Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, અબ્દુલ સત્તાર એધી, એધી ફાઉન્ડેશન, પાકિસ્તાન, ભારત, ભારત-પાકિસ્તાન ઘર્ષણ

ઇમેજ સ્રોત, BEHROUZ MEHRI/AFP via Getty Images

“હું વિકલાંગો અને નિરાધારોને શોધવા શેરીએ શેરીએ ઘૂમતો. જ્યારે પણ મને આવી કોઈ વ્યક્તિ મળે તો હું તરત ઘર ભણી તેમના માટે ભોજન-પાણી લઈ આવવાં દોડી જતો.”

“ઝડપથી દોડતો જતો જરાય થોભ્યા વગર હું શૉર્ટ કટ લેતો, રસ્તે ચાલતાં બળદગાડાંના અવરોધો પાર કરતો જતો.”

“સાથે સાથે રાહદારીઓને રસ્તામાંથી દૂર ખસેડવા માટે બૂમો પાડતો જતો, ‘આઘા ખસો, આઘા ખસો, આ એક ઇમર્જન્સી છે.'”

બાળવયે અવિભાજિત ભારતના જૂનાગઢના નાનકડા ગામ બાંટવાની ગલીઓમાં એક નાનકડો છોકરો રોજ તીવ્ર ઝડપે દોડીને જતો નજરે પડતો. જાણે આ તેનો નિત્યક્રમ બની ગયો હતો.

આ છોકરો એ અન્ય કોઈ નહીં પણ આગળ જઈને ‘સૌથી મહાન પાકિસ્તાની’ કહેવાયેલા અબ્દુલ સત્તાર એધી હતા.

પાકિસ્તાનના નૅશનલ બ્યૂરો ઑફ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત આત્મકથા ‘અબ્દુલ સત્તાર એધી – અ મિરર ટુ ધ બ્લાઇન્ડ’માં લેખિકા તેહમીના દુર્રાની ‘એધીસાહેબ’ના મોઢેથી સાંભળેલો તેમનો બાળપણનો ‘પરોપકારનો’ કિસ્સો કંઈક આ રીતે લખે છે.

દીનસેવા અને પરોપકારની આ ભાવના અબ્દુલ સત્તાર એધીને તેમનાં માતા પાસેથી ગળથૂથીમાં મળી હતી.

જે આગળ ચાલીને બાંટવાની ગલીઓથી આગળ વધીને ‘માનવસેવાના અવિરત યજ્ઞ’માં પરિણમી.

ભારતના ભાગલા બાદ 19 વર્ષના યુવાન અબ્દુલ પરિવાર સાથે પાકિસ્તાનના કરાચી આવી ગયા. પાકિસ્તાન પહોંચ્યા બાદ માતાના સંસ્કારસિંચન થકી મળેલી માનવસેવાની ભાવનાને આગળ ધપાવી પાકિસ્તાન અને સમગ્ર વિશ્વમાં જરૂરિયાતમંદો માટે મફત ઍમ્બુલન્સ સેવા, મેટરનિટી હેલ્થકેર સેન્ટર, તરછોડાયેલાં બાળકો માટે આશ્રયસ્થળો, સ્કૂલો અને તાલીમકેન્દ્રોનું નેટવર્ક ઊભું કરીને લાખોનાં જીવનમાં ‘પરિવર્તનના ઉદ્દીપક’ તરીકેની ભૂમિકા ભજવી.

માતાએ બાળ અબ્દુલનાં મનમાં રોપ્યાં સમાજસેવાનાં બીજ

બીબીસી ગુજરાતી, ગુજરાત, અબ્દુલ સત્તાર એધી, એધી ફાઉન્ડેશન, પાકિસ્તાન, ભારત, ભારત-પાકિસ્તાન ઘર્ષણ

ઇમેજ સ્રોત, Robert Nickelsberg/Getty Images

આ લેખમાં એધીના શબ્દોને ટાંકીને નોંધાયું છે : મારા મનમાં સમાજસેવા અને સમાજકલ્યાણની ભાવનાનાં બી રોપવાનું શ્રેય સંપૂર્ણપણે મારા માતાને જાય છે. તેમણે આ ભાવનાને પોષી અને મને ભૌતિક વસ્તુઓ પામવાની મારી ઇચ્છા કાબૂમાં રાખતા શીખવ્યું.

લેખિકા તેહમીના દુર્રાની પુસ્તકમાં એધીનાં માતાની દીનસેવાનો એક કિસ્સો તેમના જ શબ્દોમાં ટાંકતાં લખે છે: “મારા પિતા વેપાર અર્થે મોટા ભાગે બહાર જ રહેતા. જોકે, એ દરમિયાન તેઓ થોડા મહિનામાં એક વખત કાજુ, પિસ્તા અને આદુ ભરેલો થેલો જરૂર અમારા માટે મોકલતા. પરંતુ મારાં માતા ક્યારેય પોતાના માટે આવેલી વસ્તુઓ માત્ર પોતાના ઉપયોગમાં જ લેવાનાં આગ્રહી નહોતાં. તેઓ આ મેવાના એકસરખા ભાગ કરીને પડીકાં બનાવતાં. અને મને જરૂરિયાતમંદ લોકો સુધી એ પહોંચાડવા માટે મોકલી દેતાં. મારા જીવનની ખૂબ શરૂઆતમાં તેમણે આ આદતનો વારસો આપી દીધો.”

અબ્દુલ સત્તાર આગળ લેખિકાને જણાવે છે કે, “મારાં માતાનો ઉદાર હૃદય હંમેશાં તેમને એ વાત ભુલાવી દેતું કે પરોપકારનાં આ કામોમાં પરોવાયેલો હું ઘણી વાર શાળાએ જવાનું ચૂકી જતો. પરંતુ એ મારાં કાર્યોને ગરીબોની સેવા થઈ રહી હતી, એ વાતથી જ સંતુષ્ટ હતાં. તેમણે સમાજકાર્યને એ સમયે જે પ્રાથમિકતા આપી એ આગળ જઈને મારા ભવિષ્યનો પાયો બનવાની હતી.”

પરંતુ જલદી જ અબ્દુલ સત્તારનાં પરોપકારી માતાના જીવનનો સૌથી કપરો તબક્કો શરૂ થવાનો હતો, અને માતાની સારસંભાળ એ એધીના જરૂરિયાતમંદોની સેવાના સંસ્કારની પ્રથમ પરીક્ષા બનવાની હતી.

વર્લ્ડ મેમણે ઑર્ગેનાઇઝેશનના ન્યૂઝલેટરમાં લખાયું છે એમ, “દુર્ભાગ્યે તેમનાં માતા જલદી જ ગંભીર રીતે બીમાર પડી ગયાં, તેમનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું અને એક અકસ્માતમાં થયેલી ગંભીર ઈજાને કારણે તેઓ સંપૂર્ણ લકવાગ્રસ્ત થઈ ગયાં.”

“માતાની સારસંભાળ માટે બાળ એધીએ સ્કૂલે જવાનું છોડી દીધું અને પોતાની માતાની સેવામાં સમર્પિત રહેવા લાગ્યા. તેઓ તેમને સારસંભાળ માટે લઈ જતા, નવડાવતા, સાફ કરતા, તેમનાં કપડાં ધોતા, તેમના માટે રાંધતા અને માતાને આરામ મળે એ બધાં કામ કરતાં. માતાની સંભાળ લેવાનાં આ વર્ષોમાં જ તેઓ તેમના જીવનને દિશા આપનાર પાઠ ભણ્યા. જેમ કે – જીવનનું મૂલ્ય સમજવું, જીવન અને મૃત્યુ બંનેમાં લોકોની ગરિમા જાળવવી, સમાજે જેને તરછોડી દીધા છે, તેની સેવા કરવી.”

તેમણે જોયું કે તત્કાલીન સરકારી તંત્ર રોગોથી પીડાતાં તેમનાં માતાને ઓછા ખર્ચે અને અસરકારક સારવાર આપવામાં નિષ્ફળ રહ્યું હતું. આ વાત તેમના જીવન માટે એક ટર્નિંગ પૉઇન્ટ સાબિત થઈ, અને આ જ વાત આજીવન માનવતાની સેવા કરવાના તેમના મિશનની શરૂઆતનું નિમિત્ત બની.

જોકે, માંદગી બાદ એધીનાં માતા એધીની તરુણાવસ્થામાં જ મૃત્યુ પામ્યાં. એધીએ પણ તેમને પોતાનાં ‘સૌથી મૂલ્યવાન શિક્ષક’ ગણાવી શ્રદ્ધાંજલિ આપી.

પાકિસ્તાન પહોંચીને શરૂ કર્યું ‘માનવસેવાનો યજ્ઞ’

બીબીસી ગુજરાતી, ગુજરાત, અબ્દુલ સત્તાર એધી, એધી ફાઉન્ડેશન, પાકિસ્તાન, ભારત, ભારત-પાકિસ્તાન ઘર્ષણ

ઇમેજ સ્રોત, edhiuk.org

અબ્દુલ રહેમાન શેખ પોતાની પુસ્તિકા ‘ધ મિરેકલ મૅન ઑફ પાકિસ્તાન’માં પાકિસ્તાનમાં એધીને સમાજકાર્ય તરફ દોરનાર પ્રસંગ અંગે નોંધે છે :

“પાકિસ્તાન પહોંચીને એધીએ પેન્સિલ અને માચીસ વેચતા ફેરિયાનું કામ શરૂ કર્યું. એક દિવસ તેઓ કરાચીમાં આ જ કામ કરી રહ્યા હતા. ત્યારે તેમને શેરીમાં લોહીલુહાણ અવસ્થામાં એક વ્યક્તિ દેખાઈ. તેને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હતી. પરંતુ ત્યાં તેને મદદ કરનાર કોઈ નહોતું. આ પ્રસંગે એધીના જીવનની દિશા જ બદલી નાખી.”

1951માં કરાચીના મીઠીદર ખાતે મફત સારવાર આપતી ડિસ્પેન્સરી શરૂ કરી.

માત્ર પાંચ હજાર રૂપિયાની મૂડી સાથે તેમણે એધી ફાઉન્ડેશન અને ટ્રસ્ટની શરૂઆત કરી.

એધી ઑર્ગેનાઇઝેશનની વેબસાઇટ પર સંસ્થાના સ્થાપકની પ્રોફાઇલમાં નોંધાયું છે કે : ટ્રસ્ટ બન્યા બાદ સામાન્ય જનતા સમક્ષ ફાળો ભેગો કરવા માટે અપીલ કરાઈ. જોતજોતામાં બે લાખ રૂ.નું ભંડોળ ભેગું કરી લેવાયું.

આ સાથે જ એધી ટ્રસ્ટનો વ્યાપ અભૂતપૂર્વ ઝડપથી થવા લાગ્યો. એ સમયે એક કરોડની વસતી ધરાવતા કરાચીમાં મેટરનિટી હોમ અને ઇમર્જન્સી ઍમ્બુલન્સ સર્વિસ શરૂ કરવામાં આવી.

જેમ જેમ સમય પસાર થતો ગયો એધીની નિ:સ્વાર્થ ભાવના અને સમાજસેવામાં લોકોનો ભરોસો વધતો ગયો અને સંસ્થાને વધુને વધુ દાન મળવા લાગ્યું.

જેના બળ પર એધી ફાઉન્ડેશન પાસે આજે વિશ્વની સૌથી મોટી સ્વયંસેવી ઍમુબલન્સ સર્વિસ છે. જેમાં 1,800 વાન, હેલિકૉપ્ટરો, વિમાન અને સંખ્યાબંધ લાઇફ બોટ સામેલ છે.

ન્યૂઝલેટરમાં ઍમ્બુલન્સ નેટવર્કની પ્રશંસા કરતાં નોંધાયું છે કે : “આ ઍમ્બુલન્સ સર્વિસ 24 કલાક સેવા માટે નિ:શુલ્ક ઉપલબ્ધ રહે છે. કુદરતી આપત્તિ સમયે તો એધી ઍમ્બુલન્સ સર્વિસ જાણે જીવન-મરણ વચ્ચેનો તફાવત સાબિત થાય છે. આ ઍમ્બુલન્સ ઘણી વાર આવી સ્થિતિમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચનાર પ્રથમ હોય છે. વિવિધ કટોકટીના સમયમાં એધી ફાઉન્ડેશનની ઍમ્બુલન્સ સર્વિસ પાકિસ્તાન માટે લાઇફલાઇન સાબિત થાય છે.”

તેમની નિ:સ્વાર્થ સેવાને જોતાં તેમને ‘ગરીબોના મસિહા’નું બહુમાન હાંસલ થયું હતું.

ઍમ્બુલન્સની સાથોસાથ એધી ફાઉન્ડેશન તરછોડાયેલાં બાળકો માટે ચલાવાતાં ‘ઝૂલા પ્રોજેક્ટ’ અંતર્ગત 20 હજાર બાળકોને રેસ્ક્યૂ કરી ચૂકી છે અને 50 હજાર અનાથોને પુન:સ્થાપિત કરી ચૂકી છે.

આ ઉપરાંત સંસ્થા 40 હજાર નર્સોને તાલીમ આપી ચૂકી છે. પાકિસ્તાનના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં સંસ્થાનાં 330 કલ્યાણ કેન્દ્રો છે, જે ફૂડ કિચન, પુન:સ્થાપના કેન્દ્ર, તરછોયેલી મહિલા અને બાળકો માટે શેલ્ટર અને માનસિક વિકલાંગો માટે ક્લિનિક ચલાવે છે.

‘ધર્મ જોઈને માનવસેવા નહીં’

બીબીસી ગુજરાતી, ગુજરાત, અબ્દુલ સત્તાર એધી, એધી ફાઉન્ડેશન, પાકિસ્તાન, ભારત, ભારત-પાકિસ્તાન ઘર્ષણ

ઇમેજ સ્રોત, RIZWAN TABASSUM/AFP via Getty Images

‘સેઇન્ટ અબ્દુલ સત્તાર એધી’ પુસ્તકમાં લેખક જીએસ ભલ્લા એધી ફાઉન્ડેશનના ધર્મનિરપેક્ષતાનાં મૂલ્યો અંગે લખે છે : એધીની સંસ્થા મુસ્લિમો સહિત હિંદુ, ખ્રિસ્તી, શીખ અને દરેક બૅકગ્રાઉન્ડના લોકોને સેવા પૂરી પાડે છે. તેમના માટે માણસાઈ સર્વોચ્ચ હતી અને તેમણે એ સિદ્ધાંત સાકાર પણ કરી બતાવ્યો.

‘ધ મિરેકલ મૅન ઑફ પાકિસ્તાન’ પુસ્તકમાં લખાયું છે એમ અબ્દુલ સત્તાર એધીએ પોતાની સંસ્થાના વ્યાપ અંગે જણાવેલું કે તેની સફળતાની ચાવી કોઈ પણ જાતના ભેદભાવ વિના માનવસેવાનો નિર્ધાર રહ્યો છે. આજે પણ સંસ્થા આ જ સિદ્ધાંત પર ચાલી રહી છે અને તેની સેવાઓ સમગ્ર પાકિસ્તાન અને અન્ય સ્થળોએ પણ લાખો લોકો માટે લાઇફલાઇન સમાન છે.

ન્યૂઝલેટરમાં નોંધાયું છે કે એધી હંમેશાં જાતિ, વંશ, ધર્મ, માન્યતા અને લિંગના ભેદભાવથી દૂર રહ્યા.

એધી ફાઉન્ડેશનના ધર્મનિરપેક્ષતાનાં મૂલ્યોનું જ એક ઉદાહરણ ભારતીય મૂકબધિર યુવતી ગીતાનું પણ છે.

11-12 વર્ષની એક હિંદુ બાળકી પાકિસ્તાનમાં એક રેલવેસ્ટેશનેથી એધી ફાઉન્ડેશનને મળી આવી હતી.

અબ્દુલ સત્તાર એધીનાં વિધવા બિલકીસ એધીએ સમાચારપત્ર ધ હિંદુને જણાવ્યું હતું કે, “એ વર્ષો સુધી એધી સેન્ટરમાં રહી, મેં એની સંભાળ લીધી અને અમે તેને ફાતિમા નામ આપ્યું હતું. પરંતુ જ્યારે મને ખબર પડી કે એ હિંદુ છે તો અમે તેનું નામ બદલીને ગીતા રાખ્યું.”

વર્લ્ડ મેમણ ઑર્ગેનાઇઝેશનના ન્યૂઝલેટર અનુસાર, એધી ફાઉન્ડેશન અને ભારત સરકારના સંયુક્ત પ્રયાસોને કારણે 13 વર્ષ બાદ 2015માં ગીતા ભારત પાછાં ફર્યાં.

ન્યૂઝલેટરમાં પ્રકાશિત લેખ અનુસાર એધી ફાઉન્ડેશનમાં ગીતાને પોતાનો ધર્મ પાળવાની પૂરી છૂટ અપાતી. ગીતાને એધી ફાઉન્ડેશનના શેલ્ટર હોમમાં જ એક ખાનગી મંદિર બનાવવા દેવાયું હતું. જ્યાં તેમણે દીવાલ પર હિંદુ દેવી-દેવતાનાં ચિત્રો અને મૂર્તિ લગાવ્યાં હતાં.

જોકે, પાકિસ્તાનમાં એધી ફાઉન્ડેશનના ધર્મનિરપેક્ષ વલણની કેટલાક લોકો ટીકા પણ કરતા હતા અને અબ્દુલ સત્તાર એધીને નાસ્તિક ગણાવતા હતા. રૂઢિચુસ્ત લોકો તેમને અધર્મી અને તેમના કામને બિનઇસ્લામી ગણાવતા. જોકે, તેમનો જવાબ હતો, હજુ વધુ સખત મહેનત. તેઓ ચર્ચામાં નહીં, પરંતુ કામ કરવામાં વિશ્વાસ રાખતા.

તેમના જ શબ્દોમાં કહીએ તો, “માત્ર શબ્દો અને લાંબી પ્રશસ્તિથી ખુદા પ્રભાવિત નથી થતા, તેમને તમારો વિશ્વાસ તમારાં કર્મોથી બતાવો.”

નિર્ભિક વ્યક્તિત્વના માલિક

બીબીસી ગુજરાતી, ગુજરાત, અબ્દુલ સત્તાર એધી, એધી ફાઉન્ડેશન, પાકિસ્તાન, ભારત, ભારત-પાકિસ્તાન ઘર્ષણ

ઇમેજ સ્રોત, AAMIR QURESHI/AFP via Getty Images

માનવસેવામાં વિશ્વાસ ધરાવતા એધીનું ન માત્ર સામાન્ય લોકો અને રાજકારણીઓ પરંતુ ડાકુઓ પણ ખૂબ સન્માન કરતાં.

તેમની ઍૅમ્બુલન્સોને ડાકુઓએ પણ છોડી મૂકી હોવાના કિસ્સા પ્રસિદ્ધ છે.

કરાચીમાં તો દુશ્મન ગૅંગ વચ્ચે ગોળીબાર દરમિયાન એધીની ઍમ્બુલન્સો માટે કામચલાઉ સીઝફાયર કર્યાનાં પણ ઉદાહરણો છે.

એધીએ સિંધ પ્રાંતમાં પોતાને થયેલા આવા જ એક અનુભવ અંગે જણાવેલું, “એક વખત તેમની વાનને ડાકુઓ દ્વારા રોકી લેવાઈ, પરંતુ મને ઓળખી જતાં તેમણે કંઈ પણ લૂંટ્યા વિના અને કોઈનેય નુકસાન પહોંચાડ્યા વગર અમને જવા દીધા. “

ઘણી વાર કંઈક આવા જ પ્રસંગો તેમની સાથે ખૈબર પખ્તૂનખ્વા અને બલૂચિસ્તાનમાં પણ બની ચૂક્યા હતા.

અબ્દુલ સત્તાર એધીના નીર્ભિક વ્યક્તિત્વ અંગે વધુ એક પ્રસંગ ચર્ચિત છે.

કરાચીમાં એક વખત તેઓ મૃતદેહો લેવા પહોંચ્યા હતા. એ સમયે બે જૂથો વચ્ચે ગોળીબાર થઈ રહ્યો હતો. એક હથિયારધારી તેમને ઓળખી જતાં દૂરથી જ તેમને બૂમ પાડીને કહ્યું, “એધીસાહેબ, મહેરબાની કરીને બાજુમાં ખસી જાઓ અન્યથા તમને ગોળી વાગી જશે.”

ત્યાં જ એધીએ પણ બૂમ પાડીને જવાબ આપ્યો, “હું નહીં હઠું. તમે તમારું કામ કરો, અને મને મારું કામ કરવા દો.”

સાદગી અને વિશ્વાસના પ્રતીક

બીબીસી ગુજરાતી, ગુજરાત, અબ્દુલ સત્તાર એધી, એધી ફાઉન્ડેશન, પાકિસ્તાન, ભારત, ભારત-પાકિસ્તાન ઘર્ષણ

ઇમેજ સ્રોત, AP

જીવનની છેલ્લી ઘડી સુધી તેઓ શેરીઓમાં પસાર થતા લોકોને રોકીને અને કારચાલકો પાસેથી હાથમાં કટોરો લઈને ફાળો એકઠો કરતા જોવા મળતા.

તેમનામાં લોકોને કેટલો વિશ્વાસ હતો એ એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે એધીને દાન આપતા સામાન્ય પાકિસ્તાનીઓ કોઈ રસીદ પણ ન માગતા. તેમનો જાણે એધી સાથે વિશ્વાસનો તાંતણો જોડાઈ ગયો હતો.

એધીનાં પત્ની બિલકીસ એધીએ એક વખત મજાકમાં કહેલું કે, “તેઓ તો ઇન્ટરનૅશનલ ભિખારી છે.”

એધી પર પાકિસ્તાનના સામાન્ય લોકોને કેટલો વિશ્વાસ હતો એ અંગે જણાવવા તેઓ એક કિસ્સો જણાવતાં.

“એક વખત લાહોરમાં પંજાબ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીને કૅન્સર થયો. તેનો મિત્ર મારી પાસે મદદ માગવા માટે આવ્યો. મેં લાહોરની શેરી પર ઊભા રહી, લોકોની મદદ માગી. માત્ર ચાર-પાંચ કલાકમાં જ ચાર કરોડ રૂપિયા એકઠા થઈ ગયા.”

એધી કહેતા, “હું ભિખારી છું. રસ્તે ઊભો રહી મદદ માગવામાં પણ હું ખુશી અનુભવું છું.”

એધી ફાઉન્ડેશનની વેબસાઇટ પર આપેલી માહિતી અનુસાર, “તેમની અથાક નામના અને તેમના હાથમાંથી અઢળક નાણાં પસાર થવા છતાં તેમણે હંમેશાં પોતાનું જીવન સાદગીભર્યું જ રાખ્યું. તેઓ અને તેમનો પરિવાર તેમની ફાઉન્ડેશનના હેડક્વાર્ટરની નજીક બે રૂમના એક ઍપાર્ટમેન્ટમાં જ રહ્યા. એધી કે તેમનાં પત્ની બિલકીસે ફાઉન્ડેશનમાંથી કોઈ પણ પ્રકારનો પગાર ન મેળવ્યો. એધીએ બહુ વર્ષો પહેલાં ખરીદેલી સરકારી સિક્યૉરિટીમાંથી થતી આવકથી જ તેમનું ગુજરાન ચાલતું. “

તેમના માટે કહેવાતું કે તેમણે એકલા હાથે પાકિસ્તાનમાં કલ્યાણકારી કાર્યોની જાણે સિકલ જ બદલી નાખી હતી.

વર્ષ 2014માં તેમણે બીબીસીને જણાવ્યું હતું કે સાદગી, પ્રામાણિકતા, સખત મહેનત અને સમયબદ્ધતા તેમનાં કામની આધારશિલા છે.

તેઓ તેમના સાદગીપૂર્ણ જીવન માટે જાણીતા હતા. એવું કહેવાતું કે તેમની પાસે માત્ર બે જોડી કપડાં જ હતાં.

વર્ષ 2013માં તેમને કિડની ફેલ્યોરની બીમારીનું નિદાન થયું.

જૂન 2016માં તેમણે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી દ્વારા સારવાર માટે વિદેશ મોકલવાનો પ્રસ્તાવ નકારી દીધો હતો. તેમનો આગ્રહ હતો કે તેઓ પણ પાકિસ્તાનમાં જ સરકારી હૉસ્પિટલમાં સારવાર લેતા દેખાવા જોઈએ.

8 જુલાઈ, 2016ના રોજ કરાચીના મેડિકલ સેન્ટરમાં સારવાર દરમિયાન 88 વર્ષની વયે માનવતાના આ સેવકનું મૃત્યુ થયું.

કરાચીના નૅશનલ સ્ટેડિયમ ખાતે આર્મીના ગાર્ડ ઑફ ઓનર સાથે તેમની અંતિમવિધિ કરાઈ, જેમાં દેશના સર્વોચ્ચ હસ્તીઓ સહિત હજારો લોકો ઊમટી પડ્યા હતા.

સરકારે તેમના નિધનના દિવસને ‘શોક દિવસ’ જાહેર કર્યો, દુકાનો અને ધંધા સ્વયંભૂ બંધ રખાયાં.

એધીને 19 બંદૂકોની સલામી સાથે સ્ટેટ ફ્યુનરલનું બહુમાન હાંસલ થયું, તેમના મૃતદેહને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજમાં વીંટવામાં આવ્યો. આર્મીએ તેમના જનાજાને કાંધ આપી. પાકિસ્તાનમાં આ પ્રકારનું સન્માન આ પહેલાં પાકિસ્તાનના સ્થાપક કાયદ -એ-આઝમ ઝીણા અને પૂર્વ રાષ્ટ્રપતિ ઝીયા ઉલ હકને જ હાંસલ થયું છે.

નોબલ પુરસ્કાર વિજેતા મલાલા યુસૂફઝઈએ એધીના નિધન બાદ તેમને ‘મહાન વ્યક્તિ’ ગણાવ્યા અને એધીને નોબલ પુરસ્કાર આપવાની માગ કરી હતી.

તો પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે, “અબ્દુલ સત્તાર એધી એ સૌથી મહાન પાકિસ્તાની હતા.”

બીબીસીના અહેવાલમાં પણ ઉલ્લેખ છે કે એધીની અંતિમવિધિ સમયે સ્થળ પર હાજર સંવાદદાતાઓએ જણાવ્યું હતું કે એધી એ પાકિસ્તાનના ‘સૌથી આદરણીય’ વ્યક્તિ હતા અને કેટલાક લોકો તો તેમને ‘સંત’ તરીકે પણ જોતા.

12 વર્ષ પહેલાં હફિંગટન પોસ્ટમાં પ્રકાશિત થયેલા એક આર્ટિકલમાં અબ્દુલ સત્તાર એધીને ‘વિશ્વના મહાન જીવિત માનવતાવાદી’ ગણાવ્યા હતા.

તેમની નિ:સ્વાર્થ સેવા માટે એધીને રેમન મેગ્સેસે ઍવૉર્ડ, લેનિન પીસ પ્રાઇઝ અને ગાંધી પીસ ઍવૉર્ડ સહિતનાં બહુમાનો હાંસલ થઈ ચૂક્યા છે.

તેમના મૃત્યુ બાદ આજે પણ એધી ફાઉન્ડેશન લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવી રહી છે. પ્રાથમિકપણે પાકિસ્તાનમાં બેઝ્ડ હોવા છતાં ઘણા દેશોમાં તેના રાહત પ્રોગ્રામ અને શાખા ચાલે છે.

અમેરિકા, યુકે સહિત ખાડીના દેશોમાં પણ એધી ફાઉન્ડેશન રાહત ઑપરેશનોમાં સહાય કરે છે.

આ સિવાય બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ફાઉન્ડેશન હેલ્થકેર અને ઇમર્જન્સી રિસ્પોન્સ સર્વિસ પૂરી પાડે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS