વૅરિયન્ટ છે. અત્યાર સુધીમાં જેટલું જિનોમ સિક્વન્સિંગ થયું તેમાં બે તૃતિયાંશ મામલા તેની સાથે જોડાયેલા છે. JN.1 એ વૅરિયન્ટ છે જેનો ઉપયોગ કોરોનાની વૅક્સિનના ફૉર્મ્યુલેશનમાં પણ થાય છે.
જાણકારોના મતે આ વૅરિયન્ટ અગાઉની જેમ લોકોને બીમાર નહીં કરે, પરંતુ તે ઝડપથી ફેલાય છે જે ચિંતાજનક છે.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, ડૉક્ટર સંજય રાય કહે છે કે, “જે રીતે શરદી પણ એકવાર નહીં, વારંવાર થઇ શકે છે. તે રીતે કોરોનાના પણ 10 હજાર વૅરિયન્ટ છે અને તે હવે સંપૂર્ણ બદલાઈ ગયો છે.”
“કોવિડના સમયમાં આપણે સર્વે કર્યો ત્યારે જાણવા મળ્યું કે દરેક વ્યક્તિમાં ઍન્ટીબૉડી બની ગયાં હતાં. એટલે કે લગભગ દરેકને કોવિડની બીમારી થઈ હતી.”
કોરોનાના નવા કેસમાં કેટલાક લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.
મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી પ્રકાશ આબિટકરે કહ્યું કે મુંબઈની એક હૉસ્પિટલમાં કોરોનાના બે દર્દી દાખલ છે, પરંતુ તેનાથી ડરવાની જરૂર નથી.
ડૉ. સંજય રાય કહે છે કે કોઈને સામાન્ય શરદી થઈ હોય તો પણ હૉસ્પિટલમાં દાખલ થવું પડે તેવું બની શકે.
JN.1નાં લક્ષણો કયાં અને તેના માટે ભારત કેટલું તૈયાર?

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઇરસના આ વૅરિયન્ટનાં લક્ષણો પણ ઓમિક્રૉનને મળતાં આવે છે.
તેનો ચેપ લાગ્યા પછી દર્દીના ગળામાં દુ:ખાવો, થાક, માથાનો દુ:ખાવો, કફ વગેરે લક્ષણો જોવાં મળે છે.
જોકે, ઘણા લોકોની તબિયત અને રોગપ્રતિકારક શક્તિ પર પણ આ લક્ષણો આધારિત છે.
પરંતુ JN.1ના કેટલાંક મુખ્ય લક્ષણોમાં ડાયેરિયા અને માથાનો દુ:ખાવો સામેલ છે.
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ સિંગાપોર અને હૉંગકૉંગમાં વધતા કેસને ધ્યાનમાં રાખીને ભારતે સોમવારે આરોગ્ય સેવાઓના ડાયરેક્ટરની આગેવાનીમાં એક બેઠક યોજી હતી.
આ બેઠકમાં નૅશનલ સેન્ટર ફૉર ડિસિઝ કન્ટ્રોલ, ઇમરજન્સી મેડિકલ રિલિફ ડિવિઝન, ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ અને કેન્દ્ર સરકારની હૉસ્પિટલોના નિષ્ણાતો સામેલ હતા.
પીટીઆઈએ સત્તાવાર સૂત્રને ટાંકીને જણાવ્યું કે “મિટિંગમાં એવું તારણ નીકળ્યું કે ભારતમાં કોરોના-19ની હાલની સ્થિતિ નિયંત્રણમાં છે. ભારતમાં 19 મેથી સુધીમાં કોવિડના 257 કેસ નોંધાયા છે. દેશની વસતીને ધ્યાનમાં રાખતા આ આંકડો બહુ નાનો છે. તેમાં લગભગ તમામ મામલા ગંભીર નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS