Source : BBC NEWS

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA
“અમે અમારા પૂર્વજોના સમયથી કોલસાનું ઉત્પાદન કરી રહ્યા છીએ, કોલસામાંથી અમે નફો મેળવીએ છીએ. તો પછી આ કોલસો આપનાર વૃક્ષને શું કામ દૂર કરવું? આ વૃક્ષ ભલે વિદેશી હોય પણ તે મારા દાદાના સમયથી અહીં છે. અમે પેઢીઓથી તેના પર આધારિત છીએ.”
‘ઇન્વેસિવ નેટવર્ક: અન ઍન્વાયર્મેન્ટલ હિસ્ટ્રી ઑફ ધ ઇન્ટ્રોડકશન ઑફ પ્રોસોપિસ જુલિફોરા ટુ બન્ની ગ્રાસલેન્ડ, ઇન્ડિયા’ નામના રિસર્ચ પેપરમાં ટાંકવામાં આવેલા કચ્છના બન્ની વિસ્તારના માલધારીઓના આ શબ્દો છે.
કચ્છમાં ગાંડો બાવળ એક મહત્ત્વપૂર્ણ વૃક્ષ છે કે જે આર્થિક ગતિવિધિઓમાં કેટલાક માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
કચ્છના ગાંડો બાવળ સાથે ફાયદો અને નુકસાનના બંને પાસાં જોડાયેલાં છે. એક વર્ગના મતે ગાંડો બાવળ કલ્પવૃક્ષ છે તો બીજો એવો વર્ગ પણ છે કે જે ગાંડા બાવળને વિષવૃક્ષ માને છે.
ગુજરાતી બોલચાલની ભાષામાં જેને ગાંડા બાવળ તરીકે ઓળખીએ છીએ એ વૃક્ષને વૈજ્ઞાનિક ભાષામાં પ્રોસોપિસ જુલિફ્લોરા કહેવામાં છે.
રિસર્ચ પેપર્સ, સંશોધકો અનુસાર ગાંડા બાવળના મૂળ મુખ્યત્વે મેક્સિકો અને સાઉથ અમેરિકામાં જડાયેલા છે.
ભારતમાં કેવી રીતે આવ્યો ગાંડો બાવળ?

ઇમેજ સ્રોત, Getty Images
‘પ્રોસોપિસ જુલિફ્લોરા: પાસ્ટ, પ્રેઝન્ટ ઍન્ડ ફ્યુચર’માં કરાયેલી નોંધ અનુસાર પ્રોસોપિસ જુલીફ્લોરા લેટિન અમેરિકાથી 1877માં ભારત લાવવામાં આવ્યો હતો.
‘પ્રેસોપિસ-બ્લૅસિંગ ઍન્ડ બેન’ રિસર્ચ પેપર અનુસાર પ્રોસોપિસ જુલિફોરોનની 44 જાત છે. જેમાંથી 28 જાત આર્જેટિનામાં મળી આવે છે. પ્રોસોપિસ જુલિફોરોનની વિશેષતા ધ્યાનમાં રાખતા 1877માં જુલિફ્લોરાનાં બીજ જમૈકાથી આંધ્રપ્રદેશના કુડપ્પા જિલ્લામાં વાવેતર કરવામાં આવ્યું.
આ જ વર્ષે પ્રોસોપિસ જુલિફ્લોરાના બીજ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં વાવેતર કરવામાં આવ્યું.
જોકે પ્રોસોપિસ જુલિફ્લોરાને ભારતમાં લાવવાની સાલ અંગે બીજો એક મત પણ જોવા મળે છે.
‘પ્રોસોપિસ જુલિફ્લોરા- અ માયથ ઍન્ડ રિયાલિટી ટુ ધ કરંટ ડેવલપમેન્ટ સિનારીયો ઇન તમિલનાડુ’ રિસર્ચ પેપર અનુસાર પ્રોસોપિસ જુલિફ્લોરા 1857માં અખંડ ભારતના સિંધ પ્રાંતમાં લાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ ભારતમાં અન્ય જગ્યાએ તેનું વાવેતર કરવામાં આવ્યું હતું.
‘પ્રોસોપિસ જુલિફ્લોરા: પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર’ની નોંધ પ્રમાણે મેક્સિકો અને દક્ષિણ અમેરિકામાં થતાં વૃક્ષ પ્રોસોપિસ જુલિફ્લોરાને એટલા માટે આપણા દેશમાં લાવવામાં આવ્યું હતું કારણ કે આ વૃક્ષની વિશેષતા એ છે કે જમીનમાં ભેજ નહિવત્ હોય તો પણ અંકુરણ થયા પછી તેનું મૂળ જમીનમાં ઊતરી જાય છે અને ભેજ મેળવી લે છે. તેના આ ગુણધર્મને લીધે તે વિપરીત સ્થિતિમાં પણ ઊગી શકે છે.
પ્રોસોપિસ જુલિફ્લોરા કે જેને આપણે ગાંડો બાવળ તરીકે ઓળખીએ છીએ એ ઓછા પાણીએ, બંજર ભૂમિમાં પણ રાજાની કુંવરીની જેમ ઝડપી વિકસતી વન્સપતિ છે. સમય જતા આ વન્સપતિ ભારતના અન્ય પ્રાંતોમાં પણ વિકસી હતી.
ગુજરાત સિવાય તમિલનાડુ, હરિયાણા અને કર્ણાટકમાં ગાંડો બાવળ વધારે પ્રમાણમાં જોવા મળે છે.
ગુજરાતના કચ્છમાં ગાંડો બાવળ ત્યાંના જનજીવન સાથે જોડાયેલું વૃક્ષ છે જેના ફાયદા અને ગેરફાયદા બંને જોવા મળે છે.
ગાંડા બાવળના વાવેતરની પાછળનું કારણ શું હતું?
‘પ્રોસોપિસ જુલિફ્લોરા: પાસ્ટ, પ્રેઝન્ટ ઍન્ડ ફ્યુચર’માં કરાયેલી નોંધ અનુસાર કચ્છમાં 1885-1886 આસપાસ કચ્છના તત્કાલીન મહારાવ દ્વારા ગાંડો બાવળ કચ્છમાં લાવવામાં આવ્યો હતો. રાજસ્થાનના જોધપુરના રાજવીએ 1930-1940 આસપાસ વાવેતર કર્યું હતું જેને રોયલ ટ્રી નામ આપવામાં આવ્યું હતું.
જોકે કચ્છમાં ગાંડો બાવળ 1885-1886માં આવ્યો હોવાની વાત સાથે ઇસરોના નિવૃત સાયન્ટિસ્ટ અને કચ્છના અભ્યાસુ ડૉ.પીએસ ઠક્કર અને કચ્છના જાણીતા ઇતિહાસકાર પ્રમોદ જેઠી સમર્થન આપતા નથી. દરિયાઈ ખારાશ અટકાવવા માટે 1960 બાદ ગાંડા બાવળનું વાવેતર મોટા પાયે શરૂં થયું હોવાનું જાણકારો માને છે.
ડૉ.પીએસ ઠક્કર બીબીસી ગુજરાતીને જણાવે છે એ પ્રમાણે ગાંડો બાવળ દક્ષિણ અમેરિકા અને મેક્સિકોનું વતની છે. ભારતમાં વર્ષ 1877માં અંગ્રેજો દ્વારા સિંધમાં ખારાશ ઓછી કરવા અને બળતણનું લાકડું પૂરું કરવા માટે લાવવામાં આવ્યો હતો.1920 આસપાસ જ્યારે દિલ્હીનું બાંધકામ ચાલતું હતું ત્યારે પણ અંગ્રેજોએ તેનો ઉપયોગ કર્યો હતો.
ખૂબ જ ઓછા વરસાદવાળા આ પ્રદેશોમાં રેતીના રણને આગળ વધતું અટકાવવા તેમજ દરિયાના પાણીની અસરને આગળ વધતી અટકાવવાની તાતી જરૂરિયાતને પૂરી કરવાના ભાગરૂપે 1960ના દાયકામાં ગાંડા બાવળનું વાવેતર પૂરજોશમાં શરૂ થયું હતું.
ડૉ.પીએસ ઠક્કર આગળ કહે છે, “મોરબીના મહારાવ, કચ્છના મહારાવ, અને જોધપુરના મહારાજાએ ગાંડા બાવળનું વાવેતર કર્યું હતું. 1960 આસપાસ જંગલખાતાએ રણને આગળ વધતું અટકાવવા માટે મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું. દરેક સ્થળે ગાંડા બાવળનું વાવેતર શરૂ કર્યું હતું.”
“1975-1980માં પ્રેમજી ભાઈ પટેલ નામની વ્યક્તિએ પણ મોટાપાયે લીલોતરી વધે એ હેતુથી ખાલી જગ્યાઓમાં બી નાખીને વાવેતર શરૂ કર્યું. ઉપલેટા અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં હેલિકૉપ્ટરથી બી વેરીને વાવેતર કરવામાં આવ્યું હતું.”
કચ્છના ઇતિહાસકાર પ્રમોદ જેઠી બીબીસી ગુજરાતીને કહે છે એ પ્રમાણે 1960-1970 આસપાસ ગાંડા બાવળનું વાવેતર કરવામાં આવ્યું હતું અને હેલિકૉપ્ટરમાંથી ગાંડા બાવળનાં બીજ વેરવામાં આવ્યાં હતાં. આ વૃક્ષની એક ડાળી કાપો તો દસ ફૂટ નીકળે છે. આ ઝાડની આજુબાજુ કંઈ જ ઊગતું નથી અને તેનું જ સામ્રાજ્ય છવાયેલું રહે છે. બાવળને મળતા આવતા આ પરદેશી મહેમાન ગાંડાની જેમ વધવા લાગતાં તે ‘ગાંડા બાવળ’ તરીકે ઓળખાયા’.
બન્ની વિસ્તારમાં મોટાપાયે ગાયો કેમ મૃત્યુ પામી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલૉજી (GUIDE) દ્વારા “લૅન્ડ ડિગ્રેડેશન ઍન્ડ રિસ્ટોરેશન ડ્રિવન બાય ઇન્વેસિવ એલિયન-પ્રોસ્પોસિસ જુલિફ્લોરા ઍન્ડ ધ બન્ની ગ્રાસલેન્ડ સોશિયો-ઇકોસિસ્ટમ નામનું રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
અમેરિકાથી પ્રકાશિત થતા ‘ગ્લોબલ જર્નલ ઑફ સાયન્સ ફ્રન્ટિઅર રિસર્ચ’માં આ પેપર પ્રકાશિત થયું હતું.
ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેઝર્ટ ઇકોલૉજી(GUIDE)ના ડાયરેક્ટર ડૉ.વિજયકુમાર અને ઇઝરાયલના ખ્યાતનામ વૈજ્ઞાનિક ડૉ.યુરિયલ દ્વારા પ્રકાશિત કરાયેલા આ રિસર્ચ પેપર અનુસાર પ્રોસોપિસ એલિયન પ્રજાતિ છે જે ઝડપથી પ્રસરે છે. પરંતુ જો તેને નિયંત્રિત કરી શકાય, તો તેના અનેક ફાયદા છે અને ગાંડો બાવળ લાખો લોકોને રોજગારી પૂરી પાડી શકે એમ છે.
આ રિસર્ચ પેપરમાં જણાવ્યા મુજબ ગાંડા બાવળનો ઉપયોગ બ્રેડ, બિસ્કિટ, શરબત, કૉફી, કૉકટેલ અને બ્રાન્ડી બનાવવામાં થઈ શકે છે. તેના લાકડાનો ચારકોલ બનાવી વીજળી પણ ઉત્પન્ન કરી શકાય છે. વિવિધ દેશોમાં ગાંડા બાવળનો અનેક રીતે ઉપયોગ થાય છે.
જોકે ગાંડા બાવળના જેટલા ફાયદા છે એટલા જ નુકસાન પણ છે.
ડૉ.વિજય કુમાર રિસર્ચ પેપરમાં ગાંડા બાવળના વધતા ફેલાવા સામે પણ ચેતવે છે. એક સમયે રણને આગળ વધતું અટકાવવાના હેતુસર વાવેતર કરવામાં આવેલો ગાંડો બાવળ રાક્ષસી ગતિથી આગળ વધતો જાય છે અને એ કારણે બન્નીના ઘાસનાં મેદાનો નાશ પામ્યાં છે. કચ્છના કેટલાક પરંપરાગત ઘાસના વિસ્તારોમાં ગાંડો બાવળ સ્થાનિકો માટે માથાનો દુ:ખાવો બની ગયો છે.
ડૉ.પીએસ ઠક્કર કહે છે, “ગાંડા બાવળમાંથી ગુંદર અને બળતણનું લાકડું મળે છે. પરડીયા (એક પ્રકારે તેનાં ફળ)માંથી ચૉકલેટ પણ બનાવવામાં આવે છે. જોકે આની સાથે ગાંડો બાવળ વાવવાના ગેરફાયદા પણ છે. ગાંડા બાવળને કારણે ખારાશ એક સ્થળે ભેગી થઈ જતાં આજુબાજુમાં ઘાસ ઊગતું નથી.”
“ગાંડા બાવળના પાનમાં આલ્કાઇડ હોય છે જેના કારણે બન્ની વિસ્તારમાં લગભગ 50 ટકા ગાયો આ બાવળના પાન ખાવાથી મૃત્યુ પામી છે. ગાયનું જડબું કામ કરતું બંધ થઈ જાય છે.”
“પરડીયાના ગાયના નાના આંતરડાં અને મોટાં આંતરડાંમાં ગોળા થઈ જતા હતા અને આ કારણે ગાયો મોટા પ્રમાણમાં મૃત્યુ પામતી હતી.”
ગાંડા બાવળના કોલસાને કારણે જ્યારે કચ્છમાં લોહી રેડાયું!
કચ્છ, બનાસકાંઠા અને રાજસ્થાન ભૌગોલિક રીતે ખૂબ સામ્ય ધરાવે છે. ત્યાં પણ ગાંડા બાવળ મોટા પ્રમાણમાં જોવા મળે છે.
ડૉ.પીએસ ઠક્કર કહે છે, “કચ્છ ઉપરાંત રણ વિસ્તાર ધરાવતા બનાસકાંઠા અને રાજસ્થાનમાં પણ ગાંડો બાવળ જોવા મળે છે. દુકાળનાં વર્ષોમાં આ બાવળ કાપીને કોલસાનું વેચાણ કરવામાં આવતું અને જીવન ટકાવી રાખવામાં આવતું હતું. કોલસાની ગુણો અમદાવાદ મિલો સુધી આવતી હતી.”
કચ્છમાં કોલસાને કારણે ગાંડા બાવળના લાકડાની માંગ એટલી વધી કે બીજાં ઝાડો પણ કપાવાં માંડ્યાં અને આખો વિસ્તાર ઉજ્જડ બન્યો.
કચ્છમાં ગાંડા બાવળના કોલસના ધંધામાં કચ્છની ધરતી લોહિયાળ પણ બની હતી. વર્ષ 1998ના સપ્ટેમ્બર મહિનામાં જંગલખાતાના અધિકારીઓ સાથે ગેરકાયદેસર કોલસો પકડવા ગયેલા બાવજી જાડેજા નામના એક ક્ષત્રિય આગેવાનની કરપીણ હત્યા થઈ હતી. રેડિફ.કોમના અહેવાલ પ્રમાણે ઉદ્યોગમંત્રી સુરેશમહેતાએ આ કેસને લઈને રાજીનામું ધરી દીધું હતું પણ તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે આ રાજીનામુ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
ગુજરાત સરકારે આ પછી ગાંડા બાવળની કાપણી પર પ્રતિબંધ લાદ્યો હતો. જોકે પછી આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS