Source : BBC NEWS
અપડેટેડ 11 મિનિટ પહેલા
ઇઝરાયલની સરકારે ગાઝામાં યુદ્ધવિરામ અને પેલેસ્ટાઇની કેદીઓના બદલામાં ઇઝરાયલી બંધકોના છોડવા માટે હમાસ સાથેની સમજૂતીને મંજૂરી આપી અને પછી રવિવારે યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે.
15 મહિના સુધી ચાલેલા આ યુદ્ધમાં આ યુદ્ધવિરામને સૌથી મોટી સફળતા માનવામાં આવે છે. આ યુદ્ધ સાત ઑક્ટોબર, 2023ના રોજ ત્યારે શરૂ થયું હતું જ્યારે હમાસે ઇઝરાયલી લોકો પર હુમલો કરી દીધો હતો.
યુદ્ધવિરામને રવિવારે થોડા સમય માટે ટાળવામાં આવ્યું હતું કારણકે ઇઝરાયલનું કહેવું હતું કે હમાસ સાથેની સમજૂતી અંતર્ગત પહેલા તબક્કામાં આઝાદ કરવામાં આવનાર બંધકોની યાદી ઇઝરાયલને મળે. હમાસે યુદ્ધવિરામને લાગુ કરવામાં તકનીકી કારણોને જવાબદાર ગણાવ્યાં.
યુદ્ધવિરામ લાગુ થવાના કેટલાક કલાકો પહેલા હમાસે ત્રણ બંધકોને રેડ ક્રૉસને સોંપી દીધા. રેડ ક્રૉસે તેને ઇઝરાયલને સોંપી દીધા છે.
ઇઝરાયલનું કહેવું છે કે આ ત્રણેય બંધકો ઇઝરાયલ પહોંચી ગયા છે અને તેમને હેલિકૉપ્ટર મારફતે તપાસ અને સારવાર માટે હૉસ્પિટલ લઈ જવાયા છે.
ઇઝરાયલી રાષ્ટ્રપતિ ઇસહાક હર્જોગે ત્રણેયનું સ્વાગત કર્યું. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, “આપનું સ્વાગત છે. આખો દેશ તમારા આવવાની ખુશી મનાવી રહ્યો છે.”
આઝાદ થયેલાં આ ત્રણેય બંધકો મહિલા છે. જેમાં 24 વર્ષનાં રોમી ગોનેન, 28 વર્ષનાં એમિલી ડમારી અને 31 વર્ષનાં ડોરોન સ્ટીનબ્રેચર સામેલ છે.
યુદ્ધવિરામ બાદ ઇઝરાયલી સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે યુદ્ધવિરામના પહેલા ચરણમાં “દર સપ્તાહે ત્રણથી ચાર બંધકોને આઝાદ કરવામાં આવશે.”
હમાસના અધિકારીએ યુદ્ધવિરામ બાદ પોતાના પહેલા નિવેદનમાં કહ્યું છે કે તેઓ યુદ્ધવિરામની શરતોનું પાલન કરશે. જોકે, તેમણે ચેતવણી આપી કે સામે પક્ષે પણ તેનું પાલન થવું જોઈએ.
આ પહેલાં હમાસના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે બંધકોની અદલા-બદલી શનિવારે થશે.
હમાસ અને ઇઝરાયલ વચ્ચે શું સમજૂતી થઈ?
બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ હોવાના સમાચાર બુધવારે કતારે આપ્યા હતા. આ સમજૂતીને માટે કતાર બંને પક્ષો વચ્ચે મધ્યસ્થ છે.
કતાર ઉપરાંત અમેરિકા અને ઇજિપ્તે પણ મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.
જોકે, ઇઝરાયલી વાતચીત કરનારાઓએ અને હમાસ તરફથી વાતચીત કરનારાઓએ આ મામલે કશું જણાવ્યું છે કે સમજૂતીમાં કઈ જોગવાઈઓ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ પહેલાં કહ્યું હતું કે “આ સમજૂતી બાદ ગાઝામાં યુદ્ધ સમાપ્ત થશે અને ત્યાંના પેલેસ્ટાઇનના નાગરિકો સુધી રાહતસામગ્રી પહોંચાડાશે, જેની તેમને ઘણી જરૂર છે.”
તેમણે એમ પણ કહ્યું હતું, “15 મહિના બાદ ઇઝરાયલી બંધકો કેદમાંથી છૂટશે અને પોતાના પરિવારજનો સાથે મળશે.”
આ યુદ્ધવિરામ લાગુ થયાના એક દિવસ બાદ જ બાઇડન તેમનું પદ છોડવાના છે.
હમાસે સાત ઑક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પર હુમલો કરી દીધો હતો. આ દરમિયાન હમાસના લડવૈયાઓ 251 ઇઝરાયલીને પોતાની સાથે બંધક બનાવીને લઈ ગયા હતા.
મનાય છે કે હમાસના કબજામાં 94 બંધકો છે. જોકે, ઇઝરાયલનું માનવું છે કે માત્ર 60 બંધકો જ જીવિત છે.
હમાસનું કહેવું છે કે તમામ બંધકોને આઝાદ કરવામાં આવશે, જેના બદલામાં ઇઝરાયલી જેલોમાં બંધ 30 પેલેસ્ટિનિયન કેદીઓને છોડવામાં આવશે.
શનિવારે ઇજિપ્તે કહ્યું હતું કે સમજૂતી અંતર્ગત યુદ્ધવિરામના પહેલા ચરણમાં છ સપ્તાહ દરમિયાન ઇઝરાયલ કુલ 1,890 પેલેસ્ટિનિયન કેદીઓને આઝાદ કરશે.
યુદ્ધવિરામના એક દિવસ પહેલાં હમાસે ત્રણ મહિલા બંધકોને આઝાદ કર્યાં હતાં. બીજી તરફ ઇઝરાયલે 90 જેટલા પેલેસ્ટિનિયન કેદીઓને આઝાદ કર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS