Source : BBC NEWS
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
-
20 જાન્યુઆરી 2025, 12:38 IST
અપડેટેડ 7 મિનિટ પહેલા
ગત શુક્રવારે ખ્યાતિ હૉસ્પિટલકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ગુજરાત પોલીસે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ ખાતેથી અટકાયત કરતાં 65 દિવસથી નાસતો ફરતો આ આરોપી અંતે પોલીસના સકંજામાં આવ્યો હતો.
નવેમ્બર 2024માં સાત લોકોની કથિતપણે ‘જરૂરિયાત વગર’ ઍન્જિયોપ્લાસ્ટી બાદ ખ્યાતિ હૉસ્પિટલ ખાતે બે લોકોનાં મૃત્યુ નીપજ્યાની વાત સામે આવતાં હૉસ્પિટલના ચૅરમૅન કાર્તિક પટેલ સહિતના આરોપીઓ સામે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ ફરિયાદ પ્રમાણે ખ્યાતિ હૉસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓને મફત આરોગ્ય સુવિધાઓ પૂરી પાડતી કેન્દ્ર સરકારની યોજના ‘પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – આયુષ્માન ભારત’ (પીએમજેએવાય-એબી)નો ‘ગેરલાભ’ ઉઠાવી ‘દર્દીઓની જરૂરિયાત વગર’ હૃદયની સર્જરી કરીને ‘નાણાકીય લાભ’ લેવાનો ગુનો આચરાઈ રહ્યો હતો.
હૉસ્પિટલના ચૅરમૅન કાર્તિક પટેલનું નામ આ મામલામાં સામે આવ્યા બાદથી તેના ભૂતકાળની પણ ચર્ચા લાગી હતી.
બીબીસી ગુજરાતીએ આરોપી કાર્તિક પટેલના ભૂતકાળ અંગે જાણકાર લોકો સાથે વિગતવાર વાત કરીને આ વિશે જાણકારી એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
‘ધાર્મિક પરિવારનો દીકરો કાર્તિક પટેલ’
કાર્તિક પટેલના પરિવારને ઓળખતા લોકો પ્રમાણે તે ‘ધાર્મિક પરિવારમાંથી’ આવે છે.
જાણકારો અનુસાર અમદાવાદના સરસપુર વિસ્તારમાં મકાનના રિનોવેશનનું કામ કરતા કાર્તિકના પિતા જસુભાઈનું એક જમાનામાં મોટું નામ હતું.
સરસપુરમાં રહેતા અને રથયાત્રાના જગન્નાથજીના મામેરાની કમિટીનાસભ્ય રહી ચૂકેલા મનહર પટેલે આ અંગે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે “અમદાવાદમાં નીકળતી રથયાત્રામાં સરસપુર ખાતે જગન્નાથજીના મામેરાની વિધિમાં જસુભાઈની ભૂમિકા આગળ પડતી રહેતી. સરસપુરમાં જસુભાઈની શાખ પણ મોટી હતી. એ અમદાવાદના કોટ વિસ્તારમાં જૂનાં મકાનોના રિનોવેશન અને કલરકામનો કૉન્ટ્રેકટ રાખતા હતા એટલે એ જસુભાઈ રંગવાળા તરીકે ઓળખાતા.”
મનહરભાઈ કાર્તિક પટેલના અને તેમના પરિવારના ભૂતકાળ અંગે વધુ જાણકારી આપતાં કહે છે :
સિત્તેરના દાયકામાં અમદાવાદના કોટ વિસ્તારના મકાનોમાં રિપેરિંગનું કામ કરવાનો કૉન્ટ્રેકટ જસુભાઈ પાસે હતો.
જસુભાઈ પાસે લોકો મકાન રિપેરિંગનું કામ કરાવતા એટલે એમને લોકો જસુભાઈ રંગવાળા તરીકે ઓળખતા હતા.
જસુભાઈની ઇચ્છા એમનો દીકરો કાર્તિક પટેલ અંગ્રેજી શાળામાં ભણીને આગળ આવે એવી હતી. એટલે અમદાવાદની ખૂબ જાણીતી એક અંગ્રેજી શાળામાં એને ભણવા મૂક્યો હતો.
ત્યાં એણે માધ્યમિક શાળા સુધી અભ્યાસ કર્યો હતો. એ સમયે અમદાવાદના મોટા સરકારી કર્મચારીઓ, જાણીતા પ્રોફેસરો અને ઉદ્યોગપતિનાં છોકરાં આ શાળામાં ભણતાં.
પરિવારને જાણતા લોકો અનુસાર ‘પ્રામાણિક’ છાપ ધરાવતા જસુભાઈએ રાતોરાત પૈસાદાર થવાનાં સપનાં જોતા કાર્તિકના જુવાનીના દિવસોમાં શરૂ થયેલા ‘જાકૂબીના ધંધા’ને કારણે તેનાથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું હતું.
કાર્તિક પટેલ સાથે એ જ શાળામાં ભણેલા અને હાલ ટ્રેડિંગનું કામ કરતાં 60 વર્ષીય ભારત જોશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કાર્તિક પટેલના શરૂઆતના દિવસો અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું કે, “2019માં અમારી શાળાનું રિયુનિયન યોજાયું ત્યારે વર્ષો પછી કાર્તિક પટેલને અમે લોકો મળ્યા. એ સમયે એ બિલ્ડર અને સ્કૂલ-કૉલેજમાંનો ટ્રસ્ટી બની ગયો હતો.”
“અમે લગભગ નવમા ધોરણ સુધી સ્કૂલમાં સાથે ભણ્યા હોવાનું મને યાદ છે. એ સમયે એ ફૂટબૉલનો સારો ખેલાડી હતો. ત્યાર બાદ અમારો સંપર્ક છૂટી ગયો. એ પછી ઘણી વાર અમે મળતા પણ એના પર આવતા ફોન પરથી કાયમ લાગતું કે જમીનના ધંધામાં કોઈ મોટો કાંડ થયો છે.”
“એ પછી એણે અમદાવાદમાં સ્કૂલ શરૂ કરી, જેમાં ગોટાળાના આરોપો થયા હતા, ત્યાર બાદ ખ્યાતિ હૉસ્પિટલ કરી, પણ એમાં એની કામ કરવાની પદ્ધતિ કોઈને ઠીક લાગી નહોતી. આ જ કારણ હતું કે અમદાવાદના મોટા ડૉક્ટર એની સાથે જોડાયા નહોતા. ત્યારે અમને લાગ્યુંકે એ કોઈ જાકૂબીના ધંધા કરી રહ્યો છે, ત્યારથી અમે લોકોએ એનાથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું.”
ફ્લૅટની સ્કીમો શરૂ કરી તેમાં પણ લાગ્યા આરોપો
અમદાવાદમાં જમીન લેવેચનું કામ કરતા કેતન પટેલ હાલ પોતાના દીકરા સાથે અમેરિકા જઈ વસ્યા છે. તેઓ અમદાવાદના એક ભૂતપૂર્વ પોલીસ અધિકારીના જમાઈ પણ થાય.
તેમણે કાર્તિક પટેલના ભૂતકાળ વિશે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી હતી.
તેમણે કહ્યું હતું કે, “મારા સસરા અમદાવાદના પોલીસવિભાગના એક ઉચ્ચ અધિકારી તરીકે નિવૃત્ત થયા હતા. વર્ષ 1985 બાદ થયેલી હિંસા સમયે રથયાત્રા સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતી, ત્યારે સરસપુરમાં શાંતિ સમિતિની બેઠક દરમિયાન જસુભાઈ રંગવાળા સાથે મારા સસરાનો સારો પરિચય થયો હતો.”
તેઓ કહે છે કે કાર્તિક પટેલ એ રથયાત્રામાં જગન્નાથ મંદિરના મહંતની ખુલ્લી જીપ પણ ચલાવતો હતો એટલે તેમના સસરાની નજરમાં આ ધાર્મિક પરિવાર હતો. ત્યાર બાદ તેમના સસરાનો કાર્તિક સાથે પરિચય થયો.
કેતન પટેલ આ વિશે વધુ વાત કરતા કહે છે કે, “એ વખતે કાર્તિક છૂટક કામ કરતો. એ જમાનામાં એ વીસીઆર અને વીડિયો કેસેટ ભાડે આપતો હતો. અમદાવાદમાં 1985ની હિંસા પછી લોકો કોટ વિસ્તારમાંથી સ્થળાંતર કરી રહ્યા હતા અને એ સમયે અમદાવાદમાં સીજી રોડ પછી વસ્ત્રાપુર વિસ્તાર વિકસી રહ્યો હતો. મારા સસરાની સારી શાખ હતી. કાર્તિકે મારા સસરાને પોતાની બચતમાંથી વસ્ત્રાપુરમાં ક્ન્સ્ટ્રકશનની સ્કીમ શરૂ કરવા રોકાણ કરવા મનાવી લીધા. આ વાતનો લાભ લઈ કાર્તિકે ઉચ્ચ પોલીસ અધિકારીની અમદાવાદના જજીસ બંગલો પાસે કન્સ્ટ્રક્શનની સ્કીમ હોવાનો પ્રચાર કરી બજારમાંથી પૈસા ઉઘરાવવા લાગ્યો. “
કેતન પટેલ કાર્તિક પટેલે પોતાની કારકિર્દીની શરૂઆતમાં જ કેવી રીતે લોકોને કથિતપણે ‘છેતરતા’ એ અંગે વાત કરી હતી.
તેઓ કહે છે કે તેમના સસરાનું મોટું નામ એટલે લોકો પૈસા રોકતા હતા, પણ નિર્ધારિત સમય પ્રમાણે ફ્લૅટ નહીં બનતાં લોકોએ તેમના સસરાને ફરિયાદ કરી.
“જેથી મારા સસરાએ પૈસા પરત લઈ લીધા, એટલે બીજા રોકાણકારોએ પણ પૈસા પરત લઈ લીધા. વર્ષો સુધી એ સ્કીમ પૂર્ણ થયા વગર પડી રહી, છેવટે જે લોકોએ પૈસા રોક્યા હતા, તેમણે જાતે પૈસા ખર્ચીને કામ પૂરું કરાવ્યું.”
જજીસ બંગલો પાસેની એ ફ્લૅટની સ્કીમમાં પૈસા રોકાયા પછી રાતા પાણીએ રડનારા પૈકી એક રોકાણકાર વિનોદ પટેલ પણ હતા.
તેમણે એ સમયે કાર્તિક પટેલે આચરેલી કથિત છેતરપિંડી અંગે વાત કરતાં કહ્યું કે, “અમે અમારી મરણમૂડી નાખીને આ સ્કીમમાં પૈસા રોક્યા હતા. બૅંન્કમાંથી હોમ લૉન લીધી હતી. એના હપ્તા ચઢતા હતા. બીજી બાજુ કાર્તિકે એ સમયે જ અમારા પૈસામાંથી ચાર સ્કીમ બનાવી દીધી હતી. બધી સ્કીમ અધૂરી હતી. છેવટે અમે પૈસા રોકીને બળજબરીથી ફ્લૅટનો કબજો લઈ જાતે બાકીનું કામ પૂરું કરાવી રહેવા આવ્યા.”
“અલબત્ત એ સમયના પોલીસ અધિકારી પ્રામાણિક હતા એટલે અમે એમના નામે પૈસા રોક્યા હતા.ઉપરાંત કાર્તિકના પિતા જસુભાઈની શાખને કારણે બીજી કન્સ્ટ્રક્શન સ્કીમો પૂરી થઈ ગઈ હતી.”
‘જમીનના સોદાના નામે છેતરપિંડી’
અમદાવાદમાં જમીનદલાલીનું કામ કરતા નિલેશ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કાર્તિક પટેલના ભૂતકાળ અંગે વાત કરતાં કહ્યું કે, ” બિલ્ડર તરીકે એની શાખ ખરાબ થઈ ચૂકી હતી. એટલે 1990ના દાયકામાં એણે અમદાવાદના નવા વિકસી રહેલા બોપલ વિસ્તારમાં વાંધામાં પડેલી જમીનો લેવાનું શરૂ કર્યું.”
એ સમયે કાર્તિક પટેલની કથિત ‘છેતરપિંડી’ના કિસ્સા યાદ કરતાં તેઓ આગળ કહે છે કે, “પહેલાં એ અભણ ખેડૂતોને બાનાના પૈસા આપી દેતો, ત્યાર બાદ એ જમીન વેચી નાખતો. આવું કરીને એ ઘણા પૈસા કમાયો. અમદાવાદમાં એ સમયના નવા બિલ્ડરો સાથે સંપર્કમાં રહી જમીન લેવેચમાં એ ઘણા પૈસા કમાયો. એણે એ પૈસા લગાવી અલગ કંપની બનાવી જુદી જુદી જગ્યાએ રોકાણ કરવાનું શરૂ કર્યું.”
તેઓ આગળ કહે છે કે ધરતીકંપ પછીના સમયમાં શાળા અને કૉલેજ શરૂ કરી. એમાં એક શાળાની જમીનનો મોટો વિવાદ થયો અને એ રાજકારણીઓના શરણે ગયો. ત્યારથી એનો ઉદય થવાની શરૂઆત થઈ.
2021ના અંતમાં ભાડજ અને સાંતેજ વચ્ચે આવેલી એક જમીનમાં ત્રણ બિલ્ડરોને સાથે રાખી એક જ પ્લૉટની જમીન ઘણાને વેચી, જેના કારણે ડિસેમ્બર 2021 સુધીમાં એને અનેક બિલ્ડર સાથે ખટરાગ શરૂ થઈ ગયા હતા.
કોરોના સમયે ઘણી કૉસ્મેટિક સર્જરીની હૉસ્પિટલ ખોટમાં હતી, એટલે એને એવી જ એક હૉસ્પિટલ ખરીદી અને એનું નામ ખ્યાતિ હૉસ્પિટલ આપ્યું. એને મલ્ટિ સ્પેશિયાલિટી હૉસ્પિટલ બનાવી હતી .
નિલેશ શાહ કહે છે કે અમદાવાદના બહુ ઓછા ડૉક્ટર એની સાથે જોડાવવા તૈયાર હતા એટલે એને રાજકોટના ડૉક્ટરોને બોલાવીને અને અન્ય ડૉક્ટરો રાખી હૉસ્પિટલ ઊભી કરી દીધી હતી.
કોર્ટે આરોપી કાર્તિક પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ખ્યાતિ હૉસ્પિટલના કાંડ પછી નાસતા ફરતા રહેલા કાર્તિક પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટે માંગણી કરી હતી. જેમાં પોલીસે 20 મુદ્દે તપાસ કરવાની વાતને આધાર બનાવ્યો છે.
નોંધનીય છે કે કોર્ટે કાર્તિક પટેલના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોર્ટમાં તપાસના મુખ્ય મુદ્દા રજૂ કરતાં કહ્યું છે કે કાર્તિક પટેલ ખ્યાતિ હૉસ્પિટલમાં 51%નો હિસ્સો ધરાવે છે.
મોટા ભાગના નાણાકીય વ્યવહારમાં એની સહી થઈ છે, કાર્તિકની પાંચથી છ કંપનીમાં પૈસાની હેરફેર થઈ છે. જે પૈકી કેટલીક કંપનીઓ ખોટમાં છે તો કેટલીક નફામાં.
ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે જે લોકો પાસે આયુષ્માન કાર્ડ નહોતાં એમને તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ કઢાવી આપવામાં આવતાં હતાં. આ ઉપરાંત માત્ર 956 દિવસમાં 3500થી વધુ પીએમજેવાયના ક્લેઇમ દાખલ કરીને મેળવેલા 16 કરોડ રૂપિયા કાર્તિક પટેલે ક્યાં રોક્યા છે એની તપાસ ચાલી રહી છે.
આ પૈસાથી એણે જમીનમાં રોકાણ કર્યા છે કે કેમ?
આ તમામ મુદ્દે તપાસ કરવા માટે પોલીસે રિમાન્ડ માંગ્યા હોવાનું જણાવ્યું છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “રિમાન્ડ દરમ્યાન પીએમજેવાય યોજનામાં કેટલા આરોગ્ય અધિકારીઓ સામેલ હતા એની તપાસ કરવાની છે, કારણકે સરકારે નીમેલી કમિટીના રિપોર્ટ પરથી સાબિત થયું છે કે જે લોકોને હૃદયની નળીમાં 30% બ્લૉકેજ હતું તેમને 80% બતાવી બિલો બનાવાયાં હતાં. આમાં કેટલા આરોગ્ય અધિકારી સામેલ છે એની તપાસ કરવાની બાકી છે.”
“હૉસ્પિટલમાં નુકસાન બતાવી પૈસા ક્યાં રોક્યા છે એની તપાસ કરવામાં આવશે, અને રિમાન્ડ બાદ વધુ મોટા ખુલાસા થશે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS