Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Bhargav Parikh
‘ગુજરાતમાં પહેલા મહિલા આરોગ્ય પ્રધાન હેમા આચાર્યે જયારે જોયું કે રાજ્યની સરકારી હૉસ્પિટલમાં ગુજરાતની કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓ કાર્ટેલ બનાવી બજાર કરતા મોંઘાભાવે સરકારી દવાખાનામાં દવાઓ વેચે છે ત્યારે એમને નિયમોમાં ફેરફાર કરી ફાર્માસ્યુટિકલ કંપનીઓને સસ્તા ભાવે દવા વેચવા મજબૂર કરી દીધા હતા, એટલું જ નહીં એ સમયે દારૂ પીવાના પરવાના માટે કેટલાક સરકારી ડૉક્ટરો નકલી સર્ટિફિકેટ આપતા એમને રાતો રાત ઘરભેગા કરી રાજકારણમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો’, આ શબ્દો છે હેમા આચાર્ય સાથે વર્ષો સુધી કામ કરનાર જનક પુરોહિતના.
જનસઘનાં વરિષ્ઠ સભ્ય અને ભાજપનાં નેતા હેમાબહેન આચાર્યનું રવિવારે જૂનાગઢમાં નિધન થયું હતું. તેઓ 92 વર્ષનાં હતાં. અને તેમના પરિવારમાં એકમાત્ર પુત્ર છે.
હેમાબહેનનો જન્મ 1933માં સુરેન્દ્રનગરના હળવદમાં થયો હતો અને સૌપ્રથમ તેઓ જૂનાગઢ મ્યુનિસિપાલિટીમાં જનસંઘના ચૂંટણીચિહ્ન પર ચૂંટાયાં હતાં.
કટોકટી સમયે પણ હેમાબહેન આચાર્યની ભૂમિકાને રાજકીય વર્તુળઓમાં યાદ કરવામાં આવે છે.
કટોકટી સમયે હેમાબહેન આચાર્યના સંપર્કમાં આવેલા અને ભાજપના એક સમયના કાર્યાલય મંત્રી જનક પુરોહિતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “હું એ સમયે કૉલેજમાં ભણતો હતો, અમે યુવાનો પણ કટોકટીના વિરોધમાં હતા. સંખ્યાબંધ લોકોની’ મીસા’ હેઠળ ધરપકડ થઈ હતી.”
“ત્યારે હેમાબહેન સૌરાષ્ટ્રથી એકમાત્ર મહિલા હતાં જે બસમાં બેસી મીસામાં પકડાયેલા લોકોના પરિવારને મદદ કરવા જતાં હતાં. એ જે બસમાં જવા નીકળ્યા હોય એની પાછળ પોલીસની જીપ જતી હતી પણ પોલીસ એમને પકડવાની હિંમત કરતી નહોતી.”
તેઓ આગળ કહે છે કે, “અલબત્ત એ સમયે એમના પતિ સૂર્યકાન્ત આચાર્ય મીસા હેઠળ જેલમાં હતા. કાયમ સફેદ ખાદીની સાડીમાં રહેતાં હેમાબહેન આચાર્યનો જીવનના છેલ્લા શ્વાસ સુધી મહિલા અને મહિલા અધિકારો માટે લડવાનો જુસ્સો એજ રહ્યો હતો. બળાત્કાર અને મહિલા ઉત્પીડનની ઘટના બને ત્યારે એ કોઈ પણ પક્ષનો ગૃહપ્રધાન હોય એને ઊધડો પણ લેતાં હતાં.”
કોણ હતાં હેમાબહેન આચાર્ય?
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જૂનાગઢના વરિષ્ઠ પત્રકાર વિજય વીજપોતરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “સુરેન્દ્રનગરના હળવદમાં જન્મેલાં હેમાબહેન આચાર્યના પિતા સ્વાતંત્ર્ય સેનાની હતા, પિતા સરકારી સ્કૂલમાં શિક્ષક હતા. નાનપણથી પિતા જયદેવ દવે પાસેથી સમાજ સેવા અને દેશભક્તિના પાઠ ભણેલાં હેમાબહેનના પિતાની વિરમગામથી બદલી થઈ ત્યારે 1951માં જૂનાગઢ આવ્યા હતા.”
વિજય વીજપોતરે આગળ જણાવે છે કે, “બી.એનો અભ્યાસ કરેલાં હેમાબહેને જૂનાગઢમાં એ.જી. ગારર્મેન્ટ ગર્લ્સ સ્કૂલમાં શિક્ષક તરીકે કામ કર્યું હતું. 1957માં એમનાં લગ્ન જ્ઞાતિના રીતરિવાજ મુજબ ઍડવોકેટ સૂર્યકાન્ત આચાર્ય સાથે થયાં હતાં.”
“બંને પતિ-પત્ની લોકોની નિસ્વાર્થ સેવા કરતાં હતાં. આજીવન સફેદ ખાદીની સાડી પહેરનારાં હેમાબહેન આચાર્ય એ સમયે સૌરાષ્ટ્રમાં મહિલા અત્યાચાર , અસામાજિક તત્ત્વોના ત્રાસ સામે લડત આપતાં હતાં.”
વિજય વીજપોતરે કહે છે કે, “એના કારણે હેમાબહેન આચાર્ય અત્યંત લોકપ્રિય થયાં હતાં. એમના પતિ સૂર્યકાન્ત આચાર્ય જનસંઘમાં હોવાથી તેઓ જનસંઘમાં જોડાયાં હતાં. 1958થી 1972 સુધી ગુજરાત જનસંઘ વર્કિંગ કમિટીના સભ્ય રહ્યાં હતાં.”
હેમા આચાર્યએ મહિલાઓ માટે કરેલાં કાર્યોને યાદ કરતા તેઓ કહે છે કે, “મહિલાઓ માટે કાયમ સક્રિય રહેલાં અને અસામાજિક તત્ત્વો સામે લડનારાં હેમાબહેન એટલાં લોકપ્રિય હતાં કે 1967માં જૂનાગઢ સુધરાઈની ચૂંટણી જીત્યા બાદ અપક્ષ સભ્ય કાંતાબહેન પટેલના ટેકાથી એ સુધરાઈનાં પ્રમુખ બન્યાં હતાં.”
કેવી હતી હેમાબહેન આચાર્યની રાજકીય કારકિર્દી?

ઇમેજ સ્રોત, Bhargav Parikh
હેમાબહેન આચાર્ય 1975માં જૂનાગઢ વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર વિક્રમ બુચને હરાવીને જીત્યાં હતાં અને બાબુભાઈ પટેલના પ્રધાનમંડળમાં તેઓ ગુજરાતનાં પ્રથમ આરોગ્યપ્રધાન બન્યાં હતાં.
ફૂલછાબના તંત્રી જ્વલંત છાયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “હેમાબહેનની એક ખાસિયત હતી કે સત્તાને એ લોકોની સેવાનું માધ્યમ ગણતાં હતાં, એટલે એ ધારાસભ્ય નહોતાં ત્યારે પણ લોકોની સેવા માટે તત્પર રહેતાં હતાં, મહિલા વિકાસ અમે અસામાજિક તત્ત્વો સામેની લડાઈ લડતાં રહેતાં હતાં.”
જ્વલંત છાયા કહે છે કે, “1960ના દાયકામાં સૌરાષ્ટ્રમાં અસામાજિક તત્ત્વોનો કેર હતો. એ સમયે હેમાબહેન એમના પતિ સૂર્યકાન્ત આચાર્ય, પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ, સૌરાષ્ટ્રના રાજકારણ અગ્રણીઓ નારસિંહ પઢિયાર, સ્વ. ચીમનભાઈ શુક્લ જેવા નેતાઓ ભેગા થઈને અસામાજિક તત્ત્વો સામે ઝુંબેશ ચલાવતા હતા.”
તેઓ આગળ કહે છ કે, હેમાબહેન સત્તા પરથી ઊતર્યા પછી એમને સમાજ સેવાનું કામ છોડ્યું નહોતું. એ સતત લોકોના સંપર્કમાં રહેતાં હતાં, મહિલાઓના પ્રશ્નોને વાચા આપતાં હતાં. અન્યાય સામે તેઓ 93 વર્ષની ઉંમરે પણ લડતાં હતાં.
જ્વલંત છાયા કહે છે કે, “જો એમની પાસે ફરિયાદ લઈને આવનાર વ્યક્તિ પીડિત હોય તો એ કોઈ પણ પક્ષની સરકારના ગૃહપ્રધાન હોય એમને ફોન કરી ન્યાય અપાવતાં હતાં અને એમની સાચી નિષ્ઠાને કારણે ગુજરાતમાં કોઈ પણ પક્ષની સરકાર હોય હેમાબહેનની ભલામણ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી હતી.”
વિજય વીજપોતર કહે છે કે, “તેઓ આરોગ્ય પ્રધાન હતાં ત્યારે અને એ પછી પણ લોકોના કામ માટે નીકળ્યાં હોય તો સમય બચાવવા માટે એ પોતાનું ભોજન છોડી દેતાં હતાં. ચાલુ કારમાં સિંગચણા અને કેળાં ખાઈને દિવસો કાઢતાં હતાં. હેમાબહેન આરોગ્યપ્રધાન હતાં ત્યારે એમના ડ્રાઇવરને પણ એમણે આ આદત પાડી હતી.”
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

જનક પુરોહિત કહે છે કે, “તેઓ આરોગ્ય પ્રધાન બન્યાં ત્યારે એમને ખુરશી પર બેઠાં પછી જોયું કે સરકારી દવાખાનાઓમાં એક કાર્ટેલ બનાવીને ફાર્માસ્યુટિકલ કંપની સરકારને દવા વેચી તગડો નફો કમાય છે. ત્યારે તેમણે તરતજ નિયમોમાં ફેરફાર કર્યા અને અન્ય રાજ્યોમાંથી પણ દવા મંગાવવાનો નિર્ણય લીધો જેના કારણે ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ કંપનીઓને દવાના ભાવ ઘટાડવા પડ્યા અને લોકોને સસ્તી દવા મળવા લાગી તથા સરકારના ખાસ્સા પૈસા બચ્યા હતા.”
“જેના કારણે ફાર્માસ્યુટિકલ કંપનીઓની લૉબી લાંબા સમય સુધી એમનાંથી નારાજ રહી હતી. ગુજરાતમાં દારૂબંધી છે અને એ સમયગાળામાં સરકારી ડૉક્ટર સ્વાસ્થ્યના હિસાબે દારૂ પીવાની પરવાનગી આપવાની ભલામણ કરે તો એમને દારૂનો પરવાનો અપાતો હતો, એ સમયે કેટલાક સરકારી ડૉક્ટરો પૈસા લઈ ખોટાં સર્ટિફિકેટ આપતા હોવાના પુરાવાઓ એમને મળતા એમને આવા તબીબોને રાતોરાત પાણીચું પકડાવ્યું હતું.”
હેમાબહેન આચાર્ય સાથેનાં પોતાનાં સંસ્મરણો યાદ કરતાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સુરેશ મહેતાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આજીવન ખાદીધારી અને સ્પષ્ટવક્તા એવાં હેમાબહેન કાયમ પક્ષથી ઉપર રહીને લોકહિતમાં વિચારતાં હતાં.”
“સૂર્યકાન્ત આચાર્ય અને હેમાબહેન આજીવન ભાજપમાં રહ્યા પણ એમને પક્ષપલટુ રાજકારણીઓથી નફરત હતી. તેઓ ભાજપમાં રહીને અવાજ ઉઠાવતાં હતાં કે જેમની સામે લડ્યા છીએ એમને ભાજપમાં કેમ લાવવા? ભૂતકાળમાં એમને બાહુબલીની છબી ધરાવતા કેટલાક નેતાઓને વિધાનસભાની ટિકિટ આપવા દીધી નહોતી, ક્યાંય ખોટું થયું હોય તો હું મુખ્ય મંત્રી હતો ત્યારે સીધો ફોન કરીને ધ્યાન દોરતાં હતાં.”
સુરેશ મહેતા કહે છે કે, “એમની લાગણીઓને દરેક નેતા માન આપતા હતા. એમને સક્રિય રાજકારણ છોડી દીધું હતું પણ સામાજિક કાર્યો ચાલુ હતાં. 9૩ વર્ષની ઉંમર થઈ અને તબિયત નાદુરસ્ત થઈ પણ સૌરાષ્ટ્રની સહકારી પ્રવૃત્તિ અને સમાજસેવામાં છેલ્લા શ્વાસ સુધી તેઓ સક્રિય રહ્યાં હતાં.”
SOURCE : BBC NEWS