Source : BBC NEWS

ઇમેજ સ્રોત, WTUK
- લેેખક, ફર્ગસ વોલ્શ
- પદ, બીબીસી મેડિકલ સંપાદક
-
12 એપ્રિલ 2025, 20:11 IST
અપડેટેડ 17 મિનિટ પહેલા
બ્રિટનમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવનાર એક મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો છે. આ બાળકને ‘ચમત્કારિક બાળક’ ગણવાઈ રહ્યું છે. આવું પહેલી વાર બન્યું છે.
બાળકનાં માતા 36 વર્ષીય ગ્રેસ ડેવિડસન ગર્ભાશય વિના જ જન્મ્યાં હતાં. પરિણામે તેમનાં બહેનનું ગર્ભાશય 2023માં ગ્રેસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
બ્રિટનમાં આ પ્રથમ સફળ ગર્ભાશય પ્રત્યારોપણ સર્જરી ગણાય છે.
ઑપરેશનનાં બે વર્ષ પછી ગ્રેસે ફેબ્રુઆરીમાં બાળકને જન્મ આપ્યો. ગ્રેસ અને એંગસે તેમના નવજાત બાળકનું નામ એમી રાખ્યું છે. ગ્રેસનાં બહેનનું નામ પણ એમી છે, જેમણે પોતાના ગર્ભાશયનું દાન કર્યું હતું.
ગ્રેસે પહેલી વાર બે કિલોગ્રામના પોતાના બાળકને પોતાના હાથમાં લીધું ત્યારે તેઓ ભાવુક થઈ ગયાં અને તેને “મહાન ચમત્કાર” ગણાવ્યો.
ગ્રેસ અને એંગસ સ્કૉટલૅન્ડનાં છે અને ઉત્તર યુ.કે.માં રહે છે. તેઓ બીજા બાળકની પણ આશા રાખે છે.
શરૂઆતમાં આ દંપતી પોતાની ઓળખ જાહેર કરવા માગતું નહોતું. જોકે, બાળકનો સુરક્ષિત જન્મ થયા પછી તેમણે એમીને પોતાના હાથમાં લીધી અને બીબીસીને કહ્યું કે આ એક ‘નાનકડો ચમત્કાર’ છે.
સર્જરી કરનારી ટીમે બીબીસીને જણાવ્યું કે ગ્રેસના ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી તેઓએ મૃત ગર્ભાશયને અન્ય ત્રણ લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે પણ ઑપરેશન કર્યાં.
મેડિકલ ટીમ ક્લિનિકલ ટ્રાયલના ભાગરૂપે આવાં 15 ઑપરેશન કરવાનું લક્ષ્ય રાખે છે.
ગ્રેસનો જન્મ મેયર-રોકિટાન્સ્કી-કુસ્ટરહૌસર (MRKH) સિન્ડ્રોમ નામની દુર્લભ બીમારી સાથે થયો હતો. આ રોગથી સંક્રમિત લોકોમાં ગર્ભાશય હોતું નથી અથવા યોગ્ય રીતે વિકાસ પામતું નથી.
જોકે તેના અંડાશય કામ કરતા હોય છે. જ્યારે બીબીસીએ 2018માં પહેલી વાર તેમની સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે જો તેમને તેમનાં માતાનું ગર્ભાશય દાન કરવામાં આવે તો તેઓ બાળક પેદા કરવાનું વિચારી રહ્યાં છે.
પરંતુ તેમનાં માતાનું ગર્ભાશય તેમના માટે યોગ્ય નહોતું.
જોકે, 2019માં ગ્રેસ અને તેમના પતિ એંગસ બીબીસી સાથે ફરીથી સંપર્કમાં આવ્યાં.
તે સમયે ગ્રેસનાં બે બહેનોમાંનાં એક એમી તેમના ગર્ભાશયનું દાન કરવાનું વિચારી રહ્યાં હતાં, કારણ કે એમીને પહેલાંથી જ બે બાળકો છે. એમી અને તેમના પતિએ નક્કી કર્યું હતું કે તેમને હવે વધુ બાળકો નથી જોઈતાં.
30 ડૉક્ટરો, 17 કલાકનું ઑપરેશન

ઇમેજ સ્રોત, WTUK
ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સર્જરી પહેલાં ડૉક્ટરોએ બંને બહેનોનું કાઉન્સેલિંગ કર્યું. ગ્રેસ અને એંગસે પણ પ્રજનન ક્ષમતાની સારવાર કરાવી. તેમનાં અંડ પહેલાંથી જ સાચવી રાખવામાં આવ્યાં હતાં. ગ્રેસને સરોગસી અથવા દત્તક દ્વારા બાળક મેળવવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જોકે, તેમને લાગતું હતું કે પોતાનું બાળક હોવું ‘જરૂરી’ છે.
તેઓ કહે છે, “હું હંમેશાં માતા બનવા માગતી હતી. પણ તે મુશ્કેલ હતું, તેથી મેં લાંબા સમય સુધી મારી આશાઓ જીવંત રાખી હતી.”
2014માં સ્વીડનમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ દ્વારા વિશ્વના પ્રથમ બાળકનો જન્મ થયો હતો. ત્યારથી યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત અને તુર્કી સહિત એક ડઝનથી વધુ દેશોમાં આવી 135થી વધુ સર્જરી કરવામાં આવી છે. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સર્જરી દ્વારા 65 મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો છે.
ગ્રેસનું આ ઑપરેશન 2019માં થવાનું હતું. જોકે, કોરોના અને શંકાઓને કારણે તેમાં ઘણાં વર્ષોનો વિલંબ થયો.
ફેબ્રુઆરી 2023માં 30થી વધુ ડૉક્ટરોએ એમીના ગર્ભાશયને દૂર કરવા અને તેને ગ્રેસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે 17 કલાક ઑપરેશન કર્યું.
ઑક્સફૉર્ડની ચર્ચિલ હૉસ્પિટલમાં ઑપરેશન કરનાર ટીમનું નેતૃત્વ કરનાર સર્જન ઇસાબેલ ક્વિરોગાએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા બંને બહેનો માટે જીવન બચાવનાર હતી.
તેમણે કહ્યું, “આ જીવનને વધુ સારું બનાવે છે, જીવનનું નિર્માણ કરે છે. આનાથી સારું શું હોઈ શકે.”
એમીએ કહ્યું કે હિસ્ટરેકટમી (ગર્ભાશયનાં ટ્રાન્સપ્લાન્ટનું) ઑપરેશન પછી તેમને એવું લાગ્યું નહીં કે એક મહિલા તરીકે તેમણે કંઈ ગુમાવ્યું છે, કારણ કે તેમના દાનથી તેમનાં બહેનને ફાયદો થયો હતો.
ગ્રેસને હિસ્ટરેકટમીનાં બે અઠવાડિયાં પછી માસિકસ્રાવ શરૂ થયો. IVF દ્વારા પહેલા પ્રયાસમાં જ તેઓ ગર્ભવતી થયાં હતાં.
તેમણે કહ્યું કે જ્યારે તેમને પહેલી વાર તેમના ગર્ભાશયમાં બાળકની હિલચાલનો અનુભવ થયો તે એક ‘અદ્ભુત અનુભૂતિ’ હતી અને તેમની ગર્ભાવસ્થા ‘ખરેખર ખાસ’ હતી.”
27 ફેબ્રુઆરી, 2025ના રોજ ગ્રેસનું પશ્ચિમ લંડનની ક્વીન ચાર્લોટ હૉસ્પિટલમાં સિઝેરિયન થયું.
“તે એક અદ્ભુત, આનંદદાયક ક્ષણ હતી,” એમ ઑપરેશન કરનાર સર્જન ઇસાબેલ ક્વિરોગા કહે છે.
ગ્રેસ અને એંગસે કહ્યું કે જો મેડિકલ ટીમ કહે તો તેઓ બીજા બાળક માટે પણ તૈયાર છે.
ગર્ભાશયના પ્રત્યારોપણ પછી દરરોજ ગોળીઓ લેવાથી શરીરમાં ચોક્કસ પ્રકારનાં કૅન્સર થવાનું જોખમ વધી શકે છે. જોકે, ડૉ. ઇસાબેલ ક્વિરોગા કહે છે કે એક વાર હિસ્ટરેકટમી થઈ જાય પછી આ બધી સમસ્યાઓ સામાન્ય થઈ જાય છે.
‘ઑપરેશન સમયે બધાની આંખમાં આંસુ હતાં’

ઇમેજ સ્રોત, WTUK
હિસ્ટરેકટમીમાં ભાગ લેનારા પ્રોફેસર રિચાર્ડ સ્મિથ, ઇમ્પિરિયલ કૉલેજ હેલ્થકેરમાં ગાયનેકૉલૉજિસ્ટ તરીકે કામ કરે છે.
તેમણે એક ટીમનું નેતૃત્વ કર્યું જેણે ગર્ભાશય કાઢીને બીજા શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું. તેઓ 20 વર્ષથી વધુ સમયથી હિસ્ટરેકટમી સર્જરી પર સંશોધન કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે તેઓ એમીના જન્મથી ખૂબ ખુશ છે. હું હંમેશાં બોલકા સ્વભાવનો રહ્યો છું. પણ બાળકના જન્મ પછી હું કંઈ બોલી શક્યો નહીં. તે દિવસે ઑપરેશન થિયેટરમાં હાજર દરેકની આંખોમાં આંસુ હતાં.”
પ્રોફેસર સ્મિથે કહ્યું કે “આ આખી પ્રક્રિયા અદ્ભુત અને પ્રેરણાદાયક રહી છે.”
તેમણે કહ્યું કે એમીના જન્મથી બ્રિટનમાં પ્રજનનક્ષમ વયની 15,000 સ્ત્રીઓમાં આશાનો સંચાર થયો છે જેમના ગર્ભાશય બિનફળદ્રુપ છે. આ 15,000 લોકોમાંથી 5,૦૦૦ લોકો પાસે વાસ્તવિક ગર્ભાશય નથી.
ગ્રેસના ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ ઑપરેશન માટેના પૈસા ચેરિટી વોમ્બ ટ્રાન્સપ્લાન્ટ યુકે દ્વારા ચૂકવવામાં આવ્યા હતા. સ્મિથ આ સંગઠનનું નેતૃત્વ કરી રહ્યા છે. ઑપરેશન કરનારા તમામ તબીબી કર્મચારીઓએ તેમની સેવાઓ મફતમાં પૂરી પાડી હતી.

સ્મિથે જણાવ્યું હતું કે હાલમાં દસ મહિલાઓએ તેમનાં અંડ સાચવી રાખ્યાં છે અને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની રાહ જોઈ રહી છે. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સર્જરીનો ખર્ચ 30,000 યુરો હોય છે.
સ્મિથે કહ્યું કે તેમની પાસે વધુ બે સર્જરી માટે જરૂરી ભંડોળ છે.
ટીમને ક્લિનિકલ ટ્રાયલ હેઠળ 15 ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ ઑપરેશન કરવાની પરવાનગી મળી ગઈ છે. આમાંથી દસ મૃતકો છે અને પાંચ જીવંત દાતાઓ છે.
મૃત દાતા પાસેથી ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર ત્રણ મહિલાઓની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. NHS બ્લડ ઍન્ડ ટ્રાન્સપ્લાન્ટે બીબીસીને જણાવ્યું હતું કે તેઓ આવા દાન માટે મૃતકોના પરિવારો પાસેથી વધારાની પરવાનગી માગી રહ્યા છે.
બેબી એમીના પિતા એંગસે કહ્યું કે તેઓ ગ્રેસનાં બહેનના હંમેશાં ઋણી રહેશે, કારણ કે તેમણે તેમને માતા-પિતા બનાવ્યાં છે.
એમી ઉપરાંત ગ્રેસની બાળકીનું નામ ઇસાબેલ પણ રાખવામાં આવ્યું. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરનાર ડૉક્ટરના નામ પરથી.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS