Source : BBC NEWS

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી સંવાદદાતા
-
21 મે 2025
અપડેટેડ 7 કલાક પહેલા
“એક પણ સત્યાગ્રહીએ લાઠીમારથી બચવા માટે હાથ સુદ્ધાં આડો ધર્યો ન હતો. તેઓ ટપોટપ નીચે પડ્યા. જ્યાં હું ઊભો હતો ત્યાં મને ખુલ્લા માથા ઉપર પડતી લાકડીના અવાજો આવતા હતા. દરેક ફટકા પર આ સત્યાગ્રહ જોનારાઓની ભીડ સીસકારા કાઢતી અને સત્યાગ્રહીઓની પીડા સાથે તેમના દરેક શ્વાસોમાં સહાનુભૂતિ હતી.”
“ઘવાયેલા સત્યાગ્રહીઓ છુટાછવાયા, બેભાન બની પડ્યા હતા. એમની ખોપરી ફૂટી હતી, ખભા તૂટ્યા હતા. બે કે ત્રણ મિનિટમાં જમીન પર તેમના (ઈજાગ્રસ્ત) શરીરોની રજાઈ પથરાઈ ગઈ. તેમનાં સફેદ કપડાં પર લોહીના ડાઘા પડ્યા હતા. કતાર તોડ્યા વગર બચી ગયેલા લોકો શાંતિથી અને નિયમિત કૂચ કરીને ઘવાઈને પડ્યા ત્યાં સુધી આગળ વધ્યા.”
“જ્યારે પ્રથમ હરોળના સત્યાગ્રહીઓ નીચે પટકાતા ત્યારે અન્યો તેમને સ્ટ્રેચર પર લઈ જવા મદદે દોડી આવ્યા અને ઈજાગ્રસ્તોને હંગામી દવાખાના તરીકે ઊભી કરવામાં આવેલી ઝૂંપડીઓમાં લઈ જવામાં આવ્યા હતા.”
21મી મે, 1930થી શરૂ થયેલા ધરાસણા નમક સત્યાગ્રહ વખતે બ્રિટિશ પોલીસ દ્વારા કરવામાં આવેલા ‘અત્યાચાર’નો આ અહેવાલ યુનાઇટેડ પ્રેસ માટે કામ કરતા અમેરિકાના પત્રકાર વેબ મિલરે તેમના લખેલા ‘આઈ ફાઉન્ડ નો પીસ’ નામના પુસ્તકમાં આપ્યો છે.
વેબ મિલરે ધરાસણા નમક સત્યાગ્રહની ઘટના જાતે કવર કરી હતી અને તેઓ આ ‘અત્યાચાર’ના સાક્ષી હતા.
‘સત્યાગ્રહીઓના વૃષણોને બૂટ તળે કચડવામાં આવ્યા’

ઇમેજ સ્રોત, Getty Images
વેબ મિલરે કરેલું બ્રિટિશ પોલીસના ‘અત્યાચાર’નું આ વર્ણન તે વખતે વિશ્વનાં ઘણાં અખબારોમાં છપાયું હતું. આ અહેવાલનો પડઘો અમેરિકાની સંસદમાં પણ પડ્યો હતો.
તેમણે લખ્યું હતું કે ‘ઘાયલોને લઈ જવા માટે પૂરતાં સ્ટ્રેચર-બેરર્સ નહોતાં; મેં જોયું કે અઢાર ઇજાગ્રસ્તોને એક સાથે લઈ જવામાં આવતા હતા, જ્યારે 42 હજી ઘવાયેલા જમીન પર લોહી નીતરતી હાલતમાં પડ્યા હતા. સ્ટ્રેચર્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવેલા ધાબળાઓ લોહીથી નીતરતા હતા.”
તેમણે નોંધ્યું છે કે પ્રતિકાર ન કરનારા સત્યાગ્રહીને પદ્ધતિસર રીતે લોહીલુહાણ કરી દેવાનાં દૃશ્યોએ તેમને અસ્વસ્થ કરી દીધા અને તેને કારણે તેઓ આ અત્યાચાર જોઈ નહોતા શકતા. પરિણામે તેમણે મોં ફેરવી લીધું હતું.
વેબ મિલરે ‘ન્યૂ ફ્રીમૅન’ પત્રિકામાં લખ્યું હતું, “ખબરપત્રી તરીકેની મારી જિંદગીનાં 22 વરસો દરમિયાન મેં ઘણાં રમખાણો જોયાં છે. પરંતુ ધરાસણા જેવાં કમકમાટી ઉપજાવે એવાં દૃશ્યો મેં ક્યાંય જોયાં નથી…..સ્વયંસેવકોની શિસ્ત આશ્ચર્યકારક હતી. તેઓએ ગાંધીજીનો અહિંસાનો ઉપદેશ બરાબર પચાવ્યો હોય એમ લાગતું હતું.”

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે એમ પણ લખ્યું છે કે “તેમને બિનવિરોધ માર સહન કરનારા માટે વર્ણવી ન શકાય તેવા નિ:સહાય ક્રોધની લાગણી થઈ અને નિઃસહાય લોકોને લાકડી મારનાર પોલીસ ઉપર પણ તેટલી જ ઘૃણાની લાગણીનો અનુભવ થયો.”
‘પટેલ, અ લાઇફ’ નામના સરદાર પટેલ પર લખવામાં આવેલા પુસ્તકમાં ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી લખે છે, “6 જેટલા બ્રિટિશ અધિકારીઓ અને 400 જેટલા પોલીસ કૉન્સ્ટેબલોએ લાઠી અને જૂતાં વડે સત્યાગ્રહીઓનાં માથાં ફોડી નાખ્યાં. તેમનાં પેટ અને અંડકોષો(વૃષણો)ને બૂટ તળે કચડવામાં આવ્યા. પરંતુ કોઈ સત્યાગ્રહીઓએ લડત પડતી ન મૂકી. કોઈએ ઉહકારો સુદ્ધા ન કર્યો. અમેરિકન પત્રકાર વેબ મિલરે ગણ્યું તો 320 જેટલાં સત્યાગ્રહીઓ ઘવાયા હતા.”
ધરાસણાના સત્યાગ્રહમાં અમલદારોએ સત્યાગ્રહીઓનાં માથાં ફોડ્યાં, હાથપગ તોડ્યા, શરીરમાં કાંટા અને ટાંકણીઓ ભોંક્યાં, નિર્વસ્ત્ર કરી ગુહ્યાંગોમાં ઈજાઓ કરી કે લાઠીઓ મારી બેભાન કર્યા, ખારા પાણીમાં ડુબાવી મોઢામાં કાદવ અને મીઠાના ડૂચા માર્યા, શરીર પર ઘોડા દોડાવ્યા. ઘણા સત્યાગ્રહીઓ બ્રિટિશ સરકારનાં ક્રૂર કૃત્યોનો ભોગ બનીને ઘાયલ થયા હતા.
ધરાસણા નમક સત્યાગ્રહના ઍલાન બાદ ગાંધીજીની ધરપકડ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં દાંડીકૂચ પછી સવિનય કાનૂનભંગની મહત્ત્વની રાષ્ટ્રીય ઘટના. 6 એપ્રિલ, 1930ના રોજ ગાંધીજીએ દાંડીના દરિયાકિનારેથી ચપટી મીઠું ઉપાડીને સરકારના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સમગ્ર દેશમાં લડત ચાલુ થઈ. ત્યારબાદ ગાંધીજીએ ધરાસણા (હાલ વલસાડ જિલ્લો)ના મીઠાના અગરો પર હલ્લો લઈ જવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો.
ગાંધીજીએ વાઇસરૉયને આ ઇરાદા વિશે જાણ કરી. તેમાં મીઠા ઉપરનો કર તથા ખાનગીમાં મીઠું પકવવાનો પ્રતિબંધ દૂર કરવા વિનંતી કરી. આમ સરકારના દમન સામે ગાંધીજીએ ધરાસણા નમક સત્યાગ્રહનું પગલું ભરવાનો નિર્ધાર કર્યો, ત્યારે 5 મે 1930ના રોજ તેમની ધરપકડ કરી યરવડા જેલમાં લઈ જવામાં આવ્યા. ગાંધીજી પછી ધરાસણા સત્યાગ્રહની આગેવાની સંભાળનાર અબ્બાસ તૈયબજીએ 12 મેની સવારે સ્વયંસેવકોની ટુકડી સાથે કરાડીથી કૂચ કર્યા બાદ થોડી વારમાં તે બધાંની ધરપકડ કરવામાં આવી.
સરોજિની નાયડુએ સંભાળ્યું નેતૃત્વ

ઇમેજ સ્રોત, Getty Images
નિર્ધારિત આંદોલનના આગલા દિવસે જ કૉંગ્રેસના મહત્ત્વના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આયોજન મુજબ સત્યાગ્રહીઓ 76 વર્ષના નિવૃત્ત ન્યાયાધીશ અબ્બાસ તૈયબજી અને ગાંધીજીનાં પત્ની કસ્તુરબાના નેતૃત્વમાં ધરાસણા કૂચ કરવા માટે આગળ વધ્યાં.
તેઓ ધરાસણાના સૉલ્ટ વર્ક્સ પાસે પહોંચે તે પહેલાં જ તેમની ધરપકડ કરવામાં આવી. તેમને ત્રણ મહિનાની કેદની સજા કરવામાં આવી. તેમની ધરપકડ બાદ સરોજિની નાયડુ અને મૌલાના અબુલ કલામ આઝાદના નેતૃત્વ હેઠળ આ આંદોલન આગળ વધ્યું.
સરોજિની નાયડુ સત્યાગ્રહીઓ સાથે ઘણી વખત મીઠાના અગરો સુધી પહોંચ્યાં પરંતુ પોલીસે તમને પાછા ખદેડ્યાં. તેઓ એક સ્થળે 28 કલાક સુધી રાહ જોતાં બેસી રહ્યાં હતાં.
સરોજીની નાયડુને અંદાજો આવી ગયો હતો કે પોલીસ સત્યાગ્રહીઓ પર અત્યાચાર કરી શકે છે. તેથી તેમણે સત્યાગ્રહીઓને સંબોધીને કહ્યું, “તમારે કોઈ પણ સંજોગોમાં હિંસાનો સહારો લેવાનો નથી. તમને માર મારવામાં આવશે પરંતુ તમારે કોઈ પ્રતિકાર કરવાનો નથી. તમારે મારામારી ટાળવા માટે પણ હાથ આડો કરવાનો નથી.”

ઇમેજ સ્રોત, BAKULA GHASWALA
15 મેના રોજ સરોજિની નાયડુની આગેવાની હેઠળ ધરાસણાના અગરો સુધી ગયેલી ટુકડીના સ્વયંસેવકોએ પોલીસની હરોળ તોડવાને બદલે પાસે બેસીને કાંતવા માંડ્યું.
16 મેની સવારે 50–50 સ્વયંસેવકોની ત્રણ ટુકડીઓ સરોજિની નાયડુના નેતૃત્વ હેઠળ ધરાસણા પહોંચી. તેમને બધાંને પકડીને ધરાસણાની હદ બહાર છોડી મૂકવામાં આવ્યાં.
17થી 20 સુધી રોજ 150 સ્વયંસેવકોને ફરી ધરાસણા મોકલવામાં આવ્યા. પોલીસે તેમને પકડીને પોતાની હદની બહાર છોડી મૂક્યા.
21 મેના રોજ સમગ્ર ગુજરાતમાંથી આવેલા 2,000 કરતાં વધારે સ્વયંસેવકોએ ઇમામસાહેબ બાવાઝીરની આગેવાની હેઠળ ધરાસણાનાં મીઠાનાં અગરો ઉપર હુમલો કર્યો. તેઓમાં સંગ્રામસમિતિના સભ્યો નરહરિ પરીખ, મણિલાલ ગાંધી અને પ્યારેલાલજી પણ હતા.

ઇમેજ સ્રોત, Getty Images
સત્યાગ્રહીઓએ મીઠાના અગરોને ઘેરતી કાંટાળી વાડને ખેંચવાનો પ્રયાસ કર્યો અને પોલીસે તેમના પર લાઠીચાર્જ કરવાનું શરૂ કરી દીધું.
‘ધરાસણાનો કાળો કેર’ નામના પુસ્તકમાં આ ઘટનાનું તલસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તક ગુજરાત પ્રાંતિક સમિતિ, અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
તેમાં નોંધ છે કે “તારની વાડની અંદર અને બહાર લાઠીવાળા સિપાઈઓ હતા. સત્યાગ્રહીઓ વાડની પાસે જતાં સિપાઈઓની લાઠીઓ ઘૂમવા લાગી. લાઠીઓ પગ પર, છાતી પર, માથા પર, વાંસા પર, શરીરના બધા ભાગો પર સડાસડ પડતી હતી.”
“દૂર ઊભેલા લોકોને લાઠીઓના ફટકા સાંભળીને અરેરાટી ઊપજતી હતી. થોડા સમયમાં 200 ઉપરાંત સત્યાગ્રહીઓ ઘાયલ થઈને જમીન પર પડ્યા. નરહરિભાઈ પાસે ગયા કે તરત એમનાં હાથ, પગ, વાંસા અને માથા પર ફટકા પડવાથી પડી ગયા.”
“આવા પાશવી હુમલા સામે સત્યાગ્રહીઓની અહિંસા પ્રશંસનીય હતી. તેઓ અપૂર્વ હિંમત અને સહનશીલતાથી માર સહન કરતા હતા. ઇમામસાહેબ અને પ્યારેલાલજીને સવારે આવતાં જ પકડી લેવામાં આવ્યા હતા. સરોજિનીદેવી તે દિવસે પ્રેક્ષક તરીકે હાજર હતાં. દસ વાગ્યા સુધીમાં 300 ઘાયલ સત્યાગ્રહીઓને છાવણીની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તે ઉપરાંત 440 જણાને માર પડ્યો હતો.”
જોકે, વેબ મિલર નોંધે છે કે તેમણે 320 જણાને ઘાયલ પડેલા જોયા હતા. મિલર નોંધે છે કે તેમના અહેવાલને જ્યારે તેમણે ટેલિગ્રામ મારફતે તેમના પ્રકાશકને મોકલ્યો ત્યારે ભારતસ્થિત બ્રિટિશ અધિકારીઓએ તેમના લખાણનો કેટલોક ભાગ ઍડિટ કરી દીધો.
જ્યારે મિલરે તેમને આ વાત જાહેર કરી દેવાની ધમકી આપી ત્યારે તેમનો વિસ્તૃત અહેવાલ ટેલિગ્રામ મારફતે મોકલી શકાયો.
તેઓ તેમના પુસ્તક ‘આઈ ફાઉન્ડ નો પીસ’માં લખે છે, “ત્રણ-ચારની સંખ્યામાં સત્યાગ્રહીઓના શરીરો માથેથી વહેતાં લોહી સાથે ઢળી પડતા. એક પછી એક આવાં જૂથો આગળ આવતાં, બેસી જતાં અને સામે હાથ પણ આડો ધર્યા વિના અસંવેદનશીલોને સમર્પિત થતાં.”
“છેવટે બિન-પ્રતિકારથી પોલીસ ગુસ્સે થઈ ગઈ અને બેઠેલા માણસોને તેમણે ક્રૂરતાપૂર્વક પેટમાં અને પગની વચ્ચે વૃષણો પર લાત મારવાનું શરૂ કર્યું. ઈજાગ્રસ્ત માણસો યાતનાની પીડા હેઠળ ચીસો પાડવા લાગ્યા. ત્યારબાદ પોલીસે બેઠેલા માણસોને હાથ અથવા પગથી ખેંચીને ઘસડવા માંડ્યા, કેટલાકોને તેમણે સો ગજ સુધી ઘસડીને ખાડામાં ફેંકી દીધા.”
સરદાર પટેલના ભાઈ વિઠ્ઠલભાઈ પટેલ તે વખતે બ્રિટિશરાજની રાષ્ટ્રીય વિધાનસભામાંથી અધ્યક્ષપદેથી રાજીનામું ધરી ચૂક્યા હતા. તેમણે આ અત્યાચાર વિશે ટિપ્પણી કરતાં કહ્યું હતું, “બ્રિટિશ રાજ સાથેની સમાધાન કરવાની તમામ અપેક્ષાઓ ધૂંઘળી બની ગઈ છે. હું કોઈપણ સરકાર દ્વારા લોકોને જેલમાં લઈ જવા કે પછી કાયદાના ભંગ બદલ સજા કરવાની કાર્યવાહીને સમજી શકું છું પરંતુ કોઈ સરકાર અહિંસક અને પ્રતિકાર ન કરતા લોકો સાથે ક્રૂર અને નિર્દયતાપૂર્વકનો વ્યવહાર કર્યો છે તે કેવી રીતે કરી શકે અને તે પણ બ્રિટિશરો કે જેઓ પોતાને સભ્ય અને સંસ્કૃત ગણાવે છે.”
વિઠ્ઠલભાઈ પટેલના આ નિવેદનનો ઉલ્લેખ ‘ધ ગાંધી રિડર’ નામના એક પુસ્તક કે જેનું સંપાદન હૉમેર એ. જૅકે કર્યું હતું તેમાં છે.
ત્રણ સત્યાગ્રહીઓનાં મોત

ઇમેજ સ્રોત, @InfoValsadGoG
‘ધરાસણાનો કાળો કેર’ નામના પુસ્તકમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે “ત્રણ સત્યાગ્રહીઓના પોલીસના મારને કારણે મોત થયાં હતાં. કુલ 1329 સત્યાગ્રહીઓને નાની-મોટી ઈજા થઈ અને કુલ 286 લોકોને જેલમાં મોકલવામાં આવ્યા.”
“22મી મેના રોજ લશ્કરી પોલીસે સત્યાગ્રહીઓની છાવણી ખાલી કરાવવાનો પ્રયાસ કરતાં, 200 જણા ચોગાનમાં બેસી રામધૂન ગાવા લાગ્યા. તેમના ઉપર લાઠીમાર કરતાં 150 જેટલાને માર પડ્યો અને 20ને સખત ઈજા થઈ. ચાર બેભાન થયા.”
આ પુસ્તકમાં લખાયું છે તે પ્રમાણે 23 મેના દિવસે ધરાસણાની છાવણીમાંથી નરહરિભાઈની ધરપકડ કરવામાં આવી.
ઊંટડી અને ડુંગરીમાં ક્રિમિનલ પ્રોસીજર કોડની 144મી કલમનો અમલ કરવામાંં આવ્યો.
25 મેના રોજ ધરાસણા આવતાં મુનિ જિનવિજયજીની તથા શેઠ રણછોડલાલની, તેમની ટુકડી સાથે ધરપકડ કરવામાં આવી. ત્યારપછીના દિવસોમાં ધરાસણાના માંડવા અને તંબૂ તોડ્યા.

ઇમેજ સ્રોત, Bakula Ghaswala
હૉસ્પિટલનો માંડવો પણ પોલીસોએ તોડી પાડ્યો. 28 મેની સવારે અમદાવાદથી ગયેલી બળવંતરાય ઠાકોરની આગેવાનીવાળી 34 સત્યાગ્રહીઓની ટુકડી ઊંટડીની છાવણીમાં આવતાં, તે બધાને ગિરફતાર કરીને છાવણીની હદમાંથી બહાર કાઢ્યા.
વયોવૃદ્ધ અબ્દુલ્લા શેઠના નેતૃત્વ હેઠળની ટુકડીએ 29 મેના દિવસે ધરાસણા પર હલ્લો કર્યો.
પોલીસોએ તેમના ઉપર સખત લાઠીમાર કરી, વલસાડ લઈ જઈને છોડી મૂક્યા.
30 મેએ 111 સત્યાગ્રહીઓએ મીઠાના ઢગલા પર હલ્લો કર્યો ત્યારે ગોરા સાર્જન્ટોએ લાઠીમાર કરીને તેમને ઈજાઓ કરી. એ દિવસે 29 જણને ડોલીમાં નાંખીને હૉસ્પિટલમાં લઈ જવા પડ્યા.
પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે “31 મેની સવારે મહારાષ્ટ્ર અને ખેડાની 111ની ટુકડીએ ધરાસણા જઈ સત્યાગ્રહ કરતાં તેમના પર લાઠીના પ્રહારો, લાઠીના ગોદાનો વરસાદ વરસાવ્યો. આ સત્યાગ્રહીઓએ બિભત્સ ગાળો ઝીલ્યા બાદ તેમના ઉપર ઘોડા દોડાવવામાં આવ્યા. કેટલાક સત્યાગ્રહીઓને ઘસડીને આસપાસની કાંટાની વાડમાં સિપાઈઓએ ફેંક્યા હતા.”

ઇમેજ સ્રોત, @InfoValsadGoG
ધરાસણા સત્યાગ્રહમાં ભાગ લેનારા સ્વતંત્રતાસેનાની દિવંગત રવજીભાઈ પટેલના પુત્ર રતિલાલ પટેલ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે, “મારા પિતા પર પણ ઘોડા દોડાવ્યા હતા. ઘોડાની નાળ તેમને પગમાં વાગેલી અને તેનું નિશાન આજીવન રહ્યું હતું.”
“મારા પિતા મને અંગ્રેજોએ કરેલા અત્યાચાર વિશે વાતો કરતા. તેમના પિતા પાસે પણ મીઠાના અગરો હતા. જોકે તેઓ મીઠું નહોતા પકવતા, તેઓ દરજીકામ કરતા હતા. પરંતુ તેમના અગરોમાં તેમના કુટુંબીજનો મીઠું પકવતા હતા.”
રતિલાલ વધુમાં કહે છે, “મારા પિતા કહેતા હતા કે સત્યાગ્રહીઓને પોલીસ પાણી સુદ્ધા પીવા નહોતી દેતી. તેઓ માટલાં ફોડી નાખતા. બંદૂકના ગોદા મારતા. ઘસડીને લઈ જતા. ગાડીમાં બેસાડીને દૂર લઈ જતા અને પછી તેમને છોડી મૂકતા.”
રતિલાલના પિતા રવજીભાઈ પટેલ ઉમરસાડી ગામમાં રહેતા હતા જે ધરાસણાની બાજુમાં આવેલું છે.
‘ધરાસણાનો કાળો કેર’ પુસ્તકમાં લખાયું છે કે ઘરાસણાનો સબરસ(નમક) સંગ્રામ ચોમાસું નજીક આવેલું હોવાથી 6 જૂનની છેલ્લી ચઢાઈ પછી મોકુફ રહ્યો.
તેમાં લખાયું છે, “ગુજરાતના સૈનિકોએ લાઠીનો ભય કાઢી નાખી એ શસ્ત્રને પણ નકામું કરવા માંડ્યું છે. જ્યારે આખા દેશમાં લાઠીનો ડર નીકળી જાય અને ફૂલની જેમ લાઠીઓનો વરસાદ સહન કરવા પ્રજા તૈયાર થઈ જાય ત્યારે લાઠી પણ નકામી થઈ જશે. ધરાસણાએ આ વસ્તુની શરૂઆત કરી દીધી છે.”
વધુમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, “ધરાસણાના મીઠાના ઢગલાઓમાંથી ચપટી પણ મીઠું નથી મળ્યું એ હકીકતને જો કોઈ આ લડતની હાર માનતા હોય તો આપણા સત્યાગ્રહનું સાચું સ્વરૂપ તેઓ સમજ્યા નથી. આપણે ઇચ્છ્યું હોત તો ખુલ્લા અગરોમાંથી ઘણુંય મીઠું ઉપાડી શક્યા હોત. પણ આપણો હેતુ જુદો હતો. પૂર્ણ સ્વરાજના આખા યુદ્ધનો ધરાસણા એ એક વિભાગ છે. સરકાર પોતાનાં તમામ શસ્ત્રો અહીં અજમાવી ચૂકે અને તેની લોહી પીવાની ઇચ્છા તૃત્પ થાય અને પ્રજા એ બધું અહિંસાત્મક રહીને સહન કરી લે તો સરકારનો હૃદયપલટો થાય, એ આ લડાઈનો મૂળ હેતુ છે.”
ધરાસણા સત્યાગ્રહ થયો ત્યારે વલસાડમાં રહેતા નટુભાઈ દેસાઈ ત્રણ વર્ષના હતા. તેમનું મોસાળ લીલાપર ગામ જે ધરાસણાથી ત્રણ કિલોમીટર દૂર આવેલું છે. ત્યાં તેમનો જન્મ થયો હતો.
તેમણે તે વખતે જે વાતો સાંભળી હતી તેને વાગોળતા કહે છે, “તે વખતે વલસાડની પાસેથી વહેતી ઔરંગા નદી પર કોઈ પુલ નહોતો. માત્ર રેલવે બ્રિજ જ હતો. લોકો બ્રિજ ઓળંગીને ડૂંગરી આવતા અને પછી ધરાસણા જતા.”
“મારાં વિધવા માસી, આજીબા વગેરે અમને કહેતાં કે સત્યાગ્રહીઓને બ્રિટિશ પોલીસ કેવી રીતે લોહીલુહાણ કરીને મોકલતી.”
તેઓ કહે છે કે અમે ધરાસણા ખાતે અહિંસા યુનિવર્સિટી સ્થપાય તે માટે બહુ પ્રયત્નો કર્યા પરંતુ સરકાર તરફથી આ કામ આગળ ન વધી શક્યું.
‘ખાખ પડી અહીં કોઈના લાડકવાયાની’

ઇમેજ સ્રોત, @InfoValsadGoG
વલસાડની ઔરંગા નદીના કિનારે આવેલી સ્મશાનભૂમિમાં એક ખાંભી છે. આ ખાંભી ખેડાના સત્યાગ્રહી કે જેઓ ધરાસણા નમક સત્યાગ્રહમાં શહીદ થયા હતા તેમની છે. આ ખાંભી પર ગુજરાતી લેખક અને કવિ ઝવેરચંદ મેઘાણીની પંક્તિઓ છે.
“એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ ખાંભી,
એ પથ્થર પર કોઈ કોતરશો નવ કવિતા લાંબી,
લખજો: ખાખ પડી અહીં કોઈના લાડકવાયાની.”
ઝવેરચંદ મેઘાણી રચિત આ કાવ્ય ધરાસણા સત્યાગ્રહમાં સરકાર દ્વારા જે કેર વર્તાવવામાં આવ્યો હતો તેમાં શહીદ થયેલા યુવાનોને હૃદયાંજલિરૂપે લોકહૈયે વસી ગયું એવી લોકસમજ છે.
કેટલાક એવું માને છે કે ધરાસણાના સત્યાગ્રહમાં ઝવેરચંદ મેઘાણી અહીં આવ્યા હતા અને પોલીસનો અત્યાચાર જોઈને ઝવેરચંદ મેઘાણીએ આ કાવ્ય રચ્યું હતું.

ઇમેજ સ્રોત, BAKULA GHASWALA
પરંતુ વાપીથી પ્રકાશિત થતા અખબાર દમણગંગા ટાઇમ્સના તંત્રી વિકાસ ઉપાધ્યાય કે જેમણે ધરાસણા સત્યાગ્રહ પર સંશોધન કર્યું છે તેઓ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે આ માન્યતાને ખોટી છે.
વિકાસ ઉપાધ્યાય બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “જ્યારે ઘરાસણાનો સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે ઝવેરચંદ મેઘાણી સાબરમતી જેલમાં હતા. આ વાત મને ખુદ તેમના પુત્ર વિનોદભાઈ મેઘાણીએ કહી છે.”
જોકે, તેઓ કહે છે કે એ વાત સાચી કે આ કાવ્ય તેમણે સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેનારા સત્યાગ્રહીઓ પર થયેલા અત્યાચાર મામલે જનતામાં જોમ ભરવા અને જાગૃતિ ફેલાવવા લખ્યું હતું.
‘ધરાસણા સત્યાગ્રહ ઇતિહાસનું ભુલાયેલું પાનું’

ઇમેજ સ્રોત, Getty Images
વલસાડનાં લેખિકા બકુલાબહેન ઘાસવાલાએ ધરાસણા સત્યાગ્રહ પર એક ડૉક્યુમેન્ટરી બનાવી છે. તેઓ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “કેટલાક ઘાયલ સ્વતંત્રતા સેનાનીઓને વલસાડના જૈન ઉપાશ્રયમાં લાવવામાં આવ્યા હતા. અહીં તેમની સારવાર કરવામાં આવી હતી. વલસાડ અને તેની આસપાસના ડૉક્ટરોએ તેમની સેવા-સારવાર કરી હતી.”
બકુલાબહેન ઘાસવાલા કહે છે, “ધરાસણા સત્યાગ્રહ એ ઇતિહાસનું ભુલાયેલું પાનું છે.”
વિકાસ ઉપાધ્યાય બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે, “દાંડી સત્યાગ્રહ કરતા વધારે મોટી લડત ઘરાસણામાં થઈ હતી. પરંતુ આજે તે લોકોના માનસપટ પર નથી. સ્થાનિક સત્યાગ્રહીઓ વિશે કોઈને માહિતી નથી. ન તો તેમના પર કોઈ કામ થયું છે. એટલી હદ સુધી કે જેઓ ધરાસણા સત્યાગ્રહમાં પોલીસ અત્યાચારને કારણે શહીદ થયા છે તેમના ફોટા પણ સરકારી રેકૉર્ડમાં નથી.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS