Source : BBC NEWS
આ વાત એ સમયની છે જ્યારે ગુજરાતમાં સમાજો જ્ઞાતિ-જાતિના ભેદભાવથી ભરેલા હતા અને ઘણા સમાજોમાં તો લોકો એક જ જ્ઞાતિમાં પણ ભેદભાવ રાખતા હતા.
13મી સદી આસપાસના ગુજરાતમાં સલ્તનતકાળની શરૂઆત થઈ ગઈ હતી અને ગુજરાતના મુસ્લિમ શાસકોએ દિલ્હીના તુઘલક વંશની સામે બાંયો ચઢાવી હતી.
અલ્લાઉદ્દીન ખિલજી પછીના મુસ્લિમ શાસકોએ પોતાનો પ્રભાવ વધારવા માટે ગુજરાત પર વારંવાર ચઢાઈઓ કરી હતી અને તેના કારણે રાજ્યમાં ધાર્મિકસંઘર્ષનું પરિમાણ પણ ઉમેરાયું હતું.
આ સમયે જ્ઞાતિએ નક્કી કરેલા નિયમોને તોડવા એ એક સજા સમાન બની રહેતું અને જ્ઞાતિ બહાર લોકોને મૂકવામાં આવતા.
આવા જ એક સંઘર્ષનો સામનો ગુજરાતમાં ભવાઈના આદ્યસ્થાપક ગણાતા અસાઇત ઠાકરને કરવો પડ્યો હતો. જેમણે પાટીદારની દીકરીને મુસ્લિમ શાસકથી બચાવવા પોતાના વતનને છોડ્યું હતું અને સમાજના તિરસ્કારનો સામનો કર્યો હતો.
આ તિરસ્કાર અને આ ઘટના બાદ ગુજરાતને ‘ભવાઈ’ સ્વરૂપે લોકનાટ્યનું એક નવીન સ્વરૂપ મળ્યું.
હેમાળા પટેલની દીકરીનું મુસ્લિમ શાસકે અપહરણ કર્યું
અસાઇત ઠાકર મૂળે સિદ્ધપુરના નિવાસી હતા અને ઊંઝા ગામમાં ગોરપદું કરતા હતા. ત્યારે તેમના ઊંઝામાં તેમના યજમાન હેમાળા પટેલની યુવાન દીકરી ગંગાનું શિયળ જોખમમાં મૂકાયું હતું.
ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા ‘ગુજરાતના સાહિત્યનો ઇતિહાસ’ નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેમાં સુધાબહેન દેસાઈએ (ગ્રંથ-2, ખંડ-2) ભવાઈ વિશે લખ્યું છે.
તેઓ લખે છે, “પાટીદર યજમાનની દીકરીનું મુસ્લિમ વહીવટકર્તાએ (સરદાર) અપહરણ કર્યું હતું. જો ગંગા વધુ સમયમાં તેના કબ્જામાં રહે તો તેનાં શિયળ ઉપર જોખમ ઊભું થાય એમ હતું.”
“એટલે ગંગાને બચાવવા માટે અસાઇત ઠાકરે જાતે પ્રયત્ન હાથ ધર્યા અને મારતે ઘોડે સરદાર જહાનરોઝની છાવણીમાં પહોંચ્યા. જ્યાં તેમણે પોતાની સંગીતકળાથી સ્થાનિક મુસ્લિમ રાજકર્તાને રિઝવ્યા અને અપહરણ કરાયેલી કન્યાને છોડાવી.”
જોકે, કોઈકની ચડામણીથી કે સરદારને શંકા પડી કે અસાઇત અને ગંગા બંને એક જ જ્ઞાતિનાં નથી અને તેથી તેમણે ગંગાના હાથે બનાવેલું ભોજન જમવા માટે અસાઇતને કહ્યું.
એ સમયે ગુજરાતી સમાજમાં જ્ઞાત-જાતના ભેદભાવ અને આભડછેટ વ્યાપકપણે પ્રચલિત હતાં. સરદારને લાગ્યું કે જો બંને એક જ જ્ઞાતીનાં નહીં હોય તો અસાઇત ગંગાના હાથે બનાવેલું ભોજન જમશે નહીં.
જોકે, અસાઇત ઠાકરે કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વગર ગંગાના હાથે બનેલું ભોજન લીધું એટલે મુસ્લિમ સરદારે બંનેને જવાં દીધાં.
અસાઇત ઠાકરે ભોજન લીધા બાદ તેમનો તિરસ્કાર કેમ થયો?
કેશવરામ કાશીરામ (કે.કા.) શાસ્ત્રીએ તેમના પુસ્તક ‘કવિચરિત’માં અસાઇત ઠાકરના જીવન ઉપર પ્રકાશ પાડ્યો છે, જેમાં તેમણે ઉપરોક્ત ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેઓ લખે છે:
અસાઇતના પિતાનું નામ રાજારામ હતું. તેઓ યજુર્વેદી ભારદ્વાજ ગોત્રના ઔદિચ્ચ બ્રાહ્મણ હતા.
તેઓ સરદારનું નામ જહાનરોઝ હોવાનું નોંધે છે સાથે જ તે અલ્લાઉદ્દીન ખીલજી નહીં, પરંતુ એ પછીના કોઈ સુલતાનનો સરદાર હોવાનું અવલોકે છે.
અસાઇત ઠાકર પાટીદાર કન્યા સાથે ભોજન લે છે એવી વાત સિદ્ધપુરના જ્ઞાતિસમૂહમાં ફેલાઈ ગઈ એટલે નાતીલાઓએ અસાઇતને નાત બહાર કાઢી મૂક્યા અને તેમની સાથે નાતીલાઓએ કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખવા ફરમાન કર્યું.
નાતની બહાર કાઢી મુકાયેલા અસાઇત ઠાકર સમાજનના બંધનોથી કંટાળી ગયા અને પોતાના ત્રણ દીકરા માંડણ, જયરાજ અને નારણ સાથે સિદ્ધપુરનો ત્યાગ કર્યો.
પોતાના વતનને છોડ્યા બાદ અસાઇત પરિવાર સાથે હાલ મહેસાણામાં આવેલા ઊંઝા પહોંચ્યા જ્યાંનું તેઓ ગોરપદું કરતા હતા.
જેમની દીકરીને તેમણે બચાવી હતી તે હેમાળા પટેલે તેમના રહેવા સહિત દરેક પ્રકારની અનુકૂળતા કરી આપી. સાથે જ તામ્રપત્ર પર કડવા પાટીદાર તરફથી વંશપરંપરાના અમુક હક્ક પણ લખી આપ્યા.
ગુજરાતી સમાજના અભ્યાસુ ગૌરાંગ જાનીના જણાવ્યા પ્રમાણે, “20મી સદીની શરૂઆત સુધી ગુજરાતી સમાજમાં જ્ઞાતિ-જાતિ અને ભોજન સમયે આભડછેટનું ચલણ અને દાખલા જોવા મળે છે.”
“કઈ જ્ઞાતિની વ્યક્તિ અન્ય કઈ જાતિની વ્યક્તિ સાથે જમી શકે કે ન જમી શકે તે અંગે નિયમો અને રૂઢિઓ પ્રવર્તમાન હતા.”
“એટલું જ નહીં, બ્રાહ્મણ સહિત અનેક જ્ઞાતિમાં પણ પેટાજ્ઞાતિઓ છે. જેમાં પણ કઈ પેટાજ્ઞાતિ અન્ય કઈ પેટાજ્ઞાતિ સાથે જમી શકે કે ન જમી શકે તેના વિશે નિયમો હતા.”
ગૌરાંગ જાની ઉમેરે છે, “જ્ઞાતિજનો ઉપર વર્ચસ્વ જાળવી રાખવા અને નિયંત્રણમાં રાખવા માટે દંડ, જ્ઞાત જમાડવી કે જ્ઞાતબહાર કરવા જેવા નિયમો બનાવવામાં આવ્યા હતા.”
અસાઇત ઠાકરનો ઊંઝામાં પણ બહિષ્કાર
અસાઇત ઠાકરે હેમાળા પટેલે આપેલી જમીન ઉપર ત્રણ દીકરા માટે ત્રણ ઘર બાંધ્યાં એટલે તેઓ ‘ત્રણ ઘરા’ કે ‘તરગાળા’ તરીકે ઓળખાયા.
ગુજરાતનો ઇતિહાસમાં સંપાદકો રસિકલાલ પરીખ અને હરિપ્રસાદ શાસ્ત્રી લખે છે, ‘હંસાઉલિ’ કાવ્યની હસ્તપ્રત ઉપલબ્ધ છે. જેના આધારે અસાઇત ઠાકર વિક્રમ સંવત (1427) એટલે કે ઈ.સ. 1371ની આસપાસ થઈ ગયા હોવાનું માનવામાં આવે છે.
તેઓ ચૌદમી સદીની છેલ્લી ત્રણ પચ્ચીસીને અસાઇત ઠાકરના સમયગાળા તરીકે અનુમાને છે. (ભાગ-7, પેજ 387-’88)
અમદાવાદ ઔદીચ્ચ સહસ્ત્ર બ્રાહ્મણ ઍજ્યુકેશન સોસાયટી વતી શંકરલાલ જાનીએ ‘સ્મૃતિ-ગ્રંથ’ નામનું પુસ્તક લખ્યું છે.
જેમાં તેમણે ઔદીચ્ચ બ્રાહ્મણ, તેની હસ્તીઓ અને તેમને અસર કરતી મધ્યકાલીન તથા આધુનિક યુગની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. તેમાં અસાઇત ઠાકર વિશે એક પ્રકરણ (પેજ 87થી 93) લખ્યું છે:
તેઓ અસાઇત ઠાકરને સારા કવિ, કથાકાર અને ઉત્તમ કોટિના ગાયક તરીકે ઓળખાવે છે અને લખે છે કે સિદ્ધપુરના સામાન્ય સમાજે પણ અસાઇત ઠાકરનો બહિષ્કાર કર્યો હતો.
અસાઇત ઊંઝા ગયા ત્યારે ત્યાંના બ્રાહ્મણોએ પણ તેમનો બહિષ્કાર કર્યો. ઊંઝામાં અસાઇતે અનેક કાવ્યો લખ્યાં અને લોકરુચિને અનુરૂપ નાટકો લખ્યાં.
જે કોઈપણ જાતના પડદા વગર ખુલ્લા મેદાનમાં લોકટોળાની વચ્ચે ભજવાતાં અને આ નાટકો ‘ભવાઈ’ તરીકે ઓળખાવાની શરૂઆત થઈ.
તેની ભજવણીમાં ભૂંગળ, કાંસીજોડા અને પખવાજનો ઉપયોગ થતો. આગળ જતાં તબલાં અને હાર્મૉનિયમ જેવાં વાદ્યો ઉમેરાયાં.
પરીખ અને શાસ્ત્રી લખે છે કે ‘ભૂંગળ વિના ભવાઈ થાય જ નહીં. સમગ્ર ભારતમાં પ્રચલિત તત્કાલીન વાદ્યોમાંથી ભૂંગળ જ એવું હતું કે જેનાથી સ્વર અને તાલ જાળવી શકાય.’ આ રીતે ગુજરાતમાં ભવાઈની શરૂઆત થઈ.
અસાઇત ઠાકર અને તેમના દીકરાએ ભવાઈને કેવી રીતે ગુજરાતમાં ફેલાવી?
શંકરલાલ જાની લખે છે કે શરૂઆતમાં ત્રણ દીકરા અને પછી અન્ય યુવાનોની મદદથી ઉત્તર ગુજરાતમાં ગામે-ગામે ફરીને ભવાઈઓ ભજવી.
અસાઇતે પોતાને તથા તેમના ત્રણ દીકરાને થયેલા અન્યાયની સામે લડત આદરી.
એ સમયના સમાજમાં છોકરીઓ ઘરની બહાર નીકળીને ભવાઈમાં કોઈ વેશ ભજવી શકે એવી સ્થિતિ ન હતી.
જેથી અસાઇત ઠાકરે નવો રસ્તો કાઢ્યો અને વાર્તામાં આવતાં સ્ત્રીપાત્રો પણ પુરુષો જ સ્ત્રીનો વેશ ધારણ કરીને ભજવે એવી વ્યવસ્થા કરી.
તેમણે અસ્પૃશ્યતા, અંધશ્રદ્ધા અને જાતિવાદ જેવા વિષયો ઉપર વર્ષ દરમિયાન દરરોજનો એક એ રીતે 360 વેશ લખ્યા. જેના વિષયવસ્તુમાં સામાજિક, રાજકીય અને ધાર્મિક પ્રસંગો રહેતા.
ભવાઈ નાગરિકોની વચ્ચે ભજવાતી અને સમાજને સ્પર્શતા મુદ્દા વિશે સીધી જ વાત કરીને અસાઇત સમાજમાં જાગૃતિનું કામ કરવા લાગ્યા.
તેના માટે ત્યારે પણ કોઈ પૈસા લેવાતા નહીં અને આજે પણ તેની ટિકિટ નથી હોતી અને રોકડ દાન તથા આપવામાં આવેલા સીધાં પર જ જીવનનિર્વાહ ચલાવાતો.
125 વર્ષ કરતાં જૂના ‘સ્વામી વિવેકાનંદ ભવાઈ મંડળ’ સાથે જોડાયેલા રવિરાજ પૈજાના કહેવા પ્રમાણે:
“ભવાઈ મંડળી જે ગામમાં જાય ત્યાં 13 ઘરમાં ભોજન લેવાનું સ્વીકારતી અને ત્યાંનાં મહિલાઓને બહેન માનતા. એટલે ‘તેર ગાળા’ પરથી ભવાઈ ભજવનારા ‘તરગાળા’ તરીકે ઓળખાય છે.”
મહેશ ચોકસી તેમના પુસ્તક ‘ગુજરાતી નાટ્ય સાહિત્યનો ઉદ્દભવ અને વિકાસ’માં ભવાઈ શબ્દની વ્યુત્તપતિ વિશે લખતાં ‘ભવ-વહી’ (જગતનું જમા-ઉધારનું પાસું), ભાવ (નટ) કે ભવ (ઘટવું) જેવાં સૂચનો કરે છે. (પેજ 34-37)
આ સિવાય નવરાત્રિ દરમિયાન માતાની આરાધના કરવા માટે વિશેષ ભવાઈ ભજવાય છે.
લોકો મનવાંછિત કામ થાય એટલે ભવાઈ રમાડવાની બાધા પણ રાખે છે. એ સંદર્ભમાં ‘ભગવતી-યજન’ (શક્તિપૂજા) કે ‘ભાવન’ સંદર્ભે પણ જોડવામાં આવે છે.
કપિલા વાત્સ્યાયને તેમના પુસ્તક ‘ભારતના નાટ્યરંગ’માં એક પ્રકરણ ભવાઈ વિશે લખ્યું છે.
જેમાં તેઓ ભવાઈની સરખામણી બંગાળમાં જાત્રા, મહારાષ્ટ્રમાં તમાશા, કર્ણાટકમાં યક્ષગાન, મધ્ય પ્રદેશમાં માંચ તથા ઉત્તર પ્રદેશમાં નવટંકી વગેરે ભવાઈ જેવા જ પ્રાદેશિક લોકનાટ્ય સ્વરૂપો સાથે કરે છે.
કપિલા વાત્સ્યાયન અવલોકે છે કે અસાઇત ઠાકરે સિદ્ધપુરમાં જ નવીન લોકનાટ્ય પ્રકાર ઘડ્યો હશે તથા અનેક વેશ લખ્યા હશે. ઊંઝામાં તેમની કળા, સંગીત અને લખાણશૈલી ખીલ્યાં હશે.
ભવાઈની આજ અને આવતીકાલ
દુહા, છંદ, લોકગીત, લગ્નગીત, ફટાણાં અને ઉખાણા અને રાગઆધારિત ગીતોએ ભવાઈની ઓળખ હતાં. પરીખ અને શાસ્ત્રી લખે છે કે અઢારમા સૈકા સુધી જળવાઈ રહી હતી.
સમય જતાં તેમાં અનેક વિકૃતિઓ પ્રવેશી ગઈ અને પરિણામો લોકોમાં રુચિ પેદા થવાને બદલે એક પ્રકારે સૂગ ઊભી થઈ.
ગુજરાતી રંગભૂમિના પિતા ગણાતા નાટ્યકાર રણછોડભાઈ દવે ભવાઈ પ્રત્યેના તિરસ્કારથી તેનાથી કંટાળીને જ તેઓ નાટક તરફ વળેલા અને આ અંગે એક કાવ્ય પણ લખેલું. (ગુજરાતી સાહિત્ય પરિષદનો 23મો અહેવાલ, પૃષ્ઠ 66)
પોતાના સ્ત્રીવેશ દ્વારા ગુજરાતી નાટકોમાં નવા માનક સ્થાપિત કરનાર જયશંકર ભોજક ‘સુંદરી’ પોતાની આત્મકથામાં નાટ્યક્ષેત્રમાં પ્રવેશનો શ્રેય નાનપણમાં જોયેલી ભવાઈઓને આપતા.
કજોડાંનો વેશ, રામદેવનો વેશ, ઝંદાઝુલણ, મિયાંબીબીનો વેશ, કંસારાનો વેશ, લાલજી મણિયારનો વેશ, છેલબટાઉનો વેશ, ચર્ચિત અને ઉપલબ્ધ છે.
ભવાઈના માંડ 60 જેટલા વેશ ઉપલબ્ધ છે તથા અમુક વેશ ઐતિહાસિક સંદર્ભ જોતા પાછળથી ઉમેરાયા હોય તેમ જણાય છે. ભવાઈની સાથે ‘ભણે અસાઇત ઠાકરો’ બોલાતું હોવાથી સંશોધકોને સંદર્ભસંશય થયો હોય શકે છે.
ભવાઈના વર્તમાન સ્વરૂપના જનકની સ્મૃતિમાં વર્ષ 1973માં ઊંઝા ખાતે અસાઇત સાહિત્યસભાની સ્થાપના કરવામાં આવી. સંસ્થાના પદાધિકારી યશોધર રાવળના કહેવા પ્રમાણે :
“અસાઇત ઠાકરે ગુજરાતને ભવાઈ જેવું લોકનાટ્ય સ્વરૂપ આપ્યું હોવાથી ગુજરાતી સાહિત્યમાં તેમનું સ્થાન અજોડ છે. આજે તેમના અનેક વેશ લુપ્ત થઈ ગયા છે. તે સમાજ તરીકે આપણી નિષ્ફળતા છે.”
કોઈ ભવાઈ મંડળીનો ચોક્કસ વેશ લોકપ્રિય થયો હોય એટલે કલાકારોના એજ વેશ ઉત્તોરત્તર ચાલતા રહે.
ભવૈયા તેમના નવા શિષ્યોને પણ મર્યાદિત વેશો અને સંવાદની તાલીમ આપે, જેના કારણે પણ અમુક વેશ લુપ્ત થયા હોવાનું માનવામાં આવે છે.
છેલ્લા લગભગ સાત દાયકા દરમિયાન નવેન પ્રસારમાધ્યમો તથા આવક જેવા પડકાર ભવાઈ ભજવનારા સામે ઊભા થયા છે.
રવિરાજ પૈજા જણાવે છે, “આજે પણ પરંપરાગત ભવાઈ મંડળીઓમાં 20 જેટલા પુરુષો હોય છે અને તેઓ જ સ્ત્રીપાત્ર ભજવે છે. સિનેમા, ટેલિવિઝન અને સોશિયલ મીડિયામાં સ્પેશિયલ ઇફેક્ટ્સ અને સેટ્સ જેવાં પરિબળોને કારણે તે ભવ્ય લાગે છે.”
“તેની સામે ભવાઈને જૂની ગણવામાં આવે છે. તેમાં મર્યાદિત વાદ્યો હોય છે એટલે નવી પેઢીમાં તેને પ્રત્યે આકર્ષણ ઊભું નથી થતું.”
દોઢ દાયકા કરતાં વધુ સમયથી ભવાઈ ભજવતા રવિરાજ પૈજાના કહેવા પ્રમાણે, સોશિયલ મીડિયામાં યુટ્યૂબ જેવા માધ્યમોને કારણે જે લોકો આ પરંપરાગત માધ્યમથી વાકેફ ન હતા, તેઓ પણ જાણતા થયા છે.
આ સિવાય ભવાઈ આર્થિક રીતે ટકાઉ નથી. ભાર્ગવ વ્યાસ લગભગ 150 વર્ષ કરતાં જૂના ‘હીરજી કેશવજી સરવડ લોક ભવાઈ મંડળ’ સાથે જોડાયેલા છે, પરંતુ આજીવિકા મામલે ખાનગી નોકરી ઉપર આધાર રાખે છે.
ભાર્ગવ વ્યાસ જણાવે છે, “ભવાઈમાં કોઈ ટિકિટ કે નિયમિત આવક નથી હોતાં. માત્ર ભવાઈના આધારે કુંવારા છોકરાના સંબંધ થતા ન હોવાથી યુવાનો તેને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવતા નથી.”
રવિવારજ પૈજા માને છે કે ભવાઈ સંકટમાં નથી, પરંતુ તેમાં ફેરફાર કે સુધાર કરવાની જરૂર છે અને સમાજમાં તે પુન:સ્થાપિત થાય તે જરૂરી છે. હાલ ભવાઈ સમાજ તરફથી ઉપેક્ષાનો ભોગ બની છે.
છેલ્લા લગભગ સાતેક દાયકા દરમિયાન સિનેમા, ટેલિવિઝન અને સોશિયલ મીડિયા એમ ત્રણ ‘મોટા પ્રસારમાધ્યમો’નો માર ‘ભવાઈ’ ઉપર થયો છે, જેના કારણે તે નામશેષ થઈ જવા પામી છે, છતાં યુટ્યૂબ જેવા સાથે કળાા પ્રાચીનસ્વરૂપે તાદાત્મય સાધ્યું છે.
ભવાઈ સંબંધિત કેટલાક પડકારો છતાં તેને ભજવનારાઓનો એક વર્ગ તેને સાચવી રાખવા માટે પ્રતિબદ્ધ બન્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.
SOURCE : BBC NEWS