Source : BBC NEWS

પીએમજે યોજના, PMJAY-MA, ખ્યાતિ હૉસ્પિટલકાંડ, ઋષિકેશ પટેલ, સ્ટાન્ટર્ડ ઓપરેટિંગ પ્રોસિજર,

એક કલાક પહેલા

ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ દર્દીઓની સારવાર કરવા માટે સોમવારે એક નવી એસઓપી (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર)ની જાહેરાત કરી છે.

હવેથી કાર્ડિયૉલૉજી, રેડિયૉલૉજી અને નિયોનેટલ સારવાર માટે આ માર્ગદર્શિકા લાગુ પડશે.

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે PMJAY-MA યોજનામાં સામેલ હૉસ્પિટલો ગેરરીતિ આચરી ન શકે તે માટે આ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી ન્યૂઝ, ગુજરાતના સમાચાર, વૉટ્સઍપ અપડેટ, ગુજરાત હવામાન, દેશ વિદેશના તાજા સમાચાર

નવી એસઓપીમાં શું જણાવાયું છે?

PMJAY-MA ગેરરીતિ અટકાવવા, ખ્યાતિ હૉસ્પિટલકાંડ, સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

નવી ગાઇડલાઇન પ્રમાણે, જે હૉસ્પિટલો PMJAY -મુખ્યમંત્રી અમૃતમ સ્કીમ હેઠળ કાર્ડિયૉલૉજીના દર્દીઓની સારવાર કરતી હશે, તેમણે પ્રિ-ઑથોરાઇઝેશનના તબક્કામાં જ ઍન્જિયોગ્રાફી અને ઍન્જિયોપ્લાસ્ટીની સીડી અથવા વીડિયોગ્રાફી અપલોડ કરવી પડશે.

ઇમર્જન્સીના કેસમાં સારવાર પછી સીડી કે વીડિયોગ્રાફી અપલોડ કરી શકાશે.

કૅન્સરના કેસમાં હૉસ્પિટલોએ ટ્યૂમર બોર્ડનું સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે જેમાં મેડિકલ, સર્જિકલ અને રેડિયેશન ઓન્કૉલૉજિસ્ટની જોઇન્ટ પેનલ સામેલ હોવી જોઈએ.

તેનાથી દર્દીની જરૂરિયાત પ્રમાણે જ સારવાર પ્લાન નક્કી કરવામાં આવ્યો છે તેની ખાતરી કરી શકાશે.

એસઓપીમાં જણાવાયું છે કે વજાઈનલ કૅન્સરના કેસમાં, જેમાં બ્રેકીથૅરપી નામની રેડિયેશન થૅરપીની જરૂર પડે છે, તે માત્ર જરૂરી ફૅસિલિટી ધરાવતી હૉસ્પિટલોમાં જ કરાવી શકાશે.

બ્રેકીથૅરપીના કિસ્સામાં અન્ય હૉસ્પિટલો સાથે ટાઈ-અપ સિસ્ટમ ચલાવી લેવામાં નહીં આવે.

આ ઉપરાંત હૉસ્પિટલોએ નિયોનેટલ કેર માટે પોતાને ત્યાં ફુલ ટાઇમ પીડિયાટ્રિશિયન (બાળરોગ નિષ્ણાત) રાખવા પડશે. દર્દીઓની પથારીની સંખ્યા મુજબ નર્સિંગ સ્ટાફ પણ રાખવો પડશે.

આ ગાઇડલાઇનમાં કાર્ડિયૉલૉ, રેડિયૉલૉજી, નિયોનેટલ અને ટોટલ ની રિપ્લૅસમેન્ટ (ટીકેઆર), ટોટલ હિપ રિપ્લૅસમેન્ટ (ટીએચઆર) સેવાઓ સામેલ છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે માત્ર એવા કાર્ડિયૉલૉજી સેન્ટરને કાર્ડિયૉલૉજી ક્લસ્ટર તરીકે નિર્ધારિત કરવામાં આવશે જ્યાં ફૂલ ટાઇમ કાર્ડિયૉલૉજિસ્ટ તથા કાર્ડિયૉ-થૉરાસિક સર્જન હોય.

દર્દીની સારવાર માટે યોગ્ય નિર્ણય લઈ શકાય તે માટે આ જરૂરી છે.

આ ઉપરાંત આવી હોસ્પિટલોમાં ફુલ ટાઇમ કાર્ડિયાક ઍનેસ્થેટિસ્ટ અને ફિજિયોથેરાપિસ્ટ પણ કામ કરતા હોય તે જરૂરી છે. સ્પેશિયલ કિસ્સામાં માત્ર કાર્ડિયોલોજી સર્વિસ આપતા કેન્દ્રો પણ એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. પરંતુ માત્ર ઈમરજન્સી સારવારની જરૂર હોય ત્યારે જ આવું કરી શકાશે તેમ ઋષિકેશ પટેલે કહ્યું હતું.

કેન્સરના દર્દીના કેસમાં રેડિયેશન પેકેજિસમાં પણ જરૂરી સુધારા કરવામાં આવ્યા છે જેથી યોગ્ય સારવાર પસંદ કરી શકાય.

નવા એસઓપી પ્રમાણે ઈમેજ ગાઈડેડ રેડિયેશન થેરેપીમાં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઈમેજિસને કિલોવોટમાં કેપ્ચર કરવાની રહેશે.

હોસ્પિટલોએ રેડિયોથેરાપી મશીનો માટે ક્વોલિટી કન્ટ્રોલના ધોરણોનું પાલન કરીને તેનો ફરજિયાત રેકોર્ડ રાખવો પડશે. NICUમાં અપાતી સારવારને લઈને જુદી જુદી રજુઆતોને ધ્યાનમાં રાખીને નવજાત શિશુઓની સારવાર માટે ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે.

આ ઉપરાંત નિયોનેટલ ઈન્ટેન્સિવ કેર યુનિટ (એનઆઈસુયી)માં બાળકોને ક્વોલિટીસભર સારવાર મળે તે માટે હોસ્પિટલોએ સીસીટીવી કેમેરા ગોઠવવા પડશે, સાથે સાથે માતાઓની પ્રાઈવસીને પણ ધ્યાનમાં રાખવી પડશે.

એસઓપી મુજબ તાલુકા હેલ્થ ઓફિસર નિયમિત રીતે એનઆઈસીયુની મુલાકાત લેશે અને રાજ્યની ઓથોરિટીને તેનો રિપોર્ટ સોંપશે. આ માટે ટૂંક સમયમાં એક ઓનલાઈન વિઝિટ મોડ્યુલ પોર્ટલ શરૂ કરાશે.

નિયોનેટલ સ્પેશિયાલિટી ધરાવતી હૉસ્પિટલો માટે ફુલ ટાઇમ પીડિયાટ્રિશિયન (બાળરોગ નિષ્ણાત) હોવા જરૂરી છે જેથી ચોવીસે કલાક સારવારની સગવડ મળી શકે.

અગાઉ રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ટોટલ ની રિપ્લૅસમેન્ટ (ટીએનઆર) અને ટોટલ હિપ રિપ્લૅસમેન્ટ (ટીએચઆર) માટે નવી એસઓપી તૈયાર કરી હતી.

ઋષિકેશ પટેલે જણાવ્યું કે ટીકેઆર માટેની એસઓપીનો ભંગ કરવા બદલ પીએમજેએવાય સ્કીમ સાથે સંકળાયેલી 75 હૉસ્પિટલોને 3.51 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

પીએમજેએવાય હેઠળની 14થી વધારે હૉસ્પિટલોને સસ્પેન્ડ કરાઈ છે, પેનલમાંથી દૂર કરાઈ છે અને તેમને દંડ ફટકારવામાં આવ્યો છે. તેમને કુલ 18 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

નવી એસઓપીની કેમ જરૂર પડી?

PMJAY-MA, ખ્યાતિ હૉસ્પિટલકાંડ, ઋષિકેશ પટેલ, સ્ટાન્ટર્ડ ઓપરેટિંગ પ્રોસિજર,

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદની ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ દર્દીઓને લાવીને તેમના બિનજરૂરી ઑપરેશન કરવામાં આવ્યા તેવા આરોપ છે.

હૉસ્પિટલમાં કેટલાક દર્દીના મોત નિપજ્યા ત્યાર બાદ રાજ્ય સરકારે PMJAY માટે નવી એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર) જાહેર કરવી પડી છે.

આના કારણે સિસ્ટમમાં અત્યાર સુધી જે છીંડા હતા તે કદાચ પૂરાઈ જશે તેવો દાવો કરવામાં આવે છે.

ખ્યાતિ હૉસ્પિટલના પ્રકરણમાં શું થયું?

PMJAY-MA, ખ્યાતિ હૉસ્પિટલકાંડ, ઋષિકેશ પટેલ, સ્ટાન્ટર્ડ ઓપરેટિંગ પ્રોસિજર,

અમદાવાદની ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હૉસ્પિટલમાં 11મી નવેમ્બરે સાત લોકોએ એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી.

દર્દીના હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ બ્લોક થઈ જાય ત્યારે તેને પહોળી કરવા માટે ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે છે.

આ ઑપરેશન પછી બે દર્દી મૃત્યુ પામ્યા હતા જેથી બીજા દિવસે પોલીસ ફરિયાદ થઈ હતી.

ખ્યાતિ હૉસ્પિટલે ગામડાંમાં ફ્રી-ચેક અપ કૅમ્પ યોજીને દર્દીઓને આરોગ્ય કાર્ડ દ્વારા PMJAY હેઠળ સર્જરી માટે તૈયાર કર્યા હતા અને તેમાં એક વ્યાપક કૌભાંડ ચાલતું હતું તેવું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે, જેમાં હૉસ્પિટલના ડાયરેક્ટર, વિઝિટિંગ કાર્ડિયૉલૉજિસ્ટ, સીઈઓ, માર્કેટિંગ ડાયરેક્ટર અને માર્કેટિંગ ઍક્ઝિક્યૂટિવનો સમાવેશ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, Twitter અને WhatsApp પર ફૉલો કરી શકો છો.

SOURCE : BBC NEWS